ભારતીય કાવ્યશાસ્ત્ર નો પરિચય આપો .

ભારતીય કાવ્યસિદ્ધાંત્તની પરંપરાનો સંક્ષિપ્ત પરિચય : 

ભારતીય વિચારધારાની પરંપરાનો ટુંકમાં પરિચય આપો .

સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રસ , ધ્વનિ , વક્રોકિત , રીતિ , અલંકાર અને ઔચિત્ય અંગેની વિવિધ વિચારધારાનો સામાન્ય પરિચય કરાવો .


    પ્રસ્તાવના : - સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ભરત , વામન , રૂદ્રટ , કુન્તક , આનંદવર્ધન , અભિનવગુપ્ત , મમ્મટ , વિશ્વનાથ , જગન્નાથ , ક્ષમેન્દ્ર વગેરેએ રસ , ધ્વનિ , વક્રોકિત , અલંકાર અને ઔચિત્ય વિશે વિચારણા કરી છે . આ વિદ્વાનોએ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ નજર સમક્ષ રાખીને કાવ્યની આલોચના કરવાનું શાસ્ત્ર રચ્યું છે . કાવ્યનું રસ , અલંકાર , ધ્વનિ , વક્રોકિત , રીતિ વગેરેની દૃષ્ટિએ મૂલ્યાંકન કરવામાં ભારતીય મીમાંસકોની આ વિચારણા ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે . આપણે આ વિચારધારાનો સામાન્ય પરિચય મેળવીશું . 

    ટૂંકનોંઘ લખો : - રસ સિદ્ધાંતઃ - ભારતીય કાવ્યશાસ્ત્રમાં રસ- સિદ્ધાંત સૌથી પ્રાચીન અને અગ્રગણ્ય છે . કાવ્યમાંથી મળતો અલૌકિક આનંદ તે રસ . એ રસનું સ્થાન છે ભાવકનું હૃદય . રસ ભાવકના ચિત્તમાં નિષ્પન્ન થાય છે . એ કલા સિદ્ધાંત સમગ્ર સાહિત્યમીમાંસામાં અદ્વિતીય છે . આ રસ તે કાવ્યાનંદ , કલાનંદ , સૌંદર્યાનંદ .

     સૌ પ્રથમ ભરત મુનિએ તેમના ' નાટયશાસ્ત્ર ' માં રસ– સિદ્ધાંતની સ્થાપના કરી . એ પછીના સધળા આચાર્યોએ એની ચર્ચા કરી છે . વિશ્વનાથે તો કાવ્યની વ્યાખ્યા જ આપી , ' વાક્યમ રસાત્મકમ્ કાવ્યમ્ . ' અને રસને અલૌકિક ચિન્મય અખંડ પરમ આનંદ કહ્યો .  

    ભરતે આઠ રસ ગણાવ્યા હતા : ( 1 ) શૃંગાર ( 2 ) હાસ્ય ( 3 ) કરૂણ ( 4 ) વીર ( 5 ) રૌદ્ર ( 6 ) ભયાનક ( 7 ) બીભત્સ અને ( 8 ) અદભૂત . પછી એમાં ( 9 ) વાત્સલ્ય , ભકિત અને ( 10 ) શાંત રસ ઉમેરાયા . 

    સંસ્કૃત કાવ્યશાસ્ત્ર માં ભરત રસશાસ્ત્રના મુખ્ય પ્રણેતા રહ્યા છે . રસ એટલે શું એની ચર્ચા ભરતે ટૂંકમાં કરેલી છે . ભરતના મતે રસ એટલે કાવ્યપ્રકૃતિમાંથી મળતો આનંદ . કોઈપણ સાહિત્યકૃતિમાંથી સ્ફૂટ થતો અર્થવિશેષ એક વિશિષ્ટ પ્રકારનાં આનંદનો અનુભવ કરાવે છે . આ રસાનંદને બ્રહ્માનંદ સહોદર આનંદ તરીકે પણ ઓળખી શકાય . કોઈ પણ કલાકૃતિ માં રસને પ્રેરનારાં , પોષનારાં , પ્રગટ કરનારાં તત્વો - પરિબળો હોવાં જોઈએ . પોતાના રસસૂત્ર માં ભરતે આવાં પરિબળો જણાવેલા છે . એનો એણે પોતાના સસૂત્રમાં કર્યા છે . ભરતનું આ રસસૂત્ર આવું છે -


    विभाव अनुभाव व्यभिचारी संयोगात रसनिष्पतिः ।


    એટલે કે વિભાવ , અનુભાવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસનિષ્પતિ સધાય છે , મનુષ્યચિતમાં બે પ્રકારના ભાવો રહેલા છે : ( 1 ) સ્થાયી ભાવ : જે મનુષ્યચિતની સ્થાપી ભાવસ્થિતિ છે , જેની સંખ્યા આઠ છે . જેમાં રતિ , હાસ , શોક , ક્રોધ , ઉત્સાહ , ભય  , વિસ્મયને મૂકી શકાય . ( 2 ) અસ્થાયી કે વ્યભિચારી ભાવો : જે મનુષ્યચિતના ક્ષણિક ભાવો છે . જેની સંખ્યા તેત્રીસ જેટલી છે . આ સંદર્ભમાં ભરતના રસસૂત્રોને સમજીશું .

    વિભાવના બે પ્રકાર છે : ( 1 ) આલંબન વિભાવઃ-  એ સ્થાયી ભાવો પ્રગટ થવાનું નિમિત બને છે . એટલે એને નિમિતરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે . ( 2 ) ઉદ્દીપન વિભાવઃ  - એ આલંબન વિભાવ થી જાગેલા સ્થાયીભાવને પોષવાનું કામ કરે છે . રસ નિષ્પતિમાં વિભાવ વિના સ્થાયીભાવ સક્રિય થતો નથી , એથી રસશાસ્ત્રમાં એનું મહત્વ ખૂબ જ છે .

     અનુભાવ એટલે શારીરિક ચેષ્ટાઓ કે આંગિક વિક્રિયા , વિભાવાદિથી સક્રિય બનેલા સ્થાયી ભાવ શારીરિક ચેષ્ટાઓ રૂપી અનુભાવથી પ્રગટ થવાનું કામ કરે છે . વ્યભિચારી ભાવો પણ સ્થાયીભાવના રસ રૂપે પ્રગટ થવામાં મદદગાર બને છે .

    ભરતના રસસૂત્રને આધારે રસનિષ્પતિની પ્રક્રિયા સમજાવતા મુખ્ય વાદોમાં ( 1 ) ભટ્ટ લોલ્લટનો ઉત્પતિવાદ , ( 2 ) ભટ્ટ શંકુકનો અનુમિતિવાદ , ( ૩ ) ભટ્ટ નાયકનો ભકિતવાદ , ( 4 ) ભટ્ટ તૌતનો અનુવ્યવસાયવાદ અને ( 5 ) અભિનવગુપ્તનો અભિવ્યંજનાવાર મુખ્ય છે .

    ભરતના રસસૂત્ર ને આધારે રસનિષ્પતિની પ્રક્રિયાને ભટ્ટ લોલ્લટ ઉત્પતિવાદ રૂપે સમજાવે છે . ભારતના રસસૂત્રમાં ' સંયોગ ' શબ્દ આપે છે . લોલ્લટ એનો અર્થ ' સ્થાયી ભાવનો વિભાવ આદિ સાથે સંયોગ ' એવો કરે છે . એના મતે સ્થાયી ભાવ વિભાવ આદિથી ઉત્પન્ન થાય છે ..... ત્યાંથી એના મતની મુશ્કેલી શરૂ થાય છે . લોલ્લટ એના સ્થાયીભાવની ઉત્પતિ કહ્યું છે .... એણે સ્થાયી ભાવ ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે .... એટલે રસ ઉત્પન્ન થાય છે એવો અર્થ થયો . નટના માધ્યમથી ભાવકના ચિતમાં રસ ઉત્પન્ન થાય છે . ભાવક નટમાં મૂળ રામનું આરોપણ કરે છે તેથી રસ ઉત્પન્ન થાય છે . હકીકતમાં સ્થાયી ભાવો મનુષ્ય ચિત માં સુષુપ્ત રીતે પડેલા હોય છે . એમની સક્રિયતાથી , પરાકાષ્ઠાથી રસનો અનુભવ થાય છે . એટલે સ્થાયી ભાવોને કે રસને ' ઉત્પતિ થાય છે ' એમ કહેવું બરાબર નથી .

    શંકુક ભટ્ટ લોલટના ' ઉત્પતિવાદ ' મતનું ખંડન કરી પોતાનો અનુમિતિવાદ જણાવે છે . એ રસનિષ્પતિની ક્રિયામાં અનુકરણ અને અનુમાનને આધાર રૂપ ગણે છે . રાજા વગેરે અનુકાર્યો નાં સ્થાયી ભાવનું કુશળ નટ અનુકરણ કરે છે . કથન કરવાથી રસ કે ભાવની પ્રતીતિ થતી નથી . એ માટે કુશળ સંરના જીવંત અભિનયની જરૂર હોય છે . કુશળ નટ અનુભાવોથી રામાદિ અનુકાર્યોના સ્થાયીભાવની પ્રેક્ષકને પ્રતીતિ કરાવે છે . નટ પોતે અનુકાર્ય નાં સ્થાયીભાવનું અનુકરણ કરે છે અને નટમાં પ્રતીત થતો એ સ્થાયીભાવ આમ તો કલ્પેલો છે , પણ અનુભવો અને અભિનયની સચ્ચાઈથી એ સાચુકલા લાગે છે . પ્રેક્ષક નટમાં મૂળ પાત્ર ( રામ - સીતા ) ના સ્થાયીભાવનું અનુમાન કરે છે . આ અનુમાન નાં આધારે એનામાં ૨ સચર્વણા થાય છે એથી શંકુકના આ મતને અનુમિતિવાદ કહેવામાં આવ્યો છે

     શંકુક નો આ મત પણ સંપૂર્ણપણે સ્વીકારી શકાય એવો બન્યો નથી . છતાં લોલૂટથી એ મત આપણને એક ડગલું આગળ એ રીતે લઈ જાય છે કે એણે રસનિષ્પતિ ને લૌકિક નહીં પણ અલૌકિક ભૂમિકાએ જોવાનું તાકયું છે

    ઉપર્યુકત બંને મતો આરોપણ અને અનુમાન પર આધારિત છે તેથી અમાન્ય ઠરે છે . ભાવક કે પ્રેક્ષક નટમાં રામનું આરોપણ કે અનુમાન કરે છે તેથી તેના ચિત્તમાં રસ જન્મે છે એવી માન્યતા પર આ મત ઊભો છે .

    ભટ્ટ તૌત શંકુકના મતનું ખંડન કરતા કહે છે કે રામાદિ મૂળ પાત્રનું અનુકરણ શકય નથી . કેમ કે એ પોત્રોને જોયા વગર અનુકરણ થાય જ કેવી રીતે ? નટ તો જે કરે છે . એ પોતાની રીતભાતનો અભિનય માત્ર છે . નટ કોઈ ચિત્તવૃતિનું અનુકરણ કરતો નથી . એના મતે તો નાટયનો અનુભવ એટલે કે રસાનુભવ એ અનુવ્યવસાયનો વિષય છે . પ્રેક્ષાગારમાં બેઠેલો ભાવક કેટલીક ચમત્કૃતિઓને આધારે પોતાનું સ્થળકાળનું જ્ઞાન ક્ષણવાર ભૂલી તે નટના ક્રિયાવ્યાપારમાં અનુપ્રવેશ પામે છે . તદાકાર બને છે . આ તંદાકારતાને તૌતે અનુવ્યાસાયવાદના પાયામાં મૂકી છે . ટૂંકમાં , નાટક જોતી વખતે પ્રેક્ષક નટ સાથે ચિત્તથી તલ્લીનતા અનુભવે છે એ તૌતની વાતને સ્વીકારી શકાય . 

    ભટ્ટ નાયક , લોલ્લટ , શંકુક વગેરેના રસનિષ્પતિ અંગેના વાદોનું ખંડન કરે છે . તે કહે છે કે લોલ્લટે કહ્યા પ્રમાણે રસ ઉત્પન્ન થતો નથી . શંકુકે કહ્યા પ્રમાણે રસ અનુમિત પણ થતો નથી . ભટ્ટ નાયકના મતે રસનિષ્પતિની પ્રક્રિયામાં ભકિતવાદ મહત્વનો છે . તેના મતે સાધારણીકરણથી ભાવક સાનુભૂતિ કરે છે . શબ્દના ત્રણ વ્યાપાર છેઃ- ( 1 ) અભિધા , ( 2 ) ભાવકત્વ અને ( 3 ) ભોગ અથવા ભોજકત્વ . અભિધાથી કાવ્યર્થનો બોધ થાય છે . રામ ન રહેતા માનવરૂપે પ્રતીત થાય છે . તેથી રામના ભાવોનો ભોગ કરી શકાય છે . ભાવકચિત્તમાં સત્વગુણનો ઉદ્દેક થાય છે . તેથી રસાનુભૂતિ થાય છે . વિભાવ આદિથી સાધારતીકરણ થયા પછી સરાસ્વાદનો અનુભવ થાય છે . તે ભોગીકરણનું પરિણામ છે . ભટ્ટ નાયકના મતે રસ ભોગવાય છે . ભાવકની પોતાની સંપત્તિમાં – ચેતનામાં આ રસ વિશ્રાંતિરૂપ હોય છે . અર્થાત રસાનુભાવ વખતે બીજું બધું જ્ઞાન તિરોહિત થઈ જાય છે અને ભાવક રસમાં તદ્રુપ બને છે . એટલે કે કૃતિ સાથે ભાવક તાદાસ્ય સાધે છે . રસ એ અલૌકિક ધટના છે એનો આનંદ લોકોત્તર આનંદ છે એમ કહેવાને કારણે નાયકે નાં ભકિતવાદનું મહત્વ વધી જાય છે . ભટ્ટ નાયકે જે કહ્યું છે કે વિભાવાદિના સાધારણીકરણ વગર પણ રેસાનુભવ શકય નથી એ પણ અગત્યનું છે . સાધારણીકરણ વ્યાપારનો મહિમા સૌ પ્રથમ એણે જ કર્યો છે . વળી રસનું અધિષ્ઠાન ભાવકનું ચિત્ત છે એમ પણ એણે જ સૌ પ્રથમ કહ્યું છે .... અનેની ભકિતવાદની વિચારણા આ કારણે નોંધપાત્ર બની છે .

     ભટ્ટ નાયક પછી આવતા અભિનવગુપ્ત પોતાના પૂર્વસૂરિઓ જેવા કે લોલ્લટ , શંકુક , તીત , નાયક વગેરેના મતોનું ખંડન કરવાને બદલે એ મતોનું સંયોજન કર્યુ છે , એક લોલૂટના મત નો ઈન્કાર કરી અભિનવગુપ્ત શંકુક અને નાયકના મતમાં કેટલાક સુધારા કરીને પોતાના મતની માંગણી કરે છે . ભરતે જે કહ્યું છે કે ' કાવ્યનો અર્થ એટલે જ રસ એ મુખ્ય વાતને સ્વીકારીને અભિનવગુપ્ત કહે છે કે કાવ્યમાં અભિધા , લક્ષણા અને વ્યંજના એવી શકિતઓ હોય છે . કવિને અભિપ્રેત અર્થ તે પ્રતીયમાન અર્થ છે . આ પ્રતીયમાન અર્થ સંપૂર્ણપણે આપણને વ્યંજનાશકિત સક્રિય બને ત્યારે મળતો હોય છે . એટલે વ્યંજનાના પ્રવર્તન પછી કાવ્યકૃતિને સંપૂર્ણ અર્થ મળે છે . આમ જો અર્થ અને રસ જુદા ના હોય તો આ અર્થપ્રાપ્તિ એ જ ૨ સાનુભવની ક્ષણ છે . અભિનવગુપ્ત ભટ્ટ નાયકના ( 1 ) અભિઘા અને ( 2 ) ભાવકત્વ વ્યાપારનો સ્વીકાર કરે છે . પણ ત્રીજા ભોજકત્વ વ્યાપારને બદલે વ્યંજના વ્યાપારને મૂકે છે . તેથી રસની ધ્વન્યાત્મક અભિવ્યકિત થાય છે એવો નવો સિદ્ધાંત આપે છે . 

    અભિનવના મતે કવિ શબ્દો દ્વારા કેવળ વિભાવ વગેરેનું વર્ણન કરી શકે છે . આ વિભાવોનું સાધારણીકરણભાવે ગ્રહણ થતાં ભાવકના ચિત્તમાં વાસના રૂપે રહેલા સ્વાયીભાવ જાગ્રત થાય છે અને ભાવક મનની ચેતનાના આનંદમય ચર્વણાવ્યાપારથી એ સ્થાયી ભાવે જે આસ્વાદાય છે તે છે રસ . ટુંકમાં અભિનવનો રસવિચારમાં વ્યંજના એટલે કે ધ્વનિ વ્યાપારનું પણ મહત્વ છે . તે ધ્વનિનું અને રસનું અપૂર્વ સાયુજય કલ્પ છે . આમ , રસનો અનુભાવ એ સૂક્ષ્મ અને ગૂઢ પ્રક્રિયા છે . ભરતના રસસૂત્ર વડે આપણે એની ગૂઢતાને , એની પ્રક્રિયાને સમજીએ છીએ .