" કહો મકનજી કયાં ચાલ્યા ? " ( સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ) 


સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા, કે જેઓ સિતાંશુ યશશ્ચન્દ્ર (જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૪૧) તરીકે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી છે.

તેમનાં કાવ્ય સંગ્રહ જટાયુ માટે તેમને ૧૯૮૭નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (દિલ્હી) પ્રાપ્ત થયો હતો. ૨૦૦૬માં તેમને ભારત સરકાર તરફથી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.



પૂર્વભૂમિકા : - આધુનિક ગુજરાતી સાહિત્યમાં અનેકવિધ પ્રયોગો જોવા મળે છે. જેમ કે , ઘટનાતત્વનો લોપ , નાયકને બદલે વિનાયક , સાહિત્યિક વિભાવોનો કલાત્મક વિનિયોગ વગેરે આ સમયનાં સાહિત્યમાં સમકાલીન પ્રશ્નોનું નિરાકરણ ભારતીય પુરાણોમાંથી મેળવવાની કોશિશ પણ જોઈ શકાય છે. આધુનિકોએ એ રીતે પુરાકલ્પન MYTH નો ખાસો વિનિયોગ કર્યો છે. પુરાકલ્પન સાહિત્યનો એક વિશિષ્ટ વિભાગ છે. ખાસ કરીને સિતાશું યશચંદ્ર મહેતાએ પોતાનાં સાહિત્યમાં પુરાકલ્પનનો વિશેષ કલાત્મક રીતે પ્રસ્તુત કર્યું છે. ' જટાયુ ' રામાયણ પર આધારિત ખંડકાવ્ય છે. જેમાં જટાયુના સંદર્ભે આધુનિક માનવીની વેદનાને પ્રશ્ર સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. એવી જ રીતે ઓડીસયુસનું હલેસું , હનુમાનની એકોકિત જેવી કવિતાઓમાં સિતાશુ યશશ્ચંદ્ર મહેતાએ પુરાકલ્પન પ્રયોજયા છે. આવી જ એક સફળ અને પ્રયોગાત્મક રચના છે. " કહો, મકનજી કયાં ચાલ્યા?” આપણે આ નાટકની સમીક્ષાત્મક નોંધ જોઈએ. કૃષ્ણ - સુદામાની મૈત્રીનો આધુનિક સંદર્ભ : - " કહો , મકનજી કયાં ચાલ્યા " સિતા યશશ્ચંદ્ર મહેતાનું અને ગુજરાતી સાહિત્યનું એક મહત્વપૂર્ણ અને સીમાસ્તંભરૂપ નાટક છે. ઉપર જણાવ્યા મુજબ તેમાં પુરાકલ્પનનો એટલે કે MYTH નો પ્રયોગ થયેલો છે. નાટકનું કથાવસ્તુ ભાગવતના કૃષ્ણ - સુદામાનાં ઉપાખ્યાન પર આધારિત છે. ભગવાન શ્રીકૃષ્ણના નિર્ધનમિત્ર સુદામાની દ્વારિકા યાત્રા દરમિયાન તેને અપાર મુસીબતો વેઠવી પડે છે. પરંતુ યાત્રાનું પરિણામ સફળ નીવડે છે. કૃષ્ણ સાથેનું મિલન સુદામાના  દારિદ્રયનું અને દુ:ખનું કાયમી નિરાકરણ કરે છે. પરંતુ આ કથા ભાગવતની છે. સિતાશું યશશ્ચંદ્ર મહેતા આ કથાને જયારે આધુનિક સંદર્ભમાં પ્રયોજે છે. ત્યારે તેના પરિણામો તથા પરીમાણો બદલાય જાય છે. અહી મકનજી સુદામા સ્વરૂપે છે જે પોતાના આર્થિક રીતે સંપન મિત્ર ગિરધરલાલની શોધમાં નીકળે છે. પરંતુ જે રીતે જટાયુંને ( આધુનિક જટાયુને ) રામ નથી મળતા ને ગિરધરલાલની શોધમાં નીકળેલા મકનજીને ગિરધરલાલ પણ નથી જ મળતાં અને મકનલાલનું સમગ્ર જીવન એક વ્યર્થ ભ્રમણામાં વિતે છે. આ નાટકની ખૂબી તેના વિશિષ્ટ ગીતો છે . 

" એક જ કૂંચી તારી મકનજી 

બીજી કોઈ બળીયાને હાય 

એમ જ ચાલે છે દુનિયા હેજી 

મારા મનમાં બહું ખટકે છે . " 

આ નાટક ગુજરાતી નાટય સાહિત્યક્ષેત્રે એક સીમાસ્તંભરૂપ કૃતિ ગણવામાં આવે છે. ગુજરાતી નાટકમાં આધુનિકતાનો આર્વિભાવ આ નાટકને ફાળે જાય છે. નાટય સંવિધાન અને શકયતાની દૃષ્ટિએ આ એક બેનમૂન કલાકૃતિ છે . નાટકનો કેન્દ્રિય મુદો ઈશ્વરની પરમ શ્રદ્ધા સામે થયેલા જાગતીક પ્રશ્નનો છે. આ નાટક શ્રદ્ધા સામે થયેલી શંકા વિશેનો છે . મકનજી જે આ નાટકમાં નાયક છે . એક સામાન્ય વ્યકિત COMMON MAN છે. તે સમગ્ર જૂના માનવ સમાજનું પ્રતિક છે. જે ઈશ્વરની શોધમાં ભટકે છે. પરંતુ તેને ગિરધરલાલ ( સંભવિત ભગવાન ) કયાંય પ્રાપ્ત થતા નથી. સિતાશું યશશ્ચંદ્રની આ નાટયકૃતિ વિશ્વ સાહિત્યની નોબલ પારિતોષિક પુરસ્કૃત નાટયકૃતિ WAITING FOR GODO થી ઘણી પ્રભાવિત છે. સેમ્યુઅલ બેકેટનાં આ નાટકમાં પણ લાડીમ્પર અને એસ્ટ્રોગોન નામનાં બે રખડુઓ ગોદો નામની વ્યકિતની રાહ જુએ છે અને આ ગોદો ધરાર આવતો નથી. ' કહો , મકનજી કયાં ચાલ્યા ' માં પણ કંઈક અંશે આવી જ સંવેદના અભિવ્યક્ત થયેલી છે. આ નાટકની બીજી ખૂબી એ છે કે તે ખૂબ જ રમત - રમતમાં ચાલે છે. વૈશ્વિક વિષયને સિતાશું યશશ્ચંદ્રએ હળવી શૈલીમાં રજૂ કર્યો છે. ખાસ કરીને જે રાજકીય સંદર્ભ POLITICAL REFRENCE રજૂ કરવામાં આવ્યો છે. તે કટાક્ષમય હોવા છતાં અસરકારક છે. ખાસ કરીને ,

 " કે કા કિ કી 

ખ ખા ખિ ખી 

ગ ગા ગિ ગી 

ઘ ઘા ધિ ઘી

 ક ખ ગ ઘ આગે બઢો હમ તુમહારે સાથ હૈ."

  જેવી શબ્દ રમતો દ્વારા નાટયકારે જે વ્યંગ્ય રજૂ કર્યા છે તે પણ નમૂનેદાર છે. અગાઉ કહ્યું તે પ્રમાણે આ નાટકમાં ગીતો , દશ્ય , પ્રકાશ , સંયોજના , અભિનયતા ,મંચનક્ષમતા જેવા નાટયતત્વો પણ ભારોભાર પડ્યા હોવાને કારણે આ નાટયકૃતિ એક સક્ષમ નાટયકૃતિ બની છે. સિતાશું યશશ્ચંદ્રએ એક નાટયકાર ઉપરાંત પોતાના કવિ હોવાનો પણ મહતમ લાભ આ નાટકમાં ઉઠાવ્યો છે.

 દા.ત. , 

" કરજો અમને માફ મકનજી 

અમે જૂઠું નહી બોલીએ 

દિલનો ડાયાબીટીશ છે તમને

 અમે મીઠું નહી બોલીએ."

 ઉપસંહાર : - નાટયકલાનાં રચનાવિધાન , વૈશ્વિક સંદર્ભો , અને ગુજરાતી નાટક સાહિત્ય નો વિકાસ એમ ત્રિવિધ દૃષ્ટિએ ' કહો , મકનજી કયાં ચાલ્યા ' નાટક ગુજરાતી સાહિત્યમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એક પ્રયોગાત્મક નાટયકૃતિ તરીકે , ઈશ્વરવિહીન વિશ્વની પરિસ્થિતિ આધારિત વિષય તરીકે અને ગુજરાતી સાહિત્યમાં આ પૂર્વે લખાયેલા નાટકોમાં અલગ તરી આવવા તરીકે ' કહો , મકનજી ક્યાં ચાલ્યા ' વિશિષ્ટ અને અભૂતપૂર્વ નાટયકૃતિ છે એમ કહેવું યથાર્થ જ ઠરશે .