✓ વિવેચનવ્યાપાર સર્જન વ્યાપારથી શી રીતે ભિન્ન છે તે સમજાવો .

✓ વિવેચકમાં કયા ગુણોની અપેક્ષા છે તે સ્પષ્ટ કરી વિવેચનનું સાર્થકય સમજાવો . 


  વિવેચન બૌદ્ધિક પ્રવૃતિ : - માનવનો સ્વાભાવ છે કે જે વસ્તુ તેને ગમે એ વારંવાર વાગોળે છે , આનંદદાયક વસ્તુની વારંવારની આવી આસ્વાદની ક્રિયા મનુષ્યની આનંદ મેળવવાની વૃતિમાંથી જન્મે છે . મનુષ્ય જેમ આનંદ પ્રાપ્તિની આવી વૃતિથી પ્રેરાય છે તેમ પોતાને મળતો આનંદ શી રીતે અને શા માટે મળ્યો તે જાણવાની જિજ્ઞાસાવૃતિથી પણ પ્રેરાય છે . આમ મનુષ્ય એકીસાથે બે વૃતિઓથી પ્રેરાય છે . એક વૃતિ સૌંદર્ય દર્શન દ્વારા આનંદ પામવાની અને બીજી વૃતિ આનંદનું મૂળ શોધીને સમજવાની . પહેલી વૃતિ માંથી સાહિત્યનું ભાવન જન્મે છે અને બીજી સાહિત્યનું વિવેચન જન્મે છે . બીજી રીતે કહીએ તો મનુષ્ય પહેલાં સાહિત્ય કૃતિનો આનંદ માણે છે . અને પછી એ આનંદ નું વિશ્લેષણ કરે છે . આમ જે કાંઈ માણ્યું હોય તેના આધાર ઉપર જ તેને સમજવાની પ્રક્રિયા થઈ શકે . એટલે સાહિત્યનું ભાવન પહેલાં થાય છે અને વિવેચન પછી થાય છે , ભાવન વિના વિવેચન શકય નથી . વિવેચક બનતાં પહેલાં સારા અને સાચા ભાવક બનવું પડે છે .

    સાહિત્યના ભાવનની પ્રક્રિયા હૃદયથી એટલે કે લાગણીતંત્રથી થાય છે . એટલે સાહિત્યના ભાવનને આપણે હૃદયની પ્રવૃતિ કહી શકીએ . વિવેચન મનની એટલે કે બુદ્ધિ , તર્ક , સ્મૃતિ , જ્ઞાન આદિ શકિતઓથી થાય છે એટલે કે વિવેચનને આપણે બૌદ્ધિક પ્રવૃતિ કહી શકીએ . સાહિત્યકૃતિના સંપર્કમાં આવ્યા પછી મનુષ્યના હૃદય અને બુદ્ધિ બંને એક પછી એક તો કોઈક વાર એકસાથે પ્રવૃત થાય છે અને એ ઉભય પ્રકારની પ્રવૃતિ ઓ માંથી એક તરફથી ભાવના અને બીજી તરફથી વિવેચન થાય છે . સત્યને સ્વીકારે છે . 

    વિવેચન – શાસ્ત્ર કે કલા ? : - વિવેચન બૌદ્ધિક પ્રવૃતિ હોવાથી મહદ્અંશે શાસ્ત્ર બને છે . શાસ્ત્ર અને કલા વચ્ચેનો પાયાનો ભેદ તર્ક અને કલ્પનાના ભિન્ન ભિન્ન વ્યાપારો માં રહેલો છે . શાસ્ત્ર તર્કપ્રધાન છે અને કલા કલ્પનાપ્રધાન છે . શાસ્ત્ર તેના કલા સંભવિતતાના સત્યને સ્વીકારે છે . વિવેચનમાં દેખીતી રીતે જ તર્કનો વધુ ઉપયોગ થતો હોવાથી અને તેમાં તથ્યોના સત્યને વધુ મોટા અવકાશ હોવાથી , વિવેચનને આપણે કલા ન ગણતાં શાસ્ત્ર ગણવું ધટે . વિવેચક વિવેચન કરતી વખતે જેટલો બુદ્ધિનિષ્ઠ હોય છે તેટલો કર્મિ કે લાગણીપ્રધાન હોતો નથી . એની મોટા ભાગની પ્રવૃતિ બુદ્ધિથી થતી હોય છે અને વૈજ્ઞાનિક જેવી ચોકસાઈ તથા તેની વફાદારી એને જાળવવાની હોય છે . આ દેષ્ટિએ એને શાસ્ત્ર કહેવો ધટે . 

    વિવેચન શાસ્ત્ર નથી પણ કલા છે અને વિવેચકનું કાર્ય બીજા કોઈ પણ કલાકાર જેટલું જ સર્જનાત્મક છે એમ માનનારો બીજો પણ એક વર્ગ છે . વિજયરાય વૈદ્ય જેવા વિવેચક વિવેચનને શુષ્ક શાસ્ત્ર નહિ પણ સર્જનાત્મક પ્રવૃતિ ગણે છે અને વિવેચકને કવિનો જોડિયો ભાઈ કહી ઓળખાવે છે . આ વર્ગ એમ માને છે કે કલાકાર અને વિવેચક એકસરખી રીતે જ પ્રેરાય છે અને એકસરખી રીતે જ પોતાની અનુભૂતિની અભિવ્યકિત સાધવા મથે છે . અલબત્ત , બંને કલાકાર અને વિવેચકને પ્રેરનાર બળ જુદાંજુદાં હોય છે . કલાકાર પ્રકૃતિના સૌંદર્યને જોઈને પોતાને જે કાંઈ ભાવસંવેદનો થયાં તે કહી બતાવવાનો પ્રયત્ન કરે છે . બન્નેમાં પોતાનાં ભાવસંવેદના વ્યકત કરવાની પ્રક્રિયા થતી હોય છે . ફેર માત્ર એટલો છે કે કલાકાર જીવન અને જગતથી પ્રેરાતા . હોય છે , વિવેચક કલાકારની કૃતિથી પ્રેરાતા હોય છે . પ્રેરણા ગમે ત્યાંથી મળતી હોય , પણ બંનેની પ્રવૃતિ અને પ્રક્રિયા તો લગભગ સરખી જ હોય છે . તો એકને કલાકાર અને બીજાને શાસ્ત્રકાર , એકને ચડિયાતો અને બીજાને કતરતો ગણવાનો શો અર્થ ? મતલબ , આ દલીલોને એમ ને એમ સ્વીકારી શકાય એમ નથી . સાહિત્ય , ચિત્ર આદિ કલાનો કલાકાર સ્વયંપ્રેરિત હોય છે , વિવેચક દેખીતી રીતે જ પરપ્રેરિત હોય છે , સર્જક કલ્પનાસૃષ્ટિ સર્જક છે , જયારે વિવેચક સર્જકની એ કલ્પના સૃષ્ટિનો બૌદ્ધિક વિશ્લેષકે ને મૂલ્યાંકનકાર છે . એટલે જો વિવેચનને કલા કહેવી હોય તો બહુ બહુ તો પર પ્રેરિત અને પરાશ્રયી કલા કહેવાય . સ્વયંપ્રેરિત પ્રતિભા ધરાવનાર કલાકારને અને એ કલાકારની કૃતિ ઉપર કશીક પ્રવૃતિ કરનાર વિવેચકને એક જ પાટલે બેસાડી શકાય નહિ . વિવેચન ન હોય તો કલાસર્જન સંભવી શકે છે પણ કલાસર્જન ન હોય તો વિવેચન સંભવી શકાતું નથી .... એ વાતમાં જે કલા કરતાં વિવેચનની ગૌણતાં સાબિત થઈ જાય છે . એટલે વિવેચન પ્રવૃતિ ગમે તેટલી ઉપયોગી હોય પણ એને આપણે સ્વતંત્ર સર્જનનું ગૌરવ આપી શકીએ નહિ અને સર્જક તથા વિવેચકને એક જ પંગતમાં બેસાડી શકીએ નહિ , વિવેચક રા . વિ . પાઠક સ્પષ્ટ કરે છે કે વિવેચન એ સર્જન કે કલા નથી . પણ એક શાસ્ત્ર છે . વિવેચન કલાના નીતિ – નિયમોનું શાસ્ત્ર કે વિજ્ઞાન છે . 

    વિવેચન સર્જનાત્મક બની શકે ખરુ ? : - આમ છતાં વિવેચક સબળ કલ્પનાશકિત વાળો હોય તો એનું વિવેચન થોડેક અંશે સર્જનાત્મક બની શકે ખરું . કેટલીકવાર વિવેચન શાસ્ત્રીય વિશ્લેષણ કે વર્ગીકરણનો માર્ગ છોડીને સમસ્ત કૃતિનાં રસ અને ૨ હસ્યનું નવું અર્થધટન કરવાનો પ્રયત્ન કરતો હોય છે . આવું અર્થધટન કરવા માટે વિવેચકને પોતાની આગવી કલ્પનાશકિતને કામે લગાડવી પડે છે અને પોતાના વ્યકિતત્વનું આરોપણ કલાકૃતિ ઉપર કરવું પડે છે . આવું જયારે જયારે બને ત્યારે વિવેચન જડ શાસ્ત્ર જ ન રહેતા જીવંત કલ્પનાવ્યાપારની વધુ નજીક પહોંચે છે અને એમાં સર્જનાત્મક અંશો આવે છે .

    " પ્રાચીન સાહિત્ય ” નામના પુસ્તકમાં શ્રી રવિન્દ્રનાથ ટાગોરે આવાં સર્જનાત્મક વિવેચનો આપણને આપ્યા છે . ઝવેરચંદ મેધાણીના વિવેચનમાં લાલિત્ય હોય છે . એ વિવેચનો આપણને મૂળ કૃતિના જેવા જ આનંદ અને રસનો અનુભવ કરાવે છે . કલાકૃતિના નવાં અર્થધટનનો પ્રયાસ વિવેચનને શાસ્ત્રીય જડતામાંથી ઉગારીને સર્જકની વધુ નજીક બેસાડી શકે પણ આવું ભાગ્યે જ બને છે . મોટે ભાગે તો વિવેચન શાસ્ત્રની મર્યાદામાં જ રહેતું હોય છે . વિવેચન શાસ્ત્રમિત્ર વધુ છે , કલા - મિત્ર અલ્પ .