✓ સાહિત્યકલાની વિભાવના સ્પષ્ટ કરી તેને વિશેનાં ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોના મંતવ્યો વર્ણવો.

✓ સાહિત્યકલા એટલે શું ? ભિન્ન ભિન્ન વિવેચકોએ સાહિત્યની બાંધેલી વ્યાખ્યાઓને નજર સમક્ષ રાખી સાહિત્યકલાનાં સ્વરૂપનો પરિચય કરાવો.

✓ " સાહિત્ય એટલે પરિમિત માધ્યમને અપરિમિત શકયતાઓના પ્રતીક તરીકે પ્રયોજવાની કલા સાહિત્યકલાની વિશેષતાઓ વર્ણવો.

✓  ઉપાદાનની વિશેષતાઓને અનુલક્ષીને સાહિત્યકલાની લાક્ષણિકતાઓ દર્શાવો.




ભૂમિકા : મનુષ્ય પોતાની આસપાસની પ્રકૃતિમાં સૌદર્યો જુએ છે . વળી એ જીવનના જુદા જુદા અનુભવોમાંથી પસાર પણ થાય છે . આ બધાની તેના મનમાં એક ખાસ છાપ પડે છે . એ છાપ એના મનમાં જુદા જુદા ભાવ અને લાગણીઓ જન્માવે છે . કેટલ માણસો પોતાના મનના આવા ભાવો બીજા માણસો સમજી શકે તે રીતે પ્રગટ કરી શકે છે . એવા માણસોને કલાકાર કહેવામાં આવે છે . મનના ભાવને બહાર પ્રગટ કરવાની પ્રવૃતિને કલા કહેવાય . સ્થાપત્ય , શિલ્પ , સંગીત અને સાહિત્ય – એ ચારેય આવી કલાઓ છે . ભાવને વ્યકત કરવામાં – અભિવ્યકિત માટે વપરાતાં સાધનોની ભિન્નતાને કારણે કલાઓ એકબીજાથી જુદી પડે છે અને આગવું રૂપ ધરે છે . સાહિત્ય પણ આવી જ એક કલા છે .

 સાહિત્યકલાની વ્યાખ્યા : - જે કલા પોતાના ઉપાદાન તરીકે સાર્થ ધ્વનિને એટલે કે ભાષાને પ્રયોજે છે તે કલાને સાહિત્યકલા કહેવામાં આવે છે . આમ સાહિત્યની કલા છે કે રચના એટલે ભાષા દ્વારા અભિવ્યકિત સાધવાની કલા. ( Literature is an ai jn which expression is sought through language . ) એમ એબરક્રોમ્બી કહે છે.

સાહિત્યની જુદી જુદી વ્યાખ્યાઓ પૂર્વ અને પશ્ચિમના કાવ્યશાસ્ત્રીઓએ આપી છે , પહેલા આપણે પૂર્વના કાવ્યશાસ્ત્રીઓના અભિપ્રાય તપાસીશું . 

ભારતીય મતે સાહિત્ય : - ભારતીય મતે ' સાહિત્ય ' એટલે ' સહિતતા'નો ભાવ , સાહિત્યમાં શબ્દ અને અર્થનું ' સાહિત્ય ' સાથે હોવાપણું સર્જાય છે . એથી સાહિત્યમાં વિવિધ વસ્તુઓનું મિલન સ્વાભાવિક છે . 

સંસ્કૃતમાં સાહિત્ય માટે ' કાવ્ય ' શબ્દ યોજાય છે . સાહિત્ય એ ઉત્તમ વિદ્યા ગણાય છે . રુદ્રધર ને મતે , “ એકબીજાને સાપેક્ષ - અનુરૂપ એવી સમાનરૂપ વસ્તુઓને એકઠી કરવી તે સાહિત્ય . ’ બિલ્ડણ સાહિત્યને ' ભાષાવિશેષ'નાં ગ્રંથ કહે છે . કુંતક , રાજશેખર અને ભોજ સાહિત્યને કલાત્મક વાક્રય સમજે છે . કુંતકને મતે સાહિત્ય એ શબ્દાર્થની વક્રોકિતયુકત આલાદજનક રાજશેખર સાહિત્યને આન્વીક્ષિકી , ત્રયી , વાર્તા અને દંડનીય એ ચાર વિધાઓના સારરૂપી પાંચમી સાહિત્ય વિદ્યા કહે છે , અને એમાં શબ્દ અને અર્થના સહભાવ અપેક્ષે છે.

ભોજ અને ભામહ સાહિત્યની વ્યાખ્યા આપે છે : ' શબ્દાર્થો સહિતો કવ્યમ: ' રૂદ્રટ પણ એને અનુસરે છે અને મમ્મટ તેમાં રંગો પૂરે છે .

 સાહિત્ય શબ્દની વ્યુત્પતિ : 

( 1 ) " સાહિત્યસ્ય ભાવમ્ ઈતિ સાહિત્યમ્ ” 

( 2 ) " હિતને સહ વર્તતે ઈતિ સાહિત્યમ્ ”

 ' સાહિત્ય ' શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ' સહિત ’ પરથી આવેલો છે . એટલે સાહિત્ય શબ્દ બે રીતે સમજી શકાય .

 મનુષ્ય જીવનને હિતકારક છે તેવી કલા તે સાહિત્યકલા એવો અર્થ ' સાહિત્ય ' શબ્દનો થઈ શકે . વળી સાહિત્ય એટલે એવી કલા કે જેમાં શબ્દ અને અર્થ એકબીજાની સાથે પ્રવર્તે છે એવો બીજો અર્થ પણ ' સાહિત્ય ' શબ્દનો થઈ શકે . આમ વ્યુત્પતિગત અર્થની દૃષ્ટિએ જોઈએ તો સાહિત્ય ' શબ્દ એમ સૂચવે છે કે સાહિત્યની કલા જીવનને હિતકારક છે અને એ કલામાં શબ્દ અને અર્થનું શંકર - પાર્વતી જેવું અદ્વેત રચાતું હોય છે .

 વાણી અને અર્થની સંપૂકતતા એ સાહિત્યકલાનું લક્ષણ છે એમ કાલિદાસના પેલા બહુ જાણીતા ' વાગર્થો ' વાળા શ્લોકમાં સૂચવાય છે . 

સંગૃતતા એટલે સભરતા . પાણીમાં મીઠાને પોતાનામાં સમાવવાની શકિત છે . તેથી પાણીમાં મીઠું નાખીએ એટલે મીઠું ઓગળીને પાણીમાં ભળી જાય છે . જેમ જેમ વધારે મીઠું નાખતા જઈએ તેમ તેમ એ પાણીમાં ઓગળતું જાય છે પણ અંતે એક ક્ષણ એવી આવે છે કે જયારે મીઠાને પોતાનામાં સમાવવાની પાણીની શકિત પૂરેપૂરી ખર્ચાઈ જાય છે. એ વખતે એવા પાણીને રસાયણશાસ્ત્રમાં સંગૃકત દ્રાવણ કહેવામાં આવે છે . ભાષામાં પણ ભાવને પોતાનામાં સમાવવાની શકિત છે . ભાવને પોતાનામાં સમાવવાની ભાષાની એ બધી શકિતઓનો જો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે તો ભાષા પેલા મીઠાં સંગૃકત દ્રાવણ જેવી ' ભાવ સંપૂકત ' બને . આમ ભાષા અને ભાવનું શકય તેટલી હદ સુધીનું દ્રાવણ એટલે સાહિત્ય , કાલિદાસ કહે છે કે -

 " વાગર્થો ઈવ સંપૂકતો , વાગર્થ પતિપત્તયે , 

" જગતઃ પિતરી વન્દે,પાર્વતીપરમેશ્વરો " 

વિશ્વનાથ નામનો સંસ્કૃત કાવ્યશાસ્ત્રી સાહિત્યની વ્યાખ્યા આપતાં કહે છે કે " વાકયમ્ ૨ સાત્મકમ્ કાવ્યમ્ ! " રસ જેનો આત્મા છે તેવું વાકય તે જ સાહિત્ય . " આ વ્યાખ્યામાં વિશ્વનાથે વ્યવહારની ભાષા અને સાહિત્યમાં પ્રયોજાતી ભાષા વચ્ચેનો સૂમ ભેદ પ્રગટ કર્યો છે . સાહિત્યમાં ભાષાનો એવી રીતે ઉપયોગ થાય કે જેથી ભાવકના ચિત્તમાં પડેલા સ્થાયી ભાવો જાગૃત થાય અને ભાવકને રસનો અનુભવ થાય ત્યારે જ સાહિત્ય સર્જાયું કહેવાય . આમ સાહિત્યની કલામાં ભાષાને રસનિષ્પતિના કે ૨ સાનુભાવના સાધન તરીકે પ્રયોજવાની હોય છે .

 વ્યવહારમાં આપણે ભાષાનો એવો ઉપયોગ કરતા નથી . વ્યહારમાં તો આપણે ભાષાને કેવળ માહિતી કે અર્થના વાહન તરીકે જ ઉપયોગમાં લઈએ છીએ , તેથી જ વિશ્વનાથ ભાર દઈને કહે છે કે " ભાષા રસાત્મક ન બને તો ભાષાનો ઉપયોગ થયો હોય છતાં સાહિત્ય સર્જાયું છે એમ કહી શકાય નહી . ” આમ રસનો અનુભવ કરાવી શકે તે રીતે ભાષાને યોજવાની કલા તે સાહિત્યકલા .

 સાહિત્યકલા: - સંસ્કૃત કાવ્યશાસ્ત્રી પં . જગન્નાથ " ૨ મણીયાર્થઃ પ્રતિપાદક : શબ્દ : કાવ્યમ્ ” ' રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ કે શબ્દસમૂહ તે કાવ્ય . " એવી સાહિત્યની વ્યાખ્યા આપે છે . આ વ્યાખ્યામાં પણ સાહિત્યમાં ઉપાદાન તરીકે વપરાતી ભાષાનું વિશેષત્વ સૂચવાયું છે . વ્યવહારની રોજિંદી નિષ્માણ ભાષા સાહિત્ય સર્જકની પ્રતિભાના આ રમણીય અર્થની દ્યોતક બનવી જોઈએ . બીજી રીતે કહીએ તો , સાહિત્ય એટલે ભાષાનું અર્થતત્વ રમણીય બની ઉઠે તે રીતે ભાષાને પ્રયોજવાની કલા.

'કાવ્ય પ્રકાશ'નો લેખક કાવ્યશાસ્ત્રી મમ્મટ સાહિત્યની વ્યાખ્યા આપતાં કહે છે કે , ' તદ્ અદૌષો શબ્દાથો , સગુણો અનલંકૃતિ પુનઃ કવાડપિ . ' સાહિત્ય એટલે શબ્દ અને અર્થના દોષ વિનાનો , ગુણવાળો અને મોટેભાગે ' અલંકારોથી યુકત એવો સમન્વય . ’ આ વ્યાખ્યામાં મમ્મટે શબ્દ અને અર્થની એકરૂપતા ઉપર ભાર મૂકયો છે . સાહિત્યમાં વિચારો અને વાણીસંવેદનો અને શબ્દો , ભાવ અને ભાષા આપણને ભિન્ન ભિન્ન રૂપે ન અનુભવતાં એકી સાથે એક જ રૂપે અનુભવવાં જોઈએ . જેમ શંકર - પાર્વતી અર્ધનારી – નટેશ્વર કહેવાય છે , તેમ સાહિત્યમાં પણ શબ્દ અને અર્થ પોતપોતાની પૃથકતા છોડીને એકત્વ પામતાં હોવાં જોઈએ . 

શબ્દ અને અર્થનું આવું એકત્વ સાધવા મથતી કલા તે સાહિત્ય કલા છે એમ મમ્મટની આ વ્યાખ્યામાંથી સૂચવાય છે . 

આ ઉપરાંત અન્ય સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ પણ પોતપોતાની દૃષ્ટિએ ઠીક લાગે તેવી સાહિત્યની વ્યાખ્યાઓ આપેલી છે , જેવી કે , ' ધ્વનિ કાવ્યનો આત્મા છે . વક્રોકિત કાવ્યનો પ્રાણ છે , ' ' રીતિ એટલે જ કાવ્ય ' – આવી આવી વ્યાખ્યાઓ સાહિત્યકલાના એક યા બીજા લક્ષણો ઉપર ભાર મૂકે છે . 

ટુંકમાં કહીએ તો , " સાહિત્યકલા એટલે વ્યવહારની ભાષાને વિશિષ્ટ રીતે પ્રયોજીને ભાવકના સ્થાયી ભાવોને જાગ્રત કરીને , અને રસનો અને ચમકૃતિભર્યા આનંદનો અનુભવ કરવનારી કલા . 

આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવે સાહિત્યને ' જીવનયજ્ઞના હુતશેષ ' તરીકે વર્ણવ્યું છે . એમણે સાહિત્યની કલાને " આત્માની અમૃત કલા ” – અમૃતામ્ આત્મન્  ઃ કલામ્ કહીને ઓળખાવી છે . આત્માના જે કોઈ વિશિષ્ટ લક્ષણો છે તે સાચા સાહિત્યમાં પણ હોવાં જોઈએ એમ આચાર્યશ્રીએ જણાવ્યું . આત્મા જેમ પિંડવ્યાપી છે તેમ બ્રહ્માંડવ્યાપી પણ છે . એ જ પ્રમાણે સાહિત્ય પણ કોઈ એક વિશેષ વર્ગને સ્પર્શે અને સાથે સમસ્ત મનુષ્યજાતિને સ્પર્શે એવું હોવું જોઈએ . આત્માની જેમ સાહિત્યમાં સર્વવ્યાપકતા અને સર્વકાલીનતા હોવી જોઈએ એવી આચાર્યશ્રીની માન્યતા છે . વળી મનુષ્યનો આત્મા જેમ એનાં હૃદય , બુદ્ધિ , તર્ક , સ્મૃતિ , સંકલ્પ , સંસ્કારો આદિ એના વ્યકિતત્વનાં તમામ તત્વોના એકરૂપ મિશ્રણમાંથી ધડાય છે , તેમ સાહિત્યમાં પણ કલાકારના હૃદય , બુદ્ધિ , તર્ક , સ્મૃતિ , સંકલ્પ આદિ સૌ તત્વોનું એકરૂપ મિશ્રણ થયું હોવું જોઈએ . જેમ આત્મા એટલે સમગ્ર વ્યકિતત્વનો અર્ક , સાહિત્ય એટલે સર્જકની તમામ ચૈતસિક શકિતનો અર્ક . સાહિત્યમાં આત્માનાં ' સત્ - ચિત્ — આનંદ ' એ ત્રણ ગુણો હોવા જોઈએ . સાહિત્ય એટલે ' સચ્ચિદાનંદ'ની કલા . 

યજ્ઞમાં હોમાતા બાકી રહેલાં દ્રવ્યને ' હુતશેષ ' કહેવાય છે . આવું હુતશેષ પવિત્ર અને દિવ્ય ગણાય છે . સાહિત્યની કલા પણ એવા હુતશેષ સમાન છે , કારણ કે સ્કૂલ જીવનક્રમને ટકાવી રાખવા માટે ખર્ચાતી શકિતઓ પછી પણ જે વિશેષ શકિત બાકી રહે છે . કે શકિત માંથી સાહિત્ય જન્મે છે એમ આચાર્યશ્રી માને છે . આ મનુષ્યની સર્વસાધારણ શકિતઓ થી વિશેષ એવી શકિત માંથી સાહિત્ય જન્મે છે અને તેથી તે પવિત્ર તથા દિવ્ય છે એમ આચાર્ય શ્રી સૂચવે છે . 

આમ સાહિત્ય એટલે સર્જકના સમસ્ત આત્માનો ભાષામાં થતો ઉન્મેષ . સર્જકચિત્તની સંવેદનાઓ એના વિશેષ રૂપમાં વાણીના માધ્યમ દ્વારા પ્રગટ થાય ત્યારે સાહિત્યસર્જન થયું કહેવાય.

પાશ્ચાત્ય મતે સાહિત્યઃ હવે કેટલાક અંગ્રેજી વિવેચકોના મત મુજબ સાહિત્યકલાનું સ્વરૂપ કેવું છે તે જોઈએ . વર્સફોલ્ડ માને છે કે સાહિત્ય એ વિશ્વના આત્મલક્ષી દર્શન જોડે સંબંધ ધરાવે છે , બીજી રીતે કહીએ તો , જગતના પદાર્થો અને ધટનાઓ સાથે કલાકારને જે સંબંધ હોય તે સાહિત્યમાં પ્રગટ થાય છે , સાહિત્યકાર કોઈપણ ધટનાને શબ્દો દ્વારા આપણી સમક્ષ રજુ કરતો નથી , પણ એ ધટનાને તેના મન ઉપર જે છાપ પાડી હોય તેને આપણી આગળ રજુ કરે છે . 

બીજી રીતે કહીએ તો , બાહ્ય જગતના અનુભવો અને ઘટનાઓ માણસોનાં મન -અંતરમાં જે લાગણીઓ અને ભાવો જન્માવે તેનું સાહિત્યમાં નિરૂપણ થાય છે . આમ સાહિત્ય એ માનવજીવનને મુખ્યત્વે પોતાનો વિષય બનાવે છે . તેથી જ વર્સફોલ્ડ કહે છે કે , " સાહિત્ય એ માનવજાતિનું મસ્તિષ્ક છે . " સાહિત્ય માનવજાતિના ભૂતકાળના અનુભવોનો સમૃદ્ધ ભંડાર સાચવે છે અને આપણને આપે છે . એ અનુભવ – ભંડાર સાહિત્ય દ્વારા ' આપણને ન મળતો હોય તો મનુષ્ય હજુ આજે પણ પશુની કોટિમાં સબડતો હોત . 

સાહિત્યની કલા ભાષાને પોતાના સાધન તરીકે વાપરે છે . એ ભાષા માનવજીવનના અનુભવો વ્યકત થાય છે . માનવને થતા અનુભવો અગણિત અને અપરંપાર હોય છે . એને કોઈ સીમા હોતી નથી . જયારે ભાષા ગમે તેવી સમૃદ્ધ અને વિકસિત હોય તો ય એની શકિતને એક ચોક્કસ મર્યાદા હોય છે . જે ઝડપથી માનવીને અવનવા અનુભવો થાય છે તે ઝડપથી ભાષામાં શબ્દો વધતા કે નવા ઉમેરાતા નથી . તેથી મર્યાદિત શકિતશાળી ભાષા દ્વારા અમર્યાદિત અનુભવોને વાચા આપવાની મથામણ સાહિત્યકલામાં થતી હોય છે . તેથી સાહિત્યને " પરિમિત માધ્યમને અપરિમિત શકયતાઓના પ્રતિક તરીકે યોજવાની કલા . ” તરીકે પણ ઓળખવામાં આવે છે . અંગ્રેજી શબ્દકોષમાં ' વેસ્ટર્સ ડિકસનેરી ' પ્રમાણે ' સાહિત્ય એટલે સ્થાયી મૂલ્યનું , ઉત્કૃષ્ટ સ્વરૂપનું અને મહાન ભાવાત્મક પ્રભાવશાળી લખાણ ' તો , ' એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકા ' પ્રમાણે ' સર્વોતમ વિચારની સર્વોતમ લિપિબદ્ધ અભિવ્યકિત .

 ' હેનરી હડસન સાહિત્યને ભાષા દ્વારા જીવનની અભિવ્યકિત કહે છે . તો મેથ્ય આર્નલ્ડ સાહિત્યને જીવનની સમીક્ષા ' કહે છે . 

રેને વેલેક સાહિત્યનાં લક્ષણો ગણાવે છે : સંયોજન - સંકલન , આત્મભિવ્યકિત , સાક્ષાત્કાર , ભાષા માધ્યમની કસોટી , અલૌકિક ઉપયોગ , કલ્પનાત્મકતા . 

એબરક્રોમ્બીને મતે , સાહિત્ય એટલે અનુભવને અનુભવ લેખે જ મૂલ્યવાન અને ઉપભોગ્ય ગણીને ભાષા દ્વારા બીજાને પહોંચાડવાની કલા .

 ' સાહિત્ય કે કવિતાને એરિસ્ટોટલે અનુકૃતિ કહી છે , તો ક્રોચેએ અભિવ્યકિત કહી છે . શેકસપીયર એને કલ્પનાની સૃષ્ટિ કહે છે . તો વર્ડઝવર્થ સ્વયંભૂ ભાવોનો ઉછાળ કહે છે. તે સાહિત્યને ' કલ્પના અને ભાવ દ્વારા જીવનનું અર્થધટન ' માને છે 

 ઉપસંહાર : આમ સાહિત્યમાં શબ્દ અને અર્થનું , સર્જક અને ભાવનું , સત્ય અને આનંદનું સત્ય અને સૌંદર્યનું , ' સત્યમ્ , શિવમ્ , સુંદરમ્ ' નું ' સત્ – ચિત - આનંદ ' નું ભાવ , વિચાર અને કલ્પનાનું જીવન અને સાહિત્યનું તેમજ અનુભૂતિ અને અભિવ્યકિતનું સાહિત્ય એટલે કે સંમિલન સધાય છે . સાહિત્ય માં શબ્દ , અર્થ , ભાવ , વિચાર અને કલ્પના એ પાયાનાં તત્વો છે . સાહિત્ય એ જીવન અને જગતના સત્યની સૌંદર્યાત્મક અને આનંદપ્રદ એવી ભાવવિચાર કલ્પનાત્મક એવી , ભાષાકીય અભિવ્યંજના છે . સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે તેમ , દર્શન અને વર્ણનથી કાવ્ય સધાય છે . દર્શન એટલે અનુભૂતિ અને વર્ણન એટલે અભિવ્યકિત , સાહિત્ય એ સાહિત્યકારના દર્શન કે અનુભવની કલાત્મક અભિવ્યકિત છે . જે ભાવકગમ્ય – પ્રત્યાયનક્ષમ હોય તે અપેક્ષિત છે .