✓ કાવ્ય નાં પ્રકારો જણાવો


    મમ્મટ આદિ અલંકારશાસ્ત્રીઓ ધ્વનિ કે વ્યંગ્યાર્થને કાવ્યની ઉત્તમતાની કસોટી ગણે છે . તેથી કાવ્યમાં ધ્વનિ કે વ્યંગ્યાથે કેટલા પ્રમાણમાં અને કેવો છે તેને દૃષ્ટિ સમક્ષ રાખી મમ્મટ પોતાના ' કાવ્યપ્રકાશ ' નામના ગ્રંથમાં કાવ્યના ત્રણ પ્રકારો પાડે છે : ( 1 ) ઉત્તમ કાવ્ય કે ધ્વનિ કાવ્ય , ( 2 ) મધ્યમ કાવ્ય કે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય , ( 3 ) અધમ કાવ્ય કે ચિત્રકાવ્ય . આ ત્રણેય કાવ્યપ્રકારો થોડી વિગત સાથે તપાસીએ . 

( 1 ) ધ્વનિ કાવ્ય અથવા ઉત્તમ કાવ્યઃ-  કોઈપણ કાવ્યમાં જયારે વ્યંગ્યાર્થ એ કાવ્યના વાચ્યાર્થ કરતાં વિશેષ ચમત્કારિક અને પ્રબળ હોય ત્યારે એવા કાવ્યને ધ્વનિકાવ્ય કહેવામાં આવે છે . આ જાતનું કાવ્ય સહુ કાવ્યોમાં ચડિયાતું હોવાથી એને ઉત્તમ કાવ્ય પણ કહેવામાં આવે છે . મમ્મટ આવા ધ્વનિકાવ્યની વ્યાખ્યા આપતા કહે છે કે ઈદમ ઉત્તમમ્ અતિશયિનિ વ્યંગ્ય વાચ્ચા ( વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ ચડિયાતો હોય ત્યારે આ ઉત્તમ કાવ્ય કહેવાય . ) મમ્મટ આવા ધ્વનિકાવ્યના ઉદાહરણરૂપે ' નિઃશેષચુતચંદન ’ વાળો શ્લોક આપે છે . એ શ્લોકનો વાચ્યાર્થ કંઈકે આવો છે : નાયિકાએ પોતાનો સંદેશો લઈને સખીને પ્રિયતમ પાસે મોકલી છે . સંદેશો લઈ જનાર , દૂતીકાર્ય કરનાર , પોતાની એ સખી જયારે પાછી આવે છે ત્યારે મોકલનાર પેલી નાયિકા એના હાલહવાલ વર્ણવતા કહે છે કે '' અરે ! તારા સ્તનપદેશ પરનું ચંદન ખરી ગયું છે . તારા હોઠ પરનો રાતો રંગ ધોવાઈ ગયો છે . આંખોના છેડા કાજળ વગરના બની ગયા છે . તારો કોમળ દેહ રોમાંચિત બની ઊઠયો છે . ઓ જૂઠાબોલી દૂતી ! તું ચોક્કસ અહીંથી સ્નાન કરવા વાવ પર ચાલી ગઈ હતી . પેલા અધમની પાસે તું ગઈ ન હતી ! "

    અહીં વાચ્યાર્થ સ્પષ્ટ અને સાદો . સંદેશો લઈ જનાર યુવતી પાછી ફરે છે ત્યારે એના દેહની જે સ્થિતિ છે તે જોતાં લાગે છે કે એ સ્નાન કરવા ગઈ હશે , પણ નાયિકા પોતાના પ્રિયતમ માટે ' અધમ ' અને દૂતી માટે ' અસત્યવદતી ' શબ્દ વાપરે છે . તે શબ્દ સબળ વ્યંગ્યાર્થ પ્રગટાવે છે . એ શબ્દ સૂચવે છે કે સંદેશો લઈ જનાર દૂતી સાથે પેલા પ્રિયતમે સંભોગ કર્યો છે . દૂતીના દેહની જે સ્થિતિ અહીં વર્ણવાઈ છે તે જેમ નદીસ્નાનનું પરિણામ હોઈ શકે , તેમ સંભોગકર્મનું પરિણામ હોઈ શકે . એટલે ' અધમ ' શબ્દ દ્વારા કાવ્યની નાયિકા કહેવા માંગે છે : " હે જૂઠાબોલી દૂતી ! તારી દેહસ્થિતિ વાવ પર કરેલા સ્નાનને નહિ , પણ તું જેને સંદેશો આપવા ગઈ હતી તે અધમ સાથેના તારા જારકર્મને સૂચવે છે . " આમ અહીં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ વધારે પ્રબળ છે અને કાવ્યની ચમત્કૃતિ એના દ્વારા જ અનુભવાય છે . ગુજરાતી સાહિત્યમાં શ્રી નિરંજન ભગતનું ' પારેવા ' કાવ્ય કે શ્રી ઉમાશંકર જોશીનું ' બળતાં પાણી ' કાવ્ય આવાં ધ્વનિકાવ્યનાં ઉદાહરણ તરીકે ટાંકી શકાય .


( 2 )  મધ્યમ કાવ્ય અથવા ગૂણીભૂતવ્યંગ્ય કાવ્યઃ-   જે કાવ્યમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થથી વધારે ચમત્કારિક ન હોય તેવા કાવ્યને મધ્યમ કાવ્ય કહેવાય છે . બીજી રીતે કહીએ , તો જે કાવ્યમાં વ્યંગ્યાર્થ ગૌણ સ્થાને હોય અને કાવ્યની રમણીયતા વાચ્યાર્થના બળે જ પ્રગટતી હોય તે કાવ્યને મધ્યમ કાવ્ય કહેવાય . આવા કાવ્યને ' ગુણીભૂતવ્યંગ્ય ' ( જેમાં વ્યંગ્યાર્થ ગૌણ છે ) પણ કહેવામાં આવે છે . આ પ્રકારના કાવ્યના ઉદાહરણ તરીકે મમ્મટ ' ગામતરુણા .... મુખચ્છાયા ' વાળો શ્લોક ટાંકે છે . એ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરી શકાય : 

હાથમાં વંજૂલ ( એક પ્રકારનું ફૂલ ) ની તાજી મંજરી લઈને આવતા ચામયુવકને જોઈને યુવતીના મુખની ક્રાંતિ વાંરવાર ખૂબ કાળી પડી જાય છે .

 આ શ્લોક નો વ્યંગ્યાર્થ એવો છે કે પેલી યુવતીએ આ ગામયુવકને વંજૂલના લતાગૃહમાં મળવાનો સંકેત આપેલો , પણ આ સંકેત એણે પાળ્યો નથી . એ વાતની યાદ પેલો યુવક હાથમાં વંજૂલની મંજરી લઈ એને કરાવે છે . પોતે સંકેત પાળવામાં નિષ્ફળ ગઈ છે એ વાતથી યુવતીનું મોં વારંવાર જાંખુ પડી જાય છે . પણ આ વ્યંગ્યાર્થ કરતાં સુંદર તો પેલા ગ્રામયુવક તરફ વારંવાર જોતી અને જાંખી પડી જતી યુવતીનું જે ચિત્ર વાચ્યાર્થ દ્વારા ઉપસે છે તે છે . તેથી અહીં વ્યંગ્યાર્થ ગૌણ છે . કાવ્યની રમણીયતા વાચ્યાર્થને જ આભારી છે અને તેથી આ કાવ્ય મધ્યમ કાવ્યનું ઉદાહરણ બને છે . ગુજરાતીમાં કૃષ્ણલાલ શ્રીધરાણીનું ' ભરતી ' કાવ્ય આવું મધ્યમ કાવ્ય ગણાય . ત્યાં યૌવનની શકિત - ઉદ્વેકનો વ્યંગ્યાર્થ પ્રગટ થાય છે . આ વાચ્યાર્થ દ્વારા પ્રગટ થતું સમુદ્રની બળકટ ભરતીનું ચિત્ર જે વધુ આસ્વાદ્ય બની રહે છે . પરિણામે વ્યંગ્યાર્થ ગૌણ બની રહે છે અને કાવ્યમાં પ્રભુત્વ તો વાચ્યાર્થનું જ અનુભવાય છે .

( 3 )  અધમ કાવ્ય કે ચિત્રકાવ્યઃ -   જે કાવ્યમાં શબ્દાલંકારો કે અર્થાલંકારો જ પ્રબળ હોય અને જેમાં સ્કુટ વ્યંગ્યાર્થ ન હોય તેવા કાવ્યને અધમ કાવ્ય કે ચિત્રકાવ્ય કહી શકાય . પ્રેમાનંદ ' અભિમન્યુ આખ્યાન'માં યુદ્ધનું વર્ણન નીચે મુજબ કરે છે :


 ધસી મારે ઢીક , હૈંડે આવે હીક , છીંક ખાતા કોનો જીવડો જાયે ,  

રાસિયા રોળિયા , અશ્વના ટોળિયા , ઘાતિયા ઝોળિયે વીર રે જાતા ! 

ભલા ને મહાભડ , માથા વિહોણા ધડ , કડકા ઊડે રે લોહીએ રાતા , 

શિરના સડસડાટ , રથના ખડખડાટ , ઝળઝળાટ તલવારોના થાયે જાટકા!

 

    કવિએ કરેલું વર્ણન યમક , ઝડઝમક , પ્રાસાનુપ્રાસ આદિ શબ્દાલંકારોથી ખીચોખીચ ભરેલું છે . એમાં ફુટ રીતે કશો વ્યંગ્યાર્થ નથી . એનું એકમાત્ર આકર્ષણ તે એમાં વર્ષો , શબ્દો તથા પ્રાસ આદિની મદદથી ઊભું થતું શુદ્ધ ચિત્ર છે . આવાં કાવ્યને મમ્મટ અધમ કાવ્ય કે ચિત્રકાવ્યને નામે ઓળખે છે . દલપતરામે જેનો પુરસ્કાર કર્યો હતો તેવી ' સભારંજની ' શૈલીનાં કાવ્યો મોટે ભાગે આ પ્રકારના કાવ્યો છે .