રવિન્દ્રનાથ ટાગોરની 'નષ્ટનિર્હ' વાર્તાનું મૂલ્યાંકન કરો.


       બંગાળી સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોરે જ સૌપ્રથમ ટૂંકીવાર્તાની સૃષ્ટિ ખડી કરી એ પછી બંગાળમાં અનેક ટૂંકીવાર્તાઓ લખાઈ છે. પણ એમાં રવિન્દ્રનાથની ટૂંકીવાર્તાની સાથે સમાન આસને બેસી શકે તેવી બહુ જ ઓછી છે. રવિન્દ્રનાથ ટાગોરે આપણી અંદર વહી રહેલી લાગણીની ગુપ્ત ધારાને બહાર લાવવાનું જોખમ ઉપાડ્યું છે.

       'નષ્ટનિર્હ' 1901માં પ્રકાશિત થયેલી ભારતીય સાહિત્યના ઇતિહાસની શ્રેષ્ઠ વાર્તા છે, અને આ વાર્તા પરથી જ ફિલ્મ સર્જક સત્યજીત રાયે 'ચારૂલતા' ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ One of the Best Classic (ક્લાસિક) ફિલ્મમાની એક છે. આ ફિલ્મની ખૂબ પ્રસંશા થઇ છે. આ ફિલ્મ પછી અન્ય એક બંગાળી સર્જક અનુરાગ બાસુએ The Broken Nest સિરિયલ બનાવી છે જે હાલમાં Netflix પર ઉપલ્બધ છે.

       રવિન્દ્રનાથ એક સમાજ સુધારક હોવાને કારણે સમાજમાં ચાલતી નાની - નાની તકલીફથી સતત ચિંતીત રહ્યા. તેઓ એક આધુનિકવાદી, સ્વપનદ્રષ્ટા તેમજ ક્રાંતિકારી હતાં. જેમને મહિલા પાત્રની શારિરિક જરૂરિયાત વિશે ખૂબ ખૂલીને લખ્યું છે. ટાગોરની વાર્તામાની સ્ત્રીઓ સામાજીક બંધનો તોડી પોતાની જરૂરિયાતો સ્પષ્ટ કરતી દેખાય છે.

     ‘નષ્ટનિર્હ’ ટાગોરની ખૂબ ચર્ચાતી વાર્તા છે. તેની નાયિકા ‘ચારૂ’ એક સુંદર અને બુદ્ધિશાળી ગૃહિણી છે જે સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. વાર્તાનો નાયક ભૂપતિ, ચારૂનો પતિ પોતાના કામમાં સતત વ્યસ્ત રહે છે, અને તેની પુખ્તવયની સુંદર પત્નિ એકલી પડી જાય છે. ભૂપતિ એક શ્રીમંત સંસ્કૃત પરીવારમાંથી આવે છે. એક બૌધિક માણસ છે, અને પ્રેમાળ પતિ છે પરંતુ એટલો વ્યસ્ત છે કે એની યુવાન પત્નિની વાસ્તવિક જરૂરિયાતો પ્રત્યે અસંવેદનશીલ છે. ચારૂને ઘરમાં કરવાલાયક કશું જ કામ નથી દરેક કામ નોકરો દ્વારા થઈ જાય છે. હા, એક સમયે ભૂપતિ ચારૂના ચહેરા પર ની એકલતા અને ખામોશીઓ દેખાય જરૂર છે પણ એ ખામોશી પોતે દૂર કરી શકશે તેનું તેને ભાન નથી અને ચારૂનું કંટાળા વાળું જીવન જીવંત કરવા તેના સાળા ઉમાપત અને તેની પત્ની મંદાને સાથે રહેવા બોલાવે છે. પરંતુ ચારૂ જેવી બુદ્ધિશાળી વ્યક્તિ માટે ભાભી મંદાની કંપની સફળ સાબિત થતી નથી. તેમના આવવાથી જાજો ફરક પડતો નથી. ચારૂના પાત્ર ચિત્રણમાં એક સુધારાવાદી અને નારીવાદી સ્ત્રીની ઝલક જોવા મળે છે. તે કંઇક નવું વાંચવા અને લખવા માટે ઉત્સાહીક સ્ત્રી છે. જ્યારે તેની જ ઉંમરનો એક યુવાન અમલ, ભૂપતિનો પિત્રાઈ ભાઈ ત્યાં રહેવા માટે આવે છે. ત્યારે તેની લેખનશૈલી ખીલી ઊઠે છે. ભૂપતિ અમલને ચારૂની લેખનની શક્તિ ખીલવવા માટે પ્રોત્સાહન આપે છે. અને આમ કરવા જતા ચારૂ અને અમલ એકબીજાની નજીક આવે છે. અમલના આગમનથી ચારૂનું જીવન રંગીન બને છે અને અમલ પણ ભાભીને સતત પોતાના કામમાં વ્યસ્ત રાખે છે. ક્યારેક પોતાની માટે એક રૂમાલ પર ભરતકામ કરવા કહે છે, ક્યારેક મિત્ર માટે સારૂ ભોજન બનાવવા કહે છે, ક્યારેક પોતાની માટે સુંદર મોજડી સિવિ આપવા કહે છે. ચારૂ આ માંગણી પૂરી કરવા આના કાની કરે છે. પરંતુ અંતે અમોલની માંગણીઓ ચારૂ દ્વારા પૂરી થાય છે. અમોલ ચારૂના Black and White જીવનમાં અનેક રંગો પૂરે છે. અમોલ પાસે ચારૂ સિવાય બીજી કોઈ કાંઈ અપેક્ષા રાખતું નથી. ટાગોરની 'નષ્ટનિર્હ’ એક એવા ઉચ્ચવર્ગનાં બંગાળી સમાજની વાત કરે છે. જ્યા વર્કોહોલી બંગાળી પતી દ્વારા કરવામાં આવતી પત્નિની ઉપેક્ષા તેના જ નાનાભાઈના પ્રેમમાં પરિણમે છે.

     'નષ્ટનિર્હ' એટલે કે 'વિખાયેલો માળો'. આ માળો કોઈ વસ્તુની ઉણપથી નથી વીખાયો પણ તે તૂટ્યો છે, એક સ્ત્રીની એકલતા ન સમજી શકવાથી ‘નષ્ટનિર્હ' બંગાળી ઘરની રહેણી-કરણી, પુરુષ પાત્રનો સ્વભાવ અને ઘરની આંતરિક કામગીરી પર સુંદર નજર પાડે છે. ચારૂ જેવી સુંદર પત્નિની શોધ બંગાળની દરેક શિક્ષિત ફેમીલી કરતી હોય છે. નવા વિચારો વાળી સ્ત્રી લાવવાની ઈચ્છા બંગાળના દરેક ઘરની છે. પરંતુ વાસ્તવિકતા આટલી ગુલાબી નથી. તે ટાગોરની વાર્તામાં સ્પષ્ટ જોઈ શકાય છે. ચારૂ બુદ્ધિશાળી છે. દરેક કામ કરવા સક્ષમ છે. છતાં તે અમલની ભાભી અને ભૂપતિની પત્નિની સીમામાં કેદ છે. ભૂપતિ ક્યારેય ચારૂના એકલવાયા જીવનમાં રંગ પૂરી શકતો નથી. આ બાળકન્યા હવે પુખ્ત થઈ છે. તેનો અણસાર પણ ભૂપતિને આવતો નથી. તે એ સમજવા સાવ નિર્થક છે. પણ ભૂપતિ કોઈ ક્રૂર માણસ નથી. તે ચારૂની સંભાળ રાખે છે. તે ઇચ્છે છે કે તેણી ખૂબ ખુશ રહે તેને લખવા માટે પણ પ્રોત્સાહન આપે છે. પણ છતાં ચારૂની એકલતા તો નથી જ સમજતો, અને જયારે સમજે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું છે તે એવા લગ્નનો શિકાર બને છે. જે અકાળે વૃધ્ધ થઈ ગયા છે. અમલના ચાલ્યા ગયા પછી ભૂપતિ ચારૂ પાસે હિંચકા પર બેઠો છે તે ખૂબ દુઃખી છે છતાં એકબીજાના મન સમજવા કે દિલાસો આપવા નિષ્ફળ નીવડે છે.

     અમોલનું તોફાની વ્યક્તિત્વ સાચવવા ચારૂનો બધો જ સમય ચાલ્યો ગયો. અને તે ભૂપતિથી સતત દૂર થતી ગઈ. તેનો તેને ખ્યાલ આવ્યો નહી. ચારૂ અને અમલની મિત્રતા વધારે ગાઢ થવાનું કારણ બંનેની સાહિત્યિક રૂચિ હતું. ચારૂને લખવાનો શોખ હતો અને ભૂપતિએ અમલને ચારૂને ભણાવવાનું કામ સોંપ્યું હતું. સાથે સાથે ચારૂએ અમલને પણ લખવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જ્યારે અમલનો પ્રથમ લેખ 'અષાઢનો ચંદ્રમાં' પ્રકાશિત થયો ત્યારે ચારૂને ખુબ આનંદ થયો પણ સાથે સાથે વિશ્વાસઘાતની લાગણી પણ થઈ હતી. કેમ કે ચારૂ એવું ઇચ્છતી હતી કે અમલ જે કાંઈ લખે તે ચારૂજ વાંચે બીજું કોઈ નહીં. કેમ કે અમલ જ્યારે લખવાનું શરૂ કરતો ત્યારે સૌપ્રથમ તે ચારૂને બતાવતો તેથી ચારૂ અમલના દરેક લેખ પર પોતાનો જ હક સમજતી અને ચારૂની આ ન સમજી શકાય તેવી લાગણી બંને વચ્ચેની કોમળ મિત્રતામાં ભંગાણ રૂપ સાબિત થાય છે. અને આ બધાની વચ્ચે અંતિમ ફટકો અમલની અચાનક વિદાય છે, તેની વિદાય ચારૂને અંદરથી તોડી નાખે છે. અહીં ટાગોર સ્પષ્ટ શબ્દોમાં ક્યારેય કહેતા નથી કે ચારૂને અમોલ સાથે લાગણી છે પણ સ્થિતી જોઈને જાતે સમજી જવાય છે. અમલ જતો રહે છે. ત્યારે ચારૂ પ્રથમ વખત એક સ્ત્રી તરીકેની પોતાની લાગણી અનુભવે છે, અને સભાન થાય છે. પછીથી તેની અને ભૂપતિના લગ્નની નિષ્ફળતા દેખાય છે. અમલના ગયા પછી ચારૂની જે દયનીય સ્થિતી થાય છે તે જોઈને ભૂપતિને પણ પોતાના નિષ્ફળ લગ્ન જીવનનો ખ્યાલ આવે છે. તે હમેશા ચારૂને એક બાળકની જેમ પ્રેમ કરતો રહ્યો છે, પણ તે પુખ્ત સ્ત્રીની જરૂરિયાત સંતોષવામાં નિષ્ફળ નિવડ્યો તેમ છતાં તે આ લગ્નને સફળ કરવા માટે એક પ્રયત્ન કરે છે પણ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું છે. ચારૂના દિલ દિમાંગમાં અમલ સિવાય કોઈ આવી શકે તેમ નથી. ચારૂના વિચાર કઈ દિશામાં ચાલી રહ્યા છે તે ભૂપતિ ને સમજાય તેમ નથી.

     ૧૯૦૧ માં પ્રકાશિત થયેલ 'નષ્ટનિર્હ' એ સમયની અદ્ભુત કથા સાબિત થઈ છે. એનો અંત દુઃખદાયી છે. કથા સીધી, સ્પષ્ટ અને લાગણીથી ભરપુર છે. વાંચકોમાં જ્યારે આખી કથા જાણે વહી જાય છે. દેખીતી રીતે વાર્તાનો પ્રવાહ ખૂબ ધીમો છે. પણ લાગણીઓનું તોફાન જે ત્રણેય પાત્રોના મનમાં ઉડે છે. તે વિનાશકારી છે. જટીલ લાગણીઓ અને પરિસ્થિતિને એક સાથે લાવવાની ટાગોરની ક્ષમતા અદ્વિતીય છે. આ ટાગોરના લખાણોને જાદુઈ સાક્ષાત્કારી અને શક્તિશાળી કહેવાય છે. ટાગોરની વર્ણનશક્તિ અવિશ્વાસ ઉભો કરે તેવી છે. એક જગ્યાએ જ્યારે આમોલ ચાલ્યો જાય છે. ત્યારે ચારૂ બાલકનીમાં ઉભી ઉભી રડી રહી છે. તે પરિસ્થિતિનું વર્ણન વાંચીને આપણને એવું લાગે છે કે આપણું હૃદય એકાદ ધબકારો ચૂકી જશે. નાયિકાની જે ગુંગળામણ છે. તે વાંચકથી સહન કરવી અસહ્ય બને છે.

     વાર્તાના અંતમાં આપણે જાણીએ છીએ કે દરેક પાત્ર ગંભીર રીતે ચોટગ્રસ્ત છે. અને પોતાનો ભાવ પ્રગટ કરવામાં અસમર્થ છે. નથી ભૂપતિ પોતાની લાગણી ચારૂને કહી શકતો કે નથી ચારૂ પોતાની લાગણી ભૂપતિ ને કહી શકતી. જયારે વાર્તાના અંતમાં ચારૂ ભૂપતિ સાથે જવાની ના પાડે છે. તે નિર્ણય આશ્ચર્ય જનક છે. કેમ કે હવે અમલના પાછા આવવાની આશા નથી. છતાં ચારૂ એકલી રહીને શું કરશે ? અમલ અને તેના લેખનથી દૂર ચારૂ પોતાની પાંખો ક્યાં ફેલાવશે આવા પ્રશ્નો મનમાં જરૂર થાય છે, અને ત્યાં વાર્તા પૂરી થાય છે.

'નષ્ટનિર્હ' માં ટાગોર સાંકડી ઘરેલું દીવાલમાંથી મુક્તિ માટે પ્રગતીશીલ આધુનિક, શિક્ષિત, ગૃહ પત્નિના મનોવિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે. 'નષ્ટનિર્હ’ એક વાર્તા નથી પરંતુ ટાગોરની કલાત્મક શ્રેષ્ઠતાનું અસ્પષ્ટ ઉદાહરણ છે.

     ટાગોરની આ બંગાળી નવલકથા છે. 1901માં લખાયેલી હોવા છતાં, વાર્તા આજના સમયમાં પણ મૂલ્ય ધરાવે છે. પુસ્તકને સત્યજીત રે દ્વારા 1964માં ફિલ્મ "ચારુલતા"માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ચારુલતા, નાયિકા વાર્તામાં, કલા અને સાહિત્યના પ્રેમી છે જે તેના વ્યસ્ત પત્રકાર પતિ ભૂપતિને કારણે એકલતા અનુભવે છે. અમલ, તેનો પિતરાઈ ભાઈ તેણીને બૌદ્ધિક અને સર્જનાત્મક સંતોષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે જે બંને વચ્ચે ઘનિષ્ઠ બંધન તરફ દોરી જાય છે. તેમના જીવનમાં નવો વિકાસ પરિણમે છે. હૃદયદ્રાવક પ્રત્યાઘાતોમાં.