✓ કલાની ઉત્પત્તિ અને કલાની વિભાવના સમજાવો . 




પ્રાસ્તાવિકઃ આપણે જાણીએ છીએ તેમ  સાહિત્ય એ સર્વોતમ કલા છે . સાહિત્ય , સંગીત , ચિત્ર , શિલ્પ અને સ્થાપત્ય એ પાંચ કલાઓ છે . આ કલાઓ માનવીની પ્રતિભામાંથી જન્મે છે . માણસ સૌદર્યાનંદની પ્રાપ્તિ માટે કલાનું સર્જન કરે છે . ઈશ્વર કે પ્રકૃતિ , જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું તે પરમ કલાકાર છે . તો એ પ્રકૃતિ કે સૃષ્ટિ પરથી સાહિત્યાદિ કલાકૃતિઓ રચનાર માણસ પણ સાચો કલાકાર છે , ઈશ્વરે રચેલી સૃષ્ટિ એ કલા નથી , ' લીલા ' છે , માણસે રચેલી સૌંદર્ય અને આનંદની સૃષ્ટિ કલા છે . કલા પ્રકૃતિની સંસ્કૃતિ છે . 

કલાની ઉત્પત્તિ : - સૌદર્યભાવનાનંદજનક સાહિત્ય , સંગીત , ચિત્ર , શિલ્પ , સ્થાપત્ય , નૃત્ય , અભિનય વગેરે કલાપ્રવૃતિ , એરિસ્ટોટલે કલાને " અનુકૃતિ ' ' કહી છે . પણ તે " અનુકૃતિ " એટલે " નવનિર્મિત " , " નવસર્જન " પ્રકૃતિ કે જીવન કરતા વિશિષ્ટ એવો ઉન્મેષ . માઇકલ એન્જલો કલાને " દિવ્ય પૂર્ણતાની પ્રતિછાયા " કહે છે . તો રસ્કિન કલાને " આનંદની અભિવ્યકિત " કહે છે . મહાત્મા ટોલ્સટોય કલાને " માનવીને સાંકળતા સાધન " તરીકે જુએ છે . કોમેને મતે કલા એ " સ્વયં ફુરણાત્મક અને મનોગત અભિવ્યકિત " છે . કાર્લ માકર્સ કલાને '' સામાજિક ચેતનાની ભેટ " માને છે .

 રવિન્દ્રનાથ ટાગોર કલાને " સત્યમ શિવમ્ સુંદરમ્ " ની સૃષ્ટિ માને છે . સુઝાન લેન્ગર કલાને " પ્રતિભાસની સૃષ્ટિ " ગણે છે . કીટ્સ કલાને સાશ્વત અને આનંદનો પદાર્થ માને છે .

 મનુષ્યને જન્મથી જ કેટલીક વૃત્તિઓ મળેલી છે . તેમાં એક વૃત્તિ સૌંદર્યનો આસ્વાદ દ્વારા આનંદ પામવાની પણ છે . મનુષ્ય જન્મથી જ સૌંદર્યપિપાસું હોય છે . અને તેથી જ માનવજાતનાં ઇતિહાસનાં આરંભથી જ મનુષ્ય પોતાનાં જીવનની નાની મોટી ક્રિયાઓને અને પોતાની આસપાસના વાતાવરણને બને તેટલું સુંદર બનાવવા મથતો રહે છે . ભૂખ લાગે ત્યારે મનુષ્ય પણે આ સહું પશુની જેમ જ ખાવા તો ઇચ્છે છે જ . પણ ગમે તેમ ખાઇ લેવાથી તેનું પેટ ભરાય છે , મન ભરાતું નથી . એ મન ભરવા માટે મનુષ્ય ખાવાની ક્રિયાને બને તેટલી સુંદર અને રૂચિર બનાવવાનો પ્રયત્ન કરે છે . આમ , મનુષ્ય આહાર ઇચ્છે છે પણ સાથે સાથે આહાર પામવાની ક્રિયા બને એટલી સુંદર બને તેવું પણ ઇચ્છે છે . જેમ આહાર ની બાબતમાં તેમ જીવનની સર્વ પ્રાથમિક વૃત્તિઓને વશ વર્તવાની બાબતમાં પણ બને છે . બીજી રીતે કહીએતો , જીવનની પ્રાથમિક વૃત્તિઓને વશ વર્તવાથી જ મનુષ્યને સંતોષ થતો નથી , એ તો બધાને બને તેટલા સુંદર બનાવવા મથે છે . તેથી જ પ્રાચિન કાળથી મનુષ્ય પોતાનાં રહેઠાણને , પોતાનાં આહાર અને વસ્ત્રોને બને તેટલા સુંદર બનાવવાની કોશિશ કર્યે રાખે છે . 

મનુષ્યની આવી સૌંદર્યઝંખના માંથી લલિતકલાઓની ઉત્પત્તિ થઇ છે . સૌંદર્ય દ્વારા પોતાની માનસિક ભૂખ સંતોષાય અને પોતે મનપસંદ સૌદર્યનાં યથેચ્છ ઉપયોગ દ્વારા સુક્ષ્મ અલૌકિક  આનંદની અનુભૂતિ વારંવાર કરી શકે એવા આશયથી જ મનુષ્ય કલાઓ દ્વારા એક નૂતન સૌંદર્ય લોક ને સર્જવા પ્રેરાયો છે . અને કલાનિર્મિત એ સૌદર્યલોકને સદા પોતાની આસપાસ સજાવતો રહ્યો છે . માનવી જેમ વધું સંસ્કારી અને સુધરેલો તેમ એની આસપાસ કલાનાં આવા સુંદર નમૂના વધારે જોવા મળે છે તેનું કારણ આમાં રહેલું છે . 

મનુષ્યની આ જન્મજાત સૌંદર્યભૂખ પ્રકૃતિનાં વિરાટ સૌંદર્ય દ્વારા કેમ સંતોષાય ન શકે ? અને , આટલું વિરાટ પ્રાકૃતિક સૌંદર્ય પોતાની આસપાસ વેરાયેલું હોવા છતા મનુષ્યને કલાઓ દ્વારા અન્ય સૌદર્ય શા માટે સર્જવું પડે એવો પ્રશ્ન આપણા મનમાં જરૂર ઉદ્ભવે . પકૃતિનું સૌંદર્ય મનુષ્યની શાશ્વત સૌંદર્યભૂખને પૂરતા પ્રમાણમાં સંતોષી શકે તેમ નથી . કારણ કે મનુષ્યનું ચિત્ત પોતાને અનુકુળ હોય એવા અને એટલા જ સૌંદર્યને ઝંખે છે અને આસ્વાદી શકે છે . 

પ્રકૃતિ સ્વતંત્ર , મનમોજી , અને નિરંકુશ છે . પ્રકૃતિમાં પ્રગટતી સૌંદર્ય છટાઓ મનુષ્યનાં ગમા- અણગમાને વશ વર્તતી નથી . પ્રકૃતિ તો મનુષ્યની ઇચ્છા - અનિચ્છાથી પર બનીને , પોતાનો સૌંદર્યપ્રસાર કરતી હોય છે . મનુષ્યને તો પોતાનાં તત્કાલીન મિજાજને અનુકૂળ હોય તેવા સૌંદર્યની ઝંખના હોય છે . પોતાની ચિત્તવૃતિને અનુરૂપ બને , પોતાનાં ગમા - અણગમાં ને વશ વર્તે , પોતાનાં મન - મિજાજને અનુકૂળ બને એવા સૌદર્ય ને મનુષ્ય ઇચ્છે છે . પ્રકૃતિસૌંદર્યમાં મનુષ્યની આવી પસંદગી ને લેશમાત્ર અવકાશ નથી . ત્યાંતો સ્વાભાવિક રીતે જ જે સૌંદર્ય છટા પ્રગટે તે મનુષ્ય સ્વિકારી લેવાની છે . આથી જ પોતાની આસપાસ આવડું અને આટલું વિરાટ પ્રાકૃતિક સૌંદર્ય હોવા છતા મનુષ્ય કલાઓ દ્વારા પોતાને મનપસંદ નવું સૌંદર્ય સર્જવા પ્રેરાયો છે . 

વળી , પ્રકૃત્તિનું સૌંદર્ય ક્ષણિક અને સધ પરિવર્તનશિલ છે . પ્રકૃતિમાં જે સૌંદર્યછટા કોઈ ક્ષણે પ્રગટે છે તે બીજી ક્ષણે લોપ પામે છે . અને ફરી પાછી કદી એ છટા એનાં એ સ્વરૂપે પૂનરાવર્તન પામતી નથી . મનુષ્યનો સ્વભાવ એવો છે કે એ પોતાને પસંદ પડી ગયેલા સૌંદર્યને વારંવાર એના એજ સ્વરૂપે આસ્વાદવા ઇચ્છે છે . જે ગમી ગયું તેનો પુનઃ પુનઃ આસ્વાદ કરવો અને તે દ્વારા આનંદ મેળવવો તે મનુષ્યનો સ્વભાવ છે . પ્રાકૃતિક સૌદર્ય બાબતમાં ગમી ગયેલા સૌદર્યને પુનઃ પુનઃ આસ્વાદની મનુષ્યની આ સ્વભાવગત ઇચ્છા સંતોષાઇ શકે તેમ નથી . 

આથી મનુષ્ય પ્રાકૃતિક વિશ્વની પોતાને ગમી ગયેલી કોઇ એક સૌદર્ય છટાને હંમેશા એનાં એજ સ્વરૂપે પોતાની સામે ટકાવી રાખવા મથે છે . અને એની મથામણોમાંથી જ લલિતકલાઓનો ઉદ્ભવ થાય છે . આમ , સૌંદર્યની ક્ષણને સ્થિર સનાતન સ્વરૂપ આપવાની મનુષ્યની વૃત્તિએ લલિતકલાઓને જન્માવી છે . 

મનપસંદ સૌદર્યને વારંવાર યથેચ્છ આસ્વાદીને સૂક્ષ્મ માનસિક આનંદ મેળવવાની મનુષ્યની ઇચ્છામાંથી કલાઓનો ઉદ્ભવ થયો એ આપણે જોયું . આનો અર્થ એ થયો કે મનુષ્યનાં  મનને અનુકૂળ હોય તેવી સૌદર્ય છટાનું સર્જન કરી , સૌદર્યબોધ દ્વારા આનંદ આપવો એ કલાનો ઉદ્દેશ છે . પોતાનો ઉદ્દેશ પાર પાડવા માટે કલા પ્રાકૃતિક વિશ્વનાં સૌર્યને પોતાનાં આંતરિક ઉપાદાન તરીકે મુળ સામગ્રી તરીકે વાપરે છે . બીજી રીતે કહીએ તો , કલાકારો વાસ્તવીક જગતનાં કોઇ એક સૌંદર્યને નજર સમક્ષ રાખીને એ સૌદર્ય જેવું સૌદર્ય પોતાનાં માધ્યમ દ્વારા સર્જવાની કોશીષ કરે છે . આ દૃષ્ટિએ જોઇએતો , વાસ્તવીક જગત એટલે કે જીવન એ જ કલાનું મૂળ ઉદ્ગમ સ્થાન છે . જીવન ન હોય તો કલા સંભવી શકતી નથી . કારણ કે કલાસર્જન ની બધી કાચી સામગ્રી જીવનમાંથી જ લેવાય છે . આકાશ માં પથરાયેલી સંધ્યા કે ઉષાની સુંદર રંગલીલાને પોતાની રીતે નવેસર થી સર્જવાનો કલાકાર પ્રયત્ન કરે છે , એનાં એ પ્રયત્નમાં દેખીતી રીતે જ પ્રાકૃતિક વિશ્વનું અનુકરણ રહેલું છે . બીજી રીતે કહીએ તો , પોતાની વિશિષ્ટ સાધનસામગ્રી વડે કલાકાર પ્રાકૃતિક સૌદર્યની નકલ કરે છે . અને એ મૂળ પ્રાકૃતિક સૌદર્ય જેવું જ અન્ય સૌદર્ય સર્જવાની કોશિશ કરે છે . આથી જ ' કલા એકટલે અનુકરણ " એમ કહેવાય . યુરોપનાં આદ્ય કલાવિવેચક એરિસ્ટોટલ નાં ART IS IMITATION એવા સૂત્રનો અર્થ એટલોજ કે પોતાનાં કલાસર્જનનાં આંતરિક ઉપાદાન તરીકે કલાકાર આપણા આ પ્રાકૃતિક વિશ્વને જ ઉપયોગમાં લે છે . અને એની નકલ કરવા મથે છે . 

ભારતીય મતે કલા : - ભારતીય મતે કલા એ ઉપવિધા છે . ભર્તૃહરિએ " સાહિત્ય સંગીત કલાવિહિન : સાક્ષાત્મશું : પુચ્છવિષાણહીનઃ "શ્લોકમાં સાહિત્ય , સંગીત અને કલાને ભિન્ન કહ્યા છે . સાહિત્ય વિદ્યા છે . કલા નથી . કલા એટલે બુદ્ધિ - ચાતુરીની પ્રવૃત્તિ . ભારતીય ચોસઠ કલાઓમાં ચોરી , ધૂત , કામકલા , સંગીત , નૃત્યકલા સમાવિષ્ટ છે , પણ સાહિત્ય નથી . કારણું , સાહિત્ય વિદ્યા છે . દંડી કહે છે તેમ કલા " કામાર્થ સંશ્રર્યા " છે , સાહિત્યનો આનંદ બ્રહ્માનંદ સહોદર છે . સાહિત્ય ઉત્તમ વિદ્યા છે , કલા તેથી ઉતરતી છે . ક્ષેમેન્દ્ર કહે છે : વસ્તુનાં સ્વરૂપને સ્પષ્ટ , સુશોભિત ને અલંકૃત કરે તે કલા . ભારતીય મતે કલા એટલે એક સંકુચિત , કર્તૃત્વશકિત . જયારે કાવ્ય કે સાહિત્ય એટલે ઉચ્ચ પ્રકારની વ્યાપક વિદ્યાશક્તિ . 

પાશ્ચાત્ય મતે કલા : - પાશ્ચાત્ય મતે કલા વ્યાપક સ્વરૂપ છે . કલા એટલે સૌંદર્ય , કલાકાર કલાસર્જન માટે પ્રાકૃતિક વિશ્વનું અનુકરણ કરે છે એ વાત સાચી , પણ એનું અનુકરણ કેવળ જડ નકલરૂપ હોતું નથી . પ્રાકૃતિક વિશ્વનું અનુકરણ કરતી વખતે કલાકાર એમાં પોતાનાં ગમા - અણગમા , રૂચિ - અરૂચિ આદિનો ઉપયોગ કરીને વાસ્તવીક રૂપમાં પોતાને ગમે તેવા ફેરફાર મનોમન કરતો જાય છે .