✓ ઉમાશંકર જોશી નાં જીવન અને સાહિત્યસર્જનનો પરિચય કરાવો.
✓ પ્રતિભાશીલ સર્જક અને પરમ સારસ્વત : શ્રી. ઉમાશંકર જોશી આજનાં ગુજરાતનાં મહાન સર્જક અને સારસ્વત છે . એમની સર્ગશક્તિ અને વિદ્ધતાની કીર્તિ કેવળ ભારતમાં જ નહીં , પરદેશોમાં પણ પ્રસરેલી છે . અર્વાચીન ગુજરાતનાં સાહિત્ય અને સંસ્કાર જીવનનાં ઉત્તમ પ્રતિનિધી બનીને એમણે દેશ - પરદેશમાં ગુજરાતી સંસ્કારિતાને ઉજજવળરૂપે પ્રગટાવી છે અને તેથી જ ઉમાશંકર કેવળ વ્યકિત જ ન રહેતા , સંસ્થારૂપ બન્યા છે . અર્વાચીન ગુજરાત એટલે ઉમાશંકર એવું સમીકરણ મૂકવાનું મન થાય એવું સબળ નેતૃત્વ એમણે ગુજરાતને સાહિત્ય અને સંસ્કારક્ષેત્રે પુરુ પાડયું છે . ભારતીય જ્ઞાનપીઠે એમનાં કાવ્યસંગ્રહ ' નિશીથ ' ને રૂા . પચાસ હજારનો પ્રથમ પુરસ્કાર એનાયત કર્યો છે . ગુજરાત યુનિવર્સિટીએ તેમને કુલપતિ પદે સ્થાપેલા .
આમ , ગુજરાત અને ભારતે કૃતજ્ઞભાવે ઉમાશંકર ની વિરલ પ્રતિભા અને વિદ્ધતાનો સત્કાર કર્યો છે . ઉમાશંકર કેવળ સામાન્ય સાહિત્યકાર જ નથી , વિરલ પ્રતિભા ધરાવતા વિધાપુરુષ અને સંસિદ્ધ સર્જક પણ છે. ✓ સમુજજવલ , સિદ્ધિવંત જીવનઃ ઇડર પ્રદેશનાં બામણા ગામમાં ઇ.સ. 1911 માં એમનો જન્મ થયો , એમનાં પિતાશ્રી નું નામ જેઠાલાલ જોશી , બાળપણથી જ ઉમાશંકર વિદ્યા અભ્યાસ માં અત્યંત તેજસ્વી હતા . મેટ્રીકની પરિક્ષામાં આખી યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવ્યા એ હકીકત જ એમની તેજસ્વી બુદ્ધિશકિત નાં સંકેતરૂપ ગણાય . મેટ્રીક પછી કોલેજ નાં ઉચ્ચ અભ્યાસ દરમ્યાન જ ઉમાશંકર ગાંધીજીની અસર નીચે આવ્યા . એમનાં દેશપ્રેમી , ભાવનાશીલ અંતરને ગાંધીજીની દૃષ્ટિ અને વિચારસરણી સ્પર્શી ગઇ . એમણે ગાંધીજીએ આદરેલા સત્યાગ્રહોમાં ઝુકાવ્યું અને જેલવાસ વેઠયો . એવા જેલવાસ દરમ્યાન જ એમણે " સાપના ભારા " નાં એકાંકીઓ લખ્યા . પછી એમણે M.A. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉતીર્ણ કરી અને પ્રાધ્યાપક તરીકે શિક્ષણનાં વ્યવસાય માં પ્રવેશ કર્યો . એક તરફથી સાહિત્ય સર્જન અને બીજી તરફથી પ્રાધ્યાપક તરીકે અધ્યયન - અધ્યાપનનો તેજસ્વી યજ્ઞ એમણે આદર્યો . ગાંધીયુગનાં ગુજરાતે પોતાની કવિતાઓમાં મુખ્યરીત કરવાનું કાર્ય એમણે સફળતાપૂર્વક કર્યું . પોતાનાં સાતત્યપૂર્ણ અને સમૃદ્ધ સાહિત્ય સર્જન દ્વારા શ્રી . ઉમાશંકર ગાંઘીયુગનાં ગુજરાતી સાહિત્યનાં જયોતિર્ધર બન્યા . એ યુગનાં સાહિત્યને એમણે દોર્યું અને ધડયું . એમની પ્રકાંડ વિદ્વતાને કારણે એઓશ્રી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષ બન્યા અને યુનિવર્સિટીના કુલપતિપદને શોભાવ્યું હતું . રાષ્ટ્રિય લલિતકલા અકાદમીનાં પણ તેઓ સભ્ય હતા અને આમ સાહિત્ય અને શિક્ષણ નાં ક્ષેત્રે એમણે વિરલ સિદ્ધીઓ મેળવેલી . શ્રી . ઉમાશંકર નું જીવન એક સાચા સારસ્વતને છાજે એવું સમજજવળ અને સિદ્ધિવંતું છે.
✓ મૂલ્યવાન અને સમૃદ્ધ સાહિત્ય સેવાઃ શ્રી. ઉમાશંકર બહુવિધ પ્રતિભા ધરાવતા સર્જક છે અને તેથી સાહિત્યનાં લગભગ તમામ ક્ષેત્રોમાં એમણે મૂલ્યવાન ફાળો આપ્યો છે . ગદ્ય અને પદ્ય ઉભયનાં અનેકાએક સાહિત્ય સ્વરૂપો એમણે કુશળતાથી ખેડયા છે . અને એ સર્વને અવનવી દિશાઓમાં વાળવાનું ભગીરથ કાર્ય બજાવ્યું છે .
✓ ઉમાશંકર કવિ તરીકે : ઉમાશંકર પ્રતિભાએ કવિ છે , કવિતા એ એમની સર્ગશકિતનું પ્રમુખ વાહન બની છે . ગાંધીયુગની નવી કવિતાનો પહેલોવહેલો રણકાર ઉમાશંકરે જ 1931 માં પ્રસિદ્ધ થયેલા પોતાનાં " વિશ્વશાંતી " કાવ્યમાં ગુજરાતને સંભળાવ્યો છે . વિશ્વશાંતી , વિશ્વબંધુત્વ , પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને કરુણા , અહિંસા , અને સત્યનો આગ્રહ આદિ ગાંધીયુગના આદર્શોન . ઉમાશંકરે પોતાની કવિતામાં સમર્થ રીતે ઝીલ્યા છે . ગાંઘીયુગનાં પ્રતિનિધિરૂપ કવિ બનીને એમણે પોતાનાં યુગની સંવેદનાઓને કાવ્યમય વાચા આપી છે . એક તરફથી ગાંધીજીની અને બીજી તરફથી શ્રી . બળવંતરાય ઠાકોરની અસર ઝીલીને એમણે પોતાની અને સમસ્ત ગાંધીયુગની કવિતાનું રુચિર કલેવર પ્રગટાવ્યું છે . શ્રી . ઉમાશંકરનું કાવ્ય સર્જન વિપુલ અને સમૃદ્ધ છે કાવ્યક્ષેત્રે એમણે પરંપરાઓને જાળવી છે . અને અવનવીન પ્રયોગો પણ કર્યા છે . " ગંગોત્રી " , " નિશિથ " , " વસંતવર્ષા " , " પ્રાચિના " , '' મહાપ્રસ્થાન " એમ સંખ્યાબંઘ કાવ્યસંગ્રહો રૂપે શ્રી . ઉમાશંકર ની કવિતા સતત વિપૂલ પ્રમાણમાં વહેતી રહી છે . એમનાં '' નિશિથ " કાવ્યસંગ્રહને ભારતભરની કવિતામાં શ્રેષ્ઠ હોવા બદલ ભારતીય જ્ઞાનપિઠનો પચાસ હજારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે . એ વાત સમસ્ત ગુજરાતને ગૌરવ અપાવે એવી ગણાય .
ઉમાશંકર ની કવિતામાં સૂમચિંતન એ સબળ ભાવોદ્રેક બંનેનો અભુભવ થાય છે . પ્રેમ , પ્રકૃતિ , દેશપ્રેમ , સ્વાતંત્રયઝંખના , બહુજનસમાજનાં દુઃખદર્દો , દલિત પીડીતો પ્રત્યેનો અનુકંપાભર્યો સ્વજનભાવ અને આર્થિક રાજકીય સમતા પર આધારિત નૂતન સમાજની સ્થાપનાની ઝંખના – આવા અનેક વિષયો ઉમાશંકરે પોતાની કવિતામાં ગાયા છે . એમણે કેવળ પોતાનાં વ્યકિતગત સંવેદનોને જ વાચા આપી નથી . પ્રજા સમસ્તનાં સુખદુઃખો , પરાક્રમો , અને અભીપ્સાઓનાં પણ એ ગાયક બન્યા છે . આમ એમણે પોતાની કવિતા દ્વારા બૃહદજીવનની અને બૃદસત્યની ઉપાસના આદરી છે .
ઉમાશંકરની કવિતા છંદોબદ્ધ અને લયબદ્ધ એમ ઉભય સ્વરૂપે વિલસે છે . લાંબાં ચિંતનપ્રધાન કાવ્યોદની એમને જેટલી ફાવટ છે તેટલી જ ફાવટ કર્ણમધુર , ભાવસમૃદ્ધ ગીતોની પણ છે . " ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા " જેવા એમનાં અનેક ગીતો ગુજરાતી પ્રજાનાં હૈયે અને હોઠે વસી ગયા છે . ઉમાશંકર આપણા એક સબળ ગીતકવિ છે એ વાતનો આનાથી મોટો બીજો શો પુરાવો હોઇ શકે ?
કાવ્યક્ષેત્રે નિત્યનૂતન પ્રયોગો કરવાંમાં એમણે કદી પ્રમાદ સેવ્યો નથી . અને તેથી જ અધુનાતન " અછાંદસ " અસ્તિત્વવાદી કવિતાનાં પ્રવાહને પણ એમણે જ પ્રથમ પારખ્યો અને સત્કાર્યો છે અને એ રીતે " પ્રયોગવાદી " કવિતાને દોરવાનું અને પગભર કરવાનું કાર્ય પણ એમણે જ સજાગ રીતે બનાવ્યું છે .
✓ ઉમાશંકર – એકાંકીકાર તરીકે : શ્રી . ઉમાશંકર જેવા સમર્થ કવિ છે તેવા જ સમર્થ એકાંકીકાર પણ છે . " સાપના ભારા " અને " શહીદ " તથા બીજા નાટકો એ બે એકાંકી સંગ્રહ દ્વારા એમણે આપણા એકાંકી સાહિત્યને અનેક રીતે સમૃદ્ધ કર્યું છે . '' એકાંકી " નાં કલાપ્રકારમાં પડેલી અનેક વિઘ શકયતાઓનો પુરેપુરો લાભ ઉઠાવ્યો છે . અને એ રીતે એકાંકી નાટકો માટે એમણે નવી દિશાઓ અને નવી ક્ષિતિજો નાં દ્વાર ખોલી આપ્યા છે . " સાપના ભારા " માં બહુઘા ગામ સમાજનાં અને " શહીદ " નાં ગામ તથા નગક એમ ઉભય પ્રકારનાં બૃહદ જીવનનું એમણે માર્મિક અને ચોટદાર આલેખન કર્યું છે . એકાંકીને યોગ્ય રહસ્યમય ક્ષણ પારખવાની સૂક્ષ્મ સૂઝ , શકય એટલા ઓછા સાધન સામગ્રી અને વિસ્તાર દ્વારા એ ક્ષણને નિરૂપી દેવાની ત્રેવડ , સૂચિત પાત્રોનો અત્યંત માર્મિક અને કલાત્મક ઉપયોગ કરવાની કલા દ્રષ્ટિ અને જીવનનું તટસ્થ વાસ્તવ દર્શન કરવા જેટલી સમતા– આ બધા લક્ષણોને કારણે શ્રી ઉમાશંકર નાં એકાંકીઓ આપણા સાહિત્ય માં અત્યંત નોંધપાત્ર બન્યા છે . વિષય અને રજૂઆત ઉભય દ્રષ્ટિએ એમનાં એકાંકીઓ અપૂર્વ બની રહે છે અને તેથી એકાંકીનાં કલાપ્રકારો ખીલવાંમાં શ્રી . જયંતીલાલા જેવો જ મૂલ્યવાન ફાળો શ્રી . ઉમાશંકર જોશીનો પણ છે .
✓ નવલિકા અને નવલકથા ક્ષેત્રે : બહુવિધ પ્રતિભા ધરાવતા શ્રી. ઉમાશંકરે નવલિકા અને નવલકથાનાં ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે . શ્રાવણી મેળો " , " ત્રણ અર્ધ બે ને બીજી વાતો " , " અંતરાય " - એ એમનાં લોકપ્રિય નિવડેલા નવલિકા સંગ્રહો છે . નવલિકાને યોગ્ય માર્મિક ક્ષણને પકડવાની ત્રેવડ અને કાવ્યમય ચોટદાર આલેખન આ બે એમની નવલિકાઓનાં મહત્વનાં લક્ષણો છે . મર્યાદીત પણ સમૃદ્ધ સર્જન દ્વારા ઉમાશંકરે એમનાં માં રહેલા સમર્થ વાર્તાકાર નો પરિચય ગુજરાતને પોતાનાં આ વાર્તાસંગ્રહો દ્વારા કરાવ્યો છે . એમણે ' પારકા જણ્યા " નામની નવલકથા પણ સર્જી છે અને એ રીતે કથા સાહિત્યને પોતાની પ્રતિભા ને અલ્પ પણ મૂલ્યવાન સ્પર્શ કરાવ્યો છે . અલબતુ , શ્રી. ઉમાશંકર પ્રમુખ તથા કવિ હોઇ , કાવ્ય સર્જન ની સરખામણીમાં કથા સાહિત્યનું સર્જન આછું પાતળું રહ્યું છે . છતા એમણે જે કાંઇ કથાસાહિત્ય સજર્યુ છે તે પ્રતિભાવંત સર્જન તરીકે નોંઘપાત્ર બન્યું જ છે.
✓ ઉમાશંકર – વિવેચક અને સંશોઘનકાર તરીકેઃ શ્રી. ઉમાશંકર કેવળ પ્રતિભાશીલ કલાકાર જ નથી , ખૂબ ઊંચી કોટીનાં વિદ્વાન અને ખંતીલા સંશોઘનકાર પણ છે . એમનાં તેજસ્વી વિવેચનો અને સંશોધનોએ ગુજરાતી સાહિત્યમાં બહુમૂલ્ય ઉમેરો કર્યો છે . આચાર્ય આનંદશંકર ધ્રુવ , નરસિંહરાવ દિવેટિવા , બળવંતરાય ઠાકોર આદિ સાક્ષરો ની તેજસ્વી વિવેચન પરંપરાને એમણે એવી જ ઉજજવળ રીતે આગળ વધારી છે . અને " ગુજરાતી સાક્ષરત્વ " નું નામ કેવળ ગુજરાત માંજ નહિ , દેશ પરદેશમાં ઉજાળ્યું છે .. " સયસંવેદન " , " સ્વરૂપ અને શૈલી ' , જેવા અનેક વિવેચનસંગ્રહો દ્વારા એમણે આપણા સિદ્ધ અને સર્જાતા જતા એમ બંને પ્રકારનાં સાહિત્યની તાત્ત્વિક આલોચના કરી છે . સાહિત્ય વિવેચનનાં પાયાનાં પ્રશ્નો લઈને એમણે શુદ્ધ સિદ્ધાંતનિષ્ઠ વિવેચનો પણ કર્યા છે . અને એ રીતે " સાહિત્ય પદાર્થ " વિષેની આપણી વિભાવનાને એમણે નવેસરથી પરિમાર્જિત કરી આપી છે . સર્જન ની અટપટી પ્રક્રિયાને પામવા – સમજવાનો સંનિષ્ઠ પ્રયત્ન , ઊંડી તત્ત્વદર્શી દેષ્ટિ , યુરોપ અમેરીકાનાં સાંપ્રત વિવેચન પ્રવાહનો ધનિષ્ઠ સંપર્ક અને બહોળું સાતત્યપૂર્ણ પરિશિલન – આ બધાને કારણે શ્રી. ઉમાશંકર ગાંધીયુગનાં ઉત્તમ અને અગ્રણી વિવેચક તરીકે પંકાયા છે . સંશોધન પણ એમનું પ્રિય ક્ષેત્ર બની રહ્યું છે . '' અખો- એક અધ્યયન " નામનો એમનો અભ્યાસગ્રંથ આપણા સાહિત્યનો ગૌરવગ્રંથ ગણાય તેવો સત્ત્વશીલ અને સમૃદ્ધ છે . પ્રેમાનંદનાં દશમસ્કંધ નું એમણે કરેલું સંપાદન પણ એવુંજ સત્ત્વશીલ છે . આ ઉપરાંત , એમણે " ઉત્તર રામચરિત ' જેવા સંસ્કૃત નાટકોનો સમશ્લોકી અને સમર્થ અનુવાદ પણ ગુજરાત ને આપ્યો છે .
✓ સમગ્ર મૂલ્યાંકન : આમ શ્રી. ઉમાશંકર જોશીની સાહિત્યસેવા અનેકવિધ અને અત્યંતસત્ત્વશીલ છે . ગાંધીયુગની સમસ્ત સાહિત્યસાધનાનાં એ કર્ણધાર બની રહ્યા છે . અને એ રીતે એમણે આપણાં સાંપ્રત સાહિત્યને ઘડવામાં – દોરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે . ઉમાશંકર એટલે અર્વાચીન ગુજરાતનાં ઉત્તમ સારસ્વત અને મૂર્ધન્ય સાહિત્યકાર એમ કહેવામાં ભાગ્યેવ કશી અતિશયોકિત ગણાય .
0 ટિપ્પણીઓ