નવલકથા - સ્વરૂપ , સંજ્ઞા અને વિભાવના
ગુજરાતીમાં ‘નવલકથા' નામે પ્રચલિત આ કથાસાહિત્યના સ્વરૂપ માટે અંગ્રેજીમાં NOVEL શબ્દ છે. NOVEL શબ્દ મૂળ લેટિન શબ્દ NOVUS પરથી બન્યો છે જેનો અર્થ થાય છે something new કાંઈક નાવીન્યભર્યું. આમ, કંઈક નવીનતાનો અનુભવ કરાવતી કથાના અર્થમાં NOVEL શબ્દ પ્રચલિત બન્યો.
‘નવલકથા’ ગુજરાતી સંજ્ઞામાંનો ‘નવલ’ શબ્દ નોવેલનું જ ગુજરાતીકરણ છે અને તેની સાથે ‘કથા’ જોડી દેવાતાં ‘નવલકથા' શબ્દ બન્યો છે. અર્થાત કથા મારફતે – વાર્તા મારફતે – જીવનની વાસ્તવિક્તાને કળાત્મક રીતે પહોંચાડી – કંઈક નવીનતા આપનાર સાહિત્યનું સ્વરૂપ એટલે નવલકથા. હિંદીમાં નોવેલ માટે उपन्यास, મરાઠીમાં कादंबरी અને બંગાળીમાં બડાગલ્પ જેવી સંજ્ઞાઓ પ્રચલિત છે.
નવલકથા સ્વરૂપ :
- નવલકથા હોય કે અન્ય કોઈપણ સ્વરૂપ તે જૈ—તે સર્જક તથા કૃતિ ૫૨ નભતું હોય છે. સ્વરૂપો હંમેશા શિથિલ બંધવાળા હોય છે. હા, કેટલાંક ચોક્કસ આંતરબાહ્ય ઘટકો નિશ્ચિતપણે હાજર રહે છે. પરંતુ, ક્યારેક સર્જક દષ્ટિકોણ તો કયારેક અભિવ્યક્તિની તરાહોના કારણે સ્વરૂપમાં બાંધછોડ થતી હોય છે.
પાશ્ચાત્ય સાહિત્ય અને સર્જકોના સંસર્ગથી ગુજરાતીમાં આવીને સ્થિર થયેલ નવલકથાનું બીજ આજે તેના વિશાળ રૂપમાં આપણી સમક્ષ ઉભું છે. ગુજરાતી નવલકથાકારોએ તેમાં નવીન પ્રાણ પૂર્યો છે. નવી સૃષ્ટિ નવલકથામાં આવી છે. અને તેથી નવલકથા જમાને જમાને નવાં રૂપ પણ ધારણ કરતી રહી છે. તેથી નવલકથાને માત્ર નાવીન્યસભર વાત કરતી કથા કહ્યું ચાલે તેમ નથી. નવલકથાની પણ વિભાવના છે, તેનાં લક્ષણો છે. અને તેને આધારે જુદાં જુદાં વિદ્વાનોએ નવલકથાની વિભાવના આપવાનો પ્રયત્ન કર્યો છે. તે બધામાં નવલકથાના કોઈ એકાદ ઘટકને કેન્દ્રમાં લેવાયે છે. કોઈ તેના સ્વરૂપને કેન્દ્રમાં લે છે તો કોઈ તેની અભિવ્યકિતની તરાહ તો વળી કોઈ સર્જક દષ્ટિકોણને આધારે નવલકથાની વ્યાખ્યાઓ આપે છે.
પાશ્ચાત્ય વિવેચકોના મત મુજબ નવલકથાની વ્યાખ્યા – ફિલ્ડીંગ કહે છે : ‘નવલકથા આવતા યુગનું ગદ્ય મહાકાવ્ય છે’. (નવલકથા સ્વરૂપ અને વિકાસ, પૃ.૧૧) અહીં નવલકથાને મહાકાવ્ય સાથે ફિલ્ડીંગ સરખાવે છે પરંતુ તે મહાકાવ્ય પદ્યમાં નહીં ગદ્યમાં હશે તે તેની વિશેષતા છે અર્થાત્ ગદ્યરૂપે મહાકાવ્યની રજૂઆત એટલે નવલકથા એવું કંઈક ફિલ્ડીંગની વ્યાખ્યા દ્વારા સમજાય છે.
કલે૨ા રીવ કહે છે (નવલકથા સ્વરૂપ અને વિકાસ, પૃ.૧૧) : Picture of real life and manners and of the times in which it is written – નવલકથા એટલે વાસ્તવિક જીવન, સભ્યતા (સંસ્કૃતિ) અને જે તે યુગનું ચિત્ર. અર્થાત્ કલેરા રીવ નવલકથામાં પરિવેશ-વાતાવરણને કેન્દ્રમાં લે છે અને તે પરિવેશ પણ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હોય તેમ માને છે. જો કળાના માધ્યમે વિચારીએ તો કોઈપણ કળા માત્ર વાસ્તવના સહારે ચાલી શકે નહીં અર્થાત્ કલેરા રીવ નવલકથાના કળાત્મક સ્વરૂપને નહીં પરંતુ, વાસ્તવિક અને ઉપયોગી સ્વરૂપને કેન્દ્રમાં લે છે. કલેરા રીવના મત મુજબ નવલકથા એ કથા નહીં પણ જે તે સમય કે સમાજનું દસ્તાવેજી રૂપ છે તેમ કહી શકાય.
નવલકથા વિવેચક ઈ.એમ ફોર્સ્ટર કહે છે કે : “નવલકથા એટલે અમુક હદ સુધીની કલ્પનાત્મક ગધકથા. નવલકથા એક સારી કે સરસ વાર્તા છે. જે હવે શું થશે?'ના કુતુહલથી વાચકને છેક સુધી જકડી રાખે છે. પછી તે ઇતિહાસ કથા હોય કે અન્ય કથા. એમાં plot – ઘટના – કથન હોય, એમાં ભાર પાછો અકસ્માત ૫૨ હોય. નવલકથા - માન્યામાં આવે તેવી માનવકથા છે. અને તર્કબદ્ધ વસ્તુ–સંરચના છે.’ (નવલકથા સ્વરૂપ અને વિકાસ, પૃ. ૧૧)
અર્થાત્ ઈ.એમ.ફોર્સ્ટર નવલકથાના કળાત્મક રૂપ નહીં પણ લોકપ્રિય રૂપને કેન્દ્રમાં લેતા હોય તેવું જણાય છે. અલબત્ તેઓ નવલકથામાં ૨હસ્ય ગૂંથન, વાસ્તવ જીવન, કથા–ધટના, અકસ્માત, માનવીયતા જેવા ધટકોને આવરી લે છે. જો આમ, વાંચવાની હંમેશા કુતુહલ વૃત્તિ હોવી (માનવની કથા હોવાને કારણે) અને વાચકનો કૃતિ સાથે માત્ર વાંચવા પૂરતો જ સંદર્ભ સંબંધ રહે તો નવલકથા મારફતે વાચકને શું મળશે? એ વાત ફોર્સ્ટર કરતા નથી,
વોરેન અને સ્ટીવન્સનને મતે ‘નવલકથા કલ્પનાત્મક કથાત્મક ગદ્યની કલા છે’ તેમણે કલ્પનાત્મકતા અને કથાત્મકતા ઉપર ભાર મૂકો છે. ગધની કલા કહીને સર્જકતાને પણ પ્રશંસી છે. પરંતુ જો માત્ર કથા અને કલ્પનાનું કથાત્મક રૂપે મિશ્રણ થઈને આવે તો નવલકથા ન બને. આવું તો સાહિત્યના અન્ય સ્વરૂપ (દા.ત. ટૂંકીવાર્તામાં પણ શકય બને છે. નવલકથા માત્ર કલ્પનાના આશરે થતું સર્જન નથી. હા તે લોકોનું મનોરંજન કરાવવામાં સક્ષમ નીવડે ખરી. એવી કથાઓ તો રહસ્યકથા કે સાહસકથા કે પરીકથા કે લોકરંજક કથાનું સ્વરૂપ બને. શિષ્ટ અને કળાત્મક નવલકથામાં વાસ્તવ અને કલ્પનાનું સંયોજન કળાત્મક રૂપે આવે. એ વાસ્તવ પછી કથાનક, પાત્રો, પરિવેશ એમ તમામ થકી આવે અને એ રૂપાંતર પામીને આવે એના એ જ રૂપે ન આવે. આ બાબત વોરેન અને સ્ટીવન્સન જાણે ઉવેખી રહ્યાછે અને નવલકથામાં માત્ર કલ્પના – કથન – ગદ્ય એમ ત્રણ બાબતો કે તત્વોની આવશ્યક્તા ઉપર ભાર મૂકતા જણાય છે.
મેરી મેકાર્થી કહે છે : 'A prose book of a certain thickness, that tells a story of real life' (સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, પૃ.૧૩૯) નવલકથા એટલે ગદ્યમાં લખાયેલ દળદાર પુસ્તક, જે આપણને સાચા જીવનની કથા કહે છે.
અર્થાત્ મેરી મેકાર્થી નવલકથામાં બે બાબતો ઉપર ભાર મૂકે છે. (૧) તે દળદાર હોય અને (૨) તેમાં વાસ્તવિકતા હોય. આ સાથે મેરી મેકાર્થી નવલકથાના બાહ્ય ગુણ તરીકે દળદાર હોવાનો આગ્રહ રાખે છે, અર્થાત્ તેમના મત મુજબ નવલકથા નાની ન હોવી જોઈએ. તેમજ વાસ્તવ જીવનની જ કથા કહેતી હોવી જોઈએ. જો એમ જ હોય તો નવલકથા તો દસ્તાવેજ બની જાય એ પણ માત્ર સ્થૂળ દસ્તાવેજ. નવલકથાનું શિષ્ટ રૂપ તો વાસ્તવ અને કલ્પનાના સંયોજન રૂપે ઉભરી શકે. જેમાં ફકત વાસ્તવ આવે તે કૃતિ કળાના માપદંડોમાં કયાંક ઊણી ઉતરવા સંભવ છે. નવલકથા એ કંઈ આત્મકથા તો નથી જ કે જેમાં તેનો સર્જક વાસ્તવિકતા (સત્ય)ને વળગી રહે. અર્થાત મેરી મેકાર્થીની વ્યાખ્યામાંથી એક બાબત તારવી શકાય કે નવલકથાનો વિસ્તાર થયેલ હોવો જોઈએ. ટૂંકમાં તો ટૂંકીવાર્તા બને, નવલકથા એ સર્જકે શાંતિથી બેસીને ભાવક સમક્ષ માંડેલી વાતોનું પોટલું છે.
પર્સી લબક 'ધ ક્રાફ્ટ ઑફ ફિકશન'માં લખે છે : 'A novel is a portrait ... and there is more in portrait than the 'likeness' form design composition are to be sought in a novel' (નવલકથા પ્રતિકૃતિ છે અને પ્રતિકૃતિમાં ‘છબી’ કરતાં કંઈક અધિક હોય છે. નવલકથામાં આકાર, નકશી, રચનાનો પણ પ્રયત્ન થતો હોય છે). નવલકથા સ્વરૂપ, પૃ.૧૦.
અર્થાત્ લેખક સમાજમાં રહી જે છાપો ગ્રહણ કરે છે તે છાપોને તે પ્રતિબિંબિત કરે છે. પરિણામે એક કૃતિ પ્રતિકૃતિ નીવડે છે. પર્સી લબક નવલકથા કૃતિના અંતરંગની વાત કરે છે. નવલકથાનો લેખક જીવન દરમિયાન અનેકવિધ છાપો સંગ્રહિત કરે છે. અને ત્યારબાદ તેની અંદર એક કૃતિ જન્મે છે તેને તે કળાત્મકરૂપે બાયરૂપ આપે છે. પરિણામે એક પ્રતિકૃતિની પ્રાપ્તિ થાય છે. એક આકાર રૂપે સર્જક કંઈક કહી જાય છે, એવો આકાર કે જેને ભાષા, સંઘર્ષ, વાતાવરણ જેવા ઘટકો બાંધે છે. આવી પ્રતિકૃતિ (કળાત્મક પ્રતિકૃતિ) તેની આબેહૂબ નકલ કરતાં વિશેષ સુંદર નીવડે છે. અર્થાત્ પર્સી લબક નવલકથાને સમાજની માત્ર છબી નથી કહેતા પણ આકાર કહે છે. તેની પ્રતિકૃતિ કહે છે. પર્સી લબકની વ્યાખ્યા ઉપર્યુકત તમામ સર્જકોની વ્યાખ્યા કરતાં જરા જુદી તરી આવે છે.
હેનરી જેમ્સ ધ આર્ટ ઓફ ફિકશનમાં કહે છે : 'A novel is in its broadest definition, personal, a direct impression of life.' અર્થાત્ નવલકથા એના વ્યાપક અર્થમાં વ્યક્તિગત જીવનના પ્રત્યક્ષ સંસ્કાર છે. નવલકથા વાંચવી કોને ન ગમે? તે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામને જકડી રાખી શકે છે. નવલકથામાં ન વ્યક્તિગત જીવનના પોતાને થયેલા અનુભવો – ઝીલેલી છાપને લેખક નિરૂપતો હોય છે જે વ્યાપક જનસમુદાયને ઉપયોગી નીવડતું હોય છે એટલે કે લેખક પોતાના અનુભવ જગતને વાચકો સુધી પહોંચાડે એ નવલકથા. પરંતુ એક વ્યાખ્યા પણ પરિપૂર્ણ જણાતી નથી. આવું તો સાહિત્યના અન્ય સ્વરૂપમાં પણ શક્ય બને જ. તે માત્ર વ્યક્તિગત જીવનને જ બયાન કરશે તો નવલકથા નહીં બને. વ્યક્તિગત જીવનની અપેક્ષા તો આત્મકથા જેવા સ્વરૂપમાં રખાય. પણ અહીં લેખક નોંધે છે કે તે વ્યાપક અર્થમાં છે સીમિત અર્થમાં નહીં. તેથી હેનરી જેમ્સની આ વ્યાખ્યા નવલકથા સ્વરૂપને સમજવામાં ઉપયોગી નીવડે ખરી. પરંતુ, તે પણ નવલકથાના કોઈ એક પ્રકારને નિમિત્ત બનાવતી જણાય છે. આ સાથે જ હેનરી જેમ્સની વ્યાખ્યામાંથી ઐતિહાસિક-પૌરાણિક રહસ્યાત્મક નવલકથાનો નાતો છૂટતો જણાય છે. હેનરી જેમ્સ મનોવૈજ્ઞાનિક કે જીવનકેન્દ્રી નવલકથાને કેન્દ્રમાં લેતા હોય તેમ જણાય છે.
ફ્રેન્ચ વિવેચક એબેલ શેવેલી કહે છે કે –
It is a fiction in prose of certain extent (અમુક લંબાઈની ક્લ્પક ગદ્યરચના એટલે નવલકથા) – (નવલકથા સ્વરૂપ, પૃ.૧૧) ફ્રેન્ચ વિવેચક એબલ શેવેલી નવલકથામાં વિસ્તાર કે પ્રસ્તારની આવશ્યકતા માને છે તેમજ તે ગદ્યમાં લખાયેલી કલ્પનાયુક્ત કથા હોય છે તેમ પણ જણાવે છે. પરંતુ કોઈપણ સાહિત્ય નરી કલ્પનાનું બની જાય તો તે લોકપ્રિય બની શકે પરંતુ નરી કલ્પનાનું સાહિત્ય લોકભોગ્ય બની શકે નહીં. તેમાં વાસ્તવનો થોડો ઘણો તો સ્પર્શ જોઈએ જ. કારણ કે સાહિત્ય એ વાસ્તવ જગતમાં જીવતા માણસ માટે રચાય છે નહીં કે કલ્પનામાં જીવતા અર્થાત્ શેવેલી કળા ખાતર કળાના મતના હિમાયતી બનતા જણાય છે. તેઓ કળાનું વાસ્તવ સ્વીકારે છે નહીં કે જીવનનું વાસ્તવ. કલ્પના નવલકથાનું કેન્દ્રબિંદુ હોવાનું તેઓ માનતા હોય તેમ જણાય છે. ઑક્સફર્ડ ડિક્ષનરી પ્રમાણે – -
"A fictious prose narrative of consderaue length in which characters and actions representative of real life are portroyed in a plot of more or less comprexity." અર્થાત્ પ્રમાણમાં દીર્ઘ એવી ગદ્યમાં રચાયેલી કલ્પિત કયા જેમાં સંકુલતા ધરાવતી વસ્તુ સંકલનાને આશ્રર્ય વાસ્તવ જીવનમાં પ્રતિનિધિરૂપ કાર્યોનું અને માનવીઓનું આલેખન કરવામાં આવ્યું હોય. આઁકસફર્ડ ડિક્ષનરીની આ વ્યાખ્યા નવલકથા સ્વરૂપને સ્પષ્ટ કરવામાં ઘણી કારગત નીવડે છે. અહીં નવલકથામાં કલ્પના અને વાસ્તવના સંયોજનની આવશ્યકતાની નોંધ લેવામાં આવી છે. તે સાથે તેમાં માનવ કેન્દ્રમાં આવે છે. માનવના કાર્યો કેન્દ્રમાં આવે છે. પરંતુ સામાન્ય રોજબરોજના જીવનમાં જીવતા માણસો બધા જ કેન્દ્રમાં નથી આવતા એ સૌના પ્રતિનિધિરૂપ એવા કેટલાંક જ પાત્રો નવલકથામાં સ્થાન પામે છે. તેમજ માનવજીવનના તમામ કાર્યો પણ નહીં, પ્રતિનિધિરૂપ કાર્યો જ નવલકથામાં આવે છે જેના થકી સમાજના અન્ય માનવીઓને પ્રેરણા મળે. ચેમ્બર્સ ટવેન્ટીએથ સેન્ચુરી ડિક્ષનરી પ્રમાણે
"A fictious prose narrative or tale presenting a picture of real life especially of the emotional crisesin the life history of men and women." (વાસ્તવજીવનને ખાસ કરીને નવલકથામાં સ્થાન પામેલા સ્ત્રી-પુરુષોના જીવનમાં પ્રગટેલા તુમુલ આવેગોને આલેખતી ગદ્યમાં રચાયેલી કલ્પિત કથા) ચેમ્બર્સ ટ્વેન્ટીએથ સેન્ચુરી ડિક્ષનરી પ્રમાણે નવલકથાની વ્યાખ્યા જોઈએ તો એમાં તેના મુખ્ય પાત્રોના જીવનમાં બનતી ઘટનાઓનો સમાવેશ થાય છે. એવી ઘટનાઓ કે જે ભાવાત્મક હોય અને તે સંધર્ષની પરાકાષ્ઠાએ પહોંચતી હોય, પરંતુ, તે વાસ્તવિક નહીં કાલ્પનિક હોય જે ગદ્યમાં લખાય છે.
ફર્ડ કહે છે :
A novel is a pocket theatre.(ગજવામાં રહી શકે તેવી નાનકડી રંગભૂમિ એટલે નવલકથા) (સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, પૃ.૧૩૯).
કેફર્ડ નવલકથાને નાટકની દષ્ટિએ જુએ છે અને એ એવું નાટક છે કે જે ખિસ્સામાં રહી શકે. નાટક જોવા માટે તો રંગભૂમિ પર જવું પડે જયારે નવલકથાની સૃષ્ટિ તો બે પૂંઠા વચ્ચે સમાઈ જાય. જયારે ઇચ્છા થાય ત્યારે તેનો આનંદ લઈ શકાય અને તે વધુ ચિરંજીવ હોય વધુ આહલાદક હોય. છતાં, કેફર્ડ એક રીતે જાણે નવલકથાના લઘુ સ્વરૂપને આધારે વ્યાખ્યા આપતા હોય તેવું લાગે છે કારણ કે તેમને અપેક્ષિત છે નાનકડી રંગભૂમિ કે જેની સૃષ્ટિ ખિસ્સામાં (ગજવામાં) સમાઈ જતી હોય. એટલે કે કેફર્ડ નવલકથાના બાહ્ય સ્વરૂપને કેન્દ્રમાં લે છે. તેમાં રહેલી સૃષ્ટિ કલ્પિત કે વાસ્તવિક તે પ્રશ્ન રહી જાય છે.
ચિંતક જયોર્જ લુકાએ કહેલું કે –
ઈશ્વરે ત્યજી દીધેલા આ જગતનું મહાકાવ્ય એટલે નવલકથા'. (નવલકથા, પૃ.૩). જયોર્જ લુકાની આ
પરિભાષા શિરિષ પંચાલના પુસ્તક 'નવલકથા'માં મળે છે. જયોર્જ લુકા પણ નવલકથાના સ્વરૂપને વાસ્તવ જગતની જ કૃતિ માને છે. પરંતુ ‘ઈશ્વરે ત્યજી દીધેલા જગત'ની નોંધ દ્વારા જણાય છે કે એવી સૃષ્ટિ કે જયાં ઈશ્વર પ્રત્યેની આસ્થા–અનાસ્થા વગેરે પર પ્રશ્નો ઊભા થઈ શકે. એવી જગ્યા કે જયાં ઈશ્વરની હાજરી નથી. અર્થાત્ એક રીતે લુકાએ ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્ન કર્યો છે. બીજી રીતે જોઈએ તો નવલકથામાં વાસ્તવ જીવનની કઠોરતા-કરૂણતા અને પીડાને જ વાચા આપે છે અને તે દ્વારા જીવનનો મહિમા ગવાય છે. માવનનો જીવનનો મહિમા થાય છે. આ જગતનો મહિમા થાય છે. લુકાની દષ્ટિએ નવલકથામાં કલ્પના અને તરંગોના ઘોડા દોડાવવાના નથી પણ વાસ્તવ જગતમાં રહી જીવી તેની વાત કરવાની છે.
ભારતીય ચિંતકોએ આપેલી નવલકથાની વ્યાખ્યાઓ :
યશવંત શુકલ : ‘જીવન વ્યવહા૨ જેવો હોય તેવો જ ચિત્રિત કરવાનું એમાં ઉદિષ્ટ છે. તથાપિ એમાં તો પાત્ર, પ્રસંગો અને રસબિંદુ કલ્પિત અને નવીન હોવાથી જ એને Novel (નવલ) નામ આપવામાં આવ્યું છે.' (નવલકથા સ્વરૂપ, સર્જન અને સમીયા, પૃ.૭).
યશવંત શુકલ આજની તેમજ આરંભની પણ આપણી નવલકથાઓ અંગે વિભાવના આપે છે. તેમની વ્યાખ્યામાં વાસ્તવિકતાનું નિરૂપણ કલ્પના સાથે કરવાનું સૂચિત છે. જેથી કરીને વાસ્તવ તેના સ્થૂળ અર્થમાં નહીં પણ વધુ કળાત્મક રૂપે અને સૂક્ષ્મરૂપે પમાય છે. વાસ્તવ જીવન એટલું આશ્ચર્ય કે કુતુહલ નથી જન્માવતું જેટલું નવલકથામાં તેનું સંયોજન આશ્ચર્ય અને કુતુહલ જન્માવે છે. અર્થાત વાસ્તવને નવીન રૂપે રજૂ કરાતો હોવાથી નવલકથા ખરા અર્થમાં નવલ બને છે તેમ યશવંત શુકલ માને છે.
મણિભાઈ તંત્રી : ‘કલ્પના કરવી એ મનુષ્યનું સહજ અને અનિવાર્ય લક્ષણ છે. ‘ગુજરાતી નવલકથા’, *
પૃ.૨૫. ધીરુભાઈ ઠાકર : ‘ઓછામાં ઓછી બૌદ્ધિક કસરતે જીવનનો વધુમાં વધુ ગાઢ અનુભવ કરવાની સુવિધા જો કોઇ સાહિત્યમાં હોય તો તે છે નવલકથા.' (સાંપ્રત સાહિત્ય).
ધીરુભાઈ ઠાકરની આ વ્યાખ્યા નવલકથા દ્વારા ૨જૂ થતાં દર્શનને ઉજાગર કરતી જણાય છે. જીવન અસીમિત છે, અખંડ છે, વ્યાપક છે. મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન જીવનના તમામ ખુણાઓ સુધી પહોંચી શકવાનો નથી. ત્યારે જીવનના દરેક ખુણાઓ સુધી પહોંચાડે છે નવલકથા. કારણ કે નવલકથા આખરે માણસના જીવનની જ કથા છે.
ઉપર્યુક્ત તમામ ભારતીય તેમજ પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકોએ આપેલી વ્યાખ્યાઓમાંથી પસાર થતાં કેટલીક બાબતો ચોક્કસ નજરે પડે છે કે નવલકથાને મૂલવવાના સભાન પ્રયત્નો થયા છે. નવલકથાનો મૂળ આશય છે કથા કહેવી, એવી કથા કે જે એક માણસને લગતી, માકાસની અને માણસને કહેવાતી કથા છે. નવલકથામાં રહેલા અન્ય ઘટકોનો વિચાર ન કરીએ તો પણ નવલકથાની ઉપર્યુકત વ્યાખ્યાઓ ઘણું ખરું કહી જાય છે. અલબત્ત, તે પૈકીની એક પણ વ્યાખ્યા નવલ કથા સ્વરૂપને પૂરુંપૂરું સ્પષ્ટ નથી કરી શકતી. નવલકથાને અન્ય સ્વરૂપ કરતાં અલગ પાડતી બાબત શું માત્ર તેનું કદ જ છે? એવો પ્રશ્ન સતત રહ્યા કરે છે.જો તેમાં એક વ્યક્તિના જીવનની કથા કહેવાઈ હોય તથા અન્ય પાત્રો પણ તેમાં યથાયોગ્ય સમયે સાક્ષી પૂરાવતા હોય તેમના જીવનની પણ આછી રેખાઓ આલેખાઈ હોય એમ કહી નવલકથાને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો તરત આપણી સમક્ષ ‘મહાકાવ્ય’ કે એના જેવું અન્ય સ્વરૂપ ખડું થાય છે. જો નવલકથામાં સંઘર્ષ, સંવાદ, પાત્રો, વર્ણન, રસ, જીવનદર્શન છે એમ કહી અલગ પાડવા જશું તો વાર્તાનું સ્વરૂપ તુરંત સ્મરણે ચડશે. હા, એક વાત છે કે નવલકથાકાર બધી વાત ટૂંકીવાર્તા માફક ક૨શે પણ તે ટૂંકીવાર્તાની જેટલી ઝડપ નહીં રાખે. તેણે પણ તાંક્યા નિશાન પર તીર મારવાનું છે પણ આરામથી. અર્થાત નવલકથાને ટૂંકીવાર્તા કરતાં આ રીતે તેની અભિવ્યકિતની રીતિથી અલગ પાડી શકાય. વળી, ટૂંકીવાર્તામાં ખપ પૂરતાં જ પાત્રો, પ્રસંગો, સંવાદો, વાતાવરણનો ઉપયોગ થાય પણ નવલકથામાં તે અંગેની સ્વતંત્રતા રહે છે.
આમ, કથાસાહિત્યના એક પ્રકાર ટૂંકીવાર્તા સાથે નવલકથાની સરખામણી કરતાં કેટલીક બાબતો તરી આવે છે ખરી. છતાં, પણ નવલકથાની કોઈ એક ચોક્કસ કે સ્પષ્ટ વ્યાખ્યા ગણાવી શકીએ નહીં. અલબત્ત કેફર્ડ ‘ખિસ્સામાં રહી શકે તેવી રંગભૂમિ' કહે છે. તે નવલકથાના સ્વરૂપને વિશેષ ઉજાગર કરે છે પરંતુ તે માત્ર પાત્રકેન્દ્રિત વાત કરતા હોય તેમ લાગ્યા વિના રહે નહીં. નવલકથા તેનાથી વિશેષ છે.
ધીરુભાઈ ઠાકરનો મત પણ વિશેષ ઉલ્લેખનીય છે. ઓછામાં ઓછી બૌદ્ધિક કસરતે જીવનનો વધુમાં વધુ ગાઢ અનુભવ કરવાની સુવિધા જો કોઈ સાહિત્યમાં હોય તો તે નવલકથા છે, પરંતુ આ મત સ્વીકારતાં જ રહસ્યાત્મક કે ઐતિહાસિક પ્રકારની નવલકથાઓનો છેદ ઉડી જતો જણાય છે.
ટૂંકમાં, નવલકથાના તમામ રૂપોને તેના આંતર બાહ્ય સ્વરૂપને, સર્જક અભિગમને આવરી લે તેવી કોઈ પણ વ્યાખ્યા નિશ્ચિત કરી શકાતી નથી તેથી જ કહી શકાય કે ; નવલકથા શિથિલ બંધવાળું સ્વરૂપ છે. તેને આ કે તે કોઈ સીમાડાઓમાં બાંધી શકાય નહીં. એમ કહી શકાય ખરું કે નવલકથા જુદી જુદી દિશાઓમાં વહેતી સરિતા સમાન છે, જેમાં જે તે સ્થળ-કાળની આબોહવા વહ્યા કરે છે અને તે વહેતા વહેતા જ પોતાનો માર્ગ કરતી જાય છે અને તે પ્રમાણે તેનો ખાકાર નિર્માતો જાય છે. તેથી નવલકથા જેવા સતત વહેતા સતત પરિવર્તિત થતા સાહિત્ય સ્વરૂપની વિભાવના બાંધવાના પ્રયત્નો નિષ્ફળ થયા છે.
0 ટિપ્પણીઓ