ટૂંકનોંઘ લખોઃ— ઉત્તમ વિવેચકની પાત્રતાઃ સાચા વિવેચકના ગુણધર્મો. 



  ( 1 )   સાહિત્યકૃતિના ભાવન વિના વિવેચન જન્મતું નથી , તેથી સાચો વિવેચક હંમેશા સાચો ભાવક હોવો જોઈએ . સર્જકના સમાનધર્મી બનવાની એનામાં શકિત હોવી જોઈએ . સર્જક જે કહેવા કે બતાવવા માંગે તે બધું સાંભળવાની કે જોવાની તત્પરતા અને એમ કરવા માટે જરૂરી કલ્પના તથા સંવેદનશકિત એની પાસે હોવી જોઈએ . એનામાં સર્જક કે કૃતિ સાથેના તાદાભ્ય અને તટસ્થના ગુણો હોવા જોઈએ , ઉત્તમ વિવેચક ઉત્તમ ભાવક હોય છે . 

  ( 2 )   વિવેચક તટસ્થ અને સમતુલ હોવો જોઈએ , કોઈની શેહશરમમાં તણાયા વિના નિર્ભયતાથી અને નિખાલસતાની સાહિત્યકૃતિ વિશેનો પોતાનો પ્રામાણિક અભિપ્રાય ઉચ્ચારવાની એનામાં હિંમત હોવી જોઈએ . નિર્ભયતા અને સ્પષ્ટ વકતૃત્વ સારા વિવેચક માટે અનિવાર્ય ગુણો છે . વિવેચક નિષ્પક્ષ , નિસ્વાર્થ અને ન્યાયધીશ જેવો તટસ્થ મૂલ્યાંકનકાર હોવો ધટે . સાચું વિવેચન સત્યની સેવા માટે હોય છે . વિવેચકમાં સત્યનિષ્ઠા , સૌંદર્યનિષ્ઠા અને સાસંવેદનાશીલતા કે સહૃદયતા આવશ્યક છે . 

   ( 3 )   વિવેચક કેવળ સાહિત્યપ્રીતીથી જ પ્રેરાયેલો હોવો જોઈએ . કોઈને ચડાવી મારવાના , ઉતારી પાડવાના , ધન કે કીર્તિ કમાવવાના બાહ્ય ઉદ્દેશોથી એ પ્રેરાયેલો ન હોવો જોઈએ . 

   ( 4 )   સાહિત્યકૃતિનું વિશ્લેષણ કરતી વખતે વિવેચકના મનમાંથી કૃતિની સમગતાનો વિચાર ખસવો જોઈએ નહિ . વિવેચન એ ખંડનાત્મક ક્રિયા નથી પણ મંડનાત્મક ક્રિયા છે એ વાત એણે સદા યાદ રાખવી જોઈએ .

   ( 5 )   જરૂર પડે ત્યાં પોતાની આગવી કલ્પનાશક્તિને વાપરવાની અને કલાકૃતિ ઉપર પોતાના વ્યક્તિત્વનું આરોપણ કરવાની એનામાં સૂઝશકિત હોવી જોઈએ . કલાકૃતિની ભીતર પોતાના આત્માનો પ્રવેશ એ કરાવી શકતો હોવો જોઈએ . સાચા વિવેચકમાં આવી શકિત હોય છે અને તેથી અંગ્રેજી વિવેચનસાહિત્યમાં વિવેચકને કોઈ કોઈ વાર ( સુષુપ્ત કવિ ) ' Latent Poet ' કહેવામાં આવે છે . અને કહેવાયું છે કે કવિ જ કવિનો વિવેચક હોઈ શકે . કવિને પામવા કવિની કક્ષાએ પહોંચવું પડે.

  ( 6 )   વિવેચકની વાણી ધારદાર , સ્પષ્ટ અને અસંદિગ્ધ હોવી જોઈએ . પોતાને જે કંઈ લાગે છે તેને સ્પષ્ટ અને અસરકારક શબ્દોમાં કહેવાની એનામાં આવડત હોવી જોઈએ . આને કારણે વિવેચકની પાસે પણ ભાષા પ્રભુત્વની અપેક્ષા રહે છે . પોતાને જરૂરી લાગે તેવા નવા શબ્દો ધડતાં અને વાપરતાં એને આવડવું જોઈએ . જરૂરી એવી વિવેચનની પરિભાષા નિપજાવી લેતાં પણ એને આવડવું જોઈએ .