ગુજરાતી શબ્દભંડોળ તત્સમ, તદભવ, દેશ્ય, પરપ્રાંતિય અને પરદેશી વિશે વિગતે ચર્ચા કરો.
ભૂમિકા- આપણે જ્યારે ભાષા ભંડોળની વાત કરીએ છીએ ત્યારે એનાં મૂળ-કૂળને પણ જાણી લેવું જરુરી બને છે. વૈદિક સંસ્કૃતથી લઇને આજની ગુજરાતી ભાષાનાં દરેક તબક્કાનાં દરેક સ્તરનાં વિદેશી અને દેશી એવા તમા શબ્દો આજની આપણી ગુજરાતી ભાષામાં શબ્દોમાં મળે છે. કોઇપણ શબ્દભંડોળને માટે ભાષા મહત્વનું પરિબળ બને છે. એ પરિબળમાં ઇતિહાસ અને રાજકિય સત્તા મહત્વનું કારણ બને છે. ભાષા અને બોલી સાથે શબ્દભંડોળ પણ કાંઇ રાતોરાત બદલી જતાં નથી. ક્યારેક ધીમે તો ક્યારેક ઉતાવળે આ પ્રક્રિયા બને છે. જેમ કે આજે મોબાઇલ એક યંત્ર-શબ્દ સાથે બીજા દશ અંગ્રેજી શબ્દો આપણે સાવ સહજતાથી બોલીએ અને સ્વીકારીએ છીએ. દા.ત. રિચાર્જ, મેમરીકાર્ડ, સીમકાર્ડ, ડેટા, સ્ક્રિન, બેલેન્સ, અપડેટ, ચાર્જર, પાવર, વોટ્સએપ, નેટ વગેરે વગેરે. ભાષાનો પ્રભાવ અને પ્રદાન આ રીતે સબંધ ધરાવે છે. આપણે અહીંયા ગુજરાતી ભાષાનાં શબ્દભંડોળ વિશે વિગતે જોઇએ.
તત્સમ શબ્દો – આપણી ગુજરાતી ભાષા મૂળ-કૂળ બાબતે વૈદિક સંસ્કૃત અને સંસ્કૃતમાંથી ઉતરી આવેલ હોવાથી આપણી ભાષામાં એનાં શબ્દો આજે પણ જોવા મળે છે. જે સંસ્કૃત જેવા છે અથવા સંસ્કૃત સમાન શબ્દો છે તેને આપણે તત્સમ કહીએ છીએ. અર્થાત- તત્સમ એટલે કે સંસ્કૃત જેવા શબ્દો. જેમાં – કર્ણ / વર્ણ / હસ્ત / દંત / કર્મ / નયન વગેરે જેવા શબ્દો બેઠે બેઠા જ આપણે સ્વીકારી લીધેલાં છે. એ આજેય આપણી ગુજરાતી ભાષામાં વપરાયા-ઉપયોગમાં લેવાતા જોવા મળે છે. આપણે કહી શકીએ કે - ગુજરાતી શબ્દભંડોળમાં આ સંસ્કૃત સમાન એવા તત્સમ શબ્દોનો પણ થોડોક ફાળો-પ્રદાન જોવા મળે છે.
તદભવ શબ્દો – આપણી ગુજરાતી ભાષામાં જેમ સંસ્કૃત જેવા એટલે કે તત્સમ શબ્દો જોવા મળે છે. તેમ એ વૈદિક-સંસ્કૃતમાંથી જન્મેલા એવા તદભવ શબ્દો પણ જોવા મળે છે. તદભવ એટલે કે તેમાંથી ઉદભવેલા શબ્દો. અર્થાત વૈદિક સંસ્કૃત-સંસ્કૃતમાંથી જન્મેલા શબ્દો. આપણે એને તદભવ શબ્દ કહીએ છીએ. એનો પણ આજની ગુજરાતી શબ્દભંડોળમાં મહત્વનો ફાળો છે. દા.ત. કામ, કાજ, દાંત, નેણ, પાંખ, કાન, હાથ વગેરે. આ શબ્દો એમાંથી જન્મેલા છે એમ આપણે કહી શકીએ.
દેશ્ય શબ્દો - (દેશી શબ્દો) - ગુજરાતી ભાષાનાં શબ્દભંડોળમાં અનેક શબ્દો દેશી કે ગ્રામ્ય શબ્દો પણ મળે છે. આ શબ્દોનું મૂળ સંસ્કૃત-પ્રાકૃત કે અપભ્રંશ કે અરબી-ફારસી-ઉર્દૂમાં મળતું નથી. પણ આપણાં તળપ્રદેશનાં સમાજનું બોલીભંડોળમાંથી એ આવેલું જણાય છે. હેમચંદ્રાચાર્યે દેશીનામમાલા (અગિયારમી સદી)માં જે પુસ્તક લખ્યું છે. એમાં અનેક દેશી શબ્દો આપણને મળે છે. જે પ્રાકૃત અને અપભ્રંશમાંથી પણ ઉતરી આવેલાં જણાયા છે. જેમ કે – આયાલિ શબ્દ ઉપરથી હેલી, છઇલ્લ શબ્દ ઉપરથી છેલ, ઘઘર શબ્દ ઉપરથી ઘાઘરો, ઝંડુઅ શબ્દ ઉપરથી ઝાડ. આ દરેક શબ્દો આ રીતે દેશી (દેશ્ય) બનતા જોઇ શકાય છે. એ જ રીતે જોઇએ તો ડુંગર, બકરો, બકરી, ઢોર, ઓઢવું, ઓઢણું, ઓઢણી, ખડકી, પેટ, પકડવું, વોંકળો વગેરે શબ્દો દેશી શબ્દો છે. જે આજેય આપણી રોજબરોજની વાતચીતમાં જોવા મળે છે. આપણે આ શબ્દોનો શબ્દભંડોળ તરીકે ઉપયોગ કરીએ છીએ. કોઇપણ ભાષા કોઇ એક ભાષાથી પોતાનું નાનકડું જ શબ્દભંડોળ બનાવી શકે. સમય સ્થિતિ અને સંજોગો મુજબ અન્ય ભાષાનાં શબ્દોને સ્વીકારવા પડે છે. એ રીતે ભાષાને સમૃધ્ધ બનાવવી પડે છે. જે ભાષાનાં સત્વ અને સૌંદર્યને વધારે છે. એ રીતે ભાષાસમૃધ્ધિ એ ખરેખર તો શબ્દભંડોળની સમૃધ્ધિથી જ વિકસે-વિસ્તરે છે. દેશ્યશબ્દોનું પણ મહત્વ સમજવું રહ્યું.
વિદેશી શબ્દો - આપણા દેશ ઉપર અનેક વિદેશીઓ શાસન કરી ગયા છે. એ વિદેશીઓ કે પરદેશીઓનાં શાસનનાં કારણે આપણે એમનાં ભાષામાંથી ઘણાં શબ્દોને સ્વીકાર્યા છે. તેમાં અરબી-ફારસી શબ્દો, તુર્કી શબ્દો, પોર્ટુગિઝ શબ્દો, અંગ્રેજી શબ્દો સાથોસાથ અનેક વ્યાવસાયિક શબ્દો અને વહીવટી શબ્દોને પણ સ્વીકાર્યા છે. અહીંયા આપણે એની ચર્ચા કરીશું. આને આપણે ઉછીના લીધેલાં શબ્દભંડોળ તરીકે સ્વીકારીશું. અરબી-ફારસી શબ્દો - ભારત ઉપર બહુ લાંબો સમય મુગલ યા મોગલ અથવા મુસ્લિમ સત્તાઓ શાસન કરી ગઇ છે. આ લાંબા શાસનને કારણે આપણે એની ભાષા અને શબ્દોને પણ સ્વીકાર્યા છે. રાજવહીવટથી માંડીને શસ્ત્રો બાંધકામથી માંડીને વેપાર- ઉદ્યોગ રાચરચીલાની સામગ્રીથી માંડીને તોલમાપ અને શરીરનાં અંગો અને શણગાર વિશેનાં શબ્દો પણ સ્વીકાર્યા છે. (રાજવહીવટનાં શબ્દોમાં - જિલ્લો, તાલુકો, ઇલાકો, મુકદમો, અદાલત, કાનૂન, ઇન્સાફ, પરવાનો વગેરે જેવા તો અનેક શબ્દો આપણે સ્વીકાર્યા છે. એ જ રીતે જોઇએ તો હોદ્દાઓ સાથે જોડાયેલાં અને અધિકારીનાં પદો વિશેનાં શબ્દો જોઇએ તો – વજીર, કાજી, બક્ષી, સૂબો, દીવાન, કારકુન, શિરસ્તેદાર, બાદશાહ વગેરે શબ્દો. એ જ રીતે શસ્ત્ર યા હથિયાર વિષયક શબ્દો જોઇએ તો – શમશેર, મ્યાન, તીર, ગલોલ, ખંજર, તમંચો, ચાકુ વગેરે.. બાંધકામને લગતાં શબ્દો જોઇએ તો – મિનારો, બુરજ, હોજ, ફુવારો, કિલ્લો, મહેલ, દિવાલ, દરવાજો વગેરે જેવા શબ્દો. વેપારને લગતાં શબ્દો વિશે વિચારીએ તો – ગુમાસ્તો, દસ્તાવેજ, દસ્તક, સોદો વગેરે. ખાણી-પાણી વિષયક શબ્દોમાં જલેબી, પ્યાલો, હલવો, જલસો, શરબત, શરાબ, અત્તર, રકાબી વગેરે જેવા શબ્દો. રોજિંદા વપરાશમાં વપરાતા શબ્દો જોઇએ તો - ખબર, નજર, દુનિયા, અસર, અસલ, હવા, યાદ, જલ્દી, મહેમાન, તંદુરસ્તી, તાજગી, તવંગર, ખુદા, ખરું.. આવા તો અનેક શબ્દો આપણે અરબી-ફારસીમાંથી ઉછીનાં લીધા છે. જેને આપણી ગુજરાતી ભાષાનાં શબ્દભંડોળને વધારે સમૃધ્ધ બનાવ્યું છે. ગુજરાતી ગઝલમાંથી જો આ શબ્દોને કાઢી નાખીએ તો ગુજરાતી ગઝલ સાવ ઝાંખી અને રસહીન બની જાય. આ ભાષાની મીઠપ અને માધુર્ય ગઝલને વધારે ગરિમા આપે છે. વિદેશી શબ્દભંડોળમાંથી ગુજરાતી અરબી-ફારસીનાં અનેક શબ્દો સ્વીકારીને ગુજરાતી ભાષાને સમૃધ્ધિ અને સૌંદર્ય બક્ષ્યું છે.
તુર્કી શબ્દો - ગુજરાત ઉપર તુર્કી પ્રજાએ શાસન કર્યું હોવાથી એમની ભાષાનાં શબ્દો પણ આપણી ગુજરાતી ભાષાને મળ્યાં છે. શાસન સાથે વેપાર-વાણિજ્યનાં સંબંધને કારણે પણ વિદેશી શબ્દો આપણી ભાષામાં આવી જતાં જોઇ શકાય છે. તુર્કી શબ્દો વિશે જોઇએ તો - કલગી, કાબૂ, કૂમક, ચકમક, ચમચો, જાજમ, તોપ, બચકો, દારોગા, તોપચી, બેગમ, બેગ, મુગલ, યાળ વગેરે જેવા શબ્દો આપણે સ્વીકાર્યા છે.
પોર્ટુગિઝ શબ્દો – ઇ.સ.ની સોળમી સદી આસપાસ ભારતનાં બંદરે વિદેશીઓ આવ્યાં. શરુઆતમાં વેપાર સાથે અને બાદમાં ભારતીય લોકોની મર્યાદાઓ જોઇ-જાણીને તેઓએ અહીં શાસન ચલાવ્યું. તેનાં અનેક શબ્દો આપણે સ્વીકાર્યા છે. તેમાં કપ્તાન, તમાકુ, કોફી, આફૂસ, પાયરી, બાલદી, પીપ, પલટન, પાટલૂન, ચાવી, મેજ, પિસ્તોલ, પાદરી, ફલાણું, ફાલતું, લિલામ, મોસંબી, બટાટા વગેરે જેવા શબ્દો આપણને આ વિદેશી પોર્ટુગિઝ શબ્દોમાંથી મળેલાં છે. ગુજરાતી ભાષાનાં શબ્દોને આ રીતે સમૃધ્ધિ મળી છે.
અંગ્રેજી શબ્દો – અંગ્રેજી શાસન અને એમની સાથેનાં વેપાર-વાણિજય સંબંધને કારણે આપણી ગુજરાતી ભાષામાં અનેક એનાં શબ્દો મળ્યાં છે. આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં ઉદભવનાં પ્રેરક પરિબળ તરીકે અંગ્રેજી શાસન, શિક્ષણ, સત્તા, સાહિત્ય, સોચ વગેરેને સ્પષ્ટપણે જોઇ શકાય છે. દા.ત. – સ્ટેશન, રસીદ, ટિકિટ, પાસ, પાકીટ, પરમિટ, સ્કૂલ, બેંક, બુટ, પેન્સિલ, ટેકનિક, કોમેડી, ટ્રેજિક, ઓફિસ, હોટલ, બંગડી, એરિંગ, અપીલ, કોર્ટ, ટેબલ, લાયબ્રેરી, સ્કૂટર આ અને આવા તો અનેક અંગ્રેજી શબ્દો આપણી ગુજરાતી શબ્દભંડોળની સમૃધ્ધિ વધારનાર છે. આપણે આજે અન્ય ભાષા અને શબ્દોને કોઇપણ રીતે અવગણી શકીએ નહીં. હવે આપણે આપણી સ્વદેશી પણ અન્ય પ્રાંતિય ભાષાઓનાં શબ્દો જોઇએ.
હિન્દી શબ્દો - હિન્દી પણ છેલ્લાં એકાદ હજાર વર્ષથી જ અસ્તિત્વમાં આવેલી છે. હિન્દી રાષ્ટ્રભાષાનું માન સ્થાન ધરાવતી હોવાથી મોટાભાગનાં ભારતમાં કોઇને કોઇ રુપે હિન્દી બોલાય છે. ભારતીય બંધારણે ત્રિ-ભાષા ફોર્મ્યુલા સ્વીકારેલ છે. દરેક રાજ્ય પોતાની માતૃભાષા સાથે રાષ્ટ્રભાષા હિન્દી અને અંગ્રેજીને પણ સ્વીકારે છે. એનો પ્રભાવ ગુજરાતી ભાષામાં પણ પડેલો છે. ગુજરાતી શબ્દભંડોળમાં હિન્દીનાં અનેક શબ્દો પણ મળે છે. જુઓ – બિરાજવું, શહીદ, આસાની, શાયર, જિંદગી, બડભાગી, બાદલ, બહાર, જોબન, ગહેરાઇ, બાઘડો, બાલ, બોજો, હમદર્દી, તમન્ના, આરજૂ, પનિહારી, ગાયકી, મંજિલ આ અને આવા તો અનેક શબ્દો આપણા ગુજરાતી શબ્દોની સાથે સાવ સહજતાથી જ ભળી-મળી ગયેલા જોઇ શકાય છે. આપણી કહેવતો અને રુઢિપ્રયોગોમાં પણ હિન્દી શબ્દો કે જૂમખાઓ મળે છે. જૈસી કરની વૈસી ભરની, રફતાર બઢ ગઇ, મન ચંગા તો કાથરોટ મેં ગંગા આ હિન્દી શબ્દો પણ ગુજરાતી ભાષાને અને શબ્દભંડોળને સમૃધ્ધ બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. એમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. એમ કહી શકાય.
બંગાળી શબ્દો - બંગાળ ભારતનું અગ્રગણ્ય રાજ્ય રહ્યું છે. કલા અને રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રણી છે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એ બંન્ને બંગાળમાંથી મળ્યાં છે. ભારતે સૌપ્રથમ 'નોબેલ' પારિતોષિક લાવી સન્માનિય બનાવનાર પણ રવિન્દ્રનાથ ટાગોર બંગાળનાં છે. એમનાં સાહિત્યનો સમગ્ર ભારતીય પ્રાંતિય ભાષાઓ ઉપર સારો એવો પ્રભાવ રહ્યો છે. બિપિન, રજની, અલકકિશોરી, શ્રીયુત, શ્રીમાન, બાબુ, શિલ્પ, બાની, મહાશય, રુપસી આ અને આવા અનેક શબ્દો મૂળે બંગાળીમાંથી આપણને મળ્યાં છે. આ રીતે પણ ગુજરાતી શબ્દભંડોળની સત્વશીલતા અને સમૃધ્ધિમાં બંગાળી શબ્દોનું પણ મહત્વનું પ્રદાન રહ્યું છે. કલાવિશેષ બંગાળનો પ્રભાવ અન્યની જેમ આપણે ત્યાં પણ રહ્યો છે.
મરાઠી શબ્દો - આજે જે ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વ છે. એ પૂર્વે ગુજરાત બૃહદ મહારાષ્ટ્રનો એક હિસ્સો હતો. આપણી કાયદા-કલમની વ્યવસ્થા સંદર્ભે આઇ.પી.સી.મુંબઇ એવું આજેય લખાય છે. મહારાષ્ટ્ર પશ્ચિમી ભારતનું સૌથી મોટું બંદર રહ્યું છે. પ્રગતિશીલ અને વેપાર-ઉદ્યોગ સાથે અનેક રીતે મહત્વનું કેન્દ્ર. વળી ગુજરાત ઉપર અનેકવાર મરાઠા રાજાઓએ હુમલાઓ કર્યા છે. સૂરતની કોઠી ત્રણ વાર મરાઠાઓએ લૂંટી હતી. વડોદરા દક્ષિણ ગુજરાતનું મહત્વનું કેન્દ્ર કે જેને મુંબઇ અને મરાઠી સત્તા સાથે રાજદ્વારી સંબંધ પણ હતો. ગુજરાતમાં મરાઠાઓનું ગાયકવાડી શાસન પણ રહ્યું. એનાં સંપર્કમાં આવતાં અને વેપાર-વાણિજ્ય તેમ જ રાજદ્વારી સંબંધને કારણે ગુજરાતી ભાષા-શબ્દોમાં મરાઠી શબ્દો ભારોભાર આવી ગયાં છે. દા.ત. કાદંબરી (નવલકથા), નિમણૂંક, હલકટ, દેસાઇ, લબાડ, ભળતું, તાબડતોબ, પંતુજી, જંજાળ, અટકળ, નિદાન, વાટાઘાટ, ચળવળ, ભળતું, - આ અને આવા તો અનેક મરાઠી શબ્દો આપણી ગુજરાતીમાં ભળી ગયેલાં છે. જે આજે આપણને પારકા કે અન્ય ભાષાનાં શબ્દો લાગતા જ નથી. એમનું આ પ્રદાન પણ આપણે સ્વીકારવું જોઇએ. આમ મરાઠી શબ્દો પણ ગુજરાતી શબ્દોની સમૃધ્ધિને વધારનાર છે. કન્નડ ભાષાનાં શબ્દો -કર્ણાટકની કન્નડ સાથે આપણે રાજદ્વારી સંબંધ રહ્યો છે. રાજા કરણ સોલંકીની પત્નિ મીનળદેવી કર્ણાટકની રાજકુમારી હતી. તેથી એનાં શબ્દો પણ ગુજરાતીને મળ્યાં છે. જેમ કે – વટક, લેણ, મૂર, નાર, એલચી, કાલરવું, કંડારવું, ઓડ, હાઉ(સર્પ) વગેરે વગેરે.
સમાપન- આજની આપણી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ જે રીતે સમૃધ્ધ જોવા મળે છે. તેમાં સંસ્કૃતથી માંડીને તત્સમ, તદભવ, દેશ્યશબ્દો, વિદેશી, વિધર્મી, પરપ્રાંતિય આમ અનેક દેશી-વિદેશી ભાષાનાં શબ્દોનો પણ તથાયોગ્ય ફાળો છે. ભાષા એ આદાન-પ્રદાન કરતી જ રહે છે. તેથી શબ્દોનું પણ આદાન-પ્રદાન થતું જ રહેતું હોય છે.આપણે કહી શકીએ કે, આ રીતે આપણી ગુજરાતી ભાષાની શબ્દસમૃધ્ધિ આપણને મળી છે.
0 ટિપ્પણીઓ