✓ એરિસ્ટોટલ નાં મતે " ટ્રેજેડીનો નાયક '' ( TRAGIC HERO ) :
એરિસ્ટોટલે ટ્રેજેડીનાં નાયક વિશે ની અલગ ચર્ચા કરી નથી . એણે તો વસ્તુ વિધાન મં જ કેવો માણસ વિપત્તિ માં આવી પડે ત્યારે કરૂણા અને ભયની લાગણીઓ જગાડે છે તે અંગેની વાત કરી છે . વસ્તુતઃ તેમાંથી જ આ TRAGIC HERO ની વિભાવના ઊભી કરવામાં આવી છે . એરિસ્ટોટલે મુખ્ય પાત્ર ની ટ્રેજેડી અંગેની વાત કરી છે . એમાં ટ્રેજેડીનાં યોગ્ય નાયક ની વાત પણ અંતગર્ત છે જ , પરંતુ જહોન જોન્સ કહે છે કે , ટ્રેજેક નાયક ની આ કલ્પના એરિસ્ટોટલની પોતાની નથી , પણ એનાં પર આરોપવામાં આવેલી છે . એરિસ્ટોટલની ટ્રેજેડીની વિચારણામાં " નાયક '' જેવો શબ્દ વપરાયેલો જોવા મળતો નથી . જહોન જોન્સ કહે છે તે પ્રમાણે તો , એમાં તો ' સારા માણસો ' , ' ખરાબ માણસો ' એવા બહુવચનસૂચક શબ્દો જ વપરાયેલા જોવા મળે છે . અને આ ચર્ચા ચરિત્ર વિધાનનાં ભાગરૂપે નહીં , પણ વસ્તુ વિધાનનાં ભાગરૂપે કરેલી છે . અને તેથી શ્રી , જયંત કોઠારી જણાવે છે કે , આ બધું આપણ ને જુદી રીતે વિચારવા પ્રેરે એવું છે અને એમ તો આપણ ને લાગ્યા વિના રહેતું નથી , કે એરિસ્ટોટલની વિચારણા ની દિશા નાયકલક્ષી નથી , અને ચરિત્રલક્ષી છે . એનાં કરતાં વધારે પરિસ્થિતિલક્ષી છે , તથા નાયક ની વિભાવના જેટલી શેકસ પિયર ની ટ્રેજેડીઓ ને બંધ બેસે છે . તેટલી ગ્રીક ટ્રેજેડી ને બંધ બેસતી નથી . આમ છતા એરિસ્ટોટલની એ વિચારણા માં ટ્રેજેડી નાં લાક્ષણિક ચરિત્ર વિધાનની વાત અનુસૂત છે જ . અને એ કેવળ પરિસ્થિતિ વિષે ની વિચારણા બની રહેતી નથી , એ ભૂલવા જેવું નથી . એ રીતે , ટ્રેજીક નાયક ની વિભાવના ઘડી કાઢવાની એમાં સગવડ તો છે જ .
ટ્રેજેડી નું મુખ્ય કાર્ય કરૂણ અને ભયની લાગણીઓ જગાડવાનું છે . નાયક એવો હોવો જોઈએ કૃતિ માં એનાં કાર્ય થી આપણા માં આ બંને ભાવો જાગે , પરંતું સર્વ પ્રકારનાં માનવીઓ આવા પ્રકાર ની લાગણી જગાડી શકતા નથી . એરિસ્ટોટલ કરૂણ , ભય અને આઘાત ની લાગણીઓ વચ્ચે નો ભેદ કહે છે . જો કોઈ એક સંપૂર્ણ સદાચારી ને માથે દુ : ખ આવી પડે તો તેથી કરૂણ કે ભય જન્મતા નથી , પણ એથી આપણને આધાત લાગે છે . તેમ દુષ્ટ માણસનું પતન થાય તો આપણું હૃદય થોડું કરૂણાર્દ બને , પણ તે કરૂણ નથી . એનો અર્થ એટલો જ કે ટ્રેજેડી નો નાયક ( મુખ્ય પાત્ર ) નિર્દોષ , નિતાન્ત , સજજન માણસ ન હોવો જોઈએ . કારણ કે એવી વ્યકિત પર આવી પડતી વિપત્તિ આપણી ન્યાયભાવના ને આઘાત પહોંચાડે છે . એનાં પ્રત્યે થોડોક સમભાવ જાગે પણ કરૂણ કે ભયની લાગણીઓ જગાડી શકતા નથી . અને એરિસ્ટોટલ આ બે છેડા ની વચમાનું પાત્ર ટ્રેજેડી નાં મુખ્ય પાત્ર તરીકે હોવું જોઈએ એમ જણાવે છે . અર્થાતુ એ વ્યકિત સારી છે , પણ અસાધારણ સારી નહિ અને તે પોતાની ભૂલો થી આપમેળે જ આપત્તિઓ ને નોતરે છે . મુખ્ય પ્રશ્ન એ છે કે ખલનાયક મોટો અપરાધી , દ્રઢ , બુદ્ધિસંપન્ન , ચતુર અને અન્ય વ્યકિતઓ કરતા પ્રભાવશાળી હોય . એનું પતન થાય ત્યારે કેવા પ્રકાર ની લાગણી થાય ? એરિસ્ટોટલ તો કહે છે , : આપણી ન્યાયભાવના સંતોષાય , એમાંથી કરૂણા કે ભય ન જન્મે . મેકબેથ , રાવણ કે દુર્યોધન ખલ પાત્ર છે . એમનું પતન આપણા હૃદય ને કરૂણા નથી બતાવતું ? કદાચ નિર્દોષ વ્યકિત નાં પતન ને કારણે જન્મતી કરૂણા કરતા આ કરૂણા જુદી છે . એરિસ્ટોટલ આ વાત ચૂકી ગયો છે . એની વિચારસરણી ની મર્યાદા છે એમ કહેવાયું છે . પરંતુ શ્રી જયંત કોઠારી એ વિશે જણાવે છે તે પણ વિચારવા જેવું છે . તેમનું કહેવું છે કે : " એરિસ્ટોટલની દ્રષ્ટિ એ આવા માણસો ખરેખર " ખરાબ " ન કહેવાય . પ્રબળ ઇચ્છાશકિત ધરાવનાર માણસ ખૂબ " સારો " માણસ . આપણને પ્રભાવિત કરે એવું કંઇ પણ એનામાં હોય તો એટલે અંશે એ " સારો " માણસ બની જાય . એટલે જ તો એરિસ્ટોટલ અહીં માત્ર " ખરાબ માણસ " કહેવાને બદલે " સંપૂર્ણપણે ખરાબ માણસ " એમ કહે છે . સંપૂર્ણ ખરાબ એટલે તુચ્છ , સામાન્ય નગણ્ય . આવા માણસ નાં ભાગ્ય જોડે આપણું ભાગ્ય જોડી શકીએ નહિં એટલે ભયનો ભાવ ન થાય , અને એ માણસ જે અવદશા ને પામે છે અને એ પાત્ર હોય છે તેથી આપણને કરૂણા પણ ન થાય . આમ , સંપૂર્ણપણે ખરાબ માણસનું પતન પણ એરિસ્ટોટલની દ્રષ્ટિ એ ટ્રેજીક નથી . '' EXTREMELY BAD MAN એવા શબ્દો એરિસ્ટોટલની વિચારણા માં જોવા મળે છે . અને " સંપૂર્ણપણે ખરાબ માણસ " એવો અર્થ એરિસ્ટોટલને અભિપ્રેત છે . " સંપૂર્ણ ખરાબ માણસ " એટલે " તુચ્છ ખરાબ માણસ " એટલે " તુચ્છ , સામાન્ય , નગણ્ય અને એવી વ્યકિત પર આવી પડતી વિપત્તિ , કરૂણા કે ભય ની લાગણી ન જગાવી શકે . એરિસ્ટોટલની ટ્રેજેડી નાં આદર્શ નાયક વિશે ની કલ્પના " કઇક આવી છે . : " એવી વ્યકિત કે જે નિતાન્ત સદાચારી ને ન્યાયપરાયણ નહિં , પરંતુ જે પોતાનાં દુર્ગુણ કે પાપ ને નહિ , પણ પોતાની કોઈ કમજોરી કે ભૂલ ને કારણે આપત્તિ નો શિકાર બની જાય . એ ઊંચા કુળ નો , પ્રખ્યાત અને સમૃદ્ધિશાળી હોય " . ( બુચરનો અનુવાદ ) . આમાં કોઈક ભૂલ ને કારણે જ એ આપત્તિ નો ભોગ બને પરંતુ એ આપત્તિ ને યોગ્ય છે એવું આપણને ન પણ લાગે . આવી વ્યકિત પર આવી પડતી વિપત્તિ કરૂણા નો ભાવ જગાવે છે . એ વ્યકિત આપણા જેવી જ લાગે , એનાં માં આપણા જેવી જ માનવ સહજ મર્યાદા પણ દેખાય , આપણે પણ એના જેવી જ ભૂલ નો ભોગ બની શકીએ એમ આપણને લાગે - કરૂણા – ભય ની લાગણી જગાવવા આવી પરિસ્થિતિ ને એરિસ્ટોટલ ઉત્તમ ગણે છે . એરિસ્ટોટલનાં મતાનુસાર આદર્શ નાયક માં નીચે જણાવેલી વિશેષતાઓ હોવી અનિવાર્ય છે .
( 1 ) એ આપણા જેવો જ હોવો જોઈએ . અર્થાત્ એ માનવસહજ લાગણીઓથી યુકત હોવો જોઈએ , કે જેથી પ્રેક્ષક એની સાથે તાદમ્ય સાધી શકે . એ સામાન્ય માણસના જેવા જ ગુણો ધરાવતો હોય . પણ સામાન્ય માણસ કરતા એ ગુણો કંઇક વિશેષ પ્રમાણ માં હોય .
( 2 ) એ અત્યંત સમૃદ્ધિશાળી , કીર્તિવંત અને ઊંચા કૂળ નો હોવો જોઈએ કે જેથી એનો વ્યાપક પ્રભાવ પડી શકે .
( 3 ) એનાં માં સારા- નરસા બંનને ગુણો હોય . તે સદાચારી હોવા છતા સંપૂર્ણપણે નિર્દોષ ન હોવો જોઈએ . એનાં માં કોઈ પાપવૃત્તિ કે દુષ્ટતા ન હોય , છતાં એનામાં ભૂલ થઈ શકવાની કોઈ કમજોરી જરૂર હોય .
" He is involved in misfortune , not however , as the result of deliberate vice but through some great flaw of character of fetal error in conduct " .
જો કે એરિસ્ટોટલે " નાયક " સંબંધી કરેલી વિચારણા સંપૂર્ણ નથી . ખલનાયક ને તે ટ્રેજેડી નો નાયક ગણતો નથી , જો કે આવા નાયક માં ટ્રેજેડી નો નાયક બનવાની પૂરેપૂરી સંભવિતતા છે . સર્વ વિપત્તિઓ ને પાત્ર એવો મેકબેથ ટ્રેજિક છે . " ઓથેલો " નાટક ની નાયિકા ડેસ્કેમોનાં , જે નિર્દોષતા ની મૂર્તી છે , કોઈપણ દુ : ખ ને તે લાયક નથી , છતાં એનું કરૂણ મૃત્યુ થાય તે પણ ટ્રેજીક છે. પરંતુ એરિસ્ટોટલે એ અંગે કોઈ વિચાર કર્યો નથી .
0 ટિપ્પણીઓ