✓ ટૂંકનોંઘ લખો : - વિવેચનની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ

✓ ટૂંકનોંઘ લખો : - ( 1 ) ઐતિહાસિક પદ્ધતિ ( 2 ) તુલનાત્મક પદ્ધતિ ( 3 ) કૃતનિષ્ઠ વિવેચન . 


  

  વિવેચનની અનેક પદ્ધતિઓ હોઈ શકે . એમાંથી ત્રણ પદ્ધતિઓ મુખ્ય અને સાર્વત્રિક પદ્ધતિઓ તરીકે સ્વીકાર પામી છે . 


    ( 1 ) ઐતિહાસિક પદ્ધતિ :-  પ્રત્યેક ભાષાનું સાહિત્ય પરંપરાથી ધડાય છે અને પરંપરાથી જ વિકસે છે . એટલે કે પ્રત્યેક કૃતિ એક યા બીજી રીતે પોતાની પહેલાની સાહિત્યિક પરંપરાની ઋણી હોય છે . કોઈપણ સાહિત્યકૃતિને જેમ એનું પોતાનું નિરપેક્ષ મૂલ્ય હોય છે તેમ એ કૃતિ જે દેશકાળમાં રચાય તે દેશકાળના સંદર્ભમાં એનું એક ઐતિહાસિક મૂલ્ય પણ હોય છે . નંદકિશોરની " કરણ ઘેલો " નવલકથા આજે કેવળ નવલકથા તરીકે બહુ સામાન્ય કોટીની લાગે , પણ સુધારકયુગના એ જમાનામાં નવા જન્મેલા ગુજરાતી ગદ્યસાહિત્યને નવલકથાની દિશામાં પહેલ વહેલી વાર વાળવાના એક પ્રયાસ તરીકે એ કૃતિનું મૂલ્ય અને મહત્વ ધણું ગણાય . ઐતિહાસિક પદ્ધતિથી વિવેચન કરનાર સાહિત્ય કૃતિને એના જમાનાના ઈતિહાસના સંદર્ભમાં મૂલવે છે . એ સાહિત્યની શી અસર અનુગામી લેખકો ઉપર પડી તેનો અંદાજ કાઢે છે અને એમ એકબીજાની અસરથી ધડાતાં આવતાં સાહિત્ય રૂપો નો ક્રમબદ્ધ વિકાસ સમજવાનો એ પ્રયત્ન કરે છે . આવું ઐતિહાસિક વિવેચન પુરોગામી અને અનુગામીઓ વચ્ચેનો , સાહિત્યના ભિન્ન ભિન્ન યુગ વચ્ચેનો સંબંધ સ્થાપી આપવા માટે બહુ જરૂરી છે .

( 2 ) તુલનાત્મક પદ્ધતિ :- કેટલીક વાર વિવેચક વિવેઠ કૃતિને એ જ પ્રકારની બીજી સંસિદ્ધ ગણાયેલી સાહિત્યકૃતિઓના સંદર્ભમાં સમજવાનો અને પામવાનો પ્રયત્ન કરે છે . આમાં આખુંય વિવેચન સરખામણી દ્વારા આગળ વધતું હોય છે . વીસમી સદીના કોઈ એક નાટયકાર ની કૃતિને જયારે કાલિદાસ , ભાસ , ભવભૂતિ , શેકસપીયર , મોલિયેર , ઈબ્સન જેવા પુરોગામી નાટયકારો અને બર્નાડો શો તથા સેમ્યુઅલ બેકેટ જેવા સમકાલીન નાટયકારોની સરખામણી દ્વારા સમજવાનો અને મૂલવવાનો પ્રયત્ન થાય ત્યારે આવું તુલનાત્મક વિવેચન થયું કહેવાય . આ પ્રકારનું વિવેચન એક સાહિત્યકૃતિને નિમિત્ત બનાવીને સાહિત્યકૃતિઓના ઉત્તમ ગુણ લક્ષણ નો આપણને પરિચય કરાવે છે . અને એ આપણી સાહિત્યસૂઝને વ્યાપક અને સૂક્ષ્મ બનાવે છે . 

    તુલનાત્મક વિવેચન દલપત , નર્મદ , ઉમાશંકર , સુંદરમ્ કે પન્નાલાલ – પેટલીકર જેવા એક જ ભાષા , સાહિત્ય , સ્વરૂપ , યુગ , વિષય શૈલીના બે સાહિત્યકારોની કે બે કૃતિઓની પણ તુલના થાય છે . " મૈલા આંચલ " અને " માનવીની ભવાઈ " નો તુલનાત્મક અભ્યાસ થાય છે . 

( 3 ) વૈયકિતક વિવેચન અથવા નિરપેક્ષ કૃતિનિષ્ઠા વિવેચન :- લક્ષ્યવેધી બાણાવળી ની જેમ વિવેચક પરંપરા અને તુલના બંનેથી મૂકત થઈને કેવળ વિવેચ્ય કૃતિ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને એ કૃતિને જ મધ્યબિંદુ બનાવીને વિવેચન – કાર્ય આરંભે ત્યારે કૃતિનિષ્ઠ વિવેચન જન્મે . આવું વિવેચન જે તે સાહિત્યકૃતિના હાર્દને , ગુણદોષને પામવામાં બહુ ઉપયોગી નીવડે . સાહિત્યકૃતિ તરીકે જ કેવી છે એ સમજવાનો આ વિવેચનનો હેતુ છે અને તેથી કદાચ આ પ્રકારનું વિવેચન જ સાચું શુદ્ધ વિવેચન કહેવાય . આ સાહિત્યિક મૂલ્યલક્ષી વિવેચન છે . 

    ઉત્તમ વિવેચન જરૂર પડયે તે મુજબ આ ત્રણમાંથી આવશ્યક હોય એવી કોઈપણ પદ્ધતિનો આશ્રય લઈને કૃતિના હાર્દને પ્રગટ કરનારું વિવેચન જ હોઈ શકે . ઉત્તમ વિવેચન પદ્ધતિ કોઈ પણ પ્રકારની આગ્રહ કે પૂર્વગ્રહ રાખ્યા વિના જરૂર પડે ત્યાં તુલનાનો અને જરૂર પડે ત્યાં નિરપેક્ષ મૂલ્યાંકનનો એમ ગમે તે માર્ગ સ્વીકારતી હોય છે .