✓ બોલી અને માન્ય ભાષા વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો .


     કોઈપણ ભાષાસમાજમાં બોલાતી ભાષાનું સ્વરૂપ એકસરખું જોવા મળતું નથી , બલ્ક ભાષા અનેક સ્વરૂપે સાંભળવા મળે છે , સામાન્ય ભાષા એક હોવા છતાં આ ભાષાસમાજમાં જુદી જુદી જગ્યાએ ફરીને સાંભળનારને એમ તો જરૂર લાગવાનું છે કે , ઠેકાણે ઠેકાણે એની એ જ ભાષા જુદી જુદી રીતે સાંભળવા મળે છે . રાજકોટમાં અને અમદાવાદમાં ગુજરાતી ભાષા જુદી જુદી રીતે બોલવામાં આવે છે ; એવી જ રીતે અમદાવાદ અને સુરતમાં પણ ગુજરાતી ભાષા જુદી રીતે બોલાય છે . કયાંક ઉચ્ચારણ જુદું હોય છે , જેમકે , એક ઠેકાણે ' ભીંત ' શબ્દ બોલાતો હોય તો બીજે ઠેકાણે એ જ શબ્દ ' ભૈત ' રૂપે સાંભળવા મળતો હોય છે ; એ જ પ્રમાણે પાણી અને પોંણી , છે – હે ; તો કયાંક વળી એક જ અર્થ માટે શબ્દો જુદા જુદા વપરાતા હોય ; જેમકે , સેંથો - પાંથી , સુખડી – ગોળપાપડી ઈત્યાદિ . આમ છતાં આ બધું એક જ ભાષાસમાજમાં સમાઈ જાય છે . ભાષાસમાજમાં બીજા પણ ભાષાભેદો સંભવી શકે છે ; જેમકે , કોર્ટમાં બોલાતી ગુજરાતી અને રેલવે કામદારની ગુજરાતી ; વર્ગખંડોમાં બોલાતી ગુજરાતી અને સામાન્ય વાતચીતમાં પ્રયોજાતી ગુજરાતી ; કામદારો , વસવાયા વગેરે પોતપોતાના ધંધાની બોલી બોલતા હોય ત્યારે એકબીજાને સમજવા મુશ્કેલ છે . છતાં બંને એક જ ભાષાસમાજમાં સમાઈ જાય છે . ભાષા એ તો સમાજમાં જ વિકસે છે . અર્થાત ભાષાનો સઘળો આધાર સામાજિક વ્યવહાર ઉપર હોય છે . ભાષકોના જુદા જુદા વર્ગો વચ્ચે સામાજિક વ્યવહાર જેટલો ઘનિષ્ઠ હશે તેટલી તેમની ભાષાનું સ્વરૂપ એકરૂપતાવાળું જોવા મળશે ; સામાજિક વ્યવહારની ઘનિષ્ઠતા જો ઓછી હશે તો તેમની વચ્ચે ભાષાભેદ રહેવાનો . ભાષા જયારે મોટા વિસ્તારમાં બોલાતી હોય ત્યારે કેટલેક સ્થળે સામાજિક વ્યવહારની ઘનિષ્ઠતા એકસરખી રહેતી નથી . પરિણામે બોલીઓની શક્યતા રહેવાની જ . બીજા શબ્દોમાં કહીએ તો , ભાષાસમાજ એ તો ભરત ભરેલી ચાદર જેવો છે . દરેક જગ્યાએ ભાત જુદી જુદી દેખાય , પણ સમગ્ર છાપ જોતાં એક જ આકાર ઊઠે . આ જુદી જુદી ભાત તે બોલી અને એક આકાર તે અસંખ્ય ભેદોને આવરી લેતી ભાષા . 

    બોલી અને માન્ય ભાષાનો સંબંધ : –ઉપર દર્શાવેલ બાબતો ઉપરથી એમ માની લેવાની જરૂર નથી કે બોલી એ પછાત લોકોની ભાષા છે ; ભાષાનું બગડેલું કે વિકૃત સ્વરૂપ છે . માન્ય ભાષા બોલે તે શિષ્ટ અને બોલી બોલે તે અશિષ્ટ એવું માનવાની જરૂર નથી . વસ્તુતઃ બોલી અને માન્ય ભાષા વચ્ચે કોઈ મૂળભૂત , તાત્વિક તફાવત નથી . બંને માણસની એક સમાજિક પ્રવૃત્તિ - પરસ્પર વ્યવહારનાં ક્રમિક પગથિયાં છે . ડો . પ્રબોધ પંડિતના મત મુજબ ' માન્ય ભાષા ' એટલે ભાષા સમાજમાં સામાન્ય વ્યવહાર માટે , લખવા - વાંચવામાં વપરાતી ભાષા , રાજયવહીવટમાં , શિક્ષણમાં અને શિષ્ટોમાં વપરાતી ભાષા . બોલી અને ભાષામાં મુખ્ય તફાવત એ છે કે – ( 1 ) માન્ય ભાષા શિષ્ટોમાં , સાહિત્યમાં અને શિક્ષણ તથા વહીવટમાં પ્રયોજાય છે . ( 2 ) બોલી પોતાના  જન્મસ્થાનનાં લક્ષણો જાળવી રાખે છે અને એમાં જ એનું પ્રાણતત્વ સમાયેલું છે , બોલી પોતાનાં લક્ષણોને છોડે એટલે તે બોલી મટી જાય છે . ( ૩ ) માન્ય ભાષા આખરે . તો કોઈક બોલીનું જ વિકસિત સ્વરૂપ છે . તે અનેકોની જીભે અને કાને ચડીને એક અનોખું ધ્વનિસ્વરૂપ ધારણ કરે છે . એ સ્વરૂપ સંપૂર્ણતઃ કોઈક બોલીને મળતું ન આવતું હોય છતાં એમાં અનેક બોલીઓનાં તત્વો સમાઈ જતા હોય છે . તેથી માન્ય ભાષાની ટૂંકી સમજણ આપતાં કહી શકાય કે , આખા ભાષાભાષી સમાજના કોઈપણ એક ભૌગોલિક ઘટકની ભાષા સાથે એ સમરેખ નથી .

     જો કે આનો અર્થ એવો નથી કે માન્ય ભાષા અને બોલી વચ્ચે કશો સંબંધ નથી . ખરી રીતે તો , માન્ય ભાષાના મૂળમાં તો કોઈ એક બોલી જ રહેલી હોય છે , પરંતુ કોઈ રાજકીય અથવા ઐતિહાસિક એવા આકસ્મિક કારણોને લઈને સમગ્ર ભાષાસમાજમાં એ તળપદી બોલી બહુમાન પામે છે ત્યારે શિષ્ટ લોકો વ્યવહારમાં તેનો જ ઉપયોગ કરવા માંડે છે ; સાહિત્ય પણ એમાં જ રચાવા માંડે છે . આમ , બોલીની મહત્તા વધવાથી એ માન્ય ભાષા બનવા તરફ ગતિ કરે છે . આખરે માન્ય ભાષાને તો સર્વગમ્ય બનવાનું છે , તેથી કોઈ એક જ પ્રદેશમાં એનો અર્થાવબોધ સીમિત થઈ શકે નહિ . આથી માન્ય ભાષા થનારી તળપદી બોલી અનેક બોલીઓ માંથી ભાષા ભંગીઓ ને સ્વીકારતી પોતાની ક્ષમતા વધારે છે અને આખરે એ સાહિત્યસ્વરૂપ પામે છે .

     બોલીમાં વ્યકિતત્વ જાળવવાનો પ્રયત્ન છે , ભાષામાં સામાજિક વ્યવહારની વિશાળતા સર્વગમ્યતા જાળવવાનો પ્રયત્ન છે . આવી માન્ય ભાષા આખરે તો પોતાના જમાનામાં એક આદર્શ ભાષાસ્વરૂપ છે . ( The standard language is an ideal at all - stages of its existence ) . સૌ કોઈ આવા આદર્શને પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે . આ આદર્શની નજીકમાં નજીક મધ્યમ વર્ગના ભણેલા લોકો હોય છે . સૌ કોઈ તળપદી લક્ષણો મૂકી દઈને આદર્શ ભાષા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે . ટૂંકમાં , દરેક શિષ્ટ જન આ માન્ય ભાષા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.

    બોલીમાંથી જ માન્ય ભાષાઓ ઉદય થાય છે . પણ તેમાં ઐતિહાસિક અથવા સાંસ્કૃતિક કારણો જ રહેલાં હોય છે . કોઈક ઐતિહાસિક અથવા સાંસ્કૃતિક કારણને લીધે એ બોલીપદેશની , એ બોલી બોલનારા લોકોની મહત્તા વધવાથી તેમની બોલીની મહત્તા વધે છે અને એ પ્રજા આગળ વધે તો બોલી પણ આગળ વધીને ' માન્ય ભાષા ' બને છે . બોલી માત્રમાં માન્ય ભાષા બનવાની ક્ષમતા હોય છે . કોઈક ઐતિહાસિક અકસ્માતથી જ એક બોલી માન્ય ભાષા બને છે . તેથી કહી શકાય કે બોલીમાંથી માન્ય ભાષાનો ઉદય બિનભાષાકીય તત્વો non - linguistic factors – ઉપર આધાર રાખે છે . માન્ય ભાષા અનેક બોલીઓથી પોષાયેલી હોવાથી બોલીઓ કરતાં માન્ય ભાષા ચડિયાતી છે એવી માન્યતા જ ભ્રામક છે .

માન્ય ભાષા શિષ્ટ લોકો અને સાહિત્ય ઉપર આધાર રાખે છે . સાહિત્ય અને સહકારથી એ ટકી રહે છે . સાહિત્યા એને જાળવે છે અને સહકાર એમાં નવા તત્વો ઉમેરી ગતિ પ્રેરે છે . પરંતુ સાહિત્યમાં વપરાવાથી ધીરે ધીરે ભાષાની ગતિ બોલચાલની અપેક્ષાએ ઘટતી જાય છે . આખરે માન્ય ભાષા અને ભાષાની ગતિ બોલચાલની બોલીઓમાં અંતર વધી જવાથી સાહિત્યની ભાષા સ્થિર થઈ જાય છે ; પરિણામે એ સાહિત્યમાં જ રહે છે અને કોઈ બીજી બોલી માન્ય ભાષાની જગ્યા લે છે . કોઈ પણ ભાષાનો ઈતિહાસ તપાસીશું તો આવો ક્રમ જોવા મળશે .