લોકવિદ્યા એટલે શું? લોકવિદ્યાની ભૂમિકા અને સંજ્ઞા અને સંપ્રત્યેય-લક્ષણોની ચર્ચા કરો.
લોકવિદ્યા વિશે વિગતે ચર્ચા કરો-અથવા-લોકવિદ્યાની વ્યાખ્યા અને વિભાવના વિશે ચર્ચા કરો.
ભૂમિકા :
છેલ્લાં દોઢસો વર્ષથી વિશ્વ આખામાં લોકવિદ્યા-લોકસંસ્કૃતિ અને લોકવાડંમય વિશે વૈજ્ઞાનિક ઢબે થોડી-ઘણી ચર્ચાઓ થતી રહી છે. ફ્રેંચક્રાંતિ પછીથી વિશ્વ આખામાં અનેકવિધ શાખાઓમાં કે વિષયોમાં નવા-નવા વિચારવાદો આવ્યાં, ઇતિહાસથી માંડીને મનોવિજ્ઞાન, ઉત્ક્રાંતિવાદથી માંડીને જ્ઞાન-વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ ઉદભવી અને વિકસી, પ્રાચીનતાનો મોહ, રંગદર્શીતા અને વૈજ્ઞાનિક અભિગમ સાથેનું મૂલ્યાંકન કે સમીક્ષાઓને કારણે લોકવિદ્યાનો અભ્યાસ પણ શરુ થયો. તેમાં પ્રાચીન વિવિધ સામગ્રીનો, એની શૈલીનો, સ્વરૂપનો અને સંદેશનો અભ્યાસ શરુ થયો. અર્થાત, પ્રાચીન સિક્કાઓથી માંડીને પ્રાચીન કે પરંપરાનાં સાહિત્યનો શાસ્ત્રીય, વિવેચનાત્મક, સંશોધનાત્મક અભ્યાસ શરુ થયો, એનાં ભાગ રૂપે જ ઇ.સ.1812 સૌપ્રથમ જેકબ અને વિલ્હમેન નામનાં બે જ્ઞાનબંધુઓએ યુરોપની લોકકથાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાનું શરુ કર્યું. એની સામ્યતા અને વિષમતાનો અભ્યાસ શરુ કર્યો,
લોકવિદ્યાની વ્યાખ્યાઓ :
ઇ.સ.1812થી શરુ થયેલી લોકવિદ્યાનાં અભ્યાસની શરુઆત થયા બાદ ઇ.સ.1846માં વિલિયમ જહોન થોમસે (માર્ટીન) એ પહેલાનો એંટીક્વિક કે એટિકપીસ (પ્રાચીન પણ અમૂલ્ય વારસા જેવું) શબ્દનો પ્રયોગ કર્યો, એને બદલે પોપ્યુલર એંટીક્સ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો, એમણે ‘ફોકલોર’ એવો શબ્દપ્રયોગ કર્યો, એમાં ફોક અને લોર એવા બે શબ્દોને જોડીને આપણે ત્યાં લોકવિદ્યા એવો શબ્દ મળ્યો. આમ, શરુઆતમાં ત્રણ અંગ્રેજી શબ્દોનો આપણે ત્યાં ફોકલોરનાં પર્યાય તરીકે લોકવિદ્યા આવ્યો છે. હવે આપણે લોકવિદ્યાની વ્યાખ્યા વિશે ચર્ચા કરીએ.
(1) ‘લોકવિદ્યા એટલે પારંપરિક ઉતરી આવેલી જાણકારી, આવી પારંપરિક જાણકારી અનેક વિષયોની પણ હોઇ શકે. દા.ત.ઘર કેમ બાંધવું, કાપડ કેમ વણવું કે વિચારોમાં વહેમો, રીત-રિવાજો વિશે વિચારતી વિદ્યાશાખા'=શ્રી કનુભાઈ જાની.
(2) ‘ફોકલોર એટલે લોકોની અલેખિત પરંપરાની સામગ્રી, નાગરિક સંસ્કૃતિ અને શૈક્ષણિક સંસ્કૃતિથી જુદું એવું નિરક્ષરોનું સાહિત્ય.” =એલેકઝાંડર ક્રેપ.
આ વ્યાખ્યાઓમાં આપણને મહત્વનાં કહી શકાય એવાં જે શબ્દો મળે છે. તેમાં પરંપરા સાથે સબંધ, અલિખિત સ્વરૂપે, અભણ કે નિરક્ષરોની ભાષા કે લિપિ, સામૂહિક જીવનનું મહત્વ, ગ્રામ્યસંસ્કૃતિ અને સામાજિક રીત-રિવાજો. લોકવિદ્યાની ઉપરની વ્યાખ્યામાંથી આપણે આ શબ્દોમાંથી લક્ષણો તારવી શકીએ. વ્યાખ્યામાંથી એની વિગતે ચર્ચા કરતાં તે વિભાવના કે મીમાંસા બને છે. અર્થાત લોકવિદ્યા એટલે લોકોની (અભણ કે નિરક્ષર લોકોની, વિવિધ પરંપરાઓનો) વિદ્યા એટલે (અભ્યાસ કરતી વિદ્યાશાખા), આમ આપણે કહી શકીએ કે લોકવિદ્યા એટલે કોઇપણ પ્રાંત-પ્રદેશ, રાજ્ય, દેશ, ખંડ કે લોકનો, એનાં આચાર, વિચાર, ઉચ્ચારનો, વાણી, વર્તન અને વ્યવહારનો અભ્યાસ કરવો તે. જેની મુખ્ય ચાર શાખાઓ છે.
ગુજરાતી સાહિત્યનાં લોકવિદ્યા અને લોકસંસ્કૃતિનાં પરમ વિદ્વાન શ્રી કનુભાઇ જાનીએ ‘લોકવાડંમય’માં આ ચાર શાખાઓને આ રીતે દર્શાવી છે.
લોકવિદ્યાની મુખ્ય શાખાઓ.
✔લોકવાણી કે લોકવાડંમય
✔લોકસંસ્કૃતિ કે સંગીત
✔સામાજિક વ્યવહાર રીતરિવાજો વિધિઓ
✔લોકકારીગીરી રાચરચીલું પહેરવેશ
લોકવિદ્યાની ઉપરોક્ત ચાર શાખાઓ વિશે ટૂંકમાં જાણી લઇએ તો, લોકવાણી કે લોકવાડંમયમાં તો લોકસાહિત્યનાં ગદ્ય, પદ્ય કે એની કંઠસ્થ પરંપરાનો અભ્યાસ થાય છે, લોકસંસ્કૃતિમાં સંગીતકલા, ચિત્રકલા, નૃત્યકલા અને શિલ્પકલાદિનો અભ્યાસ થાય છે, લોકવિદ્યાની ત્રીજી શાખામાં સામાજિક વ્યવહારો, એનાં રીત-રિવાજો, વિધિવિધાનો, સંસ્કારજગત, શુકન-અપશુકન, પૂજા-પાટ, વ્રત-ઉપાસનાઓ વગેરેનો અભ્યાસ થાય છે, તો ચોથી શાખામાં લોકકારીગીરીમાં ઘરનું રાચરચીલું, વેશ-ખેશ, કપડાં, ઘરેણાં, શણગાર, ગાર્યલિંપણકલા, ઉત્સવો કે તહેવારોમાં ઘર-શેરી-મહોલ્લાનાં શણગાર, પશુ-પ્રાણીઓનાં શણગારથી માંડીને લોખંડથી લાકડા સુધીનાં, કપડાંથી માંડીને ઘોડિયા વગેરેનાં શણગારની કલાઓનો અભ્યાસ થાય છે.
જો કે, અન્ય વિદ્વાનોએ લોકવિદ્યાને આ રીતે ગણાવી છે :-લોકવિદ્યાની મુખ્ય બે શાખાઓ (કથ્ય-જે કહેવાની કલા છે તે. અને ગેય એટલે કે જેને ગાઇ શકાય છે તેવી કલા.)-આ કથ્યમાં દીર્ઘકથનશૈલીમાં લોકકથાઓ, લોકનાટ્ય, લોકમહાકાવ્ય આવે છે, જ્યારે લઘુ કથ્યશૈલીમાં ટૂચકાઓ, રુઢિપ્રયોગો, ઓઠાઓ વગેરે આવે. તો ગેયમાં દીર્ઘશૈલીમાં લોકગીત, ગીતકથાઓ, લોકકથા કે પુરાકથાઓ આવે છે જ્યારે; ગેયનાં લઘુશૈલીમાં મંત્રો, વિધિવિધાનો, દુહાઓ-ખાયણાઓ, ભડલીવાક્યો આવે છે.
એ જ રીતે, બીજી રીતે વર્ગીકૃત કરીએ તો; લોકવિદ્યાનાં મુખ્ય ત્રણ શાખાઓ (શાબ્દી, અર્ધશાબ્દી અને અશાબ્દી) પ્રથમ શાબ્દીમાં કથ્ય અને ગેય, કથ્યમાં નિયત અને અનિયત. નિયતમાં કહેવતો અને અનિયતમાં લોકકથાઓ, લોકનાટ્ય, ટૂચકાઓ, ઓઠાઓ વગેરે આવે છે. ગેયમાં નિયતમાં મંત્રો અને ઉખાણાઓ આવે, અનિયતમાં લોકગીત, રાસડાઓ અને અન્ય આવે છે, તો બીજી શાખામાં અર્ધશાબ્દીનાં ત્રણમાં લોકનૃત્યો, લોકરીતરિવાજો અને લોકોત્સવો આવે, ત્રીજી શાખામાં અશાબ્દીમાં લીંપણકલા, ચિત્રકલા, શિલ્પકલા અને લોકસ્થાપત્યો આવે છે.
લોકવિદ્યાની સંજ્ઞા અને સંપ્રત્યેય-સ્વરૂપ વિશે :
આપણે લોકવિદ્યાની વ્યાખ્યાઓમાંથી બે શબ્દો ઉપર થોડીક ચર્ચા કરીશું. અંગ્રેજીમાં ફોક અને લૉર અર્થાત ફોક એતલે લોક એવો અર્થ અને લોર એટલે વિધાશાખા એવો આપણે હાલ પૂરતો અર્થ સમજીને શકીએ. એ જ રીતે ગુજરાતીમાં એમાં 'લોક' એટલે શું? અને ‘વિદ્યા’ એટલે શું? એને સમજવાનો પ્રયાસ કરીએ. લોક શબ્દ જે બહુજનસમાજનો પર્યાય છે, ગ્રામ્યજીવનનો વાચક છે, એ પ્રાદેશિકતાનો પર્યાય લાગે છે. વેદથી માંડીને આજ સુધી અનેક અર્થછાયાઓ એમાં જોઇ શકાય છે, ઋગ્વેદમાં મનુષ્યલોક, પિતૃલોક વગેરે અર્થમાં લોક શબ્દ છે. ઉપનિષદોમાં સ્થળવાચક સ્વર્ગ, પાતાળ, પૃથ્વી લોક શબ્દ છે. મહાભારતમાં જ્યાં લોકોનો વાસ છે એવા અર્થમાં સ્થળ અને સામાજિક અર્થછાયા માટે લોક શબ્દ છે. શ્રીમદ ભાગવદ ગીતામાં સર્વલોકમાં હું વસુ છું-એ અર્થની નજરે અધ્યાત્મ અને સ્થળ નિર્દેશવાચક છે, તો પુરાણોમાં ચૌદલોકની કલ્પના કરવામાં આવી છે. તો પાણિની નામનાં વ્યાકરણીએ લોક શબ્દનાં અનેક અર્થો બતાવ્યાં છે. આપણે લોકપરંપરાનો કે લોક વ્યુત્પતિનો અર્થ સ્વીકારીશું. જેમાં બહુજનસમાજ કે સર્વજનસમાજ એવો અર્થ લઇ શકીએ. પણ એની પાતળી ભેદરેખા સમજવી રહી.
એ જ રીતે વિદ્યા શબ્દ પણ આપણે ત્યાં પ્રાચીન છે જ, પણ એમાં વૈજ્ઞાનિક અભિગમની માત્રા ઓછી જોવા મળે છે, વિદ અર્થાત જાણવું. એ અર્થમાં આપણે અધ્યાત્મથી માંડીને સામાજિક વગેરે અર્થોને પણ જોડયાં, જો કે કાલાંતરે એમાં વિશદતા, વિશ્લેષણાત્મક દષ્ટિ, ઉદારતા, અભ્યાસનિષ્ઠા ઉમેરાતી ગઇ, શાસ્ત્રીયતા આવાવા માંડી, વિદ્યાની દેવી સરસ્વતી એક લાક્ષણિક સંકેત છે, પણ દુર્ભાગ્ય આપણું કે એનાં સંકેતાર્થોને પણ આપણે ના સમજ્યાં, પરિણામે લોકમાનસનો પૂર્વગ્રહિત ખ્યાલ જોડાયેલો હોવાથી પરંપરાનું આપણે વર્તુળ બનાવેલું, જેમાંથી નીકળી શકતા નહોતા, જેને કારણે જ ઘણી લાંબી ગુલામી પણ ભોગવવી પડેલી, ઇજારાશાહી માનસનાં આપણે વારસદારો છીએ. એટલે વિદ્યાપ્રક્રિયાઓ, વિદ્યાસંસ્થાઓ, વિદ્યાસ્તરે પણ એકતા કે અખંડિતતાનો અભાવ જોઇ શકાય છે, સર્વશિક્ષા જેવી ઉદાર માનસિકતા આપણી નહોતી, એને કારણે આપણે ઘણું સહન કરવું પડ્યું,
સોળમી-સત્તરમી સદી પછીથી લોકક્રાંતિનો ઉદય થતાં, અઢારમી સદીમાં આપણને પણ ઇજારાશાહી કે સામંતશાહી કે
રાજાશાહીમાંથી મુક્તિ મેળવવાનાં કોડ જાગ્યા, એ માટે પણ આપણે અંગ્રેજોનો આભાર માનવો રહ્યો, અત: અંગ્રેજીશાસન, અંગ્રેજી સાહિત્ય અંગ્રેજી સર્જકો અને અંગ્રેજી શિક્ષણનાં ભાગ રૂપે આપણે ઇ.સ.1857માં ઉચ્ચશિક્ષણ આવ્યું, કોલેજોની સ્થાપનાઓ થઇ. સુધારકયુગમાં અલ્પશિક્ષણ પણ સાક્ષરયુગ કે પંડિતયુગમાં ઉચ્ચશિક્ષણનાં સર્જકો-વિચારકો અને સમાજ આપણી સાહિત્યસૃષ્ટિમાં પ્રવેશે છે, જે કોઇપણ આંધળી દોટમાંથી મુક્ત થઇને વિચાર, વિશ્લેષણ અને વિવેક સાથે સ્વીકૃતિ ઉપર ભાર મૂકે છે. અર્થાત લોકવિદ્યાની સંપાદન, સંગ્રહ અને સંશોધનની પણ નવી દિશાઓ ઉઘાડી આપી..
લોકવિદ્યાનાં લક્ષણો :
આમ, લોક અને વિદ્યા એ બંન્ને શબ્દોની સાથોસાથ આપણે એની વ્યાખ્યાઓ પણ આપણે જોઇ, હવે એ વ્યાખ્યાઓમાંથી જ આપણે લોકવિદ્યાનાં મહત્વનાં લક્ષણોની ચર્ચા કરીએ.
(1) લોકપરંપરાઓનો અભ્યાસ,
(2) કંઠસ્થપરંપરાઓનો અભ્યાસ,
(3) પ્રાચ્ય એવી વિવિધ સામગ્રીનો સમગ્રલક્ષી અભ્યાસ.
(4) સંચય, સંગ્રહ, સંકલન, સંપાદન અને સંશોધન..
(5) એનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો.
આ પાંચેય લક્ષણો વિશે વિગતે ચર્ચાવિચારણા થઇ શકે.
(1) લોકપરંપરાઓનો અભ્યાસ-લોકવિદ્યાની મુખ્ય ચાર શાખાઓમાં લોકપરંપરાઓનું, અમુદ્રિત, તરતું, વિસરાતું, ભૂલાતું કે હાથમાંથી સરતું જાતું કોઇપણ પરંપરાનું મહત્વ છે, તેમાં સિક્કાથી માંડીને અનેક પ્રકારની વસ્તુઓ હોઇ શકે છે, અલબત, એની સાથે લોકપરંપરાઓનું વિશેષ જોડાણ હોવું જોઇએ..
(2) કંઠસ્થપરંપરાઓનો અભ્યાસ=કંથસ્થ પરંપરાનું એવું કોઇપણ પ્રકારનું ગદ્ય કે પદ્ય સાહિત્યનો અભ્યાસ થાય છે, એનો સંગ્રહ, સંચય, સંકલન, સંપાદન અને સંશોધન થાય છે. આ લક્ષણ બહુધા સાહિત્ય અને કલા કેન્દ્રી જોઇ શકાય છે.
(3) પ્રાચ્ય એવી વિવિધ સામગ્રીનો સમગ્રલક્ષી અભ્યાસ=પ્રાચીન એવી કોઇપણ સ્થૂળ કે સૂક્ષ્મ, ભૌતિક કે ભાવનાત્મક વસ્તુને જાળવી લેવાની છે, એનું દસ્તાવેજી મૂલ્ય તરીકે વિશેષ મહત્વ છે. વળી, એ સામગ્રીનો વિવિધ અભિગમથી અભ્યાસ કરવાની આ વિદ્યા છે. અર્થાત 'લોક' અને 'વિદ્યા' બંન્ને શબ્દોનું મહત્વ જાળવી રાખવાનું છે. તેમાં સામગ્રીનું, સ્વરુપનું, સંદેશનું અને સ્થળ-સમયનું પણ મહત્વ છે, એની શાસ્ત્રીય અભ્યાસની આ પ્રક્રિયા ગણી શકાય.
(4) સંચય, સંગ્રહ, સંકલન, સંપાદન અને સંશોધન.=પ્રાચ્યવસ્તુનું સંચય કરવો, સંગ્રહ કરવો, સંકલન કરવું, સંપાદન કરવું, સમીક્ષા કરવી અને એનો શાસ્ત્રીય અભ્યાસ કરવો એટલે લોકવિદ્યાનો અભ્યાસ.એનાં આંતર અને બાહ્ય રૂપ-સ્વરુપનો અભ્યાસ કરવો એ લોકવિદ્યા વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ કે પ્રયોજન છે.
(5) એનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો=માત્ર ભાવનાત્મક જ ના રહેતાં, એનાં બહુવિધ અભિગમથી અભ્યાસ કરવો, સામાજિક, માનસિક, શૈક્ષણિક, આર્થીક, ભાષાકીય, વ્યાકરણગત, સાહિત્યિક સાંસ્કૃતિક, નૃવંશશાસ્ત્રીય અને ધાર્મિક વગેરેની દષ્ટિએ અભ્યાસ કરવો એ લોકવિદ્યા અભ્યાસકિય મહત્તા છે.
સમાપન :
આમ, છેલ્લાં દોઢસો વર્ષથી આપણે ત્યાં લોકવિદ્યાની ચર્ચા-વિચારણાઓ થતી રહી છે, અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ ઝિલીને આપણે ત્યાં સુધારકયુગ અને નવી વૈચારિક ક્રાંતિનાં મંડાણ થયાં, એનાં ભાગ રૂપે જ વિવિધ પરંપરાઓનો અભ્યાસ કરી એની વિત્તવાન વિદ્યાનો અભ્યાસ શરુ થયો. માત્ર મહિમા કરવા ખાતર જ નહીં, પણ એમનાં અંગેની વિચારપ્રક્રિયા, વિશ્લેષણાત્મક પ્રક્રિયા અને વિવેકપૂર્ણ સ્વીકૃતિ ઉપર ભાર મૂકાયો, એ જ તો વિદ્યાપ્રક્રિયાનો હેતુ કે ઉદ્દેશ હોય છે. જેમ વિદેશનાં એમ આપણાં ભારતીય, પ્રાદેશિક સ્તરે પણ અભ્યાસો થાયા, એનું મૂલ્ય અને મીંમાસાઓ થઇ. ઝવેરચંદ મેઘાણીનું એ રીતે ગુજરાતની લોકવિદ્યા (લોકસંસ્કૃતિ અને લોકસમાજ-સાહિત્ય) બાબતે અમૂલ્ય પ્રદાન બીજાં સ્તરનાં સંશોધક-સંપાદનમાં મહત્વનું બન્યું છે.
0 ટિપ્પણીઓ