➜નિબંધલેખન : ઉનાળાનો બપોર અથવા વૈશાખી વાયરા વાયા
કાકાસાહેબ ગ્રીષ્મના મધ્યાહ્નને પણ અનોખું કાવ્ય કહે છે . ગ્રીષ્મનો મધ્યાહ્ન એટલે શંકરના ત્રીજા નેત્રની પ્રસાદી ! અગ્નિના લાલચોળ ગોળા જેવો બનીને સૂર્ય ધરતીના ઉર પર અગનજ્વાળાઓ વરસાવે છે . આકાશમાં આંખો આંજી નાખે એવા તેજપુંજ છવાય છે . ક્યાંક રૂની પૂણી જેવું સફેદ વાદળ જોવા મળે છે . વૈશાખી વાયરા સાથે ઊની ઊની લૂ ફૂંકાય છે . કમળાના રોગીની જેમ મધ્યાહ્ન લથડિયાં લેતો આગળ વધી રહ્યો છે . કવિશ્રી ઉમાશંકર જોશીએ ઉનાળાનું વર્ણન આ રીતે કર્યું છે .
‘ આવ્યો આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો ,
વા વૈશાખી પ્રબળ વહતા , ઊડતી અગ્નિઝાળો . ’
ધરતી કોઈ વિરહિણી જેવી આકુળવ્યાકુળ જણાય છે . રણમાં પંથભૂલ્યા પ્રવાસી સમાં પશુપંખીઓ ગરમીથી બચવા ફાંફાં મારે છે. વૃક્ષોની શાખા અને બખોલમાંથી કપોત , શુક અને ચકલાં ધરતી પર પડી તરફડી મરે છે . ઝરણાંઓનું સંગીત ઘડીભર બંધ થઈ જાય છે . ક્યાંક ધૂળની ડમરીઓ ચગાવતો પ્રચંડ વંટોળિયો ઉપર ચડે છે . ગામની ભાગોળો સૂની પડી છે . ગોવાળિયાઓ ધણને લઈ વડની છાયામાં બેઠા છે . પનઘટ તદ્દન સૂના પડયા છે . વાડીમાં કોશ છોડી ખેડૂતો આરામ કરી રહ્યા છે .
ખેતરો ભભૂત ચોળેલા અધોરી જેવાં એદી બનીને ઊભાં છે . ભેંસો તળાવના કાદવમાં આળોટી રહી છે . જંગલમાં છેવાડે સૂકા વાંસનાં વનોમાં દાવાનળ ભડભડી રહ્યો છે . હરણોનાં ટોળાં નાસભાગ કરી રહ્યાં છે . પ્રખર બફારાથી વ્યથિત થયેલા અજગર અને પ્રચંડ ઝેરી સર્પ પોતાની બખોલ કે દરમાંથી નીકળી ઝાડના થડ પાસે પવન ખાવા બેસી ગયા છે . વનરાજ શિકારની શોધમાં જવાનું માંડી વાળે છે અને પોતાની ગુફામાં બેસીને મોટાં બગાસાં ખાતો અને હાંફતો પડયો રહે છે . પંખીઓ પોતાના માળામાં લપાઈ જાય છે .
શહેરમાં શેરીઓ અને ચૌટાં નિર્જન બની ગયાં છે . લોકો ગરમીથી બચવા પંખા કે ઍરકન્ડિશનરની સગવડ કરે છે . ફેરિયાઓ , ખુમચાવાળા અને સાઇકલસવારો ઘડીભર કોઈ દુકાનના ઓટલે થાક ખાય છે . કેટલાક ઠંડાં પીણાંઓની લિજ્જત માણે છે . સટોડિયાઓને આવી પ્રચંડ ગરમીમાં પણ શાંતિ નથી . સૂડીચપ્પાં સજાવનારા કારીગરો આવી ત્રાસદાયક ગરમીમાં પણ શેરીએ શેરીએ ઘૂમે છે . લુહારની કોઢમાં ભઠ્ઠી સતત ધખ્યા કરે છે . સુથાર , મોચીઓ અને દરજીઓ પરિશ્રમનો પસીનો પાડે છે . શહેરસુધરાઈની લાલ ચણોઠી જેવી કેટલીય બસ માંદલી ડોસીની ચાલે રસ્તા પર ફરી રહી છે . શહેરનાં રેસ્ટોરાં અને છબીઘરો તો પ્રેક્ષકોથી ઊભરાઈ રહ્યાં છે . વીસમી સદીનાં આ મંદિરો પાસે ગ્રીષ્મનો મધ્યાહ્ન લાચાર બની જાય છે.
કાકાસાહેબ ‘ રખડવાનો આનંદ ’માં ગ્રીષ્મના મધ્યાહ્નનું વર્ણન કરતાં લખે છે : ‘‘ તડકો પૂરજોશમાં પડતો હોય ત્યારે આકાશની શોભા ખાસ જોવાલાયક હોય છે . ભેંસો દૂધ દેતી વખતે જેવી રીતે આંખો મીંચી નિ: સ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું ઊભું રહે છે . ન મળે વાદળાં , ન મળે ચાંદો . ચાંદો હોય તોય વાસી રોટલાના ટુકડા જેવો ક્યાંક પડયો હોય . બધે એક રસ ફેલાયેલો હોય છે . અને વીરરસ કહીએ કે રૌદ્ર ? હું તો એને શાંત રસ જ કહું . શાંત રસ શીતળ શા માટે હોય ? તપ્ત કેમ ન હોય ? ’’
0 ટિપ્પણીઓ