સંસ્કૃત લેખકોની દૃષ્ટિ હંમેશા આધ્યાત્મિક રહી હોવાથી તેમને પોતાના જીવન વિષે પોતાની કૃતિઓમાં કાંઈ પણ વિશેષ રૂપમાં લખવાનું યોગ્ય લાગતું નથી , આ એક મત છે અને ભારતીય લોકો ઈતિહાસ બાબત બેદરકાર હતા ભૌતિક બનાવોની ઘટમાળમાં તેમને કાંઈ નોંધનીય લાગ્યું નહિ હોય - એવો બીજો મત છે . ગમે તે રીતે જોઈએ , થોડા અપવાદ બાદ કરતાં સંસ્કૃત કવિઓ પોતાના અંગત જીવન કશું લખેલ નથી તે નિર્વિવાદ વાત છે . આ કારણથી તેમના જીવન વિષે નિર્ણય કરતી વખતે ઘણી તકલીફ પડે છે . પૂર્વવર્તી અને પુરોગામી સર્જકોના સર્જનના આધારે તેમના જીવન વિશે કલ્પના કરવી પડે છે . આથી જ શ્રી કાણે કહે છે કે તમે ગમે તેટલી ચોક્કસ કલ્પના કરી હોય તો પણ તે ક્યારે તૂટી પડશે તે કહી શકાય નહિ .

    " ભામિનીવિલાસ ( પ્રાસ્તાવિકવિલાસ ) " ના કર્તા પંડિતરાજ જગન્ના ઈ.સ. ના ૧૬ માં સૈકામાં થયા હોવા છતાં તેમના વિષયક માહિતી પર્યાપ્ત પ્રમાણમાં અને વિશ્વસનીય સાધનો દ્વારા મળતી નથી . તે માટે ઉપર જણાવેલ દૃષ્ટિબિંદુ જ જવાબદાર છે . સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ , જયદેવ અને ભતૃહરિ જેમ જગન્નાથ પણ એક કરતાં વધારે થયા છે . તેમાં આપણા ૫. જગન્નાથ ઈ.સ. ૧૫૦૦ થી ૧૭૦૦ ના ગાળામાં થયા છે .

 પંડિત જગન્નાથરાયનો જન્મ એક તૈલંગ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ પેરુભટ્ટ અથવા પરમભટ્ટ અને માતાનું નામ લક્ષ્મી હતું તેઓ વેંગીનાડ કે વૃંગીનાડુ જાતિના હતા . જગન્નાથનું કુટુંબ તેલંગણ દેશન ( અત્યારના આંધ્ર પ્રદેશના ) ગોદાવરી જીલ્લાના મુગુડ ગામનું વતની હતું . તેમના પિતા પેરુભટ્ટ સકલશાસ્ત્રપારંગત હતા . તેમણે વેદાંતશાસ્ત્રનું અધ્યયઃ શ્રીમદ્ જ્ઞાનેન્દ્રભિક્ષુ પાસે કર્યું હતું ; ન્યાય અને વૈશેષિક એ બે ગહન શાસ્ત્રોના અભ્યાસ મહેન્દ્ર પંડિત પાસે કર્યો હતો ; મીમાંસાશાસ્ત્રના તેમના ગુરુ ખંડદેવ હતા અને પાતંજલ મહાભાષ્ય તેમને વીરેશ્વર પંડિત શેષે શીખવ્યું હતું . એ પ્રગાઢ પંડિત પિતાની પાસે જ જગન્નાથરાયે બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું . તેમ છતાં વ્યાકરણશાસ્ત્રના કેટલાક ઉચ્ચ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે તેઓ કેટલોક સમય પિતાના ગુરુ પાસે એટલે કે વીરેશ્વર પંડિત પાસે કાશીમાં રહ્યા હતા . આ ઉપરાંત તેણે ઉર્દૂ , અરેબિક અને ફારસીનો પણ અભ્યાસ કર્યો હતો . 

    લગ્ન વિષયક કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી , પરંતુ અધ્યયન પૂર્ણ કર્યા બાદ જગન્નાથનું લગ્ન વેલ્નાડુ આંધ્ર બ્રાહ્મણ પરિવારની કન્યા કામેશ્વરી સાથે થયું હતું . આ પત્નીથી તેમને પુત્ર થયો હતો . પરંતુ પુત્ર શૈશવ કાળમાં જ મૃત્યુ પામ્યો અને પછી પત્નીનું અવસાન થયું .

     અભ્યાસ પૂરો થતાં તેઓએ સાહિત્યસર્જન શરૂ કરેલ અને પોતાની રચનાઓ આંધ્ર પ્રદેશના રાજવી સમક્ષ રજૂ કરેલી , પરંતુ તેઓ પંડિતરાજનું મૂલ્યાંકન ન કરી શકવાથી જગન્નાથે માતૃભૂમિનો ત્યાગ કર્યો અને અર્થોપાર્જન માટે જયપુર ગયા . ત્યાં તેમણે પાઠશાળા શરૂ કરી . પરંતુ આ પાઠશાળા જયપુરમાં હોય તેમ જણાતું નથી . જયપુર શહેરની હજુ સ્થાપના થઈ ન હતી . એની પાઠશાળા આગ્રામાં હોય તે સંભવિત છે . જગન્નાથના શિષ્ય મંડળમાં બે નામ વિશેષ નોંધપાત્ર છે – નારાયણ ભટ્ટ અને કુલપતિ મિશ્ર . તેમાં કુલપતિ મિશ્રના હિન્દી ગ્રંથ “ સંગ્રામસાર'માં પોતાના આ ગુરુ વિષે ગૌરવપૂર્ણ નિર્દેશો છે . 

    તે પછી જગન્નાથરાય પોતાની યુવાનીમાં દિલ્હીના મોગલ બાદશાહના દરબારમાં કલાવંત , કવિરાજ અને પંડિત તરીકે ઘણા વર્ષો રહ્યા હતા . તેમની રીપ્યતુલા કરીને અને તેમને કવિરાજ અને પંડિતરાજની બહુમૂલી પદવીઓ આપીને શાહજહાં બાદશાહે તેમનું ગૌરવ કર્યું હતું . તેમનો જહાંગીરના દરબારમાં પ્રવેશ , નૂરજહાંના મોટાભાઈ આસફખાનની મહેરબાનીથી જ થવા પામ્યો હતો . શાહજહાંના મોટાપુત્ર દારા શીકોહે જગન્નાથ પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો . જગન્નાથે એને ઉપનિષદોના ફારસી અનુવાદોમાં ભરપુર સહાય કરી . પરંતુ વિકૃત સત્તાલાલસાના કારણે ઔરંગઝેબે દારાની હત્યા કરી અને લોહિયાળ માર્ગે ગાદી મેળવી . એના સાંપ્રદાયિક ઝનૂનને કારણે જગન્નાથે દિલ્હી છોડવું પડ્યું .

     આ રીતે દિલ્હીના દરબારમાં રંગ - રાગ વચ્ચે રહેતાં કવિને જયપુરના મહારાજા ભગવાનદાસની બહેન ભાનુમતી અને બાદશાહ અકબરની પુત્રી લવંગી સાથે પ્રેમ થયો હતો . જગન્નાથ પ્રત્યેના આદરને કારણે અકબરને તે સંબંધ પસંદ હતો . જગન્નાથ યાવની ( લવંગી ) સંસર્ગદોષને કારણે બ્રાહ્મણ વિરોધ સહેવો પડ્યો . પછી ગંગાની સાક્ષીએ આત્મશુદ્ધિની પ્રતિતી કરાવીને જગન્નાથે દેહત્યાગ કર્યો . પરંતુ આ જનશ્રુતિ જગન્નાથને પક્ષે અન્યાયકર્તા છે . કવિએ ગંગામાં આત્મવિલોપન કર્યું નથી કારણ કે “ ગંગાલહરી ” પછી પણ તેનું કવિકર્મ ચાલુ રહેવાનો પુરાવો ‘ રસગંગાધર ' છે . જગન્નાથને નામે યવની પડ્યો પ્રાપ્ત થાય છે પણ તેમાંના કોઈ જગન્નાથના ગ્રંથોમાં પ્રાપ્ત થતા નથી . બીજી તરફ શાહજહાંએ કાશ્મીરમાં હિન્દુ મુસ્લીમ લગ્નો અટકાવેલા ત્યારે પોતાના જ આશ્રિતને એ માટે સંમતિ ન જ આપે તે સ્વાભાવિક છે . વિષ્ણુના પરમ ભક્ત , સંસ્કારી આર્ય પુરુષ જગન્નાથ મુસલમાન યુવતીને એ જમાનામાં પરણવા તૈયાર થાય તે સંભવિત જણાતું નથી . ખરેખર તો જગન્નાથની અભિમાની પ્રકૃતિથી દાઝેલા વિરોધીઓ બ્રાહ્મણવર્ણ દ્વારા એમના વિષે દંતકથા ફેલાવવામાં આવી હોય તે વધુ સંભવિત જણાય છે .

     જીવનની ઉત્તરાવસ્થામાં તે કાશીમાં સ્થિર થયા . કાશી એમનું ભૂતકાળમાં અભ્યાસક્ષેત્ર હતું તેથી પરિચિત હતું . ત્યાં વિષ્ણુ સેવનમાં ઉત્તરવય વીતાવી . રસગંગાધર ' ગ્રંથનો દ્વિતીય આનન એમને હસ્તે પૂર્ણ થાય તે પહેલા જ હૃદયરોગના આકસ્મિક હુમલામાં એમનું અવસાન થયું .