✓ સુધારક યુગનાં સાહિત્યની લાક્ષણિકતાઓ જણાવો .
સુધારક યુગનાં લક્ષણો :
( 1 ) સ્વરૂપની દ્રષ્ટીએ - મધ્યકાલિન સાહિત્ય રાસ , રાસા , ફાગુ , પ્રબંધ , આખ્યાન , પદ્યવાર્તા , બારમાસી જેવા પધ સ્વરૂપોમાં સર્જાતું હતું . અર્વાચિન કાળને આરંભે આ બધા મધ્યકાલીન પદ્ય સ્વરૂપો લોપ પામે છે . સુધારક યુગમાં પદને બદલે અંગ્રેજી નિરૂપણ પદ્ધતિનાં ગીતો સર્જાય છે . પદોનાં વિવિધ સ્વરૂપની સાથે ગદ્યોના વિવિધ સ્વરૂપો ઉદ્ભવ પામે છે . નવલકથા , આત્મકથા , નિબંધ , નાટક જેવા ગદ્ય સ્વરૂપો ઉદ્ગમ પામીને વિકાસની કેડીએ ડગલા માંડે છે .
( 2 ) આંતર સામગ્રીની દષ્ટિએઃ- મધ્યકાલીન સાહિત્યનું વિષય અત્યંત સીમિત હતું . સાહિત્ય ધર્મનાં ચોગઠાની બહાર અપવાદ સ્વરૂપે જ વિહરતુ હતું . અંગ્રેજી શિક્ષણને કારણે સુધારક યુગનાં સર્જકોની દ્રષ્ટિનો વ્યાપ વધ્યો છે . આ યુગનાં સર્જકોની દ્રષ્ટીએ કલ્પનાનો નહિં , વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે . પરલોકની ચિંતા મુકી ઈહલોક પ્રતિ જાય છે . અપ્રમાણિતાઓની સીમાઓમાંથી બહાર નિકળીને પ્રણય , પ્રકૃતિ , ચિંતન , ભકિત , વતન પ્રેમ અને સંસાર સુધારા તરફ ફંટાય છે . તત્કાલીન પરિસ્થિતિઓ વ્યકત થાય છે . સર્વ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ સાહિત્યમાં પડે છે . સુધારક યુગનું સાહિત્ય આંતર સામગ્રીની રીતે વૈવિધ્યનું દર્શન કરાવે છે .
( 3 ) નિરૂપણ પદ્ધતિની દષ્ટિએઃ- સુધારક યુગનું સાહિત્ય ભાષાભિવ્યકિતની દૃષ્ટિએ પણ નવપ્રસ્થાન કરે છે . વિષયની સાથે અભિવ્યકિત પરત્વે નવા મંડાણ થાય છે . ગદ્ય અને પધ બેઉમાં અંગ્રેજી સાહિત્યનાં સંસ્કારો જીલાય છે . અંગ્રેજી પદ્ધતિનાં નાટકોનો પ્રારંભ થાય છે . તે બધા સાહિત્ય સ્વરૂપો પશ્ચિમી સાહિત્યમાંથી આયાત થયેલા છે . તેથી , આ બધા સાહિત્ય સ્વરૂપોમાં પશ્ચિમી સાહિત્ય સ્વરૂપની નિરૂપણ રીતીની પદ્ધતિ કે ટેકનીક અજમાવાયેલી જોવા મળે છે . આમ , ભાષાભિવ્યકિતની દ્રષ્ટિએ પણ યુગનાં સાહિત્યમાં અંગ્રેજી સાહિત્યનો વ્યાપક પ્રભાવ વર્તાય છે .
( 4 ) હેતુની દષ્ટિએ :- આ યુગના સર્જકો સંસાર સુધારાની પ્રવૃતિઓ સાથે સધન રીતે જોડાયેલા હોઈને તેમની રચનાઓ ઉપદેશ પ્રધાન અને પ્રચારાત્મક બની બહે છે . તેમાં કલાકીય તત્વોનો ઘણો અભાવ વર્તાય છે . નિતીબોધ અને સંસાર સુધારાનું લક્ષ્ય ૨હયું હોવાને લીધે આ યુગના સર્જકો બહુ ઓછી સિદ્ધીઓ સાથે વિશેષ નવપ્રસ્થાનો કરે છે . સંસાર સુધારાને નિમિત બનાવીને જ તેઓ સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ કરતા હોવાને કારણે તેમનું સર્જન હેતુલક્ષી બની રહે છે .
ઉપસંહાર : - સમગ્ર રીતે જોતા સુધારક યુગનાં અંગ્રેજી શિક્ષણ પામેલા સર્જકો પાસે કઈક નવું નવું સર્જવાની ઝંખના જણાય છે . પરિણામે કલા તત્વોની માવજત કે ખેવના આ યુગનાં સર્જકોમાં બહુ ઓછી જોવા મળે છે . પરંતુ આ યુગના સર્જકોએ વિષય અને સ્વરૂપ ક્ષેત્રે જે નવપ્રસ્થાનો આરંભ્યા તેને પરિણામે ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન સાહિત્યની સાંકડી વિચારધારામાંથી બહાર આવે છે . અને મધ્યકાલીન સાહિત્ય કરતાં અનોખો આંતરબાહ્ય ગુણ લક્ષણ પ્રકાશિત થાય છે.
0 ટિપ્પણીઓ