✓ આધુનિક સાહિત્યનાં લક્ષણો જણાવો .
✓ આધુનિક સાહિત્યની વિભાવનાં સ્પષ્ટ કરી આધુનિક ગુજરાતી સાહિત્ય ના વ્યાવર્તક લક્ષણો સ્પષ્ટ કરો .
✓ આધુનિકતાએ સમયવાસી નહી , પરંતુ ગુણવાસી સંજ્ઞા છે . " આધુનિક ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખી પ્રસ્તુત વિધાન સ્પષ્ટ કરો .
✓ ' આધુનિકતા એટલે પ્રયોગશીલતા ' ઈ.સ. 1955 પછીનાં ગુજરાતી સાહિત્યને આ વિધાનના સંદર્ભમાં મૂલવો .
પૂર્વભૂમિકા – આધુનિકતા MODERNITY એ સંસ્કૃત શબ્દ " અધુના '' પરથી ઉતરી આવેલ શબ્દ છે. " અધુના " એટલે " હમણા " . " અધુના " – હમણા એ રીતે વ્યુત્પતિ પામેલો આ શબ્દ સમયવાસી જણાય છે. પરંતુ આધુનિકતા શબ્દની લાક્ષણિકતાએ છે કે તે સમયવાસી નહી , પરંતુ ગુણવાસી સંજ્ઞા છે. વાસ્તવમાં આધુનિકતા એ સંવેદન છે. પશ્ચિમિ સમાજમાં ધર્મસુધારણાના આંદોલનની પ્રતિક્રિયા સ્વરૂપે જન્મેલી હિંસાના પ્રત્યાઘાત માંથી આધુનિકતાનો આર્વિભાવ થયો હતો. આધુનિકતાઃ એક સંકુલસમપ્રય નામના ગ્રંથમાં ઉજમ નાં મહાનિબંધ નિમિત્તે ડો . બિપિન આચર આધુનિકતાની વિભાવના સ્પષ્ટ કરતા કહે છે કે , આધુનિકતાએ વિશેષ પ્રકારનું સંવેદન છે. સાહિત્યમાં આધુનિકતા પશ્ચિમિ સમાજ ની જ દેણ છે. પુર્નજાગૃતિકાળ , ઔધોગિકક્રાંતિ અને બે મહાયુદ્ધોને કારણે આ વિશ્વ અને વિશ્વમાં રહેતો માનવ કેટલાંક નવાં જ સત્યોની રૂબરૂ થાય છે. પોતાનું અસ્તિત્વ અને જગતનું વાસ્તવ તેને થાક , ગ્લાની , વિષાદ , નૈરાગ્ય અને વિસંવાદીતા જેવાં નવ્ય સંવેદનોની અનુભૂતિ કરાવે છે. આધુનિક સાહિત્ય આવા સંવેદનોને પ્રતિબિંબિત કરતું સાહિત્ય છે. આપણે તેની વિભાવના સ્પષ્ટ કરી આધુનિક સાહિત્યનાં લક્ષણો તપાસીએ.
આધુનિકતાઃ એક સંકુલસમપ્રત્યય : આધુનિકતા MODERNITY એક સંકુલસંમપ્રત્યય છે. આધુનિકતા વિશે મહાનિબંધ તૈયાર કરતી વખતે બિપીન આસર અને સાહિત્યમાં આધુનિકતા અને સાહિત્યનો આ ગ્રંથ વિશેના નિષ્ણાંત ડો . સુમન શાહ આધુનિકતાની વિભાવના સ્પષ્ટ કરે છે. આધુનિકતા એ સંકુલ સમપ્રય છે . તેની સૌ પ્રથમ વિલક્ષણતા એ છે કે તે સમયવાસી નહી પરંતુ ગુણવાસી સંજ્ઞા છે. એટલે કે બે લેખકો સમકાલીન હોય શકે . પરંતુ બે સમકાલીન લેખકો આધુનિક ન પણ હોય. આધુનિકતા એટલે FAITION પરંતુ નાવીન્યનો અર્થ સૂચવે છે . પરંપરાનો વિરોધ અને પ્રયોગશીલતાનો આગ્રહ આધુનિકતાનું મહત્વપૂર્ણ લક્ષણ છે. વળી , પ્રયોગોની પરંપરા રચવી તેઓ લાક્ષણિક પ્રકારનો વિરોધ અને વિરોધાભાસ પણ તે સૂચવે છે. વળી , આધુનિકતાને એક ગુણ વિશેષ છે. તેને પ્રયોગખોરી સાથે કોઈ સંબંધ નથી. આધુનિકતા એક એવું સંવેદન છે જે સમયનાં બદલાતાં પરિણામોથી સ્વયંપણું પરિવર્તીત થતું જાય છે. ધર્મસુધારણાથી આરંભાયેલી આધુનિકતા ચિત્રકલા અને અંતે સાહિત્યકળામાં જઈ વિરમે છે. હવે આપણે આધુનિક ગુજરાતી સાહિત્યનાં લક્ષણો તપાસીએ.
૧-ઘટનાતત્વનો લોપ : - આધુનિક સાહિત્યમાં જો ગદ્ય સ્વરૂપોનાં સંદર્ભે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ લક્ષણ એ તારવી શકાય કે આધુનિક ગદ્ય સ્વરૂપોમાં ઘટનાં તત્વનો લોપ કે ઘટનાતત્વનો હ્રાસ થયેલો હોય છે. પરંપરાગત નવલકથાઓ મુખ્યત્વે ઘટના તત્વમાં રાચતી જોવા મળે છે . એક પછી એક ઘટનાઓ કે પ્રસંગોને જ આપણે સાહિત્ય સમજીએ છીએ. પરંતુ આધુનિક સાહિત્ય ઘટનાતત્વ કરતાં ઘટનાની રીતિને વધુ પ્રાધાન્ય આપે છે. તેમને મતે ઘટનાએ એક SPRINGBORD જેવું કાર્ય કરે છે. જેમાંથી સર્જકે એક JUMP લગાવવાનો હોય છે , અને સર્જનાત્મકતાની ગહનતામાં ડુબવાનું હોય છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવી નવ્ય વિભાવના સૌ પ્રથમ ડો . સુરેશ જોષીએ સ્પષ્ટ કરી હતી. તેમની લઘુનવલકથા લખવા ધારેલી નવલકથાનો કાચો મુસદો – મરણોત્તરમાં ઘટનાતત્વ બસ એટલું છે કે , અજય નામનો માણસ માલા અને લીલા નામની સ્ત્રીઓનાં સંસ્મરણોની આંટીઘૂંટીઓમાં અટવાયેલો છે. છિન્નપત્ર લઘુનવલમાં પણ આંગળી ચિંધીને બતાવી શકાય તેવી કોઈ ઘટના નથી. આગળ આમાં લખાયેલી અન્ય લઘુ નવલો ' અસ્તિ ' ( સિકાક્ષા ) , ફેરો ( રાધેશ્યામ શર્મા ) , સમયદ્વિપ ( ભગવતીકુમાર શર્મા ) , મહાભિનિષિક્રમ ( મુકુન્દ પારેખ ) , સાંકડીયે ચડી ચાલ્યાં હસમુખલાલ ( જયોતિશ જાની ) , ચહેરા ( મધુરાય ) , કોણ ? ( લાભશંકર ઠાકર ) , લીલાનાગ ( ચિનુ મોદી ) , અશ્રુવાત ( રાવજી પટેલ ) જેવી રચનાઓમાં પણ ઘટનાતત્વ ખૂબ જ પાંખુ છે. આમ છતાં , સર્જકોની સનિષ્ટ અને સંપ્રજ્ઞાત રચના રીતિને કારણે આ સાહિત્યકૃતિઓ કલાત્મક બની ચૂકી છે. આમ , ઘટનાતત્વનો લોપ આધુનિક સાહિત્યનું મહત્વપૂર્ણ લક્ષણ છે.
૨-કાવ્યક્ષેત્રે અછાંદશ તરફ ઝૂકાવ : - જો ગદ્ય સ્વરૂપોમાં ઘટનાતત્વનાં લોપને મહત્વ અપાયું હોત તો પદ્ય સ્વરૂપમાં સર્જકોનો ઝુકાવ અછાંદચ્છ તરફનો છે. પરંપરાગત અક્ષરમેળ અને માત્રામેળ છંદોને બદલે આધુનિક કવિઓ અછાંદસ કવિતામાં પોતાની કવિતાને મુકત રીતે અભિવ્યકત કરતાં થયા છે. આ કવિઓમાં સૌ પ્રથમ ગુલામ મહમદ શેખ અને ડો . સુરેશ જોષી આવા પ્રકારની રચનાઓનો આરંભ કરે છે.
" રંગ લપેડા કરીને બેઠેલી આકાશ વેશ્યા
આકાશને કોરી ખાતા નિયોન કીડાઓ ઘેટા અને બકરાની રાહ ,
અંગે લગાડી બહુ રંગ સાપ જાણ્યા વિના કે શણગાર શાને ,
ચાલી જતી સૌવ હું કતલખાને . " ----- સુરેશ જોષી
આગળ આમ , કવિઓ અરૂઢ , શૈલીની કવિતાઓ રચે છે. વહી જતી પાછળ રમ્યધોષો ટોળા , અવાજ ઘોંઘાટ મારે નામના દસ્તાવેજ અને મરી જવાનાં મજાનાં કવિ લાભશંકર ઠાકર અચ્છાંદસ કવિતામાં અલગ જ મીજાજ ધરાવે છે.
તડકો ટક ટક તડકો મમ મમ
તડકો ગાંધીજીની ટાલ
જળ ભિંજેલી જોબન વંતી રસબરા ઘરતી ,
અંગઅંગતી ટપકે છે કોઈ રૂપ મનોહર ને તડકાનો ટુવાલ ધોળો ફરી રહ્યો છે ધીમે - ધીમે . ---લાભશંકર ઠાકર
આ ગાળાનાં અન્ય કવિઓમાં પણ આ વલણ સ્પષ્ટ બને છે. અછાંદસ કવિતા તેમની અનુભૂતિને ખૂબ જ માફક આવે છે.
૩-કલ્પનો , પ્રતિકો અને પુરાકલ્પનોનો વિનિયોગ : - આધુનિક સાહિત્ય ગદ્યક્ષેત્રે ઘટના તત્વઓ વિરોધ કરે છે . પદ્યમાં અછાંદસનો આગ્રહ રાખે છે. પરંતુ આ બંને ક્ષેત્રે આ સાહિત્યમાં IMAGE પ્રતિક , SYMBOL અને પુરાકલ્પન MYTH નો ખૂબ જ લાક્ષણિક વિનિયોગ કરતાં જોવા મળે છે. ડો . સુરેશ જોષી , ડો . મમદ શેખ કવિતાનો આરંભ કરે છે. તો રાવજી પટેલ આ રચના રીતીને આગળ ધપાવે છે.
" મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ,
પીળારે પાંદે લીલા ઘોડા ડૂળ્યા
ડૂબ્યા અલકતા રાજ ડૂળ્યા મલકતી રાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ
સાકરની કટકી શું ખેતર જીભ પર સળવળે . '' --કલ્પન , રાવજી પટેલ
લાભશંકર ઠાકર અને ચિનુ મોદીનું સરસ , તાજા કલ્પનો પ્રયોજી શકે છે. ગધક્ષેત્રે કિશોર જાદવ ,(નિશાસક રિકતરાગ) જેવી લઘુ નવલમાં કલ્પનો યુકત ભાષા પ્રયો છે. કલ્પનોની સાથે - સાથે પ્રતિકોનો વિનિયોગ કલ્પનાંકીત રીતે થયેલો છે. ખાસ કરીને ચીનુ મોદી , મમ્મત ઓજા , લાભશંકર ઠાકર , વગેરેએ પ્રતિકવાદી કવિતાઓ અને ગધની રચના કરી છે. કલ્પન અને પ્રતિક ઉપરાંત પુરાકલ્પન MYTH પણ આ સાહિત્યનું આગવું લક્ષણ છે. ખાસ કરીને ચીનુ મોદી તથા સિતાજું , યશશ્ચંદ્ર એ પોતાનાં સાહિત્યમાં આ તત્વને લાક્ષણિક રીતે પ્રયોજયું છે. ચીનુ મોદીએ મહાભારતના ઉપાખ્યાન નળાખ્યાનમાંથી ' બાહુક ' નામનું ખંડકાવ્ય રચ્યું છે. તો શિવ પાર્વતીના પુરાણ પરથી ભખાસુર અને અરેબીયન નાઈટસ પરથી હુકુમ માલીક જેવી નાટકોની રચના કરી છે. સિતાશું યશશ્ચંદ્રએ રામાયણ પર આધારીત ' જટાયુ ' આલેખ્યું છે.
" નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણે નગરી લંકા
બેઉ સામ - સામે આવ્યા , જોતો રહ્યો જટાયુરંક ,
પળતો એને થયું કે જે તે થયું તે કેવળ બહાર
ત્યાં જ તો પીસે – પીસે ફૂટયો બેઉ નગરનો ભાસ . " -પુરાકલ્પન ' જટાયુ '
સિતાંશુ યશચંન્દ્રે આ ઉપરાંત કૃષ્ણ - સુદામાની પુરાણકથા આધારિત ' કહો , મકનજી કયાં ચાલ્યા ' નાટક પણ રચ્યું છે . તો હનુમાનની એકોકિત અને ઓડીસયુસનું હલેસુ એમની આવી પ્રકારની બીજી મહત્વપૂર્ણ રચનાઓ છે . આમ કલ્પન, પુરાકલ્પન અને આધુનિક સાહિત્યકારો સંપ્રજ્ઞાત રીતે પ્રયોજી શકે છે .
૪-પ્રયોગ અને પ્રયોગ ખોરીઃ- આધુનિક સાહિત્યનું સૌથી વધુ ધ્યાનઆકર્ષક લક્ષણ પ્રયોગશીલતા છે . આ સમયગાળામાં સાહિત્યક્ષેત્રે એટલાં બધાં પ્રયોગો થાય છે જે આ અગાઉ કયારેય ન થયા હોય . મધુરાય ટૂંકીવાર્તાનું કલેવર બદલે છે . ' બાકી ' નામની એક છોકરી ' , ' ધારોકે ' , ' ઈટોના સાત રંગ ' આવી પ્રયોગશીલ વાર્તાઓ છે . તો ' કુમારની અગાશી ' , ' સંતુ રંગીલી ' , ' કોઈ એક ફુલનું નામ બોલો તો ' એમનાં પ્રયોગશીલ નાટકો છે . લાભશંકર ઠાકરે પણ પહેલા ભજવાયા હોય અને પછી લખાયા હોય એવા ઈમ્યુલાઈઝેશન થયેલા નાટકો રચ્યા છે . જેમ કે , ' પીળું ગુલાબ અને હું ' , ' મનસુખલાલ મજેઠીયા ' અને ' કાફે કોયલ શોર મચાયે રે ’ આ કવિઓ સાહિત્યકારો સાહિત્યનાં બધાં જ ' ઈ ' અને એક જ ' ઉ ' જેવી ભાષા દ્વારા ' અરિત ' લઘુનવલ રચે છે . તો સોનેટમાં ' પોણા નવ અને સવા પાંચ ' કે ' સવા અગીયાર અને પોણા ચાર ' જેવી વિચિત્ર કહી શકાય એવી પંકિતઓ દ્વારા સોનેટ રચના થાય છે . આમ, દરેક ક્ષેત્રમાં પ્રયોગશીલતા જોવા મળે છે . પરંતુ આ સાહિત્યની એક મર્યાદા એ છે કે આ સર્જકો પ્રયોગશીલતામાંથી પ્રયોગખોરીમાં પણ સરી પડે છે . ધંગધડા વગરનાં કોઈપણ લખાણને પ્રયોગ તરીકે રજૂ કરવામાં આવે છે . મધુરાય જેવાં વાર્તાકાર પણ હારમોનીયમનાં ત્રુટક - ત્રુટક સુરો જેવાં વાકયોની બનેલી હારમોનીકા પ્રકારની વાર્તાઓનો પ્રયોગ કરે છે . ' કાન ' , ' પાનકોર નાકે ' , ' કાચની સામે કાચ ' જેવી હારમોનીકા પ્રકારની વાર્તા છે . આમ , ગુજરાતી સાહિત્યક્ષેત્રે આ સર્જકો આત્યંતિક રીતિનાં પ્રયોગો આદરે છે .
૫-સાધારણ માણસ– COMMON MAN ના પ્રતિનિધિ સ્વરૂપ પાત્રોનું સર્જન : આધુનિક કથાસાહિત્યનું એક આગવું લક્ષણ એ છે કે , આ લેખકો સામાન્ય માણસ COMMON MAN ની વેદના , સંવેદના , અનુભૂતિઓ , સમસ્યાઓ , પીડા , વ્યથા , અને તેની નિરાશા સાથે ગાઢ નિસ્બત ધરાવે છે. પરિણામે જીવાતા જીવનનો આ સામાન્ય માણસ આધુનિક સાહિત્યનું કેન્દ્રિય પાત્ર બની જાય છે. આધુનિક લેખકો આ સામાન્ય માક્ષસના પ્રતિનિધિ સ્વરૂપ પાત્રોનું સર્જન કરીને એ એક જ પાત્રની એકાધીક સાહિત્ય રચનાઓ દ્વારા એક પેટર્ન રચે છે . મધુરાય આ સામાન્ય માણસ તરીકે ' હરીયો ' નામનું પાત્ર રચે છે . ' ઈટોના સાત રંગ ' અને ' કાન ' તેમની હરીયા જૂથની વાર્તાઓ છે . એવી જ રીતે સુમન શાહ ' જયંતી ' નામનું પાત્ર રચે છે. તેમનો એક આખો વાર્તાસંગ્રહ ' જયંતી - હંસા સિજફની ' એ રીતે એક જ પાત્રની આસપાસ ઘૂમે છે. વિનેશ અંતાણી ' જીવણલાલ નામનું પાત્ર રચે છે. ( જીવણલાલ કથામાળા ) ફકત કથાસ્વરૂપોમાં જ આવ પાત્રો રચાયા હોય તેવું પણ નથી. એક સામાન્ય માણસની પીડા , વેદના , કવિઓ પણ ઝીલી બતાવે છે. આધુનિક કવિઓ લાભશં ૨ ક ઠાકર , ચીનુ મોદી અને સીતાંશુ યશશ્ચંદ્ર પણ આવા ચોક્કસ પાત્રોનું સર્જન કરે છે. લાભશંકર ઠાકરનો ' લઘરો ' સામાન્ય માણસ છે .
'' ડોલ શબ્દની કાણી રે
ઉડા કૂવાના પાણી રે ,
હરખભેર ધમણ ખેંચે છે લઘરો
તાણી તાણી રે
આ આવી છલકાતી રે ,
ભરચક પાણી પાણી રે . " - લાભશંકર ઠાકર
ચીનુ મોદીનું આવું પાત્ર ' ઓચ્છવલાલ ' છે. તેમણે સાધારણ માણસનાં પ્રતિનિધિ સ્વરૂપ ' ઓચ્છવલાલ ' વિષયક ઘણી કાવ્યરચનાઓ કરી છે. સીતાણું યશશ્ચંદ્રએ પણ આવું પાત્ર ' મગન ' રચ્યું છે. જયાં સામાન્ય માનવીની પીડાને કોઈ અનુભવતું ન હોય ત્યારે સીતાણું યશશ્ચંદ્ર તેને સંબોધતા કહે છે.
'' હે આજાનબાહુ મગનેશ્વર ! "
જયોતિષ જાની હસમુખલાલ અને બીજા કેટલાંક આધુનિક સર્જકો પણ આવા સામાન્ય માણસની પીડાને આલેખવા આવા પાત્રોની રચના કરે છે. જે આધુનિક સાહિત્યનું મહત્વપૂર્ણ લક્ષણ ગણાવી શકાય.
ઉપસંહાર : - જો લાક્ષણિકતાઓનાં સંદર્ભમાં આધુનિક સાહિત્યનો વિચાર કરીએ તો આ સાહિત્ય સમગ્ર ગુજરાતી સાહિત્યની પરંપરામાં સૌથી વધારે સમૃદ્ધ ગણાવી શકાય. રચનારીતિ , વિષયો અને અભિવ્યકિતની દષ્ટિએ આધુનિક સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે અગાઉના બધાં જ સાહિત્યયુગો આ બાબતે આધુનિક સાહિત્યની સામે ઝંખવાણા પડી જાય છે . ઘટનાતત્વનો લોપ , સર્જનાત્મક ભાષાશૈલી , રચનારીતિનું નાવીન્ય , કલ્પનો , પ્રતિકો , પુરાકલ્પનો , કપોળ કલ્પના , અસ્તિત્વવાદ , વાસ્તવવાદ જેવા વિભાગો અને નવા પ્રકારની ભાવોર્મિઓ આધુનિક સાહિત્યની આગવી લાક્ષણિકતાઓ ગણાવી શકાય.
આધુનિક ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો
0 ટિપ્પણીઓ