✓ ટુંકનોંઘ લખો : - ઔચિત્ય ગુણ :
✓ ઔચિત્ય ગુણનો પરિચય આપો .
ક્ષેમેન્દ્ર નામના અલંકારશાસ્ત્રીએ ' ઔચિત્યવિચારચર્ચા ' એ નામનો એક નાનકડો ગ્રંથ લખ્યો છે . કદમાં નાનો હોવા છતાં ક્ષેમેન્દ્રનો આ ગ્રંથ આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં અતિ મહત્વનો બની રહે છે , કારણ કે આ ગ્રંથમાં ક્ષેમેન્દ્ર પોતાની પહેલાંના બધા કાવ્યશાસ્ત્રીઓ થી જુદા પડીને ઔચિત્ય તત્વને કાવ્યના મૂળ પ્રાણભૂત તત્વ તરીકે દર્શાવ્યું છે . ક્ષેમેન્દ્રના મતે ઔચિત્યનું તત્વ એ જ સફળ અને સિદ્ધ કાવ્યની એકમાત્ર કસોટી છે .
અલબત્ત , હેમેન્દ્ર પૂર્વ કાવ્યશાસ્ત્રીઓએ ઔચિત્યના આ તત્વને સાવ અવગણ્યું નથી . ભરતમુનિ , આનંદવર્ધન , અભિનવગુપ્ત અને કુંતક એ સૌ કાવ્યશાસ્ત્રીઓએ ઔચિત્યને સારા કાવ્યનાં એક જરૂરી લક્ષણ તરીકે સ્વીકાર્યું છે . પણ ક્ષેમેન્દ્રની મહતા એ છે કે એણે ઔચિત્યના ભાવને જ કાવ્ય માટે પ્રધાન અને પાયાનું તત્વ ગણાવ્યું છે . અત્યાર સુધી જે ઔચિત્યનો ગુણ કેવળ ગૌણ ગણાતો હતો તેને સેમેન્દ્ર મુખ્ય સિદ્ધાંત બનાવ્યો અને એ રીતે કાવ્ય તરફ જોવાની એક નવી દષ્ટિ એણે આપી . સેમેન્દ્રને મતે , રસ એ કાવ્યનો પ્રાણ છે અને ઔચિત્ય એ કાવ્યનું જીવન છે . ઔચિત્ય કાવ્યની સુંદરતાનું રહસ્ય છે . કવિકર્મમાં ઔચિત્ય અનિવાર્ય છે . જો ઔચિત્ય ન હોય તો ગુણો તે ગુણો નથી , અલંકારો તે અલંકારો નથી . ઔચિત્ય જ કાવ્યનું સ્થિર અને અમર જીવન છે . ઔચિત્ય વિના રસસિદ્ધિ થતી નથી .
ક્ષેમેન્દ્રને મતે કાવ્યમાં એવા 28 સ્થાન છે , જયાં ઔચિત્ય જાળવવું પડે છે . મુખ્ય ચાર વર્ગો છે :
( 1 ) ભાષાશૈલીનું ઔચિત્ય ( વ્યાકરણ , પદ , વાકય , વૃણ , ગુણ , અલંકાર , સ્વભાવ , નામ , આશિષનું ઔચિત્ય ) ,
( 2 ) રચના વિધાન નું ઔચિત્ય ( પ્રબંધગત ઔચિત્ય ) ,
( 3 ) વિષયનું ઔચિત્ય ( ૨સ , વિચાર અને વ્યવહારનું ઔચિત્ય ) અને
( 4 )કલ્પના – પ્રતિભાનું ઔચિત્ય . આમ સેમેન્દ્ર ઔચિત્યનું કાવ્યશાસ્ત્ર આપે છે .
ડો . બહેચરભાઈ પટેલ કહે છે તેમ , ઔચિત્ય તો કાવ્યના સિદ્ધાંતો કે અંગોને સમજવાનો દૃષ્ટિકોણ છે . કાવ્યના વિવિધ અંગો કેવી રીતે આવવાં જોઈએ તેનો માનદંડ ઔચિત્ય છે . ઔચિત્ય કાવ્યગુણને પોષક અને દોષને નિવારનાર તત્વ છે . ઔચિત્ય કલાવિવેકનો ગુણ છે . તે સમગ્ર કૃતિમાં વ્યાપેલો ગુણ છે . કલામાં ઔચિત્ય રસસાધક છે . ઔચિત્ય સર્વ સિદ્ધાંતોમાં અનુસ્યુત છે . અને તે કલામાં અપેક્ષિત છે . કલામાં ઔચિત્યનો ફાળો છે , પણ તે પોતે કલા નથી . ક્ષેમેન્દ્ર પણ રસને પોપક જીવન તત્વ - વિટામીન તરીકે જ ઔચિત્યને મહત્વ આપ્યું છે .
ક્ષેમેન્દ્ર ધ્વનિ અને રસના મહત્વને અવગણતો નથી . રસએ કાવ્યનો આત્મા છે એ વાતને ક્ષેમેન્દ્ર સ્વીકારે છે પણ સાથે સાથે એ માને છે કે ઔચિત્ય એ તો રસનું જીવિત તત્વ છે . બીજી રીતે કહીએ તો , કાવ્યનો આત્મારૂપ રસ ઔચિત્ય વિના પ્રગટતો નથી એમ ક્ષેમેન્દ્ર માને છે . એ માને છે કે રસ વિના કાવ્ય સંભવે નહિ અને ઔચિત્ય વિના રસ સંભવે નહિ . આમ એની દૃષ્ટિએ ઔચિત્ય કાવ્યના પ્રાણનો પણ પ્રાણ છે . તેથી જ પોતાના ગ્રંથની શરૂઆતમાં સેમેન્દ્ર ઔચિત્યને ' રસજીવિતમ્ ' કહીને ઓળખાવે છે . એ પોતે જ સફળ કાવ્યની વ્યાખ્યા આપતાં કહે છે કે , ' ઔચિત્યમ્ રસસિદ્ધયસ્ય સ્થિરમ્ કાવ્યસ્ય જીવિતમ્ ' – ૨સસિદ્ધિ કાવ્યનું અને સનાતન લક્ષણ તે ઔચિત્યનો ગુણ છે .
ક્ષેમેન્દ્ર જેને ઔચિત્ય તરીકે ઓળખાવે છે તે તત્વને આપણે અર્વાચીન વિવેચનની પરિભાષામાં કાવ્યમાં જરૂરી સમતુલા , પ્રમાણભાન , સંવાદિતા અને સંયમ તરીકે ઓળખાવી શકીએ . કોઈ પણ સફળ કાવ્યના બાહ્ય અને આંતરદેહ વચ્ચે સુસંવાદિતા અને સમતુલા હોવાં જોઈએ . અલંકાર , છંદ , કાવ્યબાની આદિ બધા તત્વો એકબીજાને અનુરૂપ હોય અને બધા ભેગાં મળીને કાવ્યના મુખ્ય ભાવને પોષતા હોય ત્યારે જ કાવ્યમાંથી રસનો અનુભવ થાય એમ ક્ષેમેન્દ્ર માને છે . અલંકાર તરીકે ગમે તેટલો સુંદર હોય પણ કાવ્યના મુખ્ય ભાવ સાથે એ જો મેળ ધરવતો ન હોય તો કાવ્યનો રસ માર્યો જાય . જેવું અલંકારનું તેવું જ છંદ , શબ્દયોજના આદિ બધાં તત્વોનું . પતિના મૃત્યુ પર વિલાપ કરતી સ્ત્રીનું વર્ણન કરતી વખતે જો કોઈ કવિ એમ કહે કે , ' એના કપોલ પર પડેલાં અશ્રુબિંદુઓ કુંદપુષ્પ પર પડેલા જાકળબિંદુઓ જેવા હતાં . તો આ અલંકાર અલંકાર તરીકે સુંદર હોવ છતાં કાવ્યને નુકસાન પહોંચાડે છે . કાવ્યમાં રહેલા કરૂણ રસના સંવેદન સાથે આ અલંકાર કશો મેળ રહેતો નથી . અહીં કવિને જે ઉદિષ્ટ છે તે નારીનું સૌંદર્ય નહિ , પણ એના મનનો શોક છે . શોકના એ ભાવ સાથે આ અલંકારનો કશો મેળ બેસતો નથી . આવું જયારે જયારે બને ત્યારે કાવ્યમાં ઔચિત્યનો ગુણ સચવાયો નથી , એમ કહેવાય .
ઔચિત્ય એટલે કાવ્યનાં અનેકાએક નાનાંમોટાં તત્વો વચ્ચે જળવાતી સંવાદિતા અને સમતુલા . પાંચ ફુટનો માણસ હોય અને એની ઉંચાઈના પ્રમાણમાં જો એના હાથપગ આદિ અંગોની લંબાઈ , પહોળાઈ હોય તો એવી વ્યકિતના દેખાવને આપણે ઔચિત્યપૂર્ણ આકાર કે સૌષ્ઠવભર્યો આકાર ગણીએ છીએ . પણ કોઈ શિલ્પી પાંચ ફુટની મૂર્તિ પડે અને એ મૂર્તિના પગ જ સાડા ત્રણ ફુટના બનાવે તે મૂર્તિનો આખો આકાર આપણને વિચિત્ર અને પ્રમાણભાન વિનાનો લાગે . એવા આકારને આપણે ઔચિત્યપૂર્ણ આકાર કહી શકીએ નહિ . આ જ વાત કાવ્યને પણ લાગુ પડે છે . અનુચિત વર્તનો , પાત્રોનાં અસ્વાભાવિક વાણીવર્તન , બિનજરૂરી અલંકારો , પ્રમાણભાન વિનાની શૈલી તત્વો કાવ્યમાં દોષરૂપ બને છે . આ પ્રમાણે જયારે જયારે ઔચિત્ય હણાય ત્યારે ત્યારે કાવ્યના રસનો ભંગ થયા વિના રહેતો જ નથી . એ વાત ઉપર ભાર મૂકતાં આનંદવર્ધન કહે છે કે , " અનૌચિત્યાત્ ઋતેના તુ રસભંગમ્ય કારણમ્ . ” ઔચિત્યભંગ એ જ રસભંગનું એકમાત્ર કારણ છે . આમ ઔચિત્ય જાળવવું એટલે કાવ્યને સર્વાગે સૌષ્ઠવપૂર્ણ બનાવવું . શ્રી રાધવન નામના વિવેચકના શબ્દોમાં કહીએ તો " Auchitya is harmony and proportion between the whole and the parts , between the chief and subsidiary . ” કાવ્યના સમગ્ર અને અંશ વચ્ચે , પ્રધાન અને ગૌણ તત્વો વચ્ચે જે સંવાદિતા અને પ્રમાણ જળવાય તેને જ ઔચિત્ય કહેવાય .
0 ટિપ્પણીઓ