પ્રસ્તાવના :

       કાન્ત આપણા પંડિતયુગના નોંધપાત્ર કવિ છે. તેમણે ગુજરાતી કવિતા અને તેમાંય ખંડકાવ્ય ક્ષેત્રે કરેલું પ્રદાન નોંધપાત્ર છે. અર્વાચીન ગુજરાતી કવિતાને નૂતન રૂપમાં રજૂ કરવાનું એમનું કાર્ય પ્રશંસનીય છે. તેઓ એમની કવિતાઓને કારણે ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહેશે એમાં કોઈ શંકા નથી. આવા પંડિતયુગના સમર્થ કવિ-સર્જક કાન્તે ગુજરાતી સાહિત્યમાં પોતાની આગવી છાપ અને ઓળખ ઊભી કરી છે. તેમને સર્જક તરીકે ઘડનારાં કેટલાંક વિશેષ પરિબળોની ચર્ચા કરીએ.

↦કાન્તને સર્જક તરીકે ઘડનારાં પરિબળો :

       દરેક સર્જકના વ્યક્તિત્વને ઘડવામાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. સર્જક તરીકે કાન્તને ઘડવામાં પણ આવા અનેક પરિબળોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે તે જોઈએ...


1) દાદાજી અને પિતાજીનો પ્રભાવ :

કાન્તનો જન્મ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. અધ્યયન-અધ્યાપન જેનામાં પરંપરાગત છે તે ધર્મસંસ્કારનિષ્ઠ અને સ્થિતિચુસ્ત નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો જન્મ અને ઉછેર થયો હોંવાથી જ્ઞાતિ અને કુટુંબના ધર્મસંસ્કારોનો પ્રભાવ કાન્ત પર પડે તે સ્વાભાવિક છે.

આ ઉપરાંત એમના દાદાજી અને પિતાજીનો પ્રભાવ પણ એમના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં સહાયરૂપ બને છે. કાન્ત દસ વર્ષની વયથી જોડકણાં રચતા થઈ ગયા હતા. દાદાજીની ભજનરચનાઓ અને ભજનગાનથી એ પ્રભાવિત હતા. પિતાજી પાસેથી તેઓ સંસ્કૃત શીખ્યા હતા.

આમ, એમના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં કુટુંબ, પિતા અને દાદાજીનો પ્રભાવ ખૂબ સહાયરૂપ બન્યો.


2 ) બાળપણ અને પ્રકૃતિ સૌંદર્યનો પ્રભાવ :

કવિ કાન્તને બાળપણમાં મળેલ માતા-પિતા, મોટાભાઈનો સ્નેહ પણ એમના વ્યક્તિત્વને ઘડવામાં મદદરૂપ થાય છે. એમની ઊંડી સ્નેહભૂખ તેમજ પ્રકૃતિ પ્રત્યેના લગાવ અને સૌંદર્યથી તેઓ પ્રભાવિત થયા હતા. માંગરોળના અભ્યાસ દરમ્યાન માંગરોળના પ્રકૃતિસૌંદર્યથી તેઓ અભિભૂત થયા હતા. તેમનો આ પ્રકૃતિપ્રેમ અને સૌંદર્યદર્શન કાન્તનો કાવ્યસંસ્કારોને ઘડવામાં મદદરૂપ બને છે.


3) અભ્યાસ અને વાંચનનો પ્રભાવ :

કાન્તે પ્રારંભનો થોડો અભ્યાસ મોટાભાઈ માધવજીને ત્યાં માંગરોળમાં કરેલો. ત્યારબાદ મોરબીમાં  અભ્યાસ કરેલો, પછીથી રાજકોટની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો.  ત્યાંથી તેઓ ઈ.સ. 1884માં મૅટ્રિક્યુલેશન થયા.

તેમણે કૉલેજનો ઉચ્ચ અભ્યાસ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં કર્યો હતો. ત્યાં તેઓ લૉજિક અને મોરલ ફિલૉસૉફીના વિષયો સાથે ઇ.સ. 1888માં બી.એ. થયા.

આ પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કારો સાથે કાન્તનું ઘડતર થયું. યુનિવર્સિટી કેળવણીનો કાન્ત પરનો પ્રભાવ અત્યંત સ્પષ્ટ અને ઊંડો છે. એમનું કૉલેજ શિક્ષણ દરમ્યાન વાંચન વધે છે. ધર્મ, નીતિ, શાસ્ત્ર, શિક્ષણ વગેરે અનેક વિષયોનું ગહન વાંચન કરે છે. જે એમના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં મદદરૂપ થાય છે.


4) શાંતિજનોના કવિતાવિલાસનો પ્રભાવ :

કાન્ત મોરબીમાં રાધાફઇને ત્યાં રહીને અભ્યાસ કરેલો. એ સમયે મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં ચાલતી કાવ્યશાસ્ત્રવિનોદ અને વિધાવ્યાસંગની પ્રવૃત્તિઓએ કાન્તના પ્રથમ કાવ્યસંસ્કારોને ઘડવામાં ભાગ ભજવ્યો છે. મનહર ઉપરાંત અન્ય માત્રામેળ છંદો, પ્રાસાનુપ્રાસ, વર્ણસગાઈ, શબ્દ ચમત્કૃતિ વગેરેની દેઢ પ્રણાલીવાળી, પ્રબીનસાગર' અને અન્ય હિંદી તેમજ ભાખાકવિઓના પરિશીલનથી ઘડાયેલી, વ્રજભાષાની કાવ્યશૈલીમાં આ જ્ઞાતિજનોનો કવિતા વિલાસ ચાલતો, કાન્તની કિશોરવયની પહેલી રચના ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ (1883) માંનું મધ્યકાલીન પ્રગલ્ભ ધૃષ્ટ યારપ્રેમનું વિષયવસ્તુ અને એમાં થયેલો ઝડઝમકભર્યા મનહર છંદના કવિતાનો વિનિયોગ આ સંદર્ભમાં નોંધપાત્ર છે.

આમ, કાન્તને કિશોરાવસ્થામાં જ જ્ઞાતિજનોના આ કવિતા વિલાસનો લાભ મળ્યો હતો. જે એમના કાવ્યસંસ્કારોને ઘડવામાં ખૂબ મદદરૂપ બને છે.


5) પાશ્ચાત્ય શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારનો પ્રભાવ :

કાન્તે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ સમયના વિદ્વાન અધ્યાપક વર્ઝવર્થ, મેકમિલનના સંસર્ગને લીધે અંગ્રેજી સાહિત્યમાં ઊંડો રસ જાગ્યો હતો. પછી તો અંગ્રેજી-પ્રાચીન ગ્રીક યુરોપીય સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. અંગ્રેજી કવિતા સમૃદ્ધિથી કાન્ત એટલા બધા અંજાય છે કે માથું હલાવે એવી કવિતાં સંસ્કૃતમાં ખરી, પણ વાંચતાં હૃદયમાં કંપન થઈ જાય એવી કવિતા તો એમને અંગ્રેજીમાં જ દેખાય છે. અંગ્રેજી કવિતાનો આ અભ્યાસ એમની કાવ્યરુચિ અને એમનાં કાવ્યવિવેચનનાં ધોરણોને ઘડે છે.

યુનિવર્સિટી-કેળવણીને લીધે કાન્ત બુદ્ધિવાદ તરફ વળે છે. પ્રેમ, ધર્મ, ઈશ્વર જેવા ગંભીર ગહન પ્રશ્નો વિશે મનોમંથન કરે છે. જેના પરિણામે એમનું મનોવલણ એકંદરે હિંદુ વેદાંતનું વિરોધી બને છે. તેમ છતાં ફિલસૂફી અને નીતિશાસ્ત્રનો અભ્યાસ સત્યના આદર્શોની એમને ઉપેક્ષા કરવા દેતો નથી.

કાન્તે પાશ્ચાત્ય શિક્ષણ, સાહિત્ય, સંસ્કાર અને જીવનવિચારની પ્રબળ અસરો ઝીલી છે, છતાં એ બધું જાણે એમના માનસની આવશ્યકતાઓ હોય તેમ એમનામાં સાહજિક બનીને રહ્યું છે.


 6) સંસ્કૃતનો પ્રભાવ :

કાન્તને ઘણું બધું સંસ્કૃત સાહિત્ય કચરા જેવું લાગ્યું હતું. છતાં સંસ્કૃતમાં પણ એમને આનંદ આપે તેવી કવિતા મળે છે. સંસ્કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમનામાં સંસ્કૃતમાં વાતચીત કરી શકે અને તેનો સીધો અનુવાદ કરી શકે તેટલી ભાષમાં પ્રવીણતા હતી. સંસ્કૃતના કેટલાક સંસ્કારો તો કિશોરવયથી જ રોપાયા હતા. તેમનો સંસ્કૃતનો અભ્યાસ યુનિવર્સિટી કેળવણી દરમિયાન વધારે ગાઢ બન્યો હતો. સંસ્કૃતનો શબ્દવૈભવ, એમાં પણ વ્યાકરણશુદ્ધ અને વિશિષ્ટ અર્થના શબ્દોનો પ્રયોગ, અનેક સંસ્કૃત વૃત્તોનો વિનિયોગ અને એમાં લઘુગુરુની છૂટનો અભાવ, ઉપમાનસામગ્રી, અન્યોક્તિ-કાવ્યોની રચના, ગિરિ-વનો સર-સરિતાથી ભરી પ્રકૃતિ, પ્રકૃતિનો બહુધા ઉદ્દીપન વિભાવ તરીકે ઉપયોગ, વસ્તુબીજ પરત્વે મહાભારતનું ઋણ અને સંસ્કૃતયુગના કવિસમયોનો સ્વીકાર - આ બધું કાન્તની કવિતા પર સંસ્કૃતનો ઘણો ઊંડો અને વિધાયક પ્રભાવ બતાવે છે.

રામપ્રસાદ બક્ષીએ સાચું કહ્યું છે કે, “કાન્તની અંગ્રેજી કાવ્ય પરિશીલનથી આવેલી રસવૃત્તિનો કાવ્યમય આવિર્ભાવ તો વસ્તુ, વાણી અને વૃત્ત પરત્વે સંસ્કૃતનો પ્રભાવ ઝીલીને જ ઉચ્ચ કોટિએ પહોંચી શક્યો હતો.”


7) દામ્પત્યપ્રેમનો પ્રભાવ :

કાન્ત પાસેથી પત્નીપ્રેમનાં કાવ્યો પણ મળે છે. જેમાંથી એમનો પત્ની પ્રત્યેનો પ્રેમ વિશેષ ઉજાગર થયેલો જોઈ શકાય છે. પત્ની પ્રત્યેનો પ્રેમ અને સ્નેહભર્યું એમનું લગ્નજીવન એમની કવિતાને રળિયામણી બનાવે છે.

કાન્તની પ્રથમ પત્ની નર્મદા જાજવલ્યમાન અને સૌન્દર્યવાન હતાં. કાન્તને એમનાં નયનોનું અપૂર્વ આકર્ષણ હતું. આથી જ તો નયન નમણાં, ગ્રીવા ધોપી, લલાટ સુહામણું’ પંક્તિ દ્વારા એ નર્મદાને બિરદાવે છે. એમનો દામ્યત્યપ્રેમ અનન્ય હતો. કાન્ત સંવાદિતાના, મનમુદાના, અંતરમેળના ચાહક છે. એમના દામ્પત્યમાંથી પણ આ છબી ઊપસે છે.


8 ) સ્વીડનબોર્ગના વિચારો અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ :

ઈ.સ. 1891 પછીથી લગભગ ઇ.સ.1896 સુધીનો સમય કાન્તના જીવનમાં ઉગ્ર ધર્મમંથનનો સમય છે. આ સમયગાળામાં તેઓ ઘણું વાંચે છે અને વિચારે છે. ઈ.સ. 1890માં વડોદરાના કલાભવનમાં અધ્યાપક અને પછીથી આચાર્ય તરીકે જોડાય છે. અહીં સ્વીડનબોર્ગનાં લખાણોનું વાંચન થાય છે. રજામાં મુંબઈ જાય છે, ત્યારે ત્યાંનાં ચર્ચની મુલાકાત લે છે અને સ્વીડનબૉર્ગનું સઘન વાંચન કરે છે. ઈ.સ. 1898ની આસપાસ એ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું વિચારે છે. યજ્ઞોપવિત છોડી દે છે, પણ હજી ધર્માંતર કર્યું નથી. 1998માં તેઓ વડોદરા છોડવાનો નિર્ણય કરે છે. ઈ.સ. 1900માં ઘોઘાના ચર્ચમાં વિધિસર ખ્રિસ્તીધર્મમાં પ્રવેશ મેળવે છે.

આમ, સ્વીડનબોર્ગના વિચારોએ અને ખ્રિસ્તી ધર્મના પ્રભાવે પણ એમના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.


9) ગોહિલ રાજવીઓના સંસર્ગનો પ્રભાવ :

કાન્તનો સમય ચિંતન-મંથનનો છે. પૂર્વ અને પશ્ચિમ વિશે તો ભરપૂર વિચારમંથન ચાલ્યું છે. ભાવના અને આદર્શો વિશે પણ મંથન ચાલે છે. આવા સમયે ગોહિલ રાજવીઓ કલાપી અને ભાવસિંહજીના સંસર્ગમાં આવવાનું બને છે. આ બંને રાજવીઓ સમુદારતા દાખવી કળાપક્ષને, સંસ્કારપક્ષને પ્રગાઢ કરતા જાય છે. કાન્તની આસપાસ આ બે ગોહિલ રાજવીઓની ભાવધરી ઊપસેલી જોઇ શકાય છે. ભાવસિંહજીના આગ્રહે જ લોકશાહી મૂલ્યોનો પક્ષ લેતું ‘રોમન સ્વરાજ’ જેવું નાટક કાન્ત આ સમયમાં લખે છે. લોકશાહીનો મહિમા નાટકોમાં પહેલી વાર કાન્ત દ્વારા થયો છે.


10)  સાહિત્યકાર મિત્રોનો પ્રભાવ :

કાન્તના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં કેટલાક સર્જકો અને સર્જકમિત્રોનો પ્રભાવ ખૂબ મદદરૂપ બન્યો છે. દલપતરામ, વિશ્વનાથ વૈધ, રમણભાઈ, બ. ક. ઠાકોર, કવિ ન્હાનાલાલ, કલાપી વગેરે અનેક સાહિત્યકારમિત્રોની સાહિત્ય સમજે કાન્તને સર્જક તરીકે ઘડવામાં સહાયરૂપ બન્યા છે.

કાન્તને બહુ નાની વયથી કવિતા કરવાનો શોખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લોકપ્રિય અને ઉત્તમ કવિઓ દલપતરામ અને નર્મદાશંકર ગણાતા. કાન્ત 14-15 વરસની વયે ખરી મોહોબત અથવા ગુલાબાસનું ફૂલ' નામની કવિતા લખેલી. એના ઉપરથી લાગે છે કે તેમણે દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં.

એવી જ રીતે કાન્તને હાઇસ્કૂલના અભ્યાસ દરમિયાન કલ્પના અને વિચારો ખૂબ આવતા પણ તેને કવિતારૂપે શબ્દસ્થ કરવામાં ગડમથલ અનુભવતા એ સમયે વિશ્વનાથ વૈધ જેવા સ્નેહાળ, સાહિત્યરસિક વડીલે કાવ્યસર્જનની પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું.

વર્ઝવર્થ જેવા અધ્યાપક નીચે અભ્યાસ કરવાથી ઘણી પ્રગતિ કરવાનો અને મૈત્રીઓ બાંધવાનો અવકાશ મળ્યો. તેમાં રમણભાઈ સાથે ખૂબ મિત્રતા. આ બંને મિત્રો વચ્ચે આપણી સામાજિક સ્થિતિની, કાવ્યની, ધર્મની રસમય ચર્ચાઓ પત્રો દ્વારા ખૂબ ચાલેલી. કૉલેજકાળમાં એમને પ્રો. બળવંતરાય ઠાકોર સાથે પણ મૈત્રી થાય છે. એમની ઓળખાણ તો જૂની હતી, પણ મૈત્રી 1887ની આખરે જામી. તે સાલની ફર્સ્ટ બી.એ.ની પરીક્ષા આપીને પ્રો. ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને બંને વચ્ચે ખૂબ મિત્રતા વધી, વિસ્તરી અને મર્મસ્પર્શી બની મળ્યા. રજાઓમાં એકબીજાને ત્યાં રજા ગાળવા જાય, સાથે મુસાફરી કરે અને જુદા હોય તે દરમિયાન પણ કાગળો, ચર્ચા અને એકબીજાની કૃતિઓનો વાંચન, વિચાર, મુશ્કેલીઓ વગેરેનો વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નોંધો પણ જુએ. આ રીતે પ્રો. ઠાકોર મણિભાઈની સાહિત્યિક પ્રવૃત્તિના માત્ર સાક્ષી જ નહિ પણ તેના ટીકાકાર, સૂચનકાર, કદરદાન, ઉત્તેજન આપનાર તેમજ કેટલીક રચનાઓમાં તો પોતે જ વિષય અને નિમિત્ત બને છે. કાન્તે ઉપહાર' કાવ્ય પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ′ સંગ્રહ પ્રગટ થયો ત્યારે પણ એ કાવ્યથી પ્રો. ઠાકોરને અર્પણ કરેલો.

1897થી એટલે કે કાન્તનું ચિત્ત ખ્રિસ્તી સંપ્રદાય તરફ આકર્ષાયું ત્યારથી બંને વચ્ચે મૈત્રીસંબંધ શરૂ થયો. જે કલાપીના મરણ પર્યંત ચાલેલો. બંને વચ્ચે ધર્મ અને કાવ્યસંબંધી ચર્ચાના પુષ્કળ પત્રો લખાયા છે. કલાપીના મૃત્યુ બાદ કાન્તે 'કલાપીનો કેકારવ’ અને ‘હમીર કાવ્ય પ્રગટ કરી મિત્ર તરફનું ઋણ અદા કર્યું છે.

કાન્ત ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદ મિત્રો, જ્ઞાતિજનો સાથેનો સંબંધ તૂટી જાય છે. વળી, પત્ની અને બાળકો, કુટુંબીજનોના કારણે ફરીથી નાતમાં દાખલ થાય છે. પણ એમની ખ્રિસ્તી ધર્મ પરની શ્રદ્ધા એમ જ રહી હતી. આ અરસામાં જ્યારે જૂના સ્નેહીઓનો સંબંધ અસ્તવ્યસ્ત થઈ ગયો ત્યારે તેમનું સ્નેહાળ અંતઃકરણ બીજાં પાત્રો મેળવી શકેલું. એમાં પ્રથમ કલાપી પછી કવિ નાન્હાલાલ હતા.

કાન્ત અને નાન્હાનાલાલનો પ્રથમ મેળાપ મુંબઈમાં થયેલો. પછી તો બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ, બંનેની વચ્ચે થોડાં વરસો અવિચ્છિન્ન પત્રવ્યવહાર ચાલ્યો. કવિ પોતાનાં કાવ્યોની નકલો વખતોવખત મણિભાઇને મોકલતા રહે, મણિભાઈ તે પર ટીકા કરે, કવિ સુધારાવધારા કરે, વળી, ચર્ચા થાય, એમ ચાલ્યા કરે. કૌટુમ્બિક આપત્તિમાં પણ એકબીજાને મદદ કરેલી અને નાન્હાલાલના કુટુંબને ઉદ્દેશી મહેમાનોને સંબોધન' કાવ્ય રચ્યું.

આમ, કાન્તના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં આવા કેટલાક સર્જક મિત્રોનો પ્રભાવ પણ મદદરૂપ બન્યો. છે.


ઉપસંહાર :

કોઈ મોટા કવિને છાજે એવું સંઘર્ષમય જીવન જીવી જનાર કાન્તને સર્જક તરીકે ઘડવામાં ઉપરોક્ત પરિબળોએ તો મહત્ત્વનો ભાગ ભજવ્યો જ છે. એ ઉપરાંત એ સમયગાળો, એમની બીજી પત્ની નર્મદા સાથેનું દામ્પત્યજીવન અને સ્નેહ તેમજ ધર્મ વિચારોમાંથી ઊભી થયેલી અગમ્ય ખોજ વગેરે પરિબળો પણ એમના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં મદદરૂપ બને છે. જેના પરિણામે એક ઉત્તમ કવિ-સર્જક આપણને મળે છે.