પ્રસ્તાવના:
પદ્યવાર્તાક્ષેત્રે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં શામળ પહેલાં અને
પછી પણ કોઈ પ્રભાવશાળી પદ્યવાર્તાકાર મળતો નથી, છતાં પદ્યવાર્તાનો
પ્રવાહ મધ્યકાળમાં સતત વહેતો રહ્યો છે. પદ્યવાર્તાના વિકાસમાં જૈન અને જૈનેતર,
ઉભય, વાર્તાકારોનું પ્રદાન રહ્યું છે.
વિજયભદ્રસૂરિ, અસાઈત, ભીમથી માંડીને
વાર્તાકારશિરોમણિ શામળ સુધી આશરે ચારસો સવા ચારસો વર્ષમાં પરદુ:ખભંજક રાજા વિક્રમ,
નંદ, માધવાનલ, સધ્યવત્સ,
ચંદન મલયાગિરિ જેવાં સુખ્યાત પાત્રો વિષયક ઉપરાંત બીજા અનેક વિષયો
પર પદ્યવાર્તાઓ રચાઈ છે.
પદ્યવાર્તા: નરસિંહ પૂર્વે :
પદ્યવાર્તાના વિકાસમાં આગળ પડતો ફાળો જૈન સાધુ કવિઓનો છે.
રાસ-રાસાની સાથે સાથે જૈન સંઘના મનોરંજન માટે કેટલીક વાર્તાઓ જૈન કવિઓએ રચી છે.
સંસારથી મુક્ત રહીને જીવન ગાળનાર આ સાધુઓએ પ્રેમશૃંગાર મિશ્રિત લોકકથાઓ લોકોના
મનોરંજન માટે રચી છે. નરસિંહ પૂર્વે બે જૈન કવિઓ પાસેથી આપણને પદ્યવાર્તાઓ મળે છે.
ઈ.સ. 1355માં વિજયભદ્રસૂરિએ રચેલી ‘હંસરાજ-વચ્છરાજ ચઉપઈ’ એ આપણી સૌ પ્રથમ વાર્તાકૃતિ
છે. ઈ.સ. 1429માં હીરાણંદ પાસેથી ‘વિવિલાસ પવાડુ' કૃતિ મળે છે.
હંસાઉલીકાર અસાઈત :
હંસાઉલી એ જૈનેતર કવિ અસાઈત ઠાકરે ઈ.સ. 1361
(કે 1371) આસપાસ રચેલી લૌકિક કથા છે. કવિએ આ
વાર્તાના ચાર ખંડ પાડ્યા છે. પહેલા ખંડમાં હંસાઉલિ અને નરવાહનના લગ્નની અને પછીના
ત્રણ ખંડમાં એ યુગલના જોડિયા પુત્રો વચ્છરાજ અને હંસને નડેલાં સંકટો અને તેમનાં
પરાક્રમોની રસપૂર્ણ કથા છે. નરસિંહ પૂર્વેના આપણા પહેલા જૈનેતર કવિની આ કૃતિ
ઐતિહાસિક દ્રષ્ટિએ મૂલ્યવાન છે.
‘સધ્યવત્સચરિત’ (ભીમ):
કવિ ભીમ ઈ.સ. 1410માં 'સધ્યવત્સચરિત' નામે પદ્યવાર્તા આપે છે. છસો કડીની આ
વાર્તામાં સદેવંત-સાળિંગાની લોકપ્રિય પ્રણયકથા છે. એમાં શ્રૃંગાર, વીર અને અદ્ભુત રસનું નિરૂપણ છે.
નરસિંહ પછી (પંદરમા શતક)નું વાર્તાસાહિત્ય :
નરસિંહ પછી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં પદ્યવાર્તાઓમાં મુખ્ય કથાબિંદુ પરદુઃખભંજક રાજા વિક્રમ છે. રાજા વિક્રમ પ્રેમ-શૌર્ય-જાઈ વાર્તાઓનો મુખ્ય સ્રોત અને મિલનબિંદુ છે. મલયચંદ્ર, નરપતિ અને ગણપતિઃ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં વિક્રમકથાચક્રની કથાઓ ત્રણ વાર્તાકારો પાસેથી મળે છે.
મલયચંદ્ર,
નરપતિ અને ગણપતિ :
મલયચંદ્ર ઈ.સ. 1463માં ચોપઇની 374 કડીમાં ‘સિંહાસનબત્રીસી’ રચે છે અને 220 ચોપઇમાં ‘સિંઘલશીચરિત્ર’. પ્રથમ વાર્તા વિક્રમના અદ્ભુત વ્યક્તિત્વને વ્યક્ત કરતી બત્રીસ વાર્તાઓનો ગુચ્છ છે. આ જ વાર્તામાં સુધારાવધારા કરીને શામળે તેની યશસ્વીકૃતિ રચી છે. મલયચંદ્રની બીજી કૃતિ સિંઘલશીચરિત્ર સાહસ-શૌર્ય અને ચમત્કારોની અદ્ભુત સૃષ્ટિ સર્જતી વિલક્ષણ પ્રેમકથા છે.
નરપતિ ઈ.સ. 1489માં ‘નંદબત્રીસી′ અને ઈ.સ. 1504માં પંચદંડની વાર્તાઓ સર્જે છે. આ બંને વાર્તાઓમાં કવિનીની વાણી પ્રાસાદિક છે અને વર્ણનો તાદૃશ ચિત્રો ખડાં કરે એવાં રસપૂર્ણ છે. પંચદંડમાં કેટલાક ગધખંડો પણ મળી આવે છે એટલે એ વાર્તા દ્વારા તત્કાલીન ગધનો પરિચય પણ થાય છે. જૈનેતર કવિ નરપતિની આ બંને કૃતિઓ પદ્યવાર્તાના વિકાસમાં ઉલ્લેખનીય બની રહે છે.
ભાલણ :
પંદરમી સદીના ઉત્તરાર્ધની શ્રેષ્ઠ કથા ઈ.સ. 1489
આસપાસ ભાલણ પાસેથી મળે છે. બાણભટ્ટની સંસ્કૃત કાદંબરી'નો સંક્ષિપ્ત અનુવાદ ભાલણે કર્યો છે. સંસ્કૃતની ગંધકૃતિનો સરળ પધાનુવાદ
ભાલણનાં કૌશલ્યની પ્રર્તીતિ કરાવે છે.
અન્ય વાર્તાકારો :
પંદરમી સદીની અન્ય પદ્યવાર્તાઓમાં સાધુકીર્તિની ‘વિજયકુમાર ચરિત્રરાસ′ (ઈ. 1433),
‘ન્યાયસુંદરની વિધાવિલાસ ચઉપઈ' (ઈ. 1460),
વીરસિંહની ‘ઉષાકથા′ (ઇ. 1464), ‘પુણ્યાનંદિનો સિંહાસનબત્રીસી પવાડો'
(ઈ. 1476) અને જીનહરની ‘વિક્રમ
પંચદંડ રાસ' (ઈ. 1500)નો ઉલ્લેખ કરવો
જોઈએ.
સોળમા
શતકની પદ્યવાર્તાઓ :
સોળમા શતકમાં પ્રમાણમાં વધારે પદ્યવાર્તાઓ સાંપડે છે. આ સૈકાની
વાર્તાઓમાં ગણપતિની ઈ.સ. 1518માં રચાયેલી માધવાનલ કામકંદલા દોગ્યક મોટામાં મોટી
રચના છે. અઢી હજાર દુષ્ટામાં અને આઠ અંગમાં આ વાર્તા વિભક્ત થઈ છે. કથાવસ્તુ અને
નિરૂપણની રીતે આ કૃતિ સમૃદ્ધ છે. અલંકારપ્રધાન આ કૃતિનો મુખ્ય રસ શ્રૃંગાર છે.
ગણિકાપુત્રી કામકંદલા અને બ્રાહ્મણપુત્ર માધવાનલની પ્રેમકથા નિરૂપતી આ કૃતિમાં
નાયિકાના વિરહગાન અને નાયકના નાયિકાવિરહના બાર માસનું વર્ણન વિપ્રલંભશૃંગારનું
દૃષ્ટાંત પૂરું પાડે છે. વર્ણનની અતિશયતા આ કૃતિમાં બાધક બને છે, તેમ છતાં રસિક વર્ણન, સમસ્યા, ચોટદાર
દુહાઓ અને બારમાસી આ રચનાની ઉત્તમત્તાને અભિવ્યક્ત કરે છે.
કુશલલાલ પાસેથી ઈ.સ. 1541માં 'મેરુસેલા ચઊપઈ' નામે પ્રેમકથા મળે છે.
વિપ્રલંભશૃંગારનું ઉત્કટ નિરૂપણ કરનારી 'બિલ્ડણપંચાશિકા' અને 'શશિકલાપંચાશિકા'
નોંધપાત્ર છે. બંને રચનાઓ ચોપઈબંધમાં લખાયેલી છે.
મધુસૂદન વિક્રમકુમારચરિત' સોળમા શતકના
મધ્યભાગમાં રચાયેલી રસિક પ્રેમકથા છે.
વચ્છરાજની રસમંજરીની વાર્તા ઈ. 1549 આસપાસ
પ્રેમવતીની પ્રચલિત લોકકથાને આધારે રચી છે. છસો પાંચ કડીની આ કૃતિમાં ચોપાઈઓની
વચ્ચે વચ્ચે દોહરા અને છપ્પા આવે છે.
સોળમાં શતકની જૈન વાર્તાઓમાં સિંહકુશળની 'નંદબત્રીસી', વિનયસમુદ્રની ‘આરામશોભા',
અતિસારની ‘કપૂરમંજરી' ઉલ્લેખનીય
છે. ઈ.સ. 1549માં રચાયેલી. અતિસારની ‘કપૂરમંજરી'
અને ઈ. 1581માં રચાયેલ નયસુંદર કૃત ‘રૂપચંદકુંવર' વધારે નોંધપાત્ર રચના છે. ‘કપૂરમંજરી'માં નાયિકાનો રુદ્રમહાલયની પૂતળી બનાવી કથાનકનો
સંબંધ સિદ્ધરાજ સાથે અને તેણે પૂરો કરાવેલ રુદ્રમહાલય સાથે કવિએ સાંકળ્યો છે. ‘રૂપચંદકુંવર' અને શબ્દસમૃદ્ધ વર્ણનોને લીધે
નોંધપાત્ર છે.
સત્તરમા શતકની પદ્યવાર્તા :
આ શતકની પદ્યવાર્તાઓના પ્રવાહમાં સોળમાં શતકની
પરંપરાની માઢોલા, સગાળશા, વિધાવિલાસ
તથા વિક્રમકથાચક્રની અનેક વાર્તાઓ મળે છે. આ શતકની નોંધપાત્ર નવી વાર્તાકૃતિઓમાં
હંસાવતી, કામાવતી, શીલવતી, ચંદનમલયાગીરી, અંજનાસુંદરી વગેરેને ગણાવી શકાય.
વાર્તાકાર શિવદાસ :
સત્તરમા શતકનો મુખ્ય વાર્તાકાર શિવદાસ છે. ‘હંસાવતી’ (ઈ. 1621) અને ‘કામાવતી’ (ઇ. 1617) તેની
મહત્ત્વની રચનાઓ છે. સ્વપ્નસુંદરીની શોધ અને પુરૂષષણી નાયિકા-એ બે તેની બંને
રચનાઓનાં સરખાં કથાઘટકો છે. ‘હંસાવતી’માં
કવિએ હંસાવતીના ખ્યાલ કથાનકને સળંગસૂત્રરૂપે 1362 કડીને ચાર
ખંડમાં વિભાજિત કર્યું છે.
કવિ માધવરચિત ‘રૂપસુંદરકથા’ (ઈ. 1651) માં લોકરંજક કથાને આધારે કાવ્યત્વ પ્રકટ
થયું છે. અક્ષરમેળ વૃત્તોના 192 શ્લોકમાં કવિએ આ રચના કરી
છે.
શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર શામળ :
નરસિંહ પૂર્વે શરૂ થયેલો પદ્યવાર્તાનો પ્રવાહ જૈન-જૈનેતર કવિઓને હાથે
સમૃદ્ધ થયો છે, પરંતુ આ સ્વરૂપની તમામ લાક્ષણિકતાઓને કવિ શામળે
પોતાની સર્જકપ્રતિભાને બળે ખેડી એક ઉત્તમ પદ્યવાર્તાકાર પુરવાર થયો છે. પદ્યવાર્તાક્ષેત્રે
શામળ સર્વશિરોમણિ છે. તેણે જરાય સંકોચ વગર માનુષી ભાવોનું વાર્તારૂપે રસપૂર્વક
નિરૂપણ કરી આનંદ સાથે ચતુરાઈ, લોકવ્યવહારનું જ્ઞાન, નીતિ અને બોધ આપ્યાં છે.
તેનું વાર્તાસર્જન પણ વિપુલ છે. ‘પદ્માવતી',
‘ચંદ્રચંદ્રાવતી', ‘નંદબત્રીસી', ‘મદનમોહના', ‘બરાસકસ્તૂરી', 'સિંહાસનબત્રીસી',
‘સૂડાબહોતેરી’ અને ‘રૂપવતી’ વગેરે તેની ગણનાપાત્ર અને સફ્ળ પદ્યવાર્તાઓ છે. પોતાના પુરોગામી
વાર્તાકારોની મદદ લઈ પોતાની કલ્પના અને વાર્તાકલાને કામે લગાડી નવો ઓપ આપી તેણે પદ્યવાર્તાઓને
આગવી ઊંચાઈએ બેસાડી છે, સ્થાપી છે. સિંહાસનબત્રીસી અને 'સૂડાબહોતેરી’ વાર્તામાળાઓ તરીકે ખ્યાત છે.
સ્વતંત્રપણે ઊભી રહી શકે એવી 'વૈતાલપચીસી' અને પંચદંડની વાર્તામાળાઓ શામળે ‘સિંહાસનબત્રીસી'ની અંદર ગૂંથી લીધી છે.
શામળનું પ્રથમ લક્ષ્ય છે જનમનરંજન. એને લીધે જ તેણે પદ્યવાર્તાઓને
અદ્ભુતરસિક બનાવી છે. ‘વાણિયાનો કવિ’ કહેવાયેલો તે
આમજનતાનો કવિ હોવાથી તેની પાત્રસૃષ્ટિમાં ‘અઢારેય વરણ'નો સમાવેશ થાય છે. એની વાર્તાસૃષ્ટિમાં વિક્રમ જેવો પ્રતાપી ને ઉદાર રાજા
છે તો દેવદમની જેવી ઘાંચી સ્ત્રી, ચંદ્રાવતી અને મણિમંજી
જેવી ગણિકાઓ પણ છે. માનવેતર પક્ષીઓ, ભૂત-પિશાચ જેવાં પાત્રો
તેની વાર્તાસૃષ્ટિમાં છે. સમસ્યાઓ, સુભાષિતો, નીતિ ઉપદેશ, અવાંતર/ આડકથાઓ તેની વાર્તાસૃષ્ટિનાં
અંગભૂત તત્ત્વો છે. શામળનું સંસારનિરીક્ષણ અને લોકવ્યવહારનું જ્ઞાન આદર જન્માવે
તેવું છે. સાદી ભાષા, સાદી કડીમાં માનતો શામળ મધ્યકાળમાં એક
અદ્ભુત કહેવાય તેવી પદ્યવાર્તાની સૃષ્ટિ ખડી કરીને ચિરંજીવ બની ગયો છે.
ઉપસંહાર :
શામળ પછી પદ્યવાર્તાનો પ્રવાહ સુકાઈ જાય છે. શામળ પછી વાર્તાઓ લખાઈ
છે ખરી, પણ તેમાં કોઈ નોંધપાત્ર રચના મળતી નથી. આજના સમયમાં
કવિ વિનોદ જોશીએ ‘તુણ્ડિલ-તુણ્ડિકા નામે પદ્યવાર્તા રચવાનો
પ્રયાસ કર્યો છે ખરો. પણ એ સિવાય આ પદ્યવાર્તાનું સ્વરૂપ મધ્યકાળમાં જ આથમી જાય
છે.
0 ટિપ્પણીઓ