✓  ભાષાની વ્યાખ્યા આપી તેની વિશ્લેષણાત્મક ચર્ચા કરો .

 ભાષા આપણા જીવન સાથે વણાઈને એટલી બધી- ઓતપ્રોત થઈ ગઈ છે કે જીવનથી પૃથક બળ તરીકે તેને આપણે ઓળખતાં જ નથી . પરિણામે ભાષા વિશે આપણે વિચારતા તો નથી , પણ ભાષા કોને કહેવી એ વિશે આપણી પાસે ચોક્કસ ખ્યાલ પણ હોતો નથી . શિક્ષિત લોકો પણ ઘણીવાર ભાષા અંગેના સાદા પ્રશ્નોના ઉત્તર આપી શકતા નથી , કારણ કે મોટા ભાગનાં લોકોને મન ભાષા એ સૂક્ષ્મ અને વિવેચનાત્મક અધ્યયનનો વિષય નહિં , પણ ઉપયોગ માટેનું એક સાધન છે . એચ . એ . ગ્લીસને ( H. A. Gleason , Jr ) યોગ્ય કહ્યું છે કે – Language deserves careful and intelligent study - ભાષાનો અભ્યાસ કાળજી અને સમજપૂર્વક થવો જોઈએ . ભાષા માનવજીવન અને માનસસંસ્કૃતિ સાથે એટલી ઘનિષ્ઠપણે વણાઈ ગઈ છે કે તેના વિના માનવ સંસ્કૃતિ ની કલ્પના કરવી જ અશકય લાગે છે . મનુષ્ય જે વિવિધ શોધ કરી છે તેમાં સર્વોત્તમ અને વિશિષ્ટ શોધ ભાષાની છે . એથી જ ' ભાષા ' વિશે જાણવું એ અત્યંત મહત્વની બાબત છે . ભાષા એટલે શું ? અથવા ભાષા કોને કહેવી ? ભાષા શેની બનેલી છે ? ભાષા કઈ કઈ કામગીરી કેવી રીતે બજાવે છે ? આ બધી વિગત જાણવા માટે ભાષાનો વૈજ્ઞાનિક દૃષ્ટિથી અભ્યાસ થવા જરૂરી છે.

વ્યાપક અર્થમાં ભાષા અભિવ્યકિત અથવા અવગમનનો અર્થ આપે છે . પરંતુ મર્યાદિત અર્થમાં જોતાં મનુષ્યનાં બોલવાને ભાષા ગણવામાં આવે છે . સંસ્કૃત માં " ભાષ " ( બોલવું ) ધાતુમાંથી ' ભાષા ' શબ્દ આવ્યો છે . ' વ્યકત વાણી ' તરીકે ભાષ ધાતુને ઓળખવામાં આવે છે . ' વ્યકત વાણી ' એટલે સ્પષ્ટ અને પૂર્ણ અભિવ્યંજના . ઉચ્ચારિત ભાષા દ્વારા જ તે સંભવે છે , કારણ કે તેમાં અનંત અર્થબોધના ધ્વનિસંકેતો સમાયેલા હોય છે . એથી જ ' ભાષા ' શબ્દપ્રયોગ મનુષ્યની વાચિક ભાષાને માટે જ સુસંગત છે . ભાષાવિજ્ઞાનીઓએ આ વિશે કરેલી વિચારણાને જોઈએ .

 ભાષાની વ્યાખ્યા – ' ભાષા એ માનવવ્યવહારોનું સાધન છે . એમ કહેવું એ તો ઉપલક્રિયા અને અશાસ્ત્રીય વ્યાખ્યા થઈ કહેવાય . અલબત , માનવવ્યવહાર ભાષા દ્વારા થાય છે. પરંતુ ભાષા ઉપરાંત અન્ય સાધનો દ્વારા માણસો વ્યવહાર સાધી શકે છે . ભાષા તો માનવબહાર માટેનાં અનેક સાધનોમાંનું એક સાધન છે . આ તો ભાષાની ઉપયોગિતા થઈ , વ્યાખ્યા નહિ . ભાષાવિજ્ઞાનીઓએ ભાષાની વ્યાખ્યા અંગે કરેલા વિચારો નીચે મુજબ છે . 

( 1 ) એડવર્ડ સપિ૨ ( Edward Sapir ) ભાષા વિશે સમજાવતાં કહે છે : ' ભાષા એ માનવીએ કેવળ અંત : પ્રેરણાથી નહિ , પણ સ્વપ્રયત્ન સિદ્ધ કરેલી , પોતાના વિચારો , લાગણીઓ અને ઈચ્છાઓ વ્યકત કરવાને સ્વેચ્છાપૂર્વક યોજેલા ધ્વનિસંકેતોની વ્યવસ્થા છે . " વિશેષ સ્પષ્ટતા કરતાં સેમિરે કહ્યું છે કે , " સંક્રમણક્ષમ વિચારો અને લાગણીઓની અભિવ્યકિત માટેની ધ્વનિસંજ્ઞાઓની મૂળભૂત વ્યવસ્થાને ભાષા કહેવાય . " 

( 2 ) જે . બી . કેરોલ ( Hohn B , Carroll ) ભાષા વિશે સમજાવતાં લખે છે કે , " ભાષા યાદેચ્છિક વાચિક ધ્વનિઓ અને ધ્વનિશ્રેણીઓની એક સંઘટનાયુકત વ્યવસ્થા છે , જે માનવ - વ્યકિતઓના કોઈ જૂથ દ્વારા પારસ્પરિક સંદેશા - વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે . કે લઈ શકાય છે અને જે માનવ ” પરિવેશમાં જોવા મળતા પદાર્થોને બનાવો અને પ્રક્રિયાઓને લગભગ પૂર્ણપણે નોંધી આપે છે . " 

( 3 ) રોબર્ટ એ . હોલ ( Robert A. Hall ) ભાષાની વ્યાખ્યા કરતાં કહે છે કે , " ભાષાઓ એટલે યાદેચ્છિક સંકેતપદ્ધતિ દ્વારા સંદેશા - વ્યવહાર કરવાની , માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય - શ્રાવ્ય ટેવોની વ્યવસ્થાઓ . " 

( 4 ) પ્રોફેસર એડગર એચ. ( Edgar H. Sturtevant ) ભાષાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે , " ભાષા યાદેચ્છિક ધ્વનિ – સંજ્ઞાઓની વ્યવસ્થા છે , જેના વડે કોઈપણ એક સામાજિક જૂથના સભયો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે . " 

આ બધી વ્યાખ્યાઓ ( ખાસ કરીને Stutvent ની વ્યાખ્યા ) નું પૃથક્કરણ કરી તારણ કાઢતાં તેને આ પ્રમાણે વિભકત કરી શકાય :

( ૧ ) ભાષા સંજ્ઞાઓની બનેલી છે . 

( ૨ ) આ સંજ્ઞાઓ ધ્વનિરૂપ છે . 

( ૩ ) આ સંજ્ઞાઓ યાદેચ્છિક છે .

( ૪ ) ભાષા આવી સંજ્ઞાઓની વ્યવસ્થા છે . 

ભાષા દ્વારા માનવસમાજ પરસ્પર વ્યવહાર કરે છે . અને સહકાર સાધે છે . 

 ભાષા સંજ્ઞાઓની બનેલી છે . - ચર્ચો . 

      જે કોઈ પદાર્થ કે બાબત વિશે આપણે વાત કરતા હોઈએ તે દરેકને પ્રત્યક્ષ લાવતા નથી , લાવી શકીએ નહિ . તે પદાર્થો કે બાબતોને સંકેતો , સંજ્ઞાઓ કે પ્રતીકો દ્વારા દર્શાવીએ છીએ . જેમકે , તાજમહેલ કે કુતુબમિનાર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેને ઉપાડીને વાતચીતના સ્થળે રજૂ કરી શકતા નથી , પરંતુ તેને મુકરર થયેલ પ્રતીકો અથવા ધ્વનિ – સંજ્ઞાઓ દ્વારા દર્શાવીએ છીએ. 

      વસ્તુ નાં સૂચન માટે અનેક પ્રકારની સંજ્ઞાઓ હોઈ શકે . સંજ્ઞાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની સંભવી શકે છે ; 

( ૧ ) પદાર્થના જેવી જન્મમૂળ વસ્તુને તદ્રુપ - સંશા , ઉદા . પદાર્થનું ચિત્ર , મૂર્તિ , ફોટો , મોડેલ વગેરે . 

( ૨ ) થોડે ઘણે અંશે મૂળ વસ્તુને મળતી આવતી હોય અથવા તો મૂળ વસ્તુને માત્ર સૂચવતી હોય એવી સંજ્ઞાઓ , ઉદા . શાળાની નજીક રસ્તા ઉપરના બોર્ડમાં ખભે દફતર ભરાવીને દોડતા નિશાળે જતા છોકરાનું ચિત્ર નજીકમાં શાળા હોવાથી વાહન ધીમે ચલાવવાનું સૂચવે છે . રેલવે ફાટક પાસે એન્જિનનું ચિત્ર અકસ્માત નિવારવા માટે વાહન જોઈ અ સંભાળને ચલાવવાનું સૂચવે છે . આવી સંજ્ઞાઓને મૂળ પદાર્થ કે વિષય સાથે થોડું સામ્ય હોય છે .

( ૩ ) ત્રીજા પ્રકારની સંજ્ઞામાં મૂળ પદાર્થ સાથે સંજ્ઞાને કંઈ જ સામ્ય હોતું નથી ; માત્ર પરસ્પર સમજૂતીથી જ નક્કી કરવામાં આવે છે કે અમૂક સંજ્ઞા હોય તો આમ સમજવું .

( ૪ )  ભાષા આ ત્રીજા પ્રકારની સંજ્ઞાઓની બનેલી છે . આ સંજ્ઞાઓ ને પદાર્થ સાથે કોઈ આંતરિક સંબંધ નથી . ઉદા . ' ઝાડ ' શબ્દની સંજ્ઞા ' ઝા ' અને ' ડ ' ને થડ , ડાળી કે પાંદડા સાથે કશો જ સંબંધ નથી . માત્ર પરસ્પર સમજૂતીથી કે યાદેચ્છિક રીતે તે નક્કી થયેલી હોય છે . 

 ભાષાની સંજ્ઞાઓ ધ્વનિરૂપ છે – ચર્ચો . 

      ધ્વનિરૂપ એટલે જેનું વહન અવાજ દ્વારા થાય છે તે . ભાષાના સંકેતો ધ્વનિ દ્વારા વ્યકત કરાય છે . પરંતુ આ ધ્વનિ ગમે તે પ્રકારનો નહિ , વાચિક ધ્વનિ જ હોવો જોઈએ . ધ્વનિઓ તો અનંત છે , પણ મનુષ્યના મુખેથી ઉચ્ચારાયેલો ધ્વનિ જ ભાષા માટે કામનો છે . જો કે કેટલાક ધ્વનિઓ આપણું ધ્યાન જરૂર ખેંચી શકે છે . ઉદા . ખોંખારાનો ધ્વનિ મનુષ્ય દ્વારા ઉચ્ચારિત હોવા છતાં ભાષાના વાચિક ધ્વનિઓમાં તેનું સ્થાન ન હોવાથી ભાષાના ધ્વનિ તરીકે તેનો સ્વીકાર થતો નથી , ચપટી વગાડવી , તાળી પાડવી વગેરેમાં ધ્વનિ છે , પરંતુ તે વાચિક ધ્વનિ નથી . આવા તો અનેક ધ્વનિઓ હોઈ શકે છે , પરંતુ મનુષ્યના મુખમાંથી ઉત્પન્ન થયેલા ન હોવાથી તેને વાચિક ધ્વનિ કહેતા નથી અને તેથી તેને ભાષાના ધ્વનિ પણ કહેતા નથી . 

વળી વ્યવહારની બધી જ સંજ્ઞાઓ ધ્વનિરૂપ હોતી નથી . ચિત્ર પદાર્થ સાથે સંબંધ ધરાવે છે , અર્થબોધ કરાવે છે , પણ એમાં ધ્વનિ નથી . ' પગ ' શબ્દ લખેલો હોય તો અભણ માણસને તે અર્થબોધ કરાવી શકતો નથી . તેના અર્થબોધ માટે લિપિનું જ્ઞાન આવશ્યક બને છે . જો કે ભાષાનું શિક્ષણ લિપિના આધાર વગર પણ હોઈ શકે છે . બાળક પહેલાં ભાષા શીખે છે અને પછી લિપિ શીખે છે . અભણ માણસ લિપિ જાણ્યા સિવાય પણ ભાષા સારી રીતે બોલી શકે છે , સમજી શકે છે . આમ ધ્વનિ એ ભાષાની આવશ્યક ઘટના છે , લિપિ નહિ . આથી ભાષાના સંકેતો ધ્વનિમય હોવા જોઈએ . ટૂંકમાં , આપણો વાવ્યહાર સમગ્રપણે ધ્વનિસંજ્ઞાઓ પર આધારિત છે . 

  ભાષાની સંજ્ઞાઓ યાદેચ્છિક છે.  - ચર્ચો.

     ભાષા ની સંજ્ઞાઓ સ્વૈચ્છિક છે . ભાષાની કોઈપણ સંજ્ઞાને પદાર્થ સાથે આંતરિક સંબંધ નથી ; માત્ર સમાજની વ્યવસ્થા ખાતર પારસ્પરિક યદચ્છાથી નક્કી કરવામાં આવે છે . ' ઝાડ ' શબ્દમાં ' ઝા ' અને ' ડ ' ધ્વનિઓને ડાળા , પાંદડાં કે થડમૂળ સાથે કંઈ જ લેવાદેવા નથી . માત્ર વ્યવહારથી જ એ નક્કી થાય છે કે ' ઝાડે ' બોલવાથી અમુક વનસ્પતિ સમજવી . ' ઘોડો ' એ ચારપગું અને સવારી કરવા માટેનું એક પ્રાણી છે , પણ એને ' ઘોડો ' જ શા માટે કહેવો ? ' ભેંસ ' કે અન્ય નામ કેમ નહિ ? તે માટે આપણી પાસે કશું કારણ નથી . એ પ્રાણીમાં એવું કશું જ અંતર્ગત નથી જેને કારણે આપણે તેને ' ઘોડો ' કહેવો પડે . એ તો એક યદચ્છા માત્ર જ છે . 

    જે વાત નામને લાગુ પાડે છે તે જ વાત ક્રિયાપદો , વિશેષણો , ક્રિયાવિશેષણો ઈત્યાદિ સર્વ પદોને લાગુ પડે છે . ' હોવું ' ના અર્થમાં " અસ્તિ " કે ' છે ' ક્રિયાપદ જ શા માટે વાપરવું ? એને માટે બીજું કંઈ પણ કેમ ન ચાલે ? સફેદ , લાલ , પીળો કે લીલો વગેરે પદાર્થમાં એવું કશું નથી જેને લીધે આપણે તેને માટે એ જ શબ્દ વાપરવો પડે . બીજો કોઈ શબ્દ પણ એટલી જ સારી રીતે કામ આપી શકત . તેવી જ રીતે ' ગરમ ' ને સ્થાને ' ઠંડું ' સંકેત પણ ચાલી શકે , જો સમાજે એ સંકેત માન્ય કર્યો હોત તો ? 

    આ આપણે પહેલેથી નિયત વ્યવસ્થા છે અને આપણા ચિત્તમાં સજડપણે ઠસાવી દેવામાં આવે છે . કોઈ પણ શબ્દના ધ્વનિઓને અર્થ સાથે કશો જ સહજ કે જન્મજાત સંબંધ નથી . એ તો કોઈ પરંપરાને કારણે માની લેવામાં આવે છે . જો આ સંબંધ જન્મજાતે કે સ્વાભાવિક હોત તો એક જ વસ્તુ , ભાષા કે વિચારને માટે ભિન્ન ભિન્ન ભાષાઓમાં જુદા જુદા શબ્દો મળે છે – ઉદા . પાણી , પય , જલ , Water વ. તેને બદલે એક જ શબ્દ હોત .

    અનુકરણ બતાવતા ધ્વન્યાત્મક શબ્દો તડતડ , ફડફડ , હડહડ , ઝણઝણ –ને તેના અર્થ સાથે સબંધ હોય છે , પરંતુ આ સંબંધ માનવામાં આવે છે એટલો ગાઢ કે પૂર્ણ નથી . જો આ સંબંધ પૂર્ણ હોત તો તમામ ભાષાઓમાં આવા ધ્વનિઓ તડતડ , ફડફડ ઈત્યાદિ અર્થ જ આપત . ધ્વનિ અને અર્થનો સહજાત સંબંધ હોત તો કૂતરાના ભસવાનો અર્થ આપનાર શબ્દો બધી જ ભાષાઓમાં એક જ હોત , તેને બદલે હિન્દીમાં ભભ અંગ્રેજીમાં Bow - Bow ફેન્ચમાં ગફ- ગફ , ગુજરાતીમાં 'ભસ'તથા તામિલમાં કોલ – કોલ જેવા શબ્દો છે . આ હકીકત બતાવે છે કે અનુકરણાત્મક કે ધ્વન્યાત્મક શબ્દોને તેના અર્થ સાથે પૂર્ણ કે વ્યવસ્થિત સંબંધ નથી.જો આ સંજ્ઞાઓ યાદેચ્છિક ન હોત તો વિશ્ર્વની બધી જ ભાષાઓ એકસરખી હોત.

    આમ , ભાષાની ધ્વનિમૂલક સંજ્ઞાઓ યાદેચ્છિક છે . સમાજમાં વ્યવહાર કરવા માટે એક વખત એ સંજ્ઞાઓ માન્ય થઈ એટલે તેને જ વાપરવી પડે છે . ' યાદેચ્છિક'નો અર્થ એવો નહિ કે સંજ્ઞાઓને દરેક વ્યક્તિ મરજી મુજબ વાપરી શકે . એ સંજ્ઞાઓ વ્યવહાર માટે સમાજ દ્વારા યાદેચ્છિક રીતે માન્ય થયા પછી વ્યકિતને ફેરફાર કરવાનો અધિકાર રહેતો નથી.

  ભાષા આવી સંજ્ઞાઓની વ્યવસ્થા છે : 

    ધ્વનિ એ ભાષાની આવશ્યક ઘટના છે . અનેક પ્રકારના ધ્વનિઓમાંથી પરિમિત ધ્વનિ સંકેતો ને શોધી કાઢીએ છીએ . ભાષા આવી ધ્વનિમૂલક સંજ્ઞાઓની વ્યવસ્થા છે . ભાષાની સંજ્ઞાઓ અત્યંત પરિમિત હોવા છતાં એને વ્યવસ્થામાં સાંકળવાથી આપણે વિવિધ અર્થો મેળવી શકીએ છીએ . ભાષાની સંજ્ઞાઓ સ્વતઃ કશો અર્થ ધરાવતી નથી , પરંતુ તેને ચોક્કસ વ્યવસ્થામાં જોડવાથી – વ્યાકરણ પ્રમાણે રૂપોમાં , ક્રમાનુસાર ગોઠવવામાં આવે ત્યારે જ અર્થ સમજાય છે . ભાષાના ધ્વનિસંકેતો જાતે અર્થથી મુક્ત હોવાથી તેને જુદા જુદા સંદર્ભમાં મૂકવાથી જુદો જુદો અર્થ લઈ શકાય છે . ઉદા . ' પ ' સંજ્ઞા કે ' ગ ’ સંજ્ઞાનો જાતે કશો જ અર્થ નથી ; પરંતુ સંજોગ પ્રમાણે તેને ગોઠવવાથી જુદો અર્થ આપે છે . જેમ કે ' પગ ' અને ' ગપ ' બંનેના અર્થ જુદા જુદા છે . દરેક ભાષાને પોતાની આગવી વ્યવસ્થા હોય છે . 

    માનવ ભાષાનું આ લક્ષણ પ્રાણીઓના અવાજોથી તદન ભિન્ન છે . પ્રાણીઓની સંજ્ઞાઓ લાગણી મૂલક હોવાથી અર્થ સાથે જ બહાર પડે છે . પરિણામે એના વિકાસની કોઈ શકયતા નથી . એ અવાજોની કોઈ વ્યવસ્થા થઈ શકે નહિ . મનુષ્યની ભાષાનો ધ્વનિસંકેત જાતે અર્થથી મુકત હોવાથી તેનાં મિશ્રણનાં આવર્તનથી નવો અર્થ ઉપજાવી શકાય છે . ઉદા . ' કમલ ' , ' કલમ ' , ' મલક ' ઈત્યાદિ . અહીં ધ્વનિસંકેતોને જુદા જુદા ક્રમમાં ગોઠવવાથી દરેક વખતે નવો અર્થ મળે છે .

     આ રીતે ભાષામાં પરિમિત ઘટકોની મદદથી વિકાસની અપરિમેય દશા સાધી શકીએ છીએ . કોઈ નવીન પરિસ્થિતિનો સામનો કરવો હોય તો એ જ ધ્વનિઘટકોને અપરિમેય બનાવીને કરી શકાય છે . આ રીતે આપણા પરિમિત ધ્વનિસંકેતો પરસ્પર અમુક ચોક્કસ વ્યવસ્થાથી જોડાય છે એને અર્થબોધ કરે છે . આ વ્યવસ્થા એટલે ભાષા . 

ભાષા દ્વારા માનવસમાજ પરસ્પર વ્યવહાર કરે છે , સહકાર સાધે છે : 

    આ લક્ષણોમાં ભાષાના કાર્યક્ષેત્રની વાત રજૂ થાય છે . ભાષાનો ઉપયોગ માનવસમાજ કરે છે . માનવી વિચારશીલ પ્રાણી તરીકે સમાજમાં રહે છે , કયાંય એકલા રહેવું તેને પોસાતું નથી . સમૂહમાં રહેવાને કારણે તેને પોતાના વિચારો પ્રગટ કરવા માટે કોઈ સાધનની જરૂર પડે છે , પરસ્પર વ્યવહાર કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડે છે . ભાષાના ઉપયોગની જરૂર કોઈ એકલદોકલ માનવીને નહિ , પણ માનવસમૂહને પડે છે . તેથી પરસ્પર વ્યવહાર કરવા , પોતાનાં કાર્યો કરવા એકબીજાના સહકારની જરૂર રહે છે . આવો સહકાર સાધવા માટે માનવી ભાષાનો ઉપયોગ કરે છે . બ્લમફીલે સાચું seja " The devision of labour and with it the whole working of human society is due to language . " અર્થાત ' શ્રમનું વિભાજન અને તેની સાથે માનવ સમાજ નો સમગ્ર વ્યવહાર ભાષા વડે સિદ્ધ થયો છે . ' આ રીતે ભાષાના માધ્યમ વડે પરસ્પરનો સંપર્ક અને સહકાર સાધવાથી જ માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે . માનવી ભાષા જેવા સાધન વડે પોતાના વિચારોને પ્રગટ કરી શકે છે . જ્ઞાન વિજ્ઞાનના  કોઈ પણ ક્ષેત્રમાં ભાષા વિના વિકાસ સાધી શકાતો નથી . ભાષાના સાધનને કારણે જ માનવી અન્ય પ્રાણીઓ કરતાં જુદો અને ચડિયાતો સાબિત થયો છે .

 અન્ય લક્ષણો :

 ( 1 ) ભાષા પૈતૃક સંપત્તિ નથી : મનુષ્યને કુટુંબ તરફથી સ્થાવર કે જંગમ મિલકતનો વારસો મળે એમ ભાષા વારસામાં મળતી નથી . ભાષા અર્જિત સંપત્તિ છે . ભાષા શીખવી પડે છે . માનવી જે વાતાવરણમાં રહેતો હોય તેમાંથી ભાષા શીખે છે . સમાજ પાસેથી શીખે છે .

 ( 2 ) ભાષા અર્જિત સંપત્તિ નથી : ભાષાને સામાજિક વસ્તુ માનવામાં આવી છે , ભાષાનો વિકાસ સમાજમાં જ થાય છે , તેનું અર્જન સમાજ દ્વારા થાય છે અને તેનો વપરાશ પણ સમાજમાં જ થાય છે . માનવી સમાજ પાસેથી જ ભાષા શીખે છે , જે વાતાવરણમાં બાળક મોટું થાય છે તે વાતાવરણની ભાષા તે શીખે છે . ભાષા આસપાસના વાતાવરણ અને લોકો મારફત અર્જિત થાય છે , તેથી ભાષા અર્જિત સંપત્તિ છે .

 ( 3 ) અનુકરણ દ્વારા ભાષાનું સર્જન : ભાષા અનુકરણ દ્વારા પ્રાપ્ત થાય છે . બાળક સૌ પ્રથમ માતા પાસેથી ભાષા શીખવાનો પ્રારંભ કરે છે અને પછી ઉત્તરોત્તર તેનું શિક્ષણક્ષેત્ર વિસ્તૃત બનતું જાય છે . આપણા પૂર્વજો પાસેથી આપણે ભાષા શીખ્યા છીએ ; આપણી પાસેથી ભવિષ્યની પેઢી ભાષા શીખશે . આમ , અનુકરણથી ભાષાનું સર્જન થતું રહ્યું છે . 

( 4 ) ભાષા સમાજ સાપેક્ષ છે : ભાષાના ઉપયોગ તથા વિકાસને માટે સમાજની અપેક્ષા રહે છે . જો કોઈ પણ ભાષાસમાજ નષ્ટ થાય અથવા સમાજ બીજી ભાષાનો ઉપયોગ શરૂ કરે તો જૂની ભાષાનો વ્યવહાર બંધ થવાથી તેનો વિકાસ અટકી પડે અને સમય જતાં તે બોલાતી પણ બંધ થઈ જાય – સંસ્કૃત , પ્રાકૃત જેવી ભાષાઓનું થયું તેમ . તેથી જયાં સુધી સમાજ જીવંત હશે ત્યાં સુધી ભાષા જીવંત રહેશે .

 ( 5 )  ભાષા પરિવર્તનશીલ છેઃ – ઉચ્ચારણમાં જીવતી ભાષાને જ આપણી ભાષા તરીકે ઓળખીએ છીએ . ભાષા અનુકરણ પર આધારિત હોવાથી તેમાં પરિવર્તન આવવાનું જ . બે વ્યકિતની ભાષા બિલકુલ સમાન હોતી નથી . મનુષ્ય ગમે તેટલું અનુકરણ કરે , છતાં તે અનુકરણ પૂર્ણરૂપે થઈ શકતું નથી . મનુષ્યની શારીરિક - માનસિક સ્થિતિની ભિન્નતા તેના અનુકરણ – કાર્યમાં પણ વિભિન્નતા લાવે છે અને પરિણામે ભાષામાં પરિવર્તન આવે છે .

     વળી ઘસાતા જતા પ્રયોગો અને બાહ્ય પ્રભાવની અસરને કારણે પણ ભાષામાં પરિવર્તન આવે છે . પરિણામે જીવંત ભાષાનું કોઈ અંતિમ સ્વરૂપ હોતું નથી . તે બોલાતી બંધ થાય ત્યારે જ તેનું અંતિમ સ્વરૂપ નક્કી થાય , ત્યાં સુધી નહિ . પરિવર્તનશીલતામાં જ ભાષાની જીવંતતા રહેલી છે .