✓ ટુંકનોંધ લખો :- ( 1 ) સિદ્ધાંત વિવેચન ( 2 ) પ્રત્યક્ષ વિવેચન , અથવા .

✓ સમીક્ષા , અવલોકન , વિવરણ , રસદર્શન , આ ચારેય પ્રવૃતિઓનો પરિચય આપી એમની વચ્ચે શો ભેદ છે તે દર્શાવો . આ બધી પ્રવૃતિઓને વિવેચન કહી શકાય ? 



સમીક્ષાઃ-  

  સમીક્ષા એટલે કૃતિનું સમ્યક અને સમભાવપૂર્વકનું વિવેચન . આવું વિવેચન હંમેશા અમુક જ વિસ્તાર ધરાવતું હોવાથી એમાં કૃતિના ગુણદોષની વિગતવાર ચર્ચા હોતી નથી , પણ કૃતિના રસ અને રહસ્યોનો , આકાર અને દેહનો સામાન્ય કડતો પરિચય હોય છે . સમીક્ષા એક તરફથી વિવેચકોને એ સાહિત્યકૃતિ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે . સાહિત્ય સમાયિકોમાં આવતી આવી સમીક્ષાઓ ગંભીર વિવેચનની પૂર્વભૂમિકા જેવી ગણાય . આ ગ્રંથસમીક્ષા કૃતિનો વસ્તુલક્ષી પરિચય આપી તેની ખૂબીઓ અને ખામીઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે . ગ્રંથસમીક્ષા અને ગ્રંથાવલોકન એ ' અલોચના ' કહેવાય છે . અંગ્રેજીમાં એને બૂકરિવ્યુ ' કહે છે . સૈદ્ધાંતિક વિવેચન નથી , પણ કૃતિપરિચય કે ગ્રંથાવલોકન છે . 


અવલોકન અથવા ગ્રંથાવલોકનઃ

   સામાન્ય રીતે દૈનિક વર્તમાનપત્રોમાં આવતી સાહિત્યિક કટારોમાં નવા બહાર પડતા સાહિત્યના પુસ્તકનું આવું અવલોકન પ્રસંગોપાત આપવામાં આવે છે . આ પ્રકારનાં અવલોકનો વસ્તુતઃ વિવેચનો હોતા નથી . પણ જે તે સાહિત્ય કૃતિ ની આછીપાતળી ઓળખાણ હોય છે . સાહિત્યકૃતિની સામાન્ય પિછાણ કરવવી અને એ કૃતિના કડીને આંખે વળગે તેવા અંશો પૂત્યે આંગળી ચીંધવી એટલું જ કાર્ય આ અવલોકનો દ્વારા થતું હોય છે . સમીક્ષા જેટલું ય કંડાણ એ અવલોકનમાં હોતું નથી . નવી સાહિત્યકૃતિને પ્રસિદ્ધિ આપવા અને એ કૃતિ તરફ પ્રજાનું ધ્યાન દોરવું એ જ આવાં અવલોકનનો ઉદ્દેશ હોય છે .


 વિવરણ : - 

    વિવરણ એટલે કૃતિના મર્મનું અનાવરણ , સમજુતી . સાહિત્યકૃતિ કઠિન અંશોને દેખાતો અને ઉદાહરણો દ્વારા સરળ સુચાહ્ય રૂપે મૂકવાનો પ્રયત્ન તે વિવરણ . સાહિત્યના વિદ્યાર્થીઓ અને સામાન્ય વાચકો પોતે જાતે કાવ્ય કે નાટકોનો સૂક્ષ્મ આનંદ માણી શકે તેમ હોતા નથી એવે વખતે શિક્ષકો અને સાહિત્યવિદો કાવ્યમાં રહેલાં પ્રતીકો , અલંકારો , કલ્પનાઓ આદિનો અર્થ સ્પષ્ટ થાય તેવી સરળ સમજૂતી આપતા હોય છે અને એ રીતે વિદ્યાર્થીઓને અને વિવરણ જનોને કાવ્યના કંડાણમાં પ્રવેશવાની કેડી તૈયારી કરી આપતા હોય છે . આવા પ્રયત્નને વિવરણ કહેવાય . વિવેચન ની દૃષ્ટિએ વિવરણનું કશું મૂલ્ય નથી . વિવરણનું મૂલ્ય કેવળ શૈક્ષણિક અને સામાજિક જ છે . કારણ કે ખરેખર તો કવિતા કે સાહિત્યકૃતિનો રસ કોઈને સમજાવી શકાય એવો હોતો નથી . એ તો સ્વતંત્ર , જાતે જ માણવાની ચીજ છે . પણ જેમ ચાલતાં શીખતાં બાળકને શરૂઆતમાં ચાલણ ગાડીનો આધાર આપવામાં આવે છે તેમ સાહિત્યક્ષેત્રે નવા નવા પ્રવેશતા માનવીઓ માટે આવા વિવરણો ચાલણગાડીની ગરજ સારે છે . 

અર્થધટનઃ

    અર્થધટન એ કૃતિના ભાવાર્થને સમજાવતું વિવેચન છે . તે કાવ્યના ગૂઢાર્થ ને પ્રગટ કરે છે . ' વધાવણી ' જેવા કાવ્યની અર્થ – ચર્ચા કરે છે . કૃતિના ' Meaning of the Meaning ' ને સમજાવે છે . 

સમજૂતીઃ

    કૃતિના વિવરણ , અર્થબોધ , શબ્દાર્થ , અન્વયે દ્વારા કૃતિની સમજ આપવાની આ બાલવબોધ પદ્ધતિ છે . એમાં સામાન્ય ભાવકને લક્ષમાં રાખી કાવ્યની સમજ અપાય છે . 

રસદર્શનઃ

    રસદર્શન એ કોઈ ગંભીર વિવેચનનો પ્રયાસ નથી પણ શાળા કે મહાશાળાના વિદ્યાર્થીઓમાં કાવ્યગ્રહણની કેવી અને કેટલી સૂઝ કેળવાઈ છે તે જાણવા માટેની પદ્ધતિ માત્ર છે . કોઈ પણ કાવ્યકૃતિનાં મધ્યવર્તી રસબિંદુ પકડવું અને એ રસબિંદુની ચર્ચા કરવી એવો ઉપક્રમ રસદર્શનમાં હોય છે . રસદર્શન જે તે કૃતિના મધ્યવર્તી વિચાર કે સંવેદન પુરતું મર્યાદિત રહેતું હોય છે અને કાવ્યને પામવાના પ્રારંભિક શિખાઉ પ્રયત્નરૂપ હોય છે . પણ , રસદર્શન કે કાવ્યનો કે કૃતિનો રસાસ્વાદ એ સર્જનાત્મક વિવેચન બની શકે છે . ડો . કવિતા ( કાવ્યા ) નો આસ્વાદ આનંદલક્ષી અને સુરેશ જોષીએ કરાવેલી ગુજરાતી સર્જનાત્મક , લાલિત્યપૂર્ણ અને કાવ્યતત્વલક્ષી કે કૃતિનિષ્ઠ વિવેચનના નમૂના છે . 

મૂલ્યાંકનઃ

    કૃતિ ને સર્જક વિષે મૂલ્યાંકનલક્ષી અભિપ્રાય કે નિર્ણય આપતું વિવેચન મૂલ્યાંકન કહેવાય છે . એમાં કવિ કે કૃતિ શ્રેષ્ઠ – ઉત્તમ , મધ્યમ કે અધમ છે તે સ્પષ્ટ કહેવામાં આવે છે . આ વિવેકચરૂપી ન્યાયાધીશનો કે પરીક્ષકનો આખરી ફેંસલો છે .

     વિવેચનના મુખ્ય બે પ્રકાર છે . 

     સિદ્ધાંત – વિવેચનઃ- સાહિત્ય - મીમાંસા કે કાવ્યશાસ્ત્ર અને ( 2 ) પ્રત્યક્ષ વિવેચન કે ગ્રંથાવલોકન , ગ્રંથસમીક્ષા કે મૂલ્યાંકન .

     ( 1 ) સિદ્ધાંત વિવેચનઃ- એટલે સાહિત્યકલાના વિવેચનના સિદ્ધાંતોનું અધ્યયન , સંશોધન , મૂલ્યાંકન , સાહિત્યની વ્યાખ્યા , લક્ષણો , હેતુ , પ્રયોજન , અનુભૂતિ , અભિવ્યકિત , સ્વરૂપ , શૈલી , ભાષા , છંદ , અલંકાર , પ્રતીક આદિની , ટુંકમાં સાહિત્યના તત્વ અને તંત્રની સમગ્ર સૈદ્ધાત્તિક ચર્ચાનો આમાં સમાવેશ થાય છે . વિવેચનની આ ' થિયરી ' છે . કાવ્ય – શાસ્ત્રના ' નાટયશાસ્ત્ર ' " ધ્વન્યાલોક ' એરિસ્ટોટલનું ' પોએટિકસ ' વગેરે આના ગ્રંથો છે . તમે ભણો છો તે આ પ્રશ્નપત્ર આ સિદ્ધાંત – વિવેચન છે . આમાં રસ , ધ્વનિ , અલંકાર , વક્રોકિત , અભિવ્યકિતવાદ જેવા કાવ્યસિદ્ધાંતો ચર્ચાય છે . આને કાવ્યશાસ્ત્ર કહે છે . 

એ સિદ્ધાંતોને અનુસરીને થતું વ્યાવહારિક , પ્રાયોગિક કે પ્રત્યક્ષ વિવેચન તે ગ્રંથાવલોકન . સંસ્કૃતમાં આને ' આલેચના ' કહે છે . 

વિવેચન કોને લક્ષમાં રાખીને કરવામાં આવ્યું છે તેને આધારે તેના ત્રણ પ્રકાર પડે છે : ( 1 ) કૃતિલક્ષી વિવેચન ( 2 ) કર્તાલક્ષી વિવેચન અને ( 3 ) ભાવકલક્ષી વિવેચન . 

( 1 ) કૃતિલક્ષી વિવેચનઃ- એ આલોચનાની અંતિમ ને આધુનિક પદ્ધતિ છે . એમાં કૃતિની જ નિર્ભેળ કલાલક્ષી સમીક્ષા થાય છે , કર્તા યુગને લક્ષમાં લેવાતો નથી . માત્ર સાહિત્યિક ધોરણે જ મૂલ્યાંકન થાય છે . આ નવ્ય વિવેચન છે . 

( 2 ) કર્તાલક્ષી વિવેચનઃ - કૃતિના સર્જક , યુગ , જીવન , વ્યકિતત્વ , દર્શન , જીવનપ્રસંગો વગેરે લક્ષમાં રાખીને થતું વિવેચન કર્તાલક્ષી કે ચારિત્ર્યલક્ષી વિવેચન કહેવાય છે . ' કલાપીનો કેકારવ ' નું કવિ કલાપીના જીવનને લક્ષમાં રાખીને કરવામાં આવે તે એવું વિવેચન કહેવાય . સર્જકના જીવનચરિત્ર આધારે સર્જનની મીમાંસા થાય છે . 

( 3 ) ભાવકલક્ષી વિવેચન :- ભાવકના લાભની દૃષ્ટિએ કૃતિનું વિવેચન કરે છે . કૃતિ ભાવગમ્ય , સુબોધ , ભોગ્ય , પથ્ય , ઉપકારક છે કે કેમ તે જોવાય છે . ભાવકને આનંદ અને સંસ્કાર આપવામાં કૃતિને કવિ સફળ છે કે કેમ તે ચકાસાય છે . ગાંધીવાદી , સમાજવાદી , સામ્યવાદી કે પ્રગતિવાદી વિવેચન ભાકના – સામાન્ય માનવીના હિતને જુએ છે . કાલિદાસ અને શેકસચીયરને ' રાજાના હજુરિયા ' કહે છે . સાહિત્યમાંની અદના આદમીના રજુઆતને લક્ષમાં લઈ કૃતિની યોગ્યતા નક્કી કરે છે .