પ્રસ્તાવિકવિલાસમાં સજ્જન પ્રશંસા : જગન્નાથે પ્રાસ્તાવિકવિલાસનાં મુક્તકોમાં સદગુણ , સજ્જન , નીતિ , ધર્મ , મનુષ્યના વ્યવહાર અંગે અનેક સુંદર વિચારો રજૂ કર્યા છે . આ સુવિચારોને જગતના કોઈપણ સમાજ , દેશ એનું પાલન કરે તો સુખ શાંતિ અને સમતાનો વિકાસ થાય છે . જગન્નાથે એક કુશળ કવિની અદાથી આ સુવિચારોનું ઔષધ માનવજાત માટે ઘૂંટી - ઘૂંટીને સિદ્ધ કરીને આ વિલાસ કાવ્યમાં રજૂ કર્યું છે .
कान्तासम्मित પ્રિયતમાની માફક કવિ અહીં સ્વરચનામાં એક આદર્શ વ્યક્તિ અંગેનું સૂચન કરે છે . મનુષ્ય એક સામાન્ય તરીકે જ જન્મ ધારણ કરે છે . પણ પોતાના અસાધારણ કર્મ વડે જ સારા માણસ તરીકે ઓળખાય છે . સમાજ માટે આદર્શરૂપ , દિશાસૂચન કરતો આ સારો માણસ સજ્જનની સંજ્ઞા પામે છે . પોતાના વાણી વર્તન , વ્યવહારથી આદરણીય બનીને સમાજમાં ઉદાહરણ પૂરું પાડે છે . કવિ પોતાના કાવ્યમાં આવા સજ્જનોની પ્રશંસા કરી સમાજનું તેઓ તરફનું ઋણ વ્યક્ત કરે છે . આ સર્જન પ્રશંસામાં આવા લોકોને કવિ વાણીરૂપી અર્થ પ્રદાન કરી તેઓનું ગૌરવ વધારે છે કારણકે સમાજનું અસ્તિત્વ સર્જનો મહાપુરુષો અને સંતોના કર્મ પર આધાર રાખે છે .
સજજનો માટે ચંદનવૃક્ષ , સરોવર , બકુલપુષ્ય , ચંદ્ર , કરોળિયો , વૃક્ષ , પારો , મેઘ આદિ પ્રતીકો પ્રયોજયા છે . સજ્જનો ચંદનવૃક્ષ સમાન છે . ચંદનવૃક્ષ પોતે ઘસાઈને અન્યને ઉપયોગી બને છે . તેમ સજ્જનો પોતાના સ્વાર્થનો ભોગ આપીને પણ અન્યને ઉપકારક થતાં હોય છે એટલું જ નહિ તેમનું અહિત કરનારને પણ ઉપકારથી સીંચે છે . ચારેબાજુ અગનજવાળા હોય તો પણ શ્યામ ચંદન પોતાની પરિમલથી સુગંધ ચારેબાજુ ફેલાવે છે તેમ આપત્તિથી ઘેરાયેલા હોવા છતાં સજ્જનો અસામાન્ય ઔદાર્ય દાખવે છે . ચંદનવૃક્ષ જગત માટે અસેવનીય એવા સર્પને પણ ધારણ કરે છે તેમ સજ્જનો પણ પોતાને નુકશાનકારક દુર્જનોને પણ આશ્રય આપે છે , તેનો ત્યાગ કરતાં નથી . સમાજમાં સજ્જનોની ઓળખ કોઈ કરી શકતું નથી . સજજનો ઓછા છે એમ નથી પરંતુ તેમને ઓળખનારી દૃષ્ટિ નથી એમ કવિ કહે છે . આ દૃષ્ટિને કેળવવી પડે . સજ્જન પુરૂષ મૂદુ , મધુર દ્રાક્ષના પણ ગુરુ બની શકે તેવા કોમળ અંતઃકરણવાળા , કદાચ બાહ્ય દેખાવમાં તલવારની ધાર જેવા તીક્ષ્ણ અને સર્પથી પણ ક્રૂર દેખાય છે.
માર્ગમાં રહેલ સરોવર જે સતત બીજાની મુશ્કેલીઓનો વિચાર કરી ચિંતાગ્રસ્ત થયેલ છે તેમજ સજ્જન અન્યની મુશ્કેલીઓનો સતત વિચાર કરતા હોય છે , અને તેને દૂર કરવા માટે પ્રયત્નશીલ હોય છે . સજ્જન બકુલ પુષ્પ જેવો હોય છે . માળીએ તેના પ્રત્યે વિશેષકાળજી લીધી નથી , સંભાળ પણ લેતો નથી છતો બકુલ પોતાની સુગંધથી દિશાઓને ભ્રમર ગુંજારવથી ભરી દે છે તેમ સજ્જન કોઈ અપેક્ષા વગર , આકાંક્ષા વગર , સન્માન વગર પોતાના રાષ્ટ્રની , દેશની યશોગાથા સર્વત્ર ફેલાવે છે . સજ્જનોના સર્વ વ્યવહાર વાણીથી પર હોય છે , જે સામાન્ય માનવીની સમજ બહાર હોય છે .
કોઈપણ યાચનાની અપેક્ષા વગર ચંદ્ર પોતાનાં કિરણોથી કુમુદોને ખીલવે છે તેમ સજ્જનો પણ કહ્યા વગર કલ્યાણકારક કર્મો વડે પ્રજાજનોને આનંદ આપે છે , વિકાસ સાધી આપે છે . આવા પરોપકારી વ્યક્તિ સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરીને પોતાના આશરે આવેલા પ્રત્યે સમાન દૃષ્ટિએ , એકતાની ભાવનાથી જુએ છે . તેમના અંતઃકરણમાં સહજતા , સુંદરતા , સૌજન્યતાનો ત્રિવેણી સંગમ થતો હોય છે . જેના દ્વારા એ કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા સમર્થ હોય છે . કવિ સજ્જનોને કરોળિયાના પ્રતીક દ્વારા સમજાવતાં કહે છે કે કરોળિયો પોતાના તંતુઓથી ખાલી જગ્યા ભરી દે છે તેમ સજ્જનો બીજાના ખાલી હૃદયને પોતાના ગુણોથી ભરી દે છે . વળી કરોળિયો તંતુ ( ગુણ ) થી અન્યના છિદ્રોને સંતાડે છે તેમ સજ્જનો પોતાના ગુણોથી અન્યના દોષો ઢાંકી દે છે .
વૃક્ષની જેમ સજ્જનો દુ:ખ વેઠીને બીજાને સુખ આપે છે . બીજા માટે પત્ર , પુષ્પ , ફળનો ભાર સહન કરીને કડકડતી ઠંડી કે ધખધખતો તાપ વેઠીને વૃક્ષ અન્યને છાંયો આપે છે . સ્વયં મૃત : પ્રાય બનીને પારો ઔષધીરૂપે બીજાને જીવનદાન આપે છે તેવી રીતે સજ્જનો દુઃખ વગરેને સહન કરીને અન્યનું રક્ષણ કરે છે . બીજાની અપેક્ષા ન રાખનાર મેઘની જેમ સજ્જન લોકોના સંતાપનું હરણ કરવામાં ખુશ રહે છે .
સજ્જનતાને જાતિ , વંશ કે વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી તેનું ઉદાહરણ આપતાં કવિ કહે છે કે ચંદનનો જન્મ જડ પર્વત ઉપર , જાતિ લાકડાની છે , સંગ સર્પોનો છે છતાં સ્વગુણથી ગૌરવ પ્રાપ્ત કરે છે .
( ૨ ) દુર્જનનિંદા :
કવિશ્રેષ્ઠ જગન્નાથને પોતાના સમગ્ર જીવન દરમ્યાન , રાજદરબારમાં , અંગત અનુભવોમાં ડગલે ને પગલે દુર્જન વ્યક્તિનો મેળાપ થયો હશે . આથી આ સ્વાનુભાવથી ઘડાઈને દુર્જનતાના પ્રસંગોને આ કાવ્યમાં કવિએ વાચા આપી છે . કાગડા , વાદળ , ભ્રમર , મૈનાક પર્વત , ઉંદર , અગ્નિ , લસણ , બાવળ આદિ પ્રતીકો દ્વારા વાત વણી લેવામાં આવી છે .
આપણા સમાજમાં મીઠું , મધુર કુંજન કરતા કોયલ જેવા સજજનો છે . તો તેમને કોઈ પણ પ્રકારના અર્થ વગર ઘાત કરનાર કાગડા જેવા દુર્જનો પણ હોય છે . આવા દુર્જનો વચ્ચે કવિ સજ્જનોને મૌન રહેવાનું કહે છે . મૌન હોવાથી જ દુર્જનો તેને પોતાના સમાન ગણીને , ભ્રમથી પણ મારી નાખતા નથી કે નુકશાન પહોંચાડતા નથી . આ કાગડાઓ વચ્ચે કોયલનું ચૂપ રહેવુ જ હિતકારી છે .
વાદળ , દાવાનળથી બળી ગયેલાં લતાઓ , વૃક્ષો ઉપર વરસવાને બદલે પર્વતમાળાની ટોચ પર વૃષ્ટિ કરે છે . ધનના અભિમાની એવા દુર્જન ધનને અયોગ્ય જગ્યાએ વાપરે છે . જ્યાં જરૂર છે ત્યાં ધન આપતાં નથી . દુર્જન થોડા મહત્ત્વના સ્થાને પહોંચી જાય તો તરત જ પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે . ઉદ્ધત બનીને પોતાની દુષ્ટતાનો પરિચય આપે છે . દુષ્ટ સ્વામી તરીકે વાદળને દર્શાવતાં કવિ કહે છે કે ઉનાળાના બળબળતાં દિવસો ચાતકે મેઘનું ધ્યાન ધરીને પસાર કર્યા , મેથે તેના બદલામાં પાણીને બદલે મોટા મોટા કરાઓનો વરસાદ વરસાવ્યો . ઉપકાર પર અપકાર કર્યો . દુષ્ટ સ્વામી તેના વફાદાર સેવકો પ્રત્યે વિવેકશૂન્ય બની જાય છે .
સમાજમાં જેમ દુષ્ટ સ્વામી હોય છે તેમ દુષ્ટ સેવક પણ જોવા મળે છે . આંબાના વૃક્ષની ખીલતી મંજરી પાસે મીઠું ગુંજન કરતો ભ્રમર , વૃક્ષ જો શુષ્ક બની જાય તો તરત જ છોડી દે છે . દુર્જન સેવક માલિકની વિપત્તિની ક્ષણોમાં તેનો ત્યાગ કરીને બીજે જવામાં અચકાતો નથી . તેની સાથે પસાર કરેલા સુખદ દિવસો પણ તે ભૂલી જતો હોય છે .
દુર્જન લોકો સજ્જનતાનો અંચળો ઓઢીને સજ્જન હોવાનો દેખાવ કરે છે . આવાં છૂપાવેશે રહેલ દુર્જનો રાજસભામાં કે યાત્રા સ્થળે રહીને લોકોને છેતરે છે . આવા શિકારીઓથી પણ વધારે ક્રૂર એવા દુર્જનો સજ્જનોની હિંસા કરવામાં આનંદ અનુભવે છે . દુર્જનો વેદ - વેદાંતની વાત કરે છે , પણ આચરણ કરતાં નથી . માત્ર વાતો કરવાથી સજજન બનાતું નથી . જેમ વર્ષો સુધી પાણીમાં રહેવા છતાં મૈનાક પર્વત કોમળ બનતો નથી , કઠોરતા છોડતો નથી તેમ શાસ્ત્રોની વાતો કરનારા દુર્જનો ક્યારેય કોમળ હૃદયના બની શકતાં નથી . તેઓનાં વિચારમાં ક્યાંય ફેર પડતો જ નથી .
બાવળના પ્રતીક દ્વારા કવિ કહે છે કે પાન , ફળ કે ફૂલની શોભાથી ક્યારેય આકર્ષક ન બનનાર બાવળ પાસે લોકો કાંટાના ભયથી દૂર રહે છે તેમ દુર્જનો ક્યારેય આકર્ષક બનતા નથી . સમાજમાં લોકો કાંટા સમાન દુર્જનથી દુર રહે છે . ચંદનવૃક્ષ અનેક ગુણોથી ભરેલું હોવા છતાં તેની બખોલમાં રહેનાર સર્પો તેના ગુણોનો નાશ કરે છે તેમ સજ્જનો પાસે રહેલા દુર્જનો તેમના ગુણોનો નાશ કરે છે . વનમાં અનેક વૃક્ષ હોય છે પણ લોકો ચંદનને જ કાપે છે , અન્યને નહિ , તેમ સંસારમાં દુર્જનોને કોઈ નુકશાન પહોંચાડી શકતા નથી . બલ્ક એ દુર્જન ) સમાજને નુકશાન પહોંચાડતા હોય છે .
ઉંદર સમાન પ્રકૃતિવાળા ફૂંકી - ફૂંકીને કરડનારા , બીજાના અંગોને ઢાંકનારા એવા વસ્ત્ર સમાન સજ્જનોને દુર્જનો હાનિ પહોંચાડે છે .
સજ્જનોની કીર્તિરૂપી સુગંધને દુર્જનરૂપી લસણ સમાન છે . શાંતિની શીતળતા માટે અગ્નિ સમાન , કરૂણતારૂપી પુષ્પ માટે આકાશ સમાન દુર્જનો દુઃખદાયક છે . રક્ષક બનવાને બદલે તેઓ ભક્ષક જ બનતાં હોય છે . જેમકે રક્ષણકાળે તેઓ અગ્નિનું સ્થાન લે છે અને અગ્નિ ભભૂકે ત્યારે પવન જેવું કાર્ય કરી દુ:ખમાં વધારો કરે છે .
કવિ જગન્નાથ આથી કહે છે દુર્જનો સત્કારને પાત્ર નથી , આકાશમાં નિવાસ , પવન પર ચિત્ર દોરવું , જળ વડે પવનને સ્નાન કરાવવું માત્ર મુશ્કેલ જ નથી , અકલપ્ય છે તેમ દુર્જનને વશ કરવા માત્ર મુશ્કેલ જ નથી , તેની કલ્પના પણ કરી ન શકાય . જે દુર્જનને વશ કરવા ઈચ્છા રાખે છે તે હળાહળ ઝેરનું પાન કરવા ઈચ્છે છે . પ્રચંડ અગ્નિને ચુંબન કરવાની ઈચ્છા રાખે છે અને સર્પરાજને ભેટવાનું સાહસ કરે છે . આ ત્રણેય સાહસ અનર્થને આમંત્રણ આપે છે , તેમ દુર્જનો દુર્જન જ રહે છે એને સજ્જન બનાવવા એટલે અનર્થને સામે ચાલીને મળવા જવાનું .
( ૩ ) સન્મિત્રના લક્ષણો :
મિત્રે ઐસા કીજિયે , ઢાલ સરીખા હોય
સુખમેં તો પીછે રહે , દુઃખમેં આગે હોય
મિત્રો એવા હોવા જોઈએ કે શાંતિના સમયમાં પાછળ રહે પણ સંકટ આવે તો સૌથી આગળ હોય . આપત્તિ આવે ત્યારે પલાયન થઈ જાય અને સુખના દિવસોમાં મળવા દોડે તે માત્ર નામનો જ મિત્ર છે . મિત્ર અને સન્મિત્ર વચ્ચે એક પાતળી ભેદરેખા છે . શેરીમિત્રો , તાળી મિત્રો અનેક હોય શકે પણ સન્મિત્ર - સાચો મિત્ર મળવો દુર્લભ છે . લાખોમાં એક ભાગ્યે જ મળે છે . સન્મિત્ર એ જીવનનું એવું રસાયણ છે જે દુઃખને , આપત્તિને હળવી બનાવી શકે છે .
જેમ વિકસિત કમળ પાસે મધના લાલચુ અનેક ભ્રમરો મીઠા ગુંજારવ કરતાં ફરે છે તેમ ધનવાન પાસે કૃત્રિમ - દંભી મિત્રો પોતાના સ્વાર્થ સાધવા આવે છે , પણ વાયુ ( પવન ) નિસ્વાર્થભાવે કમળના પરાગની સુવાસને બધે જ ફેલાવે છે તેમ મિત્રની કીર્તિને ચારેબાજુ ફેલાવનાર સન્મિત્રો ભાગ્યે જ મળે છે .
સંપત્તિમાં સાથ આપનાર અનેક મિત્રો મળે છે પણ આપત્તિમાં સાથ આપનાર ભાગ્યે જ મળે છે . પક્ષીઓ , ભ્રમરો , માછલીઓ ત્રણેય સમૃદ્ધ સરોવરના મિત્રો છે , પણ સન્મિત્ર તો માત્ર માછલીઓ જ છે , જે સરોવર સુકાઈ જાય ત્યારે પણ સાથ નિભાવે છે . પક્ષીઓ આકાશમાં ઊડી જાય છે , ભમરાઓ આશ્રમંજરીનો આશ્રય લે છે પણ એક માત્ર સરોવર પર આધારિત માછલીઓ સરોવરની સાથે જ મૃત : પ્રાય બની જાય છે . આ છે સન્મિત્રતાનું ઉદાહરણ .
કવિ જગન્નાથ અનુભવ દ્વારા કહે છે કે સંસારમાં સન્મિત્ર મળવો મુશ્કેલ છે . મિત્રતા બાંધવાના સમયે જ પાત્રની યોગ્યતા - અયોગ્યતાનો વિચાર કરવો જરૂરી છે . સજ્જનની મિત્રતા વ્યક્તિના જીવનમાં ઉન્નતિકારક હોય છે . ઉત્તમ વંશ ( કુટુંબ ) માં જન્મેલ ગુણવાન એટલે તંતુવાળો ( ગુણના જાણકાર ) બનેલો એવો હોય છતાં , જેમ વીણાના દંડને તંબુરાની મૈત્રી ગ્રહણ થાય છે ત્યારે તે માનનીય અને પૂજનીય બને છે તેમ સજ્જન વ્યક્તિના સંગથી જીવન ઉર્ધ્વગતિ પામે છે . સન્મિત્ર વાદળ સમાન છે તેને કોઈ જ અપેક્ષા નથી , કોઈ વિનય નથી , કોઈ પ્રીતિ નથી છતાં ઊંચે રહેલ વાદળ લોકોના તાપ દૂર કરે છે તેમ સન્મિત્ર કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર , કીર્તિની પ્રશંસાની ) ભૂખ વગર પોતાના મિત્રના તાપ - સંતાપ દૂર રહીને પણ દૂર કરતા હોય છે . આવા સન્મિત્રને જગન્નાથ સર્વતત્ત્વના સારરૂપ ગણે છે .
આવા સન્મિત્ર જેને પ્રાપ્ત થાય છે તે ખરેખર ભાગ્યવાન છે . સન્મિત્ર મેળવવો તે આ સમયમાં મુશ્કેલ છે , તેથી વધુ મુશ્કેલ તેની ઓળખ છે કારણ આવા વિશિષ્ટ વ્યક્તિના સંગથી જ મનુષ્ય સમાજમાં પૂજાય છે .
( ૪ ) કૃપણનિંદા :
જગતમાં ( સંસારમાં ) અપાર વિવિધતા જોવા મળે છે . ચંદનની જેમ પોતે ઘસાઈને અન્યને સુગંધ આપનાર એવા સજ્જનો જોવા મળે છે . તો કોઈપણ પ્રકારે નિરુપદ્રવી એવા કોયલ સમાન સજ્જનોને નિર્દયતાથી હણી નાખનાર કાગડાઓ પણ છે . વાદળની જેમ કોઈપણ અપેક્ષા રાખ્યા વગર અન્યને ઉપયોગમાં આવનાર વ્યક્તિઓ જોવા મળે છે તો સામે પક્ષે લોભીવૃત્તિ કે જે અર્થના દાસ છે તેવા કૃપણો પણ સંસારમાં જોવા મળે છે . કવિ જગન્નાથ પ્રાસ્તાવિકવિલાસમાં કૃપણના પ્રતીક તરીકે સાગર , તળાવને યોજીને તેની નિંદા કરી છે .
કૃપણ અર્થાત્ લોભવૃત્તિવાળી વ્યક્તિ , સાગરના પ્રતીક દ્વારા કવિ કહે છે કે તે સાગર તારી પાસે સુંદર , ઘનશ્યામ દેહ છે . અનેક રત્નોનો તે સ્વામી છે આથી જ “ રત્નાકર ' તરીકે ઓળખાય છે . વિશ્વમાં કાંઈ જ ન હોય એવી અગાધ જળરાશિ તેની પાસે છે પણ તેનું એક ટીપું પણ તરસ છીપાવી શકતું નથી . આ ઉદાહરણથી ફલિત થાય છે કે પુષ્કળ ધનસંપત્તિથી સદ્ધર હોય , સુંદર શરીર હોય , આપી શકાય એવું દ્રવ્ય હોય છતાં આવા શ્રીમંત વ્યક્તિ જરૂરિયાતવાળા માણસના ઉપયોગમાં આવી ન શકે તો તે ધનસંપત્તિ , સમૃદ્ધિ શી કામની ? આવા સમુદ્ર જેવા ધનિક માણસ કરતાં માર્ગમાં રહેલું કોઈ એક નાનકડું સરોવર વધારે ઉપયોગી છે . કારણ તેને સતત ચિંતા છે કે ઉનાળાના ધોમધખતા તાપમાં હું સૂકાઈ જઈશ ત્યારે તરસ્યા પથિકોની તરસ કોણ દૂર કરશે ? આ સરોવર એ સામાન્ય ધનિક માણસનું પ્રતીક છે કે જે હંમેશાં બીજાનું ભલું વિચારે છે . દાનમાં સંપત્તિ આપતાં આપતાં જયારે હું અકિંચન બની જઈશ ત્યારે જેને ખરેખર જરૂર છે તેવા લોકો કોની પાસે જશે ?
કવિ સાથોસાથ એ તરફ ઈશારો કરે છે કે શ્રીમંતોએ કૃપણતા રાખ્યા વગર સમય આવે દાન કરવું જ જોઈએ . અહીં તળાવ કૃપણના પ્રતીક તરીકે વર્ણવે છે . તળાવ પાસે પૂરતા પ્રમાણમાં પાણી છે છતાં તે મુસાફરોને પાણી આપવામાં લોભ કરે , તો પછી ઉનાળામાં આ પાણી તાપથી સુકાઈ જાય , ત્યારે મુસાફરોને એ પાણી આપવા ઈચ્છતું હશે તો પણ તે આપી શકશે નહિ . માટે અત્યારે આ સમયે એને જે તક મળી છે તેનો લાભ લઈને મુક્તમને પથિકોની તરસ છીપાવવી જોઈએ .
0 ટિપ્પણીઓ