સંધ્યા સલૂણી સરી ગૈ અકેલી ... 

       વારંવાર પ્રયત્નો કરવા છતાં મનમાની તસવીર ન આલેખી શકવાથી હતાશ થયેલો ચિતારો ઉશ્કેરાટમાં ‘ કેનવાસ ’ પર રંગની કટોરીઓ ફેંકીને ચાલ્યો જાય અને જેવું કામણગારું ચિત્ર ત્યાં આપમેળે રચાઈ જાય એવું આથમતી સંધ્યાનું નયનરમ્ય દ્રશ્ય પશ્ચિમ ક્ષિતિજ પર રચાયું હતું . એક બાજુ શાંત અને શીતળ સરિતાતટ તો બીજી બાજુ ધરતી અને ગગનનું મધુર મિલન ! દૂરસુદૂર ગગનના ગોખે ધમાચકડી મચાવતી નિર્દોષ બાલિકાઓ શી વાદળીઓએ પરસ્પર રંગભરી પિચકારીઓ ઉડાડી રંગલીલા જ આદરી હતી . મસ્તીખોર પ્રિયતમ શો ભાનુ પણ સંધ્યાની નાજુક કમર પર ચૂંટી ભરી અડપલાં કર્યે જતો હતો . મુગ્ધ નવયૌવના શી સંધ્યાના ગુલાબી ગાલ પર લજ્જાનાં ખંજન પડતાં હતાં . વ્યોમમાં હારબંધ ઊડી રહેલાં સારસ પંખીઓ જાણે કોડામણી રજનીરાણીએ પોતાની શ્યામ ગ્રીવામાં ધારણ કરેલો મુક્તાહાર હોય તેમ શોભતાં હતાં . 

       ચોમેર વિસ્તીર્ણ સરિતાતટ ... ! ધીરું ધીરું ગર્જન કરતાં વહી જતાં એનાં વહેણ કો’ અંત: સ્રોતાનાં ભીતરનાં વહેણની યાદ અપાવતાં હતાં . કિનારે અફળાઈને ઊડતાં જલશીકરો ઝીલવામાં કોઈ અનેરી મસ્તી અનુભવાતી હતી . સરિતાતીરે છવાયેલી હરિયાળી કુંજોમાંથી સામે તી ઘોષ - પ્રતિઘોષ કરતો કોકિલનો ટહુકાર અને બપૈયાની ગહેક મનને રસસમાધિમાં ડુબાડી દેતાં હતાં . કૂણ લીલાંછમ ઘાસ પર રમી રહેલાં સસલાં અને મૃગશિશુઓ વાતાવરણમાં જીવંતતા ભરી દેતાં હતાં . 

       દૂર સરિતામાં તરતી નાનકડી હોડીઓ કોઈ કુશળ ચિત્રકારે આલેખેલા છાયાચિત્ર સમી ભાસતી હતી . સરિતાના ફેનિલ તરંગો પર સવાર થઈને તરતી બતકો વમળમાં તણાતાં પોયણાં જેવી શોભતી હતી . સૂર્ય લાલચોળ ગોળો બનીને ધીમે ધીમે સરિતાસેજમાં ગરક થતો જતો હતો . પક્ષીઓ ચારો ચરીને પોતાના માળામાં પાછાં ફરી રહ્યાં હતાં . બાજુની ટેકરીઓ પરથી બંસીના સુમધુર સૂરોને છેડતો ગોપાલ ગોવૃંદને ગામ ભણી દોરી જતો હતો . ટિટોડી અને ગલ કલશોર કરતા સરિતાની શાંત તરંગમાળાઓ પર ઝૂલતાં હતાં . 

       ધીમે ધીમે સંધ્યાનું સામ્રાજ્ય અદશ્ય થવા લાગ્યું . રજનીરાણી મંદ સ્મિત વેરતી ચૂપચાપ ધરતી પર ઊતરવા લાગી . બંને સ્નેહાળ સખીઓ એકબીજાના પ્રગાઢ આલિંગનમાં ઓતપ્રોત થઈ ગઈ . આસપાસની સૃષ્ટિ આવું દિવ્ય મિલન નિહાળી સ્તબ્ધ બની ગઈ . સ્વપ્નધારા ઝીલતી આંખડીઓનાં પોપચાં આ અપૂર્વ દશ્ય જોઈ બિડાઈ ગયાં અને મુખમાંથી ઉદ્દગાર સરી પડયા–  


સંધ્યા સલૂણી સરી ગૈ અકેલી , 

                   એકાકિની આથમી શુક્રતારા . ’’–ઉમાશંકર જોષી