✓ પ્લેટો અને એરિસ્ટોટલનાં મતે ' અનકુરણનો અર્થ '

✓ ટૂંકનોંઘ લખો . : - પ્લેટો અને એરિસ્ટોટલની અનુકરણ વિશેની વિચારણા . 

✓ પ્લેટો અને એરિસ્ટોટલની અનુકરણ વિશેની વિચારણા વિગતે જણાવો અને બંને વિચારણાની તુલના કરો .



                          પ્લેટો ( ઈ.સ. પૂર્વ 427-347 )

     પ્રસ્તાવના :- કવિતાની તત્વવિચારણા પરત્વે પ્લેટો – એરિસ્ટોટલ વચ્ચેનો વિરોધ વિચાર ગોળાર્થના બે અંતિમ ધ્રુવો જેવો છે . એ માટે તેમનું માનસ અને તેમની તત્કાલીન પરિસ્થિતિ જવાબદાર ઠરે છે . પ્લેટો ગણિતશાસ્ત્રી છે , એરિસ્ટોટલ જીવશાસ્ત્રી છે . એટલે બંનેની માનસિક વિભિન્નતા નું પરિણામ એ આવે છે કે ' વાસ્તવ સત્ય'નો વિચાર કરવામાં એમનાં ભિન્ન ભિન્ન દૃષ્ટિ બિંદુઓ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે . 

    પ્લેટો પૂર્વેની પરિસ્થિતિ કંઈક જુદી હતી . પ્લેટોએ જ લખ્યું છે કે , ' કવિતા અને તત્વજ્ઞાનનો ઝધડો જૂનો છે . ' અને તેનું આ કથન સૂચવે છે કે વિવાદ એની પહેલાથી જ ચાલ્યો આવે છે . કવિની કવિતા આનંદ આપે છે , પણ તે ' કલાત્મક ભ્રમ ' ( Illusion of Art ) છે . સાચી કવિતા તો ઉપદેશક હોઈ શકે , જેથી માનવજીવન સભ્ય અને ઉદાત્ત બની શકે છે .

    પ્લેટો તત્વજ્ઞાનની સાથે કવિ પણ હતો . એણે મહાન કવિઓની ઉત્તમ રચનાઓ નું પરિશીલન કર્યું હતું . એના ઉપર સૌથી વિશેષ અસર હોમરની હતી અને છતાં પ્લેટો કવિતા – કલા પર જ ભારે તહોમતનામું મૂકે છે અને તે કવિતા –કલાને અનિષ્ટ પુરવાર કરવા પોતાની સર્વ શકિતઓનો ઉપયોગ કરે છે .

    આમ થવાનું કારણ શું ? એની યુગપરિસ્થિતિ , એની રુચિ અને પ્રવૃતિ તથા એની જીવનદૃષ્ટિનો વિચાર કરીએ તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે . પ્લેટો પ્રથમ તત્વજ્ઞાની છે , સત્ય ઉપાસક અને તર્કનો હિમાયતી છે . , એણે તત્વજ્ઞાનની વેદી પર પોતાના કવિહૃદયની વેદી ચઢાવી દીધી . 

    પ્લેટોની પૂર્વે કવિને ઉપદેશક – માર્ગદર્શક માનવામાં આવતો હતો . હોમર કવિ હોવાથી મહાન શિક્ષક ગણાયો હતો . કવિએ માત્ર આદર્શનું અનુકરણ કરવું જોઈએ , જીવનની ઉદાત્ત ભાવનાઓને પંથે જવું જોઈએ . એટલે કે , કવિએ ફિલસુફની જેમ જીવનને ઓળખતા શીખવું જોઈએ . જો કે , એ શકય નથી . કારણ એ કવિ છે અને કવિ ' સત્ય'નું નિરૂપણ કરી શકવાનો નથી . પ્લેટોનું માનવું હતું કે કવિતાનો આનંદ ક્ષણિક છે . આનંદ તો શાશ્વત હોવો જોઈએ . કવિતામાંથી મળતો આનંદ તો લોકો ને પ્રમાદી અને આળસું બનાવે છે . પ્લેટોનાં સમયની પરિસ્થિતિ કંઇક આવી હતી . લોકો પર કલાને નામે ચાલતા દંભની કંડી અસર હતી . ' દરેક કલાનો ઉદ્દેશ આનંદ છે . ' એમ માની પોતપોતાની રીતે લોકો તેનો ઉપયોગ કરતા અને નિર્દેશ જીવન વિતાવતા . ટુંકમાં , તત્કાલીન સાહિત્યકલાનું ધોરણ એટલું બધું નીચું કતરી ગયું હતું કે સામાજિક જીવનમાં અનેક દૂષણો વ્યાપ્યા હતાં . એટલે કવિતામાં રહેલ સંભવિત ભયને જોઈને કવિતાની નિંદા કરાઈ હતી . આવા સમાજ અને રાજય પરિસ્થિતિથી અકળાયેલા કવિહૃદય ધરાવતો પ્લેટો ' આદર્શ સમાજ કે રાજય ' ના નિર્માણ માટે કટિબદ્ધ થતો દેખાય છે . અને કવિની કવિતા પર નિયંત્રણ મૂકતો લાગે છે .

     અનુકરણનો સિદ્ધાંત : પ્લેટો " અનુકરણ ' ( Mimesis ) અંગેની વિભાવના કંઈક આવી છે . પ્લેટોનો કવિતા પ્રત્યેનો પ્રથમ આક્ષેપ હતો : કવિતા અનુકરણનું પણ અનુકરણ છે , ભ્રાંતિ છે . અને દૃષ્ટિ અસત્ય અને મિથ્યા છે . પ્લેટોનો આ આક્ષેપ એની વિચારણામાં પ્લેટોના અનુકરણવાદ ' તરીકે ઓળખવી શકાય . આ કવિતાની પ્રકૃતિ પરનો આક્ષેપ છે . 

    એ જમાનામાં ગ્રીકમાં કલાઓના લલિત કળા અને ઉપયોગી કળા એવા બે ભાગ પાડવામાં આવ્યા હતા . પ્લેટોના મતે લલિતકળા કરતાં ઉપયોગી કલાનું મહત્વ વિશેષ હતું . દરેક કલામાં અનુકરણ ઉપયોગી છે . પરંતુ વધુ પડતું અનુકરણ ઉચિત નથી . કલાકારો જિંદગીની સાચી વસ્તુ રજુ કરવાને બદલે માત્ર તેમના આભાસ રજુ કરે છે , અને તેથી પ્લેટો  કલામાત્ર ને માત્ર અનુકરણ ( imitation ) તરીકે ઓળખાવે છે . સાચા કલાકાર હંમેશા વાસ્તવિકતામાં રાચે છે , અનુકરણોમાં નહિ . પ્રત્યેક કલાકાર દેખાવનું -apprarance નું અનુકરણ કરે છે , વાસ્તવિકતા – reality નું નહિ .

    પોતાનો અનુકરણનો સિદ્ધાંત સમજાવવા પ્લેટો ચિત્રકલાનો આધાર લે છે , કારણ ચિત્રકલા ની મદદથી કવિતાનું અનુકરણ સમજાવવાનું સુગમ થઈ પડે . અન્ય કલાઓ - સંગીત કે શિલ્પ દ્વારા સમજાવવું એટલું સરળ નથી . સૃષ્ટિમાં સુંદર વસ્તુઓ અનેક છે , પરંતુ સૌંદર્યની મૂળ ભાવના તો એક જ છે . સૃષ્ટિમાં જણાતું વૈવિધ્યસભર રૂપ એ આભાસ છે , ભૌતિક છે . પરમ સત્ય તો એક જ છે . કલાકાર જયારે કોઈક વસ્તુ સર્જ છે ત્યારે તે પેલી ભાવનારૂપ વસ્તુનું અનુકરણ કરીને સર્જે છે . પ્લેટો કવિતાની અનુકરણ કરવાની રીતિને સમજાવવા પલંગનું દૃષ્ટાંત આપે છે . સુથાર પલંગ બનાવે છે . ઈશ્વર નિર્મિત પલંગના કલ્પ ( Idea ) નું અનુકરણ છે અને તે પલંગ પરથી ચિત્રકાર ચિત્ર દોરે છે કે કવિ કવિતા કરે છે ત્યારે તે પેલા સુથારના પલંગનું અનુકરણ કરે છે . આમ , અનુકરણ પણ અનુકરણ હોવાથી , બેવડા મિથ્યાત્વને કારણે તે સત્યથી ત્રણ ડગલાં દૂર છે , આવી ભ્રાન્તિ ગણાય ? અને આવી પરમ અસત્યમય કલાની જરૂર શી ? પેલા કલ્પ જગત ( work of ideas ) નો આભાસ તે આ જગત અને જગતનો આભાસ તે કવિતા ! આવી દ્વિગુણિત ભ્રમમય કવિતાની પ્લેટોને સહેજ પણ આવશ્યકતા જણાતી નથી . 

    પ્લેટો આગળ કહે છે કે મૂળ કલ્પનું અનુકરણ સુથાર કરે છે ત્યારે તે પલંગનો ઉપયોગ શું છે તે જાણે છે , પણ ચિત્રકાર કે કવિ પલંગનું અનુકરણ કરે છે ત્યારે તેના ઉપયોગ વિશે એ કશું જાણે છે ખરો ? વળી , ચિત્રકાર તો પલંગને અમૂક દૃષ્ટિકોણથી જોઈ , એના એ દેખાવનું ( appearance ) નું જ ચિત્ર દોરે છે . એનું આ અનુકરણ મૂળ કલ્પથી ત્રણ ડગલાં દૂર રહે છે અને કવિ એ ચિત્રને આધારે કવિતાની રચના કરે છે ત્યારે મૂળથી ચાર ડગલાં દૂર જાય છે , ત્યારે મૂળ કલ્પ ( Idea ) ઈશ્વર નિર્મિત પલંગની એ કેવી ભ્રાન્તિ ગણાય ? અને આવી પરમ અસત્યમય કલાને આપણા જીવનમાં સ્થાન આપી શકાય નહીં એમ ઉપયોગિતાવાદી માનસ પ્લેટો માનતો હતો . 

    ચિત્રકલા ની જેમ કવિતાને ભ્રાન્તિજનક , અસત્ય , મિથ્યા , સાબિત કરતાં પ્લેટો જણાવે છે : " The imitative art is an inferior who marries an inferior and has an inferior offspring . "

    મર્યાદાઃ – પ્લેટોએ કવિતાને અનુકરણની કલા કહી જણાવ્યું કે કવિ વાસ્તવિકતા કરતાં કશુંક ઓછું આપે છે . અર્થાત વાસ્તવને બરાબર નિરૂપી શકતો નથી . પરંતુ પ્લેટો ભૂલી જાય છે , કલાના સત્યને કોઈ મર્યાદા નથી . વ્યવહારનું તથ્ય કવિને હાથે કલામાં પુનનિર્માણ પામે છે . પ્લેટો વ્યવહારના તથ્ય અને કલાના સત્યમાં રહેલો મૂળભૂત ભેદ જોઈ શકો ન હતો . Imitation એટલે માત્ર અનુકરણ એવો અર્થ તેણે ધટાવ્યો , પરંતુ કવિ જે વસ્તુનું કયારેક ' સવાઈ સુન્દર ' બનીને પણ આવે છે . મૂળ વસ્તુને અનુકરણ વડે વધુુ સુન્દર પ્રગટ કરવામાં એકાગ્રતાની શકિતની જરૂર છે અને આવી દિવ્ય શકિતનું ગૌરવ તે કરી શકતો નથી . પ્લેટોનું ધ્યાન માત્ર વસ્તુ પ્રત્યે રહ્યું , પણ આનંદ જે કલાનો પ્રથમ ધર્મ છે તેના પ્રત્યે ગયું નહિ . પ્લેટોનું વારંવાર પ્રેરણાની વાત કરે છે , પણ પ્રતિભાની સહેજે કરતો નથી . કલા માત્રમાં પ્રેરણા જેટલી જ પ્રતિભા મહત્વની છે . એક રીતે વિચારતાં જણાય છે કે પ્લેટોના સમયની મર્યાદા એની પોતાની મર્યાદા બની ગઈ છે . પ્રત્યેક કલાનો સંબંધ કુદરતી રીતે જ વિશ્વના આત્મલક્ષી દર્શન સાથે છે અને આ વાત ન પારખી શકનાર પ્લેટો ગુણને જ દોષ કહે છે ! કવિ પોતાની રચનામાં ખરી વસ્તુનું નહીં પણ પોતાના મનોચાહ્ય સ્વરૂપનું જ પુનનિર્માણ કરે છે . અર્થાત પદાર્થની માનસ મૂર્તનું શબ્દ પ્રતીક વડે પુનર્વિધાન કરે છે . 

    વિશેષતાઃ- આ ચર્ચા પરથી કદાચ એમ લાગે છે કે એની ચર્ચામાં કલાનું દર્શન થતું નથી . પ્લેટોને કવિતા કલાના સિદ્ધાંતની ચર્ચા કરવી પણ નહોતી , પણ આદર્શ રાજયમાં કવિતાનું સ્થાન હોઈ શકે એની ચર્ચા કરતાં કરતાં જ કવિતા – કલાનાં સિદ્ધાંતની ચર્ચા થઈ ગઈ છે , જે અનુગામી કવિતા - વિવેચકો ને માર્ગદર્શક નીવડયા છે , અથવા તો તે વિશેની ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે . કવિતામાં પ્રેરણા અને લાગણીને અનિષ્ટ તત્વ દેશ્ય , છતાં અજાણતાં કવિતાના મૂળ તરફ એનાથી નિર્દેશ થઈ ગયો છે . કલામાં અનુકરણ અને આનંદની વાત સૌ પ્રથમ એણે જ કહી છે . લલિત કલા અને ઉપયોગી કલા એવો ભેદ એણે બતાવ્યો . કવિતાનું પ્રધાન કાર્ય ઉપદેશ છે . એવી તેની માન્યતા ન હતી , છતાં એનું કહેવું જેટલું જ હતું કે માનવ ચરિત્રમાં જે કોઈ ઉદાત્ત હોય અને મહાન હોય એને જ કાવ્યનો વિષય બનાવવો જોઈએ . પ્લેટોનું મહત્વ પ્રથમ કાવ્ય વિવેચક તરીકે જ માત્ર નથી . પરંતુ એ અનુગામીઓનો પ્રેરક બન્યો છે . 

    એરિસ્ટોટલ ( ઈ.સ. પૂર્વે 384- 322 ) : - એરિસ્ટોટલ પ્લેટોનો શિષ્ય હતો . એણે પ્લેટોની અકાદમીમાં વીસ વર્ષ ગાળ્યાં હતાં , પરંતુ એનું ચિત્ત જેમ જેમ પુખ્ત થતું ગયું તેમ તેમ તેને લાગ્યું કે પ્લેટોની અને તેની માન્યતા વચ્ચે અંતર છે . એ વિચારણા પ્રત્યે વિરોધ ઉઠાવવો જોઈએ અથવા તો કાવ્યકલાના વિષયમાં પોતાના ગુરુએ જન્માવેલ બુદ્ધિભેદને દૂર કરીને સાચું તર્પણ થઈ શકે . આવી કોઈક વિચારણાથી પ્રેરિત એરિસ્ટોટલ પોતાના વિચારો પ્રગટ કરે છે . અલબત્ત એરિસ્ટોટલનાં અનેક પુસ્તકો નાશ પામ્યાં છે . આમ છતાં જે કાંઈ બચ્યા છે તેને આધારે કહી શકીએ કે પ્લેટોએ કરેલ વિચારણાનું સાચું મૂલ્યાંકન કરી કવિતાની સાચી દિશાનો પરિચય કરાવવાનું શ્રેય એરિસ્ટોટલને ફાળે જાય છે . પ્લેટો અને એરિસ્ટોટલની વિચારણામાં તાત્વિક ભેદ હોવાનાં પણ કેટલાક કારણો છે . સ્થૂળ અર્થમાં એ ભેદ જણાયો હોય તો એમ કહી શકાય કે પ્લેટોની વિચારણાને ગણિતનો પાસ લાગેલો છે , તો એરિસ્ટોટલની વિચારણાને જીવવિદ્યાના રસનો પાસ લાગ્યો છે . પ્લેટોની વિચારણા કલ્પો ( Ideas ) માંથી વસ્તુ તરફ અને એરિસ્ટોટલની વિચારણા વસ્તુમાંથી વિચાર તરફ ગતિ કરે છે . ટૂંકમાં , પ્લેટોનું ચિત્ત આધ્યાત્મચિંતકનું છે , એરિસ્ટોટલનું ચિત્ત વૈજ્ઞાનિક છે . 

    એરિસ્ટોટલ ની આ વિચારણા ' પોયેટિસ'માં રજુ થઈ છે . સાહિત્યની સંપૂર્ણ અને શાસ્ત્રીય ચર્ચા આ સૌ પ્રથમ છે , એટલું જ નહિ ત્યાર પછી એ અંગે થયેલ ચર્ચાનો પણ એ પાયો છે . એરિસ્ટોટલનું ધ્યેય અને કાર્ય પોતાના ગુરુના સિદ્ધાંતોને તોડી પાડવાનું નથી , પોતાના ' પોયેટિકસ'માં કયાંય પ્લેટોનું નામ સુદ્ધાં લાવતો નથી , છતાં એનું સમગ્ર કાર્ય પ્લેટોની ટીકારૂપે જ છે . પ્લેટોની વિચારણાથી એનું મન ગુંચવાય છે જે એનો જવાબ આપવા પ્રવૃત થાય છે . કવિતાનો બચાવ કરવાની એની પ્રવૃતિ સાહિત્યના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે . ' પોયેટિફસ ” માં એરિસ્ટોટલ પ્લેટોના સિદ્ધાંતોને ફેરતપાસે છે , કયારેક વખોડે છે અને સુધારી નવેસરથી મૂકે છે , પણ એણે માત્ર ગ્રીક સાહિત્ય સાથે જ સંબંધ રાખેલો , સમગ્ર સાહિત્ય સાથે નહિ . પોતાની પાસે જે કંઈ હતું તેમાંથી હકીકતો ખોલી , પણ ભવિષ્યના સાહિત્ય વિશે એણે કશું કહ્યું નહિ . 

    ' અનુકરણ'નો અર્થ પ્લેટો અને એરિસ્ટોટલને મતેઃ- આપણે જેને art તરીકે ઓળખીએ છીએ તેને ગ્રીક લોકો Artitect કહેતા . તેમને મન Artist અને Craftman વચ્ચે કોઈ ફેર ન હતો . Imitation - અનુકરણ માટે તેમની ભાષામાં Mimesis શબ્દ પ્રચલિત હતો અને Mimesis નો અર્થ અનુકરણ , કેવળ નકલ . અને તેથી કવિ અને કાર્પેન્ટર એક ગણવામાં આવતા , તેમનું કાર્ય એક ગણાતું – માત્ર અનુકરણ કરવાનું . પ્લેટો એ ઉત્તમ કાવ્યકૃતિઓ વાંચી હતી છતાં તેણે કવિતા માત્ર નકલ છે એમ કહ્યું અને ફિલસુફને ઉચ્ચ સ્થાન આપ્યું . ' Art is poor philosophy , but philosophy is an excellent art . ' ફિલસુફ અનંત જ્ઞાનનો અધિકારી છે . કવિ નહીં . 

    પ્રાચીન ગ્રીકમાં કલાનું વિવેચન નૈતિક ધોરણે જ હતું અને શ્રેષ્ઠ કવિ તે શ્રેષ્ઠ ઉપદેશક . તેઓની માન્યતા હતી કે પ્રત્યેક કલા અનુકરણાત્મક છે . પ્લેટો તથા તેના પુરોગામીઓ માનતા હતા કે કલાકાર વાસ્તવિક જગતના પદાર્થોનું નિર્માણ કરી શકતો નથી , માત્ર તેના બાહ્ય દેખાવ ( appearance ) નું જ સર્જન કરી શકે છે . એ દૃષ્ટિએ કલા અનુકરણ છે , સ્વતંત્ર કૃતિ નહીં , પ્લેટો ગણિતજ્ઞ છે , તે વિચારથી વસ્તુ તરફ ગતિ કરે છે , કારણ વસ્તુમાં રહેલું ' સત્ય ' કલ્પોના સત્યમાંથી આવેલું છે , તે કદી પૂર્ણપણે વસ્તુમાં ઉતારી શકાતું નથી . પહેલા રેખાનો ' કલ્પ ' છે , પછી તેમાંથી રેખા જન્મે છે , પરંતુ ગમે તેટલા પ્રયત્નો છતાં , આ ભૌતિક રેખાઓ ' કલ્પ ' ના જેવી બની શકતી નથી , તે તો માત્ર તેનું અનુકરણ છે અને તે પણ અપૂર્ણ છે . ગણિતજ્ઞ પ્લેટોને મન કેવળ કલ્પ જ સત્ય છે , વિચારોનું પ્રતિનિધાન કરતી વસ્તુઓ નહિ . જયારે એરિસ્ટોટલ વ્યકિતગત પ્રાણીઓની જાતિ પરથી સામાન્ય કલ્પ ( Idea ) નો વિચાર કરે છે . જાતિનો કલ્પ ખરેખર સત્ય છે . જીવશાસ્ત્રીની દૃષ્ટિ એવી છે કે કલ્પોમાં જે કંઈ સત્ય છે તે તેમને વસ્તુઓના કલ્પમાંથી મળેલું છે . 

     પ્લેટો અનુકરણનો એક જ અર્થ આપતો નથી . જુદા જુદા પ્રસંગે જુદા જુદા અર્થમાં એણે એનો પ્રયોગ કર્યો છે . એરિસ્ટોટલ એના જમાનાની પરિસ્થિતિથી અને પ્લેટોના વિચારોથી જ્ઞાત હતો . ' પોયટિકસ ' ના આરંભમાં તે લખે છે , " હું કવિતાની કલા અને તેની જુદી જુદી જાતિઓ વિશે બોલીશ . દરેક જાતિના કાર્યની તેમજ કાર્યના બંધારણની અને તેના ભાગોની સંખ્યા અને પ્રકારની ચર્ચા કરીશ . ” અને પ્લેટોના કવિતા વિશેના વિચારનો પ્રત્યુતર વાળતો આ ગ્રંથ ' પ્રતિવાદ - ગ્રંથ ' નથી , પણ કવિતા –કલાના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરતો સ્વતંત્ર શાસ્ત્રગ્રંથ છે . અહીં એરિસ્ટોટલની દષ્ટિ રાજનીતિ કે નીતિશાસ્ત્રની નથી , પરંતુ સૌદર્યશાસ્ત્રની છે . સ્કોટ જેમ્સના મતેઃ " એણે કાવ્યને તત્વજ્ઞાન , રાજનીતિ અને નીતિશાસ્ત્રના આચારમાંથી મૂકત કર્યું . ”

    એરિસ્ટોટલ પ્લેટોના ' અનુકરણ ' શબ્દનો સ્વીકાર કરી , ત્યાંથી પોતાની તપાસ શરૂ કરે છે . પ્લેટોએ ' અનુકરણ'નો જે અર્થ ધટાવ્યો હતો તેનાથી અલગ જ અર્થમાં એરિસ્ટોટલ સ્વીકારે છે , એને ચોક્કસ અર્થ આપે છે . તે માત્ર હુબહુ નકલ કરવાના અર્થમાં અનુકરણને જોતો નથી , પણ કશુંક નવું કપજાવવાની કળા – Art of creating vision ના અર્થમાં લે છે . આ રીતે એરિસ્ટોટલ imitation ને recreation તરીકે , પુન ર્નિમાણ તરીકે ઓળખાવે છે , અને વિવેચનના ઈતિહાસમાં આ એક વિશિષ્ટ પ્રદાન છે .

    પ્લેટોનો વિચાર હતો , " કવિતા કુદરતનું અનુકરણ કરે છે . કલાઓ એ કુદરતની આરસીઓ છે . કવિતાનું થતું અનુકરણ કેવળ અનુકરણ નથી , પરંતુ સર્જનક્રિયા છે . ” એબરક્રોમ્બી આ વિશે જણાવે છે કે , " કવિતા જો પ્રકૃતિની માત્ર આરસી જ હોત તો તે ( પ્રકૃતિ ) આપણને એથી વિશેષ કશું આપી શકત નહિ , પરંતુ સત્ય હકીકત તો એ છે કે કવિતા આપણને જે કંઈ વિશેષ આપે છે તે પ્રકૃતિ નથી આપી શકતી . ”

     અનુકરણના સંદર્ભમાં પોતાના વિચારોને સાચા ઠેરવવા પ્લેટોએ ચિત્રકલાનો આશ્રય લીધો . પરંતુ એરિસ્ટોટલે કવિતા અનુકરણ છે એમ સ્વીકારી , એ અનુકરણ ચિત્રકલા જેવું નહિ , પણ સંગીત અને નૃત્ય જેવું અનુકરણ છે . ચિત્રકલામાં અનુકરણની વાત તરત પકડાય છે , પરંતુ સંગીતમાં શેની નકલ હોય છે ? નૃત્ય ભાવાવેશ અને કાર્યનું અનુકરણ છે તો પણ નિયમબદ્ધ લય કે હેતુપૂર્વકની ભંગીઓ , કુદરતી હાવભાવ અથવા હલનચલનની નકલ નથી એ વાત ચોક્કસ , એરિસ્ટોટલ અનુકરણને ત્રિવિધ વર્ગીકરણ દ્વારા સમજાવે છે : 

( 1 ) અનુકરણ શામાં રહેલું છે ? 

( 2 ) અનુકરણ શાનું કરવામાં આવે છે ? 

( 3 ) અનુકરણ શી રીતે કરવામાં આવે છે ? 

    અગાઉ જોયું તેમ અનુકરણ નકલમાં નથી પણ સંસ્કરણમાં રહેલું છે . કવિતામાં અનુકરણ નો વિજય પ્રકૃતિ અથવા પ્રવર્તમાન મનુષ્યો છે . મનુષ્ય એટલે કેવળ મનુષ્યો જ નહીં પણ એના સંદર્ભમાં બનાવો , લાગણીઓ , સંવેદનાઓ બધું જ . માનવીની પ્રકૃતિનું મૂલ્યાંકન થાય છે એની ભલાઈ કે બુરાઈના સંદર્ભમાં . માનવી જેવો છે તેવો જ કાવ્યમાં નિરૂપાતો નથી , પણ તેને બદલે વધારે ખરાબ કે વધારે સારો નિરૂપાય છે . આ નિરૂપણમાં કવિની રુચિ , ભાવના અને સંભાવનાનો સહયોગ હોય છે . આ અનુકરણ કેવળ નકલરૂપ નથી હોતું , એમાં કુદરતની નકલ જ નથી પણ કુદરત ની સંભાવનાઓનું કલ્પનાશીલ – ભાવનામય પુનર્વિધાન ( Recreation ) હોય છે .

    અનુકરણ કવિતા અને કુદરતને સાંકળે છે એવું પ્લેટોએ માની લીધું હતું . પરંતુ એરિસ્ટોટલ વિવેક વાપરીને જણાવે છે કે અનુકરણથી રચાઈ આવતો સંબંધ કવિતા અને બાહ્ય જગત સાથે નથી , પરંતુ એ સંબંધ કવિતામાં જ સમાઈ જાય છે . કવિ પોતાની કલ્પનાના બળે વાસ્તવ જગતમાંથી પ્રેરણા મેળવે છે , પછી કલ્પનામય પ્રેરણાનું ભાષામાં અનુકરણ કરે છે . કલા દ્વારા જ કલ્પનામાં પ્રેરણાને ધાટ અને આકાર મળે છે . વાસ્તવ જગતના જીવનને , જેવું છે તેવા કલ્પવું શકય છે . પરંતુ જીવન કેવું હોઈ શકે એની કલ્પના જ ખરેખર ઉત્તેજિત વસ્તુ છે , અને એમાં જ કલાનું સત્ય નિહિત છે . 

    એરિસ્ટોટલે એક સ્થળે લખ્યું છે , " જે વસ્તુનું પ્રત્યક્ષ દર્શન આપણને દુઃખ આપે છે , એના અનુકરણ રૂપે કૃતિ આનંદ આપે છે . ” વાસ્તવ જીવનમાં જુગુપ્સા કે ભય જન્માવનારી વસ્તુ કલાકૃતિમાં આવે છે ત્યારે તે જોઈને આપણને આનંદ થાય છે . એક વ્યકિત ખૂબ જ કદરૂપી છે . એના મોંમાથી લાળ પડે છે , માથાના વાળ સૂકા ને ગૂંચવાઈ ગયા છે , શરીરમાંથી લોહી - પરુના રેલા ચાલે છે . એના શરીરમાંથી દુર્ગધ છૂટે છે . એ વ્યકિતને જોતા આપણને જુગુપ્સા જન્મે છે , ત્યાંથી ખસી જવાનું મન થાય છે . પરંતુ એક ચિત્રકાર તેનું હુબહુ ચિત્ર પોતાની કલ્પનાથી દોરે છે અને એ ચિત્ર જોતા આપણને જુગુપ્સા થતી નથી , ત્યાંથી ખસી જવાનું મન થતું નથી , પરંતુ ત્યાં કથા રહી જોતાં આનંદ આવે છે . પેલી આપણી ધૃણા કયાં ગઈ ? પેલી વ્યકિતની કુરૂપતા ચિત્રમાં કેમ ન જણાઈ ? એનું કારણ એટલું જ છે કે , વાસ્તવનું કલામાં રૂપાંતર થાય છે ત્યારે તે સુંદર અને આનંદજનક બની રહે છે . કલાકાર વ્યવહારના તથ્યનું અનુકરણ કરે છે . છતાં વ્યવહારનું તથ્ય કલાના સત્ય કરતાં જુદું છે અને સાચો કલાકાર વ્યવહારના તથ્યને આમ કલાના સત્યમાં ફેરવી નાખવાનો પ્રયાસ કરતો હોય છે . આમ અહીં વ્યવહારનું , વાસ્તવનું અનુકરણ માત્ર નથી , પણ કશુંક નવું જન્મે છે . સંભાવ્યનું પુનર્વિધાન છે . " A Likely imposiblity is always preferable to an unconvincing possiblity . " કલા અસંભવિત શકયતાને બદલે સંભવિત અશકયતાઓને નિરૂપે છે અને આમ કરવામાં કુદરતનાં રૂપોનું કલાકાર માત્ર અનુકરણ નથી કરતો પરંતુ કુદરતનાં અધુરાં રૂપોને એ પૂર્ણ કરે છે . 

    આ રીતે એરિસ્ટોટલને મતે " અનુકરણ ” નો અર્થ પ્રકૃતિનું માત્ર યથાર્થ નિરૂપણ નહીં , પણ ભાવનાપ્રધાન , કલ્પનાજન્ય અનુકરણ . મૂળ કરતાં કશુંક વિશેષ એમાં છે . એમાં વિચાર ( Idea ) નું નિરૂપણ હોવા છતાં એમાં શાશ્વત અને સમષ્ટિ મતનું પ્રતિપાદન હોય છે . એરિસ્ટોટલની અનુકરણ " અંગે પાશ્ચાત્ય વિવેચકોના મતે આ પ્રમાણે છે . બૂચર કહે છે : " એરિસ્ટોટલના ' અનુકરણ ' શબ્દનો અર્થ છે સદેશ્ય વિધાન અથવા ભૂલનું પુનઃ ઉત્પાદન , માત્ર નિરૂપણ નહીં . કલા અથવા કવિતાને માનવજીવનના સર્વવ્યાપક તત્વની અભિવ્યકિત માનતો એરિસ્ટોટલ અનુકરણને રચનાત્મક પ્રક્રિયા ( Creative Action ) માને છે . એટકિન્સના મતે “ કદાચ પુનર્નિમાણનું બીજુ નામ અનુકરણ છે . ” તો સ્કોટ જેમ્સ કહે છે , – " Imitation , for the poetics , the objective representation of life in Literature - what in our language we might call the imaginative reconstruction of life . " 

    આમ , એરિસ્ટોટલે ' અનુકરણ'નો નવો અર્થ આપી કલાને સ્વતંત્ર અસ્તિત્વ બક્ષ્ય , કાવ્યમાં શિવમ્ કરતાં સૌંદર્યને વધારે મહત્વ આપ્યું . પ્લેટો દ્વારા લગાવેલ આક્ષેપોનો રદિયો આપી , કવિતાને તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્રના બંધનમાંથી મૂકત કરી સૌંદર્ય શાસ્ત્રની સ્થાપના કરી , એ કવિતાસાહિત્યના સિદ્ધાંતોમાં એરિસ્ટોટલનું વિશેષ પ્રદાન છે .