“ કહેણી કરણીની જે સામગ્રી પરંપરાગત પેઢીદર પેઢી ઉતારી આવતી હોય તે લોકવિદ્યા " – અર્ચર ટેલર
“ તે શાબ્દિક કળા છે. જેમાં લોકકથા, દંતકથા, પુરાતકથા, કથાગીત,લોક મહાકાવ્ય,કહેવત,સમસ્યા વગેરેનો સામાવેશ થાય છે. " – વિલિયમ બસ્ડોમ
“ લોકસાહિત્ય , લોકસંગીત , લોકનાટ્ય , લોકનૃત્ય , લોકસ્થાપત્ય કે ગૃહ નિર્માણ , લોક રંજક કળાઓ અને કસબો વગેરે જે લોક જીવન સાથે પરંપરાગત રીતે સંકળાયેલું છે તેને લોકવિદ્યા કહેવામાં આવે છે." – હસુ યાજ્ઞિક
લોકવિદ્યાની વ્યાખ્યાઓ :
“ લોકસાહિત્ય એ લોક વઙ્મયનો એક એવો વર્ગ છે, જેના છેડા બધા વિષયો સાથે ગાઢ રીતે જોડાયેલા છે." – નરોત્તમ પલાણ
“ લોકસાહિત્ય એટલે લોકો દ્વારા , લોકો માટે , લોક બોલીઓમા અને પરાપૂર્વથી ઉતરી આવેલું તેમજ લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ જીલતું લોકોનું કંઠસ્થ સાહિત્ય." - સર્વ સ્વીકૃત
“ પરંપરાગત કંઠસ્થ લોક સમૂહ , લોક ચેતનને પ્રગટાવવા , ગાયેલા કે કથેલ લોક બોલીમાં મઢેલી સરળ, સ્પષ્ટ, સીધું અને ઓછા અલંકારનું લોકમાં પ્રસરેલ સાહિત્ય તે જ લોકસાહિત્ય " - પુષ્કર ચંદરવાકર
“ લોકસાહિત્ય એટલે અસંસ્કૃતિ લોકોનું જ્ઞાન , સંસ્કૃતિથી દૂર રહેવાવાળી જાતિ સમૂહોનું જ્ઞાન." - બાર્કર
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લોકસાહિત્ય વિશે કહે છે કે સંગ્રહાલયમાં જ મૂકવા જેવુ આપણું લોકસાહિત્ય રાંક કે નિર્જિવ નથી . આજની યાંત્રિક જીવન ગતિ – અગતિમાં પણ તેનો પ્રભાવ પડે . આપણાં હદયને ઉછાળે કે આર્દ્ર કરે વાસ્તવનો પણ પરિચય કરવે એવી એની શક્તિ છે . ઈતિહાસકાર કે સમાજશાસ્ત્રીને જ ખપ લાગે એવું આ જીવનની ભાગોળે દટાયેલું ધન નથી . નક્કી એ મંદિર-મહેલના પાત્રો , આમોદ , આનંદ અને ભાવ સમાધિના પ્રેમ ભક્તિ અને શોર્યના તે પોષક વૃદાવન ને મેવાડ છે. રંગ, રણ, સુખ-ઉત્સાહ , કલેશ-દ્રોહ , યાતના-દરિદ્રતા એ સંસારપટ છે.
કચ્છના લોકસાહિત્યજ્ઞ શ્રી દુલેરાય કરાણી લોક સાહિત્યની પ્રાકૃતિકતાને સહજીકતા દર્શાવતા જણાવે છે કે લોકસાહિત્ય અનાયાસે રચાઇ જતું હોય છે. વાંસના અંકુર ધરતીના પડને ફાડીને ફૂટી નીકળે તે જ રીતે આ લોકસાહિત્ય કશા પ્રયત્ન વિના સાહજિક રીતે પોતાના મેળે બળ કરીને અંતરની ધરતીમાથી આપોઆપ ફૂટી નીકળે છે. આ લોક કવિની કવિતા કદી નષ્ટ થતી નથી , ક્યારેક જનતાની ઉદાસીનતાથી એ લુપ્ત થતી દેખાય છે પરતું લોક હદયના કોઈ ને કોઈ ખૂણામાં તેના અવશેષ જળવાય રહે છે અને તે ફરીફરીને સજીવન બને છે.
લોક સાહિત્યની અકૃત્રિમતાને બિરદાવતા શ્રી ઝવેરચંદ મેઘાણી દર્શાવે છે : “ લોકસાહિત્ય ને હું ગ્રામકન્યા સાથે સરખાવું છું એને પોતાનું જંગલી સોંદર્ય છે . સંઘરેલું સંસ્કારી સોંદર્ય વધુ સારું એ સરખામણી સાથે આપણને નિસબત નથી પણ ગ્રામકન્યા જેવા છે તેવા રૂપમાં એક આખી લોક સૃષ્ટિનું રૂપ આવિષ્કારે છે. એને જેવી છે તેવીજ જોવી પડશે . એના દર્શનમાં આપણી તર્ક પ્રધાન વિવેચક બુદ્ધિ કામ આવતી નથી."
આવુ જ લોકસાહિત્ય સેંકડો વર્ષો સુધી લોકોમાં કાંઠોપકંઠ જળવાઈ રહ્યું છે . અને મૌખિક પરંપરા દ્વારા ચોતરફ ફેલયેલું છે . તે હમેશા બોલતી જીવંત બોલીમાં હોય છે. લોકગીત ગાનાર કે લોકવાર્તા કહેનાર તે પોતાની બોલીમાં રજૂ કરે છે . સમાન્યજનો ગ્રામવાસી , કૃષકો , શ્રમિકો , પશુપાલકો આદિ સમાન્ય જનોની મનોદશા અને અવસ્થાઓ એમાં આગવું ભેરુ પણ હોય છે. આવું સાહિત્ય લોકોને આરામ આપે છે. તેથી લોક જીવનમાં તેનું મહત્વ છે.
લોકોનું જીવન લોક સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. તેમજ માનવ મનના વિવિધ ભાવો અભિવ્યક્તિ પામે છે. જીવનના સુખ-દુ:ખ તેમાં રજૂ થાય છે. તેથી લોક સાહિત્યને લોક હૈયા તથા મનમાં જાળવી રાખે છે. ખાસ કરી નિરર્થક ગામડાઓમાં હોય છે.
લોક સાહિત્યની સંખ્યા પર પણ વૈવિધ્ય સભર અને સમૃદ્ધ છે . તેમજ ગદ્યમાં-પદ્યમાં વિવિધ સ્વરૂપોમાં રચાયેલું લોકસાહિત્ય પ્રાપ્ત થાય છે. ગદ્યમાં એક કે બે પંક્તિઓની કહેવતમાં કલાકો સુધી ચાલ્યા કરે તેવી લોક કથાઓ સાહિત્ય સ્વરૂપે જોવા મળે છે.
0 ટિપ્પણીઓ