✓ ધ્વનિ સિદ્ધાંતનો વિગતે પરિચય આપો . 

 ✓ ટુંકનોંઘ લખો : -  ધ્વનિ સિદ્ધાંત  : 


    ભારતીય કાવ્ય મીમાસા માં આનંદવર્ધને ધ્વનિ સિદ્ધાંત આપ્યો છે . ' ધ્વનિ ' સંજ્ઞા મૂળ તો વ્યાકરણની પરિભાષામાંથી લેવામાં આવી છે . શબ્દનો ઉચ્ચાર થાય ત્યારે થતો ધ્વનિવાદ ( sound ) નું સ્વરૂપ તે છે ધ્વનિ , પછી શ્રોતાના ચિત્તમાં આખો શબ્દ પહોંચ્યા પછી અર્થ નામનું એનું બીજું સ્વરૂપ પ્રગટે છે . ધ્વનિનું આ અર્થસ્વરૂપ આપણે કાવ્યમાં લેવાનું છે . કારણ કે એ નિત્ય અર્થપ્રતીતિ કરાવનારું આ બીજું રૂપ તે અર્થસ્ફોટ કહેવાય . કાવ્યમાં અર્થ આપનારી આવી વિશિષ્ટ શબ્દશકિતને ધ્વનિ કહે છે . આમ , આનંદવર્ધને ધ્વનિ નામનો જે સંપ્રત્યય વિકસાવ્યો છે તે કાવ્ય અંતર્ગત રહેલા વ્યંગ્યર્થનો જ પરિચાયક છે .

 આનંદ વર્ધને કહ્યું છે કે।   ध्वनिः काव्यस्य आत्मा ...

    એ સાથે ધ્વનિની વ્યાખ્યા પણ આપી છે . એના મતે ' જેમા અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગૌણ બનાવીને  પ્રતિયમાન અર્થને વ્યકત કરે છે તે કાવ્યવિશેષને તજજ્ઞો ધ્વનિ કહે છે . ' ટુંકમાં ધ્વનિ એટલે કાવ્યના શબ્દોમાંથી અંતે ફુરી રહેતો કોઈ જુદો જ ભાવાર્થ .

     ધ્વનિના સ્વરૂપને સમજાવવા આનંદવર્ધને નારીના લાવણ્ય સાથે એની સરખામણી કરે છે , તેઓ કહે છે , ' જેમ નારીના દેહમાં તેના અંગ - ઉપાંગોથી ભિન્ન લાવણ્ય હોય છે . તેમ કાવ્યના શબ્દાર્થ અને અલંકારરૂપ પ્રસિદ્ધ અવયવોમાંથી ભિન્ન એવો પ્રતીયમાન અર્થ હોય છે જે મહમકવિઓની વાણીમાંથી વાચ્યાર્થબોધને અંતે વ્યંજના દ્વારા સમજાય છે , ' આમ , આનંદવર્ધનના મતે ધ્વનિ અથવા વ્યંગ્યાર્થ અથવા પ્રતીયમાન અર્થ કોઈ કૃતિ સમામાંથી કે કૃતિની કોઈ પંક્તિ કે ભાગમાંથી પ્રગટે છે . કાવ્યનો આ ધ્વનિરૂપ અર્થ સહૃદય છે . કલા કલાનું સંગોપન કરવામાં રહેલી છે . ધ્વનિ એ સૂચનકલાનો સિદ્ધાંત આવકાર્ય એ પ્રશસ્ય છે . ધ્વનિ એટલે કાવ્યમાંથી ફુટ થતો વિશિષ્ટ અર્થ . એને કાવ્યનો ' મર્મ ' , ' મધ્યવર્તી કાવ્યવિચાર ' , ' ભાવાર્થ ' કે કાવ્યનું ' રહસ્ય ' નામે ઓળખવામાં આવે છે . 

    આનંદ વર્ધન ને મતે ધ્વનિ એટલે પ્રતીયમાન અર્થ એ મહાકવિના કાવ્યમાં જોવા મળે છે અને અધિકારી ભાવકને જ સમજાય છે .

    આનંદવર્ધનના મતે કાવ્યમાં ધ્વનિનું પ્રવર્તન બે મુખ્ય શરતોને આધીન રહીને થતું હોય છે : ( 1 ) કાવ્ય ઉત્તમ પ્રતિભા ધરાવતી વ્યકિત દ્વારા સર્જાયું હોવું જોઈએ . ( 2 ) એની ભાવક પણ સહૃદય હોવો જોઈએ . આમ કહીને આનંદવર્ધને ધ્વન્યાર્થના પ્રગટીકરણ માટે એના કવિમાં કંચી પ્રતિમા હોવી જોઈએ એ વાત ઉપર ભાર મૂકીને કારયિત્રી અને ભાવયિત્રી બેઉ પ્રતિભાનો મહિમા કર્યો છે . 

    કાવ્યમાં ધ્વનિના પ્રવર્તવાની અનેક રીતો પ્રચલિત છે . કયારેક વાચ્યાર્થ હકારાત્મક હોય અને એનો ધ્વનિ નકારાત્મક રૂપનો પમાય છે . કયારેક વાચ્યાર્થ નકારાત્મક હોય અને એનો વ્યંગ્યાર્થ હકારાત્મક રૂપનો પમાય છે . 

    ધ્વનિ એક રીતે કહીએ તો સાંકેતિક અર્થ છે . એ જેમ પંકિતમાં હોય છે એમ સમગ્ર દુનિયામાં પણ હોય છે . કૃતિને અંતે જે રસબોધ થાય છે તે પણ વ્યંજનાગર્ભ ધ્વનિનું પરિણામ છે . આ અર્થમાં ધ્વનિ કાવ્યનો આત્મા ગણાય છે.

    આનંદવર્ધને કાવ્યમાં ધ્વનિના ત્રણ પ્રકાર પાડયા છે : 

    ( ૧ ) વસ્તુધ્વનિઃ- જે કાવ્યમાં એનું વિષયવસ્તુ જ ધ્વનિને વ્યંજિત કરે એ જ આપણને બીજો અર્થ આપતું હોય તે વસ્તુધ્વનિ છે . દલપતરામનાં કાવ્યો આવા વસ્તુધ્વનિનાં ઉદાહરણ છે . ધ્વનિરૂપે વસ્તુ કે વિચાર ફુટ થાય છે . 

 દા.ત. , એક સંસ્કૃત શ્લોકમાં નાયિકા નાયકને કહે છે : ' તમે જાઓ જ છો , તો ભલે સિધાવો . તમારો પંથ શિવમય હજો અને મારો જન્મ પણ તમે જયાં જાવ છો , ત્યાં જ થજો . ' આ કાવ્યમાં ધ્વનિ ફુરે છે  કે ' તમારા જવાથી હું મૃત્યુ પામીશ ' એ વસ્તુ - વિચાર માટે વસ્તુધ્વનિ છે . 

( ૨ ) અલંકાર ધ્વનિ : -કાવ્યમાં વપરાયેલો અલંકાર વ્યંજિત થઈને જયારે જુદો અર્થ આપે છે ( 2 ) ત્યારે અલંકાર ધ્વનિ બને છે . દા.ત. ' હોડી જાણે આરબ ઘોડી ' , અહીં ઉન્મેલા અલંકાર દ્વારા જુદો અર્થ પમાય છે . અલંકારરૂપે ધ્વનિ મળે છે . 

દા.ત. ' હે સુંદરી , તારા સુંદર મુખને જોવા છતાં આ સાગર ઉછળતો નથી , તેથી તે , સાગર માત્ર પાણીનો જથ્થો જ છે . ' આ કાવ્યમાંથી ' તારૂ મુખ ચંદ્ર જેવું સુંદર છે ' એવો ઉપમા અલંકાર ધ્વનિત થાય છે .

 ( 3 ) રસધ્વનિ : રસધ્વનિને આનંદવર્ધને સર્વશ્રેષ્ઠ ધ્વનિ કહ્યો છે . કાવ્યમાંથી જયારે કોઈ વિશેષ અર્થબોધ થાય , જે અભિધા કે લક્ષણાને આધારે નહીં પણ વ્યંજનોને આધારે પ્રગટતા હોય ત્યારે એ ધ્વનિ રસધ્વનિ કહેવામાં આવે છે . અહીં ધ્વનિ રસરૂપે વ્યંજિત થાય છે જેમ કે " ઉત્તરરામચરિત ' માંથી કરૂણરસ ધ્વનિત થાય છે .

    વસ્તુ , અલંકાર અને રસધ્વનિ પછી આનંદવર્ધને ધ્વનિનું એની લાક્ષણિકતાઓને આધારે પણ વર્ગીકરણ કર્યું છે . એ રીતે તે ધ્વનિના મુખ્ય બે વિભાગ પાડે છે : 

( 1 ) અવિવક્ષિવાચ્ય ધ્વનિ – એના પાછા બે પેટાપ્રકાર પડે છે : 

          ( A ) અર્થાતરસંક્રમિત વાગ્ય ધ્વનિ 

          ( B ) અત્યંતતિરસ્કૃતવાચ્ય ધ્વનિ .

( 2 ) વિવક્ષ્ણિતાપરવાચ્ય ધ્વનિ – આ ધ્વનિના પણ બે પ્રકાર પડે છે :

          ( A ) અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ 

          ( B ) સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ .