✓ વાસ્તવવાદ એટલે શું ?
✓ ટુંકનોંધ લખો . વાસ્તવદર્શી –વાસ્તવવાદી સાહિત્ય :
પ્રાસ્તાવિક – મધ્યકાલીન જમાનામાં લોકો અને સાહિત્યકારો ઐહિક કરતાં પારલૌકિક અને આધ્યાત્મિક બાબતોમાં વધુ રાચતા તેથી વાસ્તવિકતાને ભૂલીને આદર્શવાદનું ગાણું ગાતા . પરંતુ અર્વાચી સમયમાં અંગ્રેજી સાહિત્યના પ્રભાથી ગુજરાતી સાહિત્ય અને પ્રજા વાસ્વવાદી બનવા લાગી ,
વાસ્તવવાદ એટલે શું ? : - પાશ્ચાત્ય સાહિત્યમાં વાસ્વવવાદી સાહિત્ય ત્રણ અર્થમાં જોવા મળે છે : ( 1 ) નિરૂપણની વાસ્તવિકતાનું સાહિત્ય , ( 2 ) વાસ્વવાદી સાહિત્ય અને અતિવાસ્વવાદી સાહિત્ય . આ ત્રીજા પ્રકારનું , 19 મી સદીના ઉત્તરાર્ધથી શરૂ થતું વાસ્વવાવાદી સાહિત્ય એ ખરું વાસ્વવાદી સાહિત્ય છે . આ સાહિત્ય વસ્તુને યથાર્થ આલેખે છે . તેના પર ભાવનાં કે આદર્શનો ઓપ કે ઢોળ ચડાવતું નથી . વાસ્વવાદની શરૂઆત પશ્ચિમમાં થઈ . રશિયન વિચારક બી.જી. બેલિસ્કી અને ચર્નિશેસકી તેને આગળ ધપાવે છે . બેલિસ્કી કહે છે તેમ વાસ્તવ ધરતી માંથી મળે છે અને પ્રત્યેક વાસ્વની ભૂમિ સરખી હોય છે . 1856 માં પ્રગટ થયેલી ફલોબેરની નવલકથા ' માદામ બોવરી ' પ્રથમ વાસ્તવાદી કૃતિ ગણાય છે . ગુજરાતીમાં ગાંધીવાદ અને સમાજવાદના પગલે વાસ્વવાદી સાહિત્ય વીસમી સદીમાં રચાય છે . પણ તે વાસ્વવાદભાવના રંગો છે . અનુગાંધીયુગમાં ખરો વાસ્તવ પ્રગટે છે .
વાસ્તવવાદી સાહિત્યની વિશેષતાઓ નીચે પ્રમાણે છે :
( 1 ) વાસ્તવિક વિષયવસ્તુનું યથાવત દર્શન ,
( 2 ) વાસ્તવિક નગ્ન ચિત્રણ ,
( 3 ) નીચલા ઘરના દીન દલિત , પતિત , હરિજન , ગિરિજન , દરિદ્ર , સર્વહારા માનવીના જીવનનું આદરપૂર્વક આલેખન . દા.ત. , ધૂમકેતુ - કૃત વાર્તાઓ – ' પોસ્ટ ઓફિસ ' , ' ભૈયાદાદા ' , ' જુમો ભિસ્તિ ' , દ્વિરેફ - કૃત ' ખેમી ' , સુંદરમ્ - કૃત ' માજા વેલાનું મૃત્યુ ' ,
( 4 ) વેદનાનું ગંભીર નિરૂપણ ,
( 5 ) સ્વાભાવિક ચિત્રણ ,
( 6 ) માનવપ્રેમ , માનવતા - પ્રેમ .
આ વાસ્તવવાદી સાહિત્ય પણ આદર્શોનુખ , ભાવનાવાદી , નગ્ન વાસ્તવિક , આલોચનાત્મક , સુધારાવાદી , સામાજિક , વૈયકિતક અને અતિવાસ્તવિક એમ વિવિધ પ્રકારનું હોય છે . પ્રગતિવાદી સાહિત્ય પણ વાસ્તવવાદી સાહિત્ય છે .
વાસ્તવવાદ એટલે જે છે , જેવું છે તેની નક્કર હકીકત એ વાસ્તવવાદ . સાહિત્યમાં વાસ્તવવાદ માં વિરોધી વાદ તરીકે આવ્યો . આદર્શવાદમાં વાસ્તવિક નક્કર હકીકત તરફ આંખમિંચામણાં કરીને આદર્શ કલ્પના ચિત્રો રચાતાં અને લોકો પણ એમાં રાચતા . પરંતુ વાસ્તવવાદમાં જેવું છે તેવું , નગ્ન સત્ય , કડવું સત્ય દર્શાવવું જોઈએ એમ મનાવા લાગ્યું .
નર્મદના જમાનાથી આ વાસ્તવવાદનો પ્રારંભ થયો ગણાય . નર્મદે એના જમાનાના સમાજનું આલેખન કર્યુ , એ જમાનાના વહેમો , રૂઢિ વગેરેનું નિરૂપણ કર્યુ . વિધવાની કરૂણ પરિસ્થિતિ દર્શાવી . તેમ તેણે એના જમાનાના લોકોની આળસ વગેરે દર્શાવ્યા અને દેશીઓની સ્થિતિ દર્શાવી . આ બધું કરવામાં એણે સમાજજીવનની જે વાસ્તવિક , યથાર્થ સ્થિતી હતી તેવું જ પ્રતિબિંબ ઝીલ્યું .
તયાર પછી સુધારક લેખકોનાં કાવ્યો અને નવલકથા , નાટકો વગેરેમાં પણ એનું નિરૂપણ થયું . ' લલિતા – દુ : ખદર્શક ' નાટક તથા ' જનાવરની જાન ' વગેરે કાવ્યોમાં સમાજની વાસ્તવિકતાનું આલેખન થયું છે .
પરંતુ ત્યાર પછી પંડિતયુગના સાહિત્યકારો અને સાહિત્ય આદર્શવાદ તરફ ઢળ્યા . જો કે ' સરસ્વતીચંદ્ર ' જેવી નવલકથામાં સમાજના વ્યભિચારો તથા રાજખટપટો વગેરે આવે છે છતાં તેમાં આદર્શવાદ વધારે છે . કવિ ન્હાનાલાલનાં કાવ્યોમાં તો ભારોભાર આદર્શવાદ છે .
ગાંધીજીની સાથે વાસ્તવિક વલણ અને વાસ્તવવાદ પણ આવ્યું અને ગાંધીયુગના સાહિત્યકારો એ વાસ્તવવાદથી પ્રેરાયેલું સાહિત્ય સર્જયું . તેમાં સ્વ . દેસાઈ જેવા સાહિત્યકારોએ ' ગ્રામલક્ષ્મી ' જેવી નવલકથામાં ગ્રામજીવનની વાસ્તવિકતા આલેખી તો ' પૂર્ણિમા ' જેવી નવલકથામાં વેશ્યાજીવનની વાસ્તવિકતા સાથે સમાજસુધારાનો આદર્શ મેળવ્યો .
ગાંધીયુગના કવિઓએ આ વાસ્તવવાદ અપનાવીને વાસ્તવવાદી વિચારસરણીના કાવ્યો લખ્યાં . જેમ કે , એમણે સમાજથી તિરસ્કૃત તથા કચડાયેલાં નર - નારીનાં દુઃખોની વાસ્તવિકતા દર્શાવી . સંદરમુનાં ' ઈટાળા ' , '૧૩ -૭ ની લોકલ ' , ' ત્રણ પાડોશી ' વગેરે કાવ્યો વાસ્તવવાદ દર્શાવે છે . તો અન્ય કવિ કરસનદાસ માણેકના ડુંગર - ટોચે દેવ વિરાજે ' , ' ખીણમાં ખદબદ માનવકીટ ' જેવા કાવ્યમાં નરી વાસ્તવિકતા ભરી છે . ઉમાશંકર જોશીનાં કાવ્યો પણ વાસ્તવવાદી કાવ્યો છે . જેમ કે , " ધાણીનું ગીત ' , દળણાના દાણા ' .
સુંદરમે જે પ્રારંભની નવલકથાઓ લખી તેમાં નર્યો વાસ્તવવાદ દેખાય છે . જેમ કે એમની ' ખોલકી ' વાર્તામાં એક જરઠ પતિની નાજુક આશાભરી સ્ત્રીની તથા એના વેદિયા પતિના દામ્પત્યજીવનનું કરૂણ ચિત્ર છે અને ' ગઢી ' નવલિકામાં એક ગટ્ટી – ઠીંગણી સ્ત્રી તથા પુરા પાંચ હાથના પડછંદ પતિના દામ્પત્યજીવનનું વાસ્તવિક આલેખન છે . એમાં એવી વાસ્તવિકતા ભરી છે કે એ જમાનામાં એણે ભારે વિવાદ સર્જેલો .
મેધાણીએ પણ વાસ્તવવાદને એમનાં કેટલાક કાવ્યોમાં ઉતાર્યો છે . સાંતાલની નારી , બીડીઓ વાળનારી વગેરે સંબંધી કાવ્યો એનાં ઉદાહરણ છે .
પન્નાલાલ પટેલ , ચુનીલાલ મડિયા જેવા સાહિત્યકારોના સાહિત્યમાં તો ધણી જગ્યાએ નરી વાસ્તવિકતા છે . ગામડાનું વાસ્તવિક જીવન , ત્યાંની કંગાલિયત , ત્યાંના વહેમ , દુષ્ટ રીતરિવાજો , વ્યાભિચાર , મારામારી વગેરેનું આબેહુબ આલેખન તેમાં થયું છે . ' માનવીની ભવાઈ ' , ' વળામણાં ' વગેરે એના નમૂના છે .
ગાંધીયુગ પછીના - આધુનિક યુગના – સાહિત્યકારોમાં તો એ વાસ્તવવાદ પૂરેપૂરો પ્રસર્યો છે . એમાં વાસ્તવવાદ એટલી કક્ષાએ પહોંચે છે કે ધણાને એમાં અશ્લીલતાનાં દર્શન થાય છે .
સમાપનઃ- જો કે એટલું કહેવું જોઈએ કે વાસ્વવાદી સાહિત્ય પણ આદર્શવાદી સાહિત્ય જેટલું જ અગત્યનું છે , એટલું જ જરૂરી છે , પરંતુ વાસ્તવવાદી સાહિત્યને કલાના વાધા પહેરવીને રમણીય રીતે રજુ કરવું જોઈએ . આધુનિક સાહિત્ય સમાજને આંચકો આપવા માટે જે બીભત્સ રીતે , અશ્લીલ રીતે રજુ કરે છે , એવું નગ્ન ન હોવું જોઈએ તેમ જ આજ નાં ચલચિત્રો રજુ કરે છે તેવું કાલ્પનિક કે ભભકભર્યુ અને ઉન્માદક ન હોવું જોઈએ . સાહિત્યમાં વાસ્તવવાદ અને આદર્શવાદનો સમન્વય હોવો જોઈએ કે જેથી વાસ્તવિકતાથી આદર્શ તરફ પ્રગતિ થઈ શકે .
 
2 ટિપ્પણીઓ
ખુબ સરસ..... અભિનંદન
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખો