✓  શબ્દ શકિત એટલે શું ? શબ્દ શકિતનાં પ્રકારો જણાવો . 


    પ્રસ્તાવના : -અર્થનું સૂચન કરવાની શબ્દની શકિતને કાવ્યશાસ્ત્રીઓએ ' શબ્દશકિત ' એવા નામથી ઓળખવી છે . વ્યવહારમાં અને સાહિત્યમાં શબ્દો એક કરતાં વધુ રીતે અર્થનું સૂચન કરે છે , એવો આપણા સૌનો અનુભવ છે . એકનો એક શબ્દ જુદા જુદા સંદર્ભ પ્રમાણે જુદો જુદો અર્થ સૂચવતો માલૂમ પડે છે . દા.ત. ( ૧ ) ખુલ્લા ચોગાનમાં પડી રહેવાને કારણે લાકડું ફાટી ગયું , ( ૨ ) ખૂબ લાડ લડાવવાને કારણે બાળક " ફાટી ગયું " . 

    ઉપરનાં બંને ઉદાહરણોમાં " ફાટી ગયું " એવો એકનો એક શબ્દ જુદો જુદો અર્થ બતાવે છે . પથમ વાકયમાં લાકડાના સંદર્ભમાં ' ફાટી ગયું ' શબ્દનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થ બીજા વાક્યમાં બાળકના સંદર્ભમાં કરતાં નથી . લાકડાના સંદર્ભમાં ' ફાટી ગયું ' નો અર્થ ' તડ પડી ગઈ ' એવો કરીએ છીએ , જયારે બીજા વાકયમાં બાળકના સંદર્ભમાં ' ફાટી ગયું ' શબ્દનો અર્થ ' ઉદ્ધાત બની ગયું ' એવો કરીએ છીએ .

    ઉપરના ઉદાહરણો બતાવે છે તેમ શબ્દ એકથી વધુ રીતે અર્થ સૂચવે છે . શબ્દ કઈ કઈ રીતે કેવો અર્થ સૂચવી શકે તેનો વિગતવાર વિચાર આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રી ઓ એ કર્યો છે અને તે શબ્દ શકિતની વિચારણાને નામે ઓળખાય છે . આવી વિચારણામાં એ કાવ્યશાસ્ત્રીઓએ અર્થ પ્રગટ કરવાની શબ્દની ત્રણ પ્રકારની શકિતઓનો સ્વીકાર કર્યો છે . અને એ ત્રણ શકિતઓને અભિધા , લક્ષણા અને વ્યંજના એવા નામે ઓળખાવી છે . આ શબ્દની અર્થ શકિતઓ છે , ને તે ઉત્તરો ઉત્તર ચડિયાતી છે . 

    અર્થ બતાવવાની શબ્દની શકિત ફટાકડાંમાં ભરેલા દારૂ જેવી છે . જેમ ફટાકડાનો દારૂ એક જ વખત ફટી શકે તેમ શબ્દનો અર્થ બતાવવાની એક શકિત એક જ વખત ઉપયોગમાં આવીને એક જ અર્થ સૂચવી શ કે . એ શબ્દનો બીજો અર્થ સૂચવવો હોય તો બીજી નવી શકિતને કામે લગાડવી પડે . બીજી રીતે કહીએ તો , એકની એક શબ્દ શકિત વડે એક કરતા વધું અર્થો મળી શકે નહિં . એટલે શબ્દને એક યા બીજા  કારણસર એકથી વધુ વાર અર્થ બતાવવા પડે છે . ત્યારે એ શબ્દને એક થી વધું . શબ્દશકિતનો આશ્રય લેવો પડે છે . 

    ( 1 ) અભિધાશકિતઃ- શબ્દ સાંભળતાં જ સાંભળનાર માણસનાં મનમાં કશા સંદર્ભ વિના પણ અમૂક અર્થનો સંકેત આપોઆપ જન્મે છે . ઉચ્ચારણની સાથે જ અર્થસંકેત પ્રગટ કરવાની શબ્દની આ સ્વાભાવિક શકિતને કાવ્ય શાસ્ત્રી ઓ એ અભિધાશકિતને નામે ઓળખાવી છે . આ અભિધાશકિત સહુ શબ્દશકિતઓમાં મુખ્ય અને પાયાની શકિત છે . એ શકિતના પાયા ઉપર જ લક્ષણો અને વ્યંજના જેવી બીજી શબ્દશકિતઓ કાર્ય કરે છે . 

    આમ અભિધા શબ્દશકિતએ પ્રત્યેક શબ્દ સાથે સ્વાભાવિકપણે જોડાયેલી શકિત છે અને શબ્દનો ઉચ્ચાર થતાં જ , આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ એ શકિત ક્રિયાશીલ બની અમૂક અર્થનો અમૂક સંકેત પ્રગટ કરી દે છે , શબ્દ લક્ષણા કે વ્યંજનામાં વપરાયો હોય કે ન વ ૫ રાયો હોય , પરંતુ પ્રત્યેક શબ્દ ઉચ્ચારાય કે તરત જ અભિધામાં તો વપરાઈ ચૂકયો હોય છે જ , એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે . આથી જ અભિધાને તમામ શબ્દશકિતઓના પાયારૂપ ગણવામાં આવે છે . 

    કાવ્યશાસ્ત્રીઓએ અભિધાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છેઃ " શબ્દના સાંકેતિક અર્થને પ્રગટ કરનારી શબ્દની શકિતને અભિધા કહેવામાં આવે છે ." " સાક્ષાત્ સાંકેતિકમ્ અર્થમ્ યા અભિધત્તે સા અભિધા ” 

    અભિધાશકિત દ્વારા પ્રગટ થતાં સાંકેતિક અર્થને વાચ્યાર્થ પણ કહેવાય છે અને એવો વાચ્યાર્થ બતાવવો , અભિધામાં વપરાયેલો શબ્દ ' વાચક ' કહેવાય છે . દા.ત. ' વૃક્ષ ' શબ્દનો ' જાડ ' એવો અર્થ આપણે જયારે કરીએ ત્યારે ' વૃક્ષ ' શબ્દ વાચક કહેવાય , ' જાડ ' એવો અર્થ વાચ્યાર્થ કહેવાય અને એ બતાવનાર શબ્દશકિત તે અભિધા કહેવાય . સાંકેતિક અર્થ એટલે ભાષાના આરંભકાળથી શબ્દને મળેલો અર્થનો સંકેત .

     આવા અર્થસંકેતો પરાપૂર્વથી પેઢી - દર – પેઢીથી ચાલ્યા આવે છે અને મનુષ્ય જાતિ એ અર્થસંકેતોને પૂર્વજોના વારસા તરીકે જેમના તેમ સ્વીકારી લે છે . આમ સાંકેતિક અર્થ એટલે શબ્દનો પરાપૂર્વથી ચાલતો આવેલો અર્થ . આપણી વ્યવહારભાષા આ અભિધા શકિતના નિશ્ચિત વાચ્યાર્થની બનેલી છે . વ્યવહાર અને વ્યાપાર અભિધાથી ચાલે છે . 


    આવા સાંકેતિક અર્થો કોઈક વાર સીધેસીધા આપણા સુધી પહોંચે છે તો કોઈક વાર એ અર્થોમાં વચ્ચેના સમય દરમિયાનગીરી પણ થતી હોય છે . દા.ત. ' લીમડી ' એ શબ્દનો મૂળ સાંકેતિક અર્થ એક વિશિષ્ટ પ્રકારનું ' વૃક્ષ ' એવો છે . પણ પછી કોઈક સમયે તે શબ્દ સાથે કોઈ એક ગામના નામનો અર્થ પણ પ્રજાએ જોડી દીધો છે . એટલે આજે ' લીમડી ' શબ્દ એ સાંકેતિક અર્થો ધરાવે છે : એક ' ખાસ પ્રકારનું વૃક્ષ ' અને બીજો અમુક ચોક્કસ ' ગામ . આમાંનો પહેલો સાંકેતિક અર્થ સીધો પ્રાપ્ત થયેલો અર્થ ગણાય છે અને બીજો સાંકેતિક અર્થ દરમિયાનગીરીથી પ્રાપ્ત થયેલો અર્થ ગણાય છે . આવું જયારે જયારે બને ત્યારે સીધો સાંકેતીક અર્થ અને દરમિયાનગીરીથી પ્રાપ્ત થયેલો નવો અર્થ એ બંને અર્થો વાચ્યાર્થો છે અને તે અભિધાશકિત દ્વારા જ પ્રગટ થાય છે . એમ કાવ્યશાસ્ત્રીઓ માને છે . એ જ પ્રમાણે કેટલાંક શબ્દોને પરાપૂર્વથી એક કરતા વધારે અર્થનાં સંકેતો મળેલા હોય છે . આવા શબ્દોને આપણે અનેકાર્થી શબ્દો અથવા ગ્લિષ્ટ શબ્દો કહીએ છીએ . આવા અનેકાર્થી શબ્દો જેટલા જેટલા અર્થ બતાવે તે બઘા વાગ્યાર્થો જ છે અને એ અર્થો પ્રગટાવનાર શકિત અભિધાશકિત જ છે એમ કાવ્યશાસ્ત્રીઓ માને છે . દા.ત. " કર " અને " હરિ " શબ્દો . " કર " એટલે કિરણ , હાથ અને રાજયનો વેરો આ ત્રણ માંથી ગમે તે અર્થ " કર " શબ્દ દ્વારા પ્રગટતો ગણાય . એ અર્થ જ વાચ્યાર્થ જ ગણાય અને અભિધાશકિત દ્વારા પ્રગટતો ગણાય . એ જ પ્રમાણે " હરિ " શબ્દનાં વિષ્ણુ , દેડકો , સિંહ એવા છે અને જેટલા અર્થો થાય છે તે બધા વાચ્યાર્થ જ ગણાય છે.